સુરત સ્તબ્ધ, સર્વત્ર ગમગીન માહોલ વચ્ચે એક સાથે 19 બાળકોની અર્થી ઊઠી
સુરતના સરથાણાના તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભયાનક આગમાં માર્યા ગયેલા 19 બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર અર્થે સુરતના અશ્ર્વિની કુમાર સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યા હતા. મૃતક બાળકના પરિવારજનોની સાથે શહેરના અનેક લોકો પણ જોડાયા હતા. સામાન્ય લોકોની આંખમાં પણ ચોધાર આસુની સાથે જવાબદાર અધિકારીઓ અને ગેરકાયદેસર ચલતા ટ્યુશન કલાસીસના સંચાલકો સામે રોષ ફેલાયો હતો.
આજે 23માંથી 19 બાળકોની એક સાથે અર્થી ઉઠતાં સુરત હીબકે ચડ્યું હતું. સ્મશાન યાત્રા દરમિયાન સન્નાટો છવાઈ ગયો હતો. સૌ કોઈના ચહેરા ગમગીન જોવા મળ્યા હતાં. આખું સુરત મૃતકોના પરિવારજનોની પડખે ઊભું રહ્યું હતું. આખી રાત સુરતીઓ પરિવારજનોને હુંફ આપવા માટે ખડેપગે રહ્યાં હતાં. આજે શનિવારે વહેલી સવારે જ્યારે હોસ્પિટલમાંથી બાળકોના મૃતદેહ ઘરે લાવવામાં આવ્યા ત્યારે પણ પરિવારજનોના આક્રંદની સાથે આકાશ પણ રડી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મૃતક બાળકોના પરિવારજનો અર્ધબેભાન સ્થિતિમાં પોતાના હોશ ગુમાવી બેઠા હતા, ત્યારે સુરતીઓએ પણ દિલ પર પથ્થર મુકીને બાળકોની અર્થી તૈયાર કરવામાં મદદ કરી હતી.
સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડની આગમાં 21 માસૂમ જિંદગીઓનો અકાળે અંત આવ્યો તેના માટે ખરેખર કોણ જવાબદાર તેવો પ્રશ્ર્ન સામાન્ય નાગરિકો પૂછી રહ્યા છે. ભયાનક આગથી બચવા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ઉપરથી કૂદી પડ્યા. કેટલાક તેમાં જીવતા ભૂંજાઈ ગયા તેમ છતાં નઘરોળતંત્રની કુંભકર્ણ નિદ્રા નહિ ઊડે તે હકીકત છે. સરકારે તપાસની જાહેરાત કરી. અગ્રસચિવ, ચીફ ફાયર ઓફિસર અને જાડી ચામડીના રાજકારણીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. એએમસીના તેમ જ ફાયરબ્રિગેડના અધિકારીને જવાબદાર ગણી સસ્પેન્ડ કરી સરકારી તંત્ર કામ કર્યાની જાહેરાત કરશે, પરંતુ હકીકત એ છે કે આવી ઘટનાઓ માટે જવાબદાર મોટાં માથાઓને છાવરવાની બદલે શું તેમને કઠેડામાં ઊભા કરી કડક સજા કરવાની હિંમત સરકારમાં છે ખરી? થોડા સમય પહેલાં જ સુરતના જ કોચિંગ કલાસમાં આગ લાગી હતી જેમાં એક શિક્ષક અને વિદ્યાર્થીનું મોત થયું હતું. આ ઘટના બાદ સુરતના તમામ કોચિંગ કલાસીસનું ચેકિંગ તેમ જ ફાયરસેફટીનો મુદ્દો ગરમાયો હતો. એક તારણ પ્રમાણે કોચિંગ કલાસ ફક્ત ગ્રાઉન્ડ ફલોર પર રાખવાનું સૂચન થયું હતું, જેથી તાકીદની પળોમાં જાનમાલનું નુકસાન ન થાય, પરંતુ થોડા સમય બાદ આ તમામ વાતો અને કાર્યવાહી ફકત હવામાં જ રહી ગઈ, પેપરવર્ક પણ થયું નહિ.
