IPL : હાઇએસ્ટ રનચેઝનો રેકોર્ડ RRના નામે : પોતાનો જ 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો

રાજસ્થાન રૉયલ્સે ઈતિહાસ રચતા IPLમાં અત્યાર સુધીનો સૌથી મોટો રનચેઝ કરી જીત મેળવી. IPL 2020ની 9મી મેચમાં રાજસ્થાને કિંગ્સ ઈલેવને પંજાબને 4 વિકેટે હરાવી દીધું. 224 રનના ટાર્ગેટને રાજસ્થાને 3 બાકી રહેતા 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. રૉયલ્સ માટે સંજુ સેમસને 85 જ્યારે રાહુલ તેવટિયાએ 55 અને સ્મિથે 50 રનની ઈનિંગ રમી.
224 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનને ટીમને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો જ્યારે જોસ બટલર (4) ત્રીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો. જોકે, તેના પછી ગત મેચના હીરો સંજુ સેમસન અને કેપ્ટન સ્ટીવ સ્મિથે મળીને બીજી વિકેટ માટે માત્ર 6.4 ઓવરમાં 90 રનની તાબડતોબ પાર્ટનરશિપ કરતા ટીમને પાછી મેચમાં લઈ આવ્યા. સ્મિથના આઉટ થયા બાદ રાજસ્થાને આશ્ચર્યજનક રીતે રાહુલ તેવટિયાને ચોથા ક્રમે બેટિંગમાં ઉતાર્યો હતો. અહીં લાગ્યું હતું કે, ટીમથી મોટી ભૂલ થઈ ગઈ છે.
તેવટિયા રન બનાવી શકતો નહોતો અને રનરેટ સતત વધી રહ્યો હતો. આવા સંજુ પર પ્રેશર વધતું જતું હતું. જોકે, સંજુએ જોરદાર ફટકાબાજી કરીને સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું. પરંતુ 161 રનના સ્કોરે તેની વિકેટ પડતા રાજસ્થાન હારના મ્હોંમાં ધકેલાઈ જતું દેખાયું. સેમસને 42 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 85 રનની ઈનિંગ રમી.
સેમસનના આઉટ થતા જ રાજસ્થાનની જીતની આશા પૂરી થઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું. આવામાં જ રાહુલ તેવટિયાએ અકલ્પનિય ફટકાબાજી કરતા શેલ્ડન કૉટરેલની એક જ ઓવરમાં 5 છગ્ગા ફટકારી રાજસ્થાનને મેચમાં પાછું લાવી દીધું હતું. તેવટિયાએ 31 બોલમાં સાત છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા. જોફ્રા આર્ચરે પણ 3 બોલમાં 13* રનની ઉપોયગી ઈનિંગ રમી. રૉયલ્સે 3 બોલ બાકી રહેતા મેચ જીતીને ઈતિહાસ રચી દીધો હતો.
અગાઉ રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટૉસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી જેનું તેની ટીમને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું. રાહુલ અને અગ્રવાલે રાજસ્થાનના બોલર્સ પર શરૂઆતથી જ આક્રમણ શરૂ કરી દીધું. મયંક અગ્રવાલે તાબડતોબ બેટિંગ કરતા માત્ર 50 બોલમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 106 રનની ઈનિંગ રમી. IPL2020માં પોતાની જ ટીમના કે એલ રાહુલ બાદ સદી નોંધાવનારો તે બીજો બેટ્સમેન બન્યો. બીજા છેડે કેપ્ટન રાહુલે અગ્રવાલને પૂરતો સાથ આપ્યો. તેણે 54 બોલમાં 69 રન બનાવ્યા. રાહુલની આ ઈનિંગમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતા.
બંનેના આઉટ થયા બાદ ગ્લેન મેક્સવેલ (13) અને નિકોલસ પૂરન (25)એ બાકી રહેલી કસર પૂરી કરી દીધી. બંનેએ છેલ્લી બે ઓવરમાં 29 રન લીધા અને ટીમનો સ્કોર 223 રન પર પહોંચાડી દીધો. નિકોલસ પૂરને 3 શાનદાર સિક્સ ફટકારી. રાજસ્થાનની બોલિંગમાં તમામ બોલર્સના બુરા હાલ રહ્યા. અંકિત રાજપૂક અને ટૉમ કરનને એક-એક વિકેટ મળી પણ તેમણે લગભગ 10 એવરેજથી રન ખર્ચ્યા. પંજાબે 6 બોલર્સ અજમાવ્યા પણ કોઈ ખાસ અસરકારક સાબિત ન થઈ શક્યું. રાહુલ અને અગ્રવાલે બધા બોલર્સને ચારેબાજુ ફટકાર્યા અને તમામનો ઈકોનૉમી રેટ 10ની નજીક અથવા તેનાથી ઉપર રહ્યો.
રાહુલ અને મયંકની જોડીએ પ્રથમ વિકેટ માટે 183 રનની પાર્ટનરશિપ નોંધાવીને ઘણા રેકોર્ડ રચી દીધા. પંજાબ માટે IPLના ઈતિહાસમાં આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. જ્યારે ઓવરઑલ આ બીજું સૌથી મોટું ઓપનિંગ સ્ટેન્ડ છે. અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર ક્રિસ લિન અને ગૌતમ ગંભીરે 2017માં ગુજરાત લાયન્સ વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે 184 રનની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


