સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦ર૬’

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તા. ર૧, રર અને ર૩ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિ–દિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦ર૬’નું આયોજન કરાયું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું ૧૩મું અને એકજ વર્ષમાં બીજી વખત આયોજિત થનારું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી આ પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકિઝબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે.
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આ એકિઝબિશનમાં એકિઝબિટર્સ દ્વારા વર્લ્ડ–ક્લાસ ટેક્ષ્ટાઇલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે, જેમાંથી કેટલીક મશીનરીઓ તો વિશ્વમાં અને ભારતમાં પ્રથમ વખત સુરતમાં આ એક્ષ્પોમાં લોન્ચ કરાશે અને પ્રદર્શન માટે મુકવામાં આવશે. આ બાબત સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગમાં આગવી ઓળખને વધુ મજબૂત બનાવશે અને દેશ–વિદેશના ખરીદદારો, ઉત્પાદકો તથા ટેકનોલોજી નિષ્ણાતો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. સુરતમાં સીટેક્ષ પ્રદર્શનમાં પોઝિશન પ્રિન્ટીંગ મશીન, પોઝિશન એમ્બ્રોઇડરી મશીન, હાઇ સ્પીડ રેપિયર લુમ, હાઇ સ્પીડ એરજેટ લુમ, હાઇ સ્પીડ વોટરજેટ લુમનું પ્રદર્શન કરવામાં આવશે. સાથે જ વેલ્વેટ એરજેટ મશીનરીનું પ્રદર્શન કરાશે. એક્ષ્પોમાં એરજેટ, વોટરજેટ અને રેપિયરના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકિઝબિશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરાશે.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ ર૦ર૬નો ઉદ્ઘાટન સમારોહ શનિવાર, તા. ર૧ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉષાકાંત મારફતિયા હોલ, એસ.આઇ.ઇ.સી.સી., ચેમ્બર ઓફ કોમર્સ રોડ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં ઉદ્ઘાટક તરીકે ભારતના માનનીય કેન્દ્રિય જળ શકિત મંત્રી અને સુરત એરપોર્ટ કમિટીના ચેરમેન શ્રી સી.આર. પાટીલ પધારશે અને તેમના વરદ્ હસ્તે એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત આખા ભારતના વિવર્સ એસોસિએશનોને સીટેક્ષ એકિઝબિશનની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. ૧પ,૦૦૦થી વધુ વિઝીટર્સનું ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ આવી ગયું છે. ભારતભરમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા રપ,૦૦૦થી વધુ લોકો ૧પ૦ કરતા પણ વધારે શહેરોમાંથી સીટેક્ષ એકિઝબિશનની વિઝીટ કરશે.
ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, અગાઉ જેકાર્ડ લુમ્સ સ્થાપિત કરવા માટે ફેક્ટરીમાં અંદાજે રર ફૂટ જેટલી વિશાળ જગ્યાની જરૂર પડતી હતી, જેના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે આવી મશીનરી સ્થાપિત કરવી મુશ્કેલ બનતી હતી. પરંતુ આ એકિઝબિશનમાં પ્રદર્શિત થનારી અદ્યતન જેકાર્ડ લુમ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ફેક્ટરીમાં માત્ર ૭ ફૂટ જેટલી સીમિત જગ્યામાં પણ તેને સ્થાપિત કરી અસરકારક રીતે ઉત્પાદન મેળવી શકાય છે.
આ કોમ્પેકટ ડિઝાઇનના કારણે જગ્યાની બચત ઉપરાંત મશીનરીનું ઇન્સ્ટોલેશન સરળ બનશે, ઉર્જા અને સંચાલન ખર્ચમાં ઘટાડો થશે તથા નાના ઉત્પાદન એકમો માટે પણ ઉચ્ચ ગુણવત્તાવાળા જેકાર્ડ ફેબ્રિકનું ઉત્પાદન શક્ય બનશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઓછી જગ્યામાં વધુ કાર્યક્ષમ ઉત્પાદન આપતી આવી મશીનરી ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ખાસ કરીને શહેરના ગીચ ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત ઉદ્યોગકારો માટે અત્યંત લાભદાયક સાબિત થશે.
