ઘર ખરીદનારા અને વેચનારા બન્નેને ફાયદો મળે તેવી કેન્દ્રની ગોઠવણ
કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને હાઉસિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા મોટી રાહતની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, રોજગારી વધારવાના પગલાં અને કોરોનાની રસીના સંશોધન માટે રૂપિયા ૯૦૦ કરોડની ફાળવણીની પણ જાણકારી આપી હતી. ખેડૂતોને ખાતર સબસિડી પેટે રૂ. ૬૫,૦૦૦ કરોડ ફાળવાયા હતા. નિકાસને પ્રોત્સાહન આપવા રૂપિયા ૩૦૦૦ કરોડ ફાળવાશે.
રૂપિયા બે કરોડ સુધીના ઘર (પ્રાઇમરી રેસિડેન્શિયલ યુનિટ)ના સર્કલ રેટથી ઓછી કિંમતે વેચાણ માટે આવકવેરાના કાયદા હળવા બનાવાયા છે. અત્યાર સુધીમાં સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યુના માત્ર ૧૦ ટકા તફાવતની પરવાનગી હતી. હવે રૂપિયા બે કરોડ સુધીની કિંમતના રેસિડેન્શિયલ યુનિટ્સના પ્રાઇમરી સેલ માટે આ ગાળો ૨૦૨૧ની ૩૦મી જૂન સુધી વીસ ટકા કરાયો છે. સરકારના આ પગલાંથી ઘર ખરીદનારા લોકો અને ડેવલપર્સ, એમ બન્નેને લાભ થશે.
સરકારે નવી રોજગારી પૂરી પાડનારી કંપનીઓને સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. આ સબસિડીમાં રિટાયરમેન્ટ ફંડમાંના ફાળાને બે વર્ષ માટે આવરી લેવાશે. નવા કર્મચારીને નોકરીમાં રાખનારી અને એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનમાં નોંધાયેલી કંપનીને આત્મનિર્ભર રોજગાર યોજના હેઠળ સબસિડી અપાશે.
નિકાસને પ્રોત્સાહન આપવા એક્ઝિમ બેંકને રૂપિયા ૩,૦૦૦ કરોડ ફાળવાશે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે દેશ હવે કોરોનાને કારણે આવેલી મંદીમાંથી બહાર આવી રહ્યો છે અને દેશની ઈકોનોમી રીકવર થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે આંકડાઓ જોઈએ તો જીએસટી કલેક્શન ઓક્ટોબરમાં ગત વર્ષની સરખામણીએ ૧૦ ટકા વધીને રૂ. ૧.૦૫ લાખ કરોડ પર પહોચ્યું છે. આવી જ રીતે પીએમઆઇ ઇન્ડેક્સમાં પણ સુધારો થયો છે અને એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન ૩૫.૩૭ અબજ ડોલરનું વિદેશી રોકાણ દેશમાં આવ્યું છે. આ ઉપરાંત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધારે રૂ. ૧૮૦૦૦ કરોડ વાપરશે જેનાથી ૧૨ લાખ નવા ઘરો બનાવવામાં મદદ મળશે.
નાણાં પ્રધાને દેશમાં કોવિડ-૧૯ની રિકવરીને પહોંચી વળવા માટે મદદ કરવા નવી રાહત અને પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. મે, ૨૦૨૦થી કેન્દ્ર સરકાર દ્વારા જે પણ રાહત આપવામાં આવી છે, તે રાહતની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે.
સીતારામને કહ્યું હતું કે વિદેશી હુંડિયામણની અનામત ૫૬૦ અબજ ડોલર પર પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે જીએસટી કલેક્શન ઓક્ટોબરમાં ૧.૦૫ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન એફડીઆઇ ૩૫.૩૭ અબજ ડોલર રહ્યું હતું જે વાર્ષિક ૧૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
મુખ્ય અર્થશાસ્ત્રીઓએ સૂચવ્યું હતું કે રિકવરી માત્ર માંગથી જ નહીં, પણ મજબૂત આર્થિક વૃદ્ધિમાંથી પણ આવશે. તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં પીએમઆઇ ૫૮.૯ ઉપર પહોંચી ગયો. જે સપ્ટેમ્બરમાં ૫૪.૬ ની સપાટીએ હતો.