સુરતનું તક્ષશિલા આર્કેડ આવું જ ગેરકાયદે હતું. અહીં ચોથે માળે બનાવેલા ડોમની હાઈટ ફક્ત છ ફૂટ જ હતી, આટલું જ નહિ ત્રીજા અને ચોથા માળે જવા માટેનાં પગથિયાં ફાયબર અને લાકડાના હતાં જે આગ ફેલાવવામાં કારણભૂત બન્યા અને વિદ્યાર્થીઓ માટે કાળ. હોલની સીલિંગ થર્મોકોલથી ડેકોરેટ કરાયેલી હતી, તો બેસવા માટે ગાદલા અને તેની ઉપર ટાયર મૂકવામાં આવ્યા હતાં. આગ લાગતા ટાયર સળગ્યાં અને તેમાંથી ગંધક નીકળતાં વિદ્યાર્થીઓના શ્ર્વાસમાં જતાં તેઓ ગૂંગળાઈ મર્યા. આ બિલ્ડિંગને મંજૂર કરાવવા અહીંના એક વગદાર અને રાજકારણીએ બિલ્ડર સાથે મિલીભગત કરી 2011માં ઈમ્પેક્ટ ફી હેઠળ વરાછા ઝોનમાં મંજૂરી માટે પ્લાન મૂકયો હતો. એ સમયના અધિકારીઓ, વગદાર વ્યક્તિ અને પાલિકાના એન્જિનિયરની મિલીભગતને કારણે ગ્રાઉન્ડ પ્લસ બેને ઈમ્પેક્ટ ફીમાં મંજૂરી મળી, ત્યાર બાદ ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે બન્યા, તેમ છતાં પાલિકા, ફાયરબ્રિગેડ અને અહીંના સ્થાનિક રાજકારણીઓની ઊંઘ ઊડી નહોતી. એવું કહેવાય છે કે વરાછા ઝોનમાં 70 ટકાથી વધુ બાંધકામને પરવાનગી મળી નથી.
એક મહિના પહેલાં જ ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા તક્ષશિલા આર્કેડમાં ફાયર સેફટીના મુદ્દે નોટિસ આપી હતી. પાલિકાના ભ્રષ્ટ તંત્રએ પણ ત્રીજા અને ચોથા માળની તપાસ કરી પોતાના ખિસ્સાં ભર્યાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
ફાયરબ્રિગેડને આગની જાણ કરાઈ, ત્યાર બાદ આવવામાં ઘણો વિલંબ થયો અને આવ્યા ત્યારે ફકત દોઢ માળ સુધી પહોંચે તે લેડરનું હાઈડ્રોલિક જ ચાલુ થયું નહિ. આ ઉપરાંત ફાયરબ્રિગેડ વિભાગ ઉપરથી કૂદતા વિદ્યાર્થીઓને ઝીલનારી સેફટી નેટ જ લાવવાનું ભૂલી ગયા. આમ ફાયરબ્રિગેડની અક્ષમ્ય ભૂલને કારણે જાનહાનિનો આંક વધી ગયો. એએમસી પાસે 10 માળ સુધી પહોંચે તેવી હાઈડ્રોલિક લેડર છે, પરંતુ તે મુખ્યાલયમાં હોવાને કારણે અહીં સુધી ટ્રાફિકમાં લાવી શકાય તે શક્ય જ નહોતું. કટોકટીની પળોમાં માનવ-જાનમાલને બચાવવા જે આયોજન જોઈએ તેનો અહીં સદંતર અભાવ હતો.
તક્ષશિલા આર્કેડને અડીને આવેલા વીજળીના થાંભલામાં શોર્ટસર્કિટ થઈ અને જોતજોતામાં થાંભલા પર લગાડેલું જાઈન્ટ હોર્ડિંગ તેની ઝપેટમાં આવી ગયું જે બિલ્ડિંગ પર પડતાં ત્રીજા અને ચોથા માળના ફાયબરના અને લાકડાના પગથિયાં તેની ઝપટમાં આવતાં જ વિદ્યાર્થીઓ માટે કાળ પુરવાર થયું. આ ઉપરાંત બીજા માળની મીઠાઈની દુકાનનું એસી ફાટતાં તેના કોમ્પ્રેશરની હવાને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ તેમ જ થર્મોકોલની સીલિંગ અને બળતા ટાયરના ગંધકથી વિદ્યાર્થીઓ ગૂંગળાઈ મર્યા. હવે જોવાનું એ છે કે શું આ કરુણ ઘટના માનવીય સંવેદનાને ઝંઝોડી નીંભર તંત્રને હકીકતમાં સેફટીના પગલાં ભરવાની બુદ્ધિ આપશે? કે પછી બે દિવસ મીડિયામાં હાઈલાઈટ્સ બની આ સમાચાર ફરી આવી ઘટના બને ત્યાં સુધી કચરાની ટોપલીમાં જતા રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
