Surat : નવયુગલે આર્યસમાજ વિધિથી લગ્ન કરીને બચત જાગૃતિ અભિયાનના મંડાણ કર્યા

સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા આયોજિત લગ્ન સમારોહમાં આર્ય સમાજ વિધિથી લગ્નગ્રંથીએ જોડાતા નવયુગલના હસ્તે “બચત જાગૃતિ અભિયાન” શરૂ કરાયું

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા સંવત વર્ષ 2078ને બચત જાગૃતિ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આજરોજ ખૂબ જ સાદાઈથી સૌરાષ્ટ્ર પટેલ ભવન, વરાછા રોડ ખાતે આર્ય સમાજ લગ્ન વિધીથી લગ્ન કરી દાખલો બેસાડનાર યુગલ મૌલિક તથા નિધિના હસ્તે દીપ પ્રાગટય વિધિ કરી બચત જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો હતો.
મોટીવેટર અને સતત 75 કલાક પ્રવચનનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેમના નામે છે તેવા અશ્વિનભાઈ સુદાણીના દીકરા મૌલિક તથા રમેશભાઈ રાજાણીની દીકરી નિધિએ સમજદારીથી લગ્ન નિમિત્તે ખર્ચ ના કરવાનું નક્કી કર્યું હતું. થોડા પરિવારજનોની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન કરી હતી. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત તરફથી વરઘોડિયાના માતા પિતાનું અભિવાદન કરાયું હતું તથા નવયુગલનું વિશેષ સન્માન કર્યું હતું.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના મંત્રી અરવિંદભાઈ ધડુક, સહમંત્રી કાંતિભાઈ ભંડેરી, લોક સમર્પણ બ્લડ બેંકના પ્રમુખ હરિભાઈ કથિરીયા, વરાછા બેંકના ચેરમેન ભવનભાઈ નવાપરા, જય જવાન નાગરિક સમિતિના ટ્રસ્ટી દેવચંદભાઈ જે.કાકડીયા, જે.કે.પટેલ, યુવા ટીમના કિરણભાઈ ઠુંમ્મર, સુરત ડાયમંડ એસો.ના મંત્રી દામજીભાઈ માવાણી, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સુરતના પ્રમુખ ડો.સી.એમ.વાઘાણી, મનજીભાઈ વાઘાણી, અરવિંદભાઈ કાકડીયા અને અલ્પેશભાઈ કથિરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતની એક યાદીમાં જણાવ્યાનુસાર સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી આર્થિક બચત અંગે જનજાગૃતિ લાવવા માટે પ્રયાસ થશે. આગામી 20મી ફેબ્રુઆરી 2021 સમુહ લગ્ન સમારોહનું બચતની થીમ આધારિત આયોજન થશે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત સાથે 200થી વધુ સેવા સંગઠનો જોડાયેલા છે. જેમાં સી.એ, વકીલો, તબીબો અને ધંધા-વ્યવસાયના સંગઠનો પણ શામેલ છે. આ તમામ સંસ્થાઓ તરફથી બચત જાગૃતિ અંગે પ્રયાસો કરવામાં આવશે. કુલ 360 જેટલા કાર્યક્રમો કરવાનું આયોજન છે.
કારમી મોંઘવારી અને આકસ્મિક ખર્ચાને પહોંચી વળવા માટે બચત અને આયોજન ખૂબ જરૂરી છે. શિક્ષણ અને આરોગ્ય માટે મોટા ખર્ચાની બચત ન હોય તો પરિવાર દેવાના ડુંગર નીચે આવી જાય છે. નાણાકીય જાગૃતતા જ જીવનમાં સુખ અને શાંતિ આપી શકશે. મોટાભાગના લોકોમાં જોઈએ તેવી નાણાકીય જાગૃતતા નથી આથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી જાગૃતિ માટે વ્યાપક પ્રયાસ કરવાનું આયોજન છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
