સમગ્ર દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ચર્ચાસ્પદ બનેલી બોલીવુડની ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ થીમની સાડીઓ પણ હવે ટેક્ષટાઇલ નગરી સુરતમાં ઉત્પાદિત થવા માંડી છે. સુરતના જ એક સાડી ઉત્પાદક કમ વિક્રેતા વિનોદ સુરાનાએ કાશ્મીર ફાઇલ્સના પોસ્ટર્સ સાથેની કલરફૂલ સાડી તૈયાર કરી છે જેને આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે લોંચ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ સુરતના ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારમાં અશોકા ટાવરમાં સાડીના વિક્રેતા વિનોદ સુરાનાએ અગાઉ ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે મોદી યોગીના ફોટાવાળી સાડીઓ તૈયાર કરીને ઓર્ડર પ્રમાણે તેનું વેચાણ પણ કર્યું હતું. તેમણે કારગીલ યુદ્ધ થીમ પર પણ સાડીઓ બનાવીને બજારમાં મૂકી હતી. સાડીઓ પર વર્તમાન ટ્રેન્ડ અને થીમને આકાર આપતા ક્રિએટીવ સાડી ઉત્પાદક કમ વિક્રેતા વિનોદ સુરાનાએ હવે હાલ ચાલી રહેલી કાશ્મીર ફાઇલ્સની થીમ પર એક કલરફુલ સાડી તૈયાર કરી છે. સાડી પર કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના જુદા જુદા પોસ્ટર્સને આકર્ષક રીતે પ્રિન્ટ કરવામાં આવ્યા છે અને મહિલાઓને જોઇને જ ગમી જાય તેવી સાડી તૈયાર કરી છે.આજે સુરતમાં તૈયાર થયેલી કાશ્મીર ફાઇલ્સ સાડીની પ્રિન્ટને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે લોંચ કરવામાં આવી હતી. સી.આર. પાટીલે પણ કાશ્મીર ફાઇલ્સ થીમ પર સાડીના કન્સેપ્ટને રચનાત્મક ગણાવીને ઉત્પાદકોને શુભેચ્છા પાઠવી હતી.