સીટેક્ષ એક્ષ્પો ર૦ર૬ના ચેરમેન શ્રી સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સીટેક્ષ એકિઝબિશનમાં સુરત ઉપરાંત નવી દિલ્હી, મુંબઇ, લુધિયાના, વડોદરા, અમદાવાદ, કોઇમ્બતુર, ઠાણે, પાનીપત, કોલ્હાપુર, પુણે, દાદરા, ભીલવાડા અને વલસાડ મળી કુલ ૧૧૦ એકિઝબિટર્સે ભાગ લીધો છે. આ એકિઝબિટર્સ દ્વારા વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું અને એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે. અમને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટર્સના એકિઝબિટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
વિશ્વમાં પ્રથમ વખત ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન સીટેક્ષ એક્ષ્પોમાં લોન્ચ થશે
ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ માટે ઐતિહાસિક ગણાય તેવું વિશ્વમાં પ્રથમ વખત ૪૯૦ સેન્ટીમીટર લંબાઇ ધરાવતા ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન સીટેક્ષ એક્ષ્પોમાં લોન્ચ કરવામાં આવશે. સુરતમાં વર્ષ ર૦૦૯–૧૦ દરમિયાન બે પનાવાળું મશીન વિકસાવવામાં આવ્યું હતું, જેના દ્વારા એકસાથે બે સાડીઓનું ઉત્પાદન શકય બન્યું હતું. ત્યારબાદ વર્ષ ર૦૧પમાં ત્રણ પનાવાળું રેપિયર જેકાર્ડ મશીન બજારમાં આવ્યું, જેના પર એકસાથે ત્રણ સાડીઓ બનાવવી શકય બની. હાલમાં વિશ્વભરમાં ત્રણ પનાવાળા મશીનો જ કાર્યરત છે, ત્યારે સુરતમાં પ્રથમ વખત લોન્ચ થનારું ચાર પનાવાળું અદ્યતન રેપિયર જેકાર્ડ મશીન ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આ હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન દ્વારા એકસાથે ચાર સાડીઓનું ઉત્પાદન શકય બનશે, જેના પરિણામે ઉત્પાદકોને ઉત્પાદન ક્ષમતા વધારવા ઉપરાંત લગભગ રપ ટકા સુધી પ્રોડકશન કોસ્ટમાં ઘટાડો થવાની શકયતા છે. વધુ ઉત્પાદન અને ઓછા ખર્ચના કારણે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્પર્ધામાં મજબૂત બનવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
હાઇસ્પીડ એરજેટ મશીનનો પણ ડેમો રજૂ થશે
આ ઉપરાંત સીટેક્ષ એક્ષ્પોમાં હાઇ ટેકનોલોજીવાળી એરજેટ મશીનરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ૧૩,૦૦૦ ડોલરની કિંમતવાળું એરજેટ મશીન ઉપલબ્ધ છે, જ્યારે એક્ષ્પોમાં રજૂ થનાર હાઇસ્પીડ એરજેટ મશીન આશરે ૯,પ૦૦ ડોલરની કિંમતમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ મશીનનો લાઇવ ડેમો પણ રજૂ કરવામાં આવશે, જેના કારણે ઉત્પાદકોને ઓછી કિંમતમાં વધુ કાર્યક્ષમ અને ઝડપી ટેકનોલોજી અંગે માહિતગાર થવાની તક મળશે.
નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી અને પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી રજૂ કરાશે
આ એકિઝબિશનમાં આધુનિક ટેક્ષ્ટાઇલ પ્રિન્ટિંગ અને મશીનરી ક્ષેત્રની નવી અને અત્યાધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. એઆઇ સોફટવેરથી સજ્જ ચય્’ઝઃન્ભ્દ્ય–ણ હેડ આધારિત નવી પોઝિશન પ્રિન્ટર મશીનના નમૂનાઓ (૮ અને ૧૬ હેડ વેરિઅન્ટ) રજૂ કરવામાં આવશે. નવી પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી પણ પ્રદર્શન પણ મુકાશે. આ ઉપરાંત ફોઇલ મશીનના નમૂનાઓ તથા ડાયરેકટ–ટુ–ફેબ્રિક પ્રિન્ટર મશીનના ૧૬, ર૪, ૩ર, ૪૮, ૬૪ અને ૯૬ હેડવાળા વિવિધ વેરિઅન્ટસ પણ પ્રદર્શિત કરવામાં આવશે, જે ઉચ્ચ ગુણવત્તાવાળા અને મોટા પાયે પ્રિન્ટિંગ માટે યોગ્ય છે.
અદ્યતન સકર્યુલર નિટિંગ મશીન રજૂ કરાશે
આ એક્ષ્પોમાં સકર્યુલર નિટિંગ મશીનની અદ્યતન શ્રેણી પણ રજૂ કરવામાં આવશે. તેમાં સિંગલ જર્સી સકર્યુલર નિટિંગ મશીન (૩૪ ડાયમીટર × ર૮ ગેજ × ૧૦ર ફીડર્સ) ઓપન વિથ સાથે ૩૦થી ૪પ આરપીએમ હાઇ સ્પીડ પર કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત ડબલ જર્સી સકર્યુલર નિટિંગ મશીન (૩૪ ડાયમીટર × ર૮ ગેજ × ૧૦૮ ફીડર્સ) પણ પ્રદર્શિત થશે, જેમાં ઇન્ફ્રારેડ નીડલ બ્રેકેજ ડિટેકટર અને સ્ટિચ લેન્થ મીટર જેવી અદ્યતન સુવિધાઓ સામેલ છે, જે ઉત્પાદનની ગુણવત્તા અને કાર્યક્ષમતા વધારવામાં સહાયક બને છે.
સીટેક્ષ પ્રદર્શન દ્વારા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના સાહસિકો, ઉત્પાદકો અને ટેકનોલોજી રસિકોને નવી પેઢીની મશીનરી અને પ્રિન્ટિંગ સોલ્યુશન્સ વિશે જાણવાની તથા આધુનિક ઉત્પાદન ક્ષમતાઓને નજીકથી સમજવાની મહત્વપૂર્ણ તક મળશે. આ રીતે સીટેક્ષ એક્ષ્પો ટેક્ષ્ટાઇલ મશીનરી ક્ષેત્રની નવીનતા, કાર્યક્ષમતા અને ખર્ચ ઘટાડતી ટેકનોલોજીઓ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.
ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૬ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે, જેની નોંધ લેવા વિનંતી છે.