વીજ વપરાશમાં વધારો અને બજારનું મજબૂત પ્રદર્શન સુધારણાના કેટલાક સંકેતો છે. છેલ્લા ૧૦-૧૫ દિવસથી આર્થિક સુધારા દેખાય છે.
સ્વનિર્ભર ભારત અભિયાન-૧ અંતર્ગત કેટલીક બાબતોમાં પર પ્રગતિ જોવા મળી રહી છે. વન નેશન વન રેશનકાર્ડ આમાં અગ્રણી છે. તેનો અમલ પહેલી સપ્ટેમ્બરથી કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ૬૮.૬ કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.
ઇન્ટ્રા સ્ટેટ પોર્ટેબિલીટી હેઠળ ૧.૫ કરોડ માસિક વ્યવહારો કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી શેરી વિક્રેતાઓ યોજના હેઠળ ૨૬.૬૨ લાખ લોનની અરજીઓ મળી છે. તેમાંથી ૧૩.૭૮ લાખ એપ્લિકેશન હેઠળ ૩૦ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧,૩૭૩.૨૨ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.
કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ અત્યાર સુધીમાં ૧૮૩ લાખ અરજીઓ આવી છે. બેંકોએ આ અંતર્ગત ૧૫૦ લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ જારી કર્યા છે. બેંકે બે તબક્કામાં ૧,૪૩,૨૬૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ૨૧ રાજ્યો દ્વારા કુલ ૧,૬૮૧.૩૨ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે નાબાર્ડ દ્વારા ૨૫ હજાર કરોડનું વધારાનું વિતરણ ખેડૂતોને કરવામાં આવ્યું છે. આ ઇમર્જન્સી વર્કિંગ કેપિટલ ફંડિંગ છે.
અહેવાલો અનુસાર સરકાર મુશ્કેલીમાં હોય તેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આના માધ્યમથી તે અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનો પ્રયાસ કરશે. કેબિનેટે બુધવારે મળેલી બેઠકમાં ૧૦ સેક્ટરમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ્સ (પીએલઆઇ)ના અમલીકરણને મંજૂરી આપી છે. પીએલઆઇ હેઠળ આવતા પાંચ વર્ષમાં ૧.૪૬ લાખ કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૫૭ હજાર કરોડની મહત્તમ પ્રોત્સાહન પ્રાપ્ત કરનારા ક્ષેત્રોમાં ઓટો અને ઓટોમોબાઈલ ક્ષેત્ર હોઈ શકે છે.
આ સિવાય જે ક્ષેત્રોને લાભ થશે તેમાં એડવાન્સ સેલ કેમિસ્ટ્રી, બેટરીઓ, ફાર્મા, ફૂડ પ્રોડકટ્સ અને વ્હાઇટ ગુડ્સ સામેલ છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર વધારાના ઉત્પાદન પર કંપનીઓને પ્રોત્સાહન આપશે અને તેમને નિકાસ પણ કરશે. ગયા મહિને, નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે જાહેરાત કરી હતી કે સરકાર ઘરેલું ઉત્પાદન ક્ષેત્રને ટેકો આપવા માટે ઉત્પાદન સાથે જોડાયેલા પ્રોત્સાહન લાવશે.
રાહત પેકેજ બે મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રથમ તે છે કે વધુને વધુ લોકોને રોજગારી કેવી રીતે પૂરી પાડવી તેના ઉપર રાહત પેકેજમાં મહત્ત્વની જાહેરાત હોઈ શકે છે. આ માટે સરકાર પ્રોવિડન્ટ ફંડમાં ૧૦ ટકા સબસિડીની જાહેરાત કરી શકે છે.
બીજા પગલાં તરીકે સરકાર કે.વી. કામત સમિતિ દ્વારા દબાણ અને મુશ્કેલી હેઠળ તમામ ૨૬ ક્ષેત્રો માટે ઇમર્જન્સી ક્રેડિટની વ્યવસ્થા કરી શકે છે. વિવિધ ક્ષેત્ર માટે વિવિધ રાહત આપી શકાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
