CIA ALERT

ઉદ્યોગપતિ મહેશ સવાણી કરશે ૨૬૧ અનાથ દીકરીઓનું કન્યાદાન, યોજાશે જાજરમાન લગ્નોત્સવ

Share On :
  • તા.૨૩મીએ પી. પી. સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૬૧ દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ‘લાડકડી’ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી પિતાવિહોણી દીકરીઓનું કન્યાદાન કરશે
  • નાત જાત કે ધર્મના ભેદભાવ વિના આજ સુધીમાં ૩૧૭૨ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવનાર સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીની પ્રેરણાદાયી પહેલ
  • નવદંપતિઓને લગ્નસ્થળે જ રાજ્ય સરકારની ‘કુંવરબાઈનું મામેરું’, સપ્તપદીના સાત ફેરા જેવી ઉપયોગી યોજનાઓથી લાભાન્વિત કરાશે
  • ‘લાડકડી’ લગ્નોત્સવના આયોજન સંદર્ભે આયોજક સવાણી ગ્રુપ અને મોવલિયા પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

પિતાવિહોણી દિકરીઓ માટે પિતાતુલ્ય ભૂમિકા ભજવી હજારો દિકરીઓના રંગે ચંગે લગ્ન કરાવી સાસરે વળાવનાર સેવાભાવી ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી દ્વારા આ વર્ષે પણ આગામી તા.૨૩મીના રોજ પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૬૧ દીકરીઓનો જાજરમાન ‘લાડકડી’ લગ્નોત્સવ યોજાશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પણ વિશેષ ઉપસ્થિત રહી પિતાવિહોણી દીકરીઓનું કન્યાદાન કરશે. સવાણી પરિવારના પ્રેરણાદાયી કાર્યમાં ભોજલરામ ગ્રુપના બટુકભાઈ અને અશ્વિનભાઈનો મોવલિયા પરિવાર પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ સહભાગી બન્યો છે.

પી પી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, અબ્રામા ખાતે યોજાનાર લાડકડી લગ્નોત્સવ વિષે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને જાણકારી આપતા શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, પિતાવિહોણી દિકરીઓ અને પરિવારની વ્યથા સમજી લગ્નના આર્થિક ભારણને પહોંચી ન વળનાર પરિવારની દિકરીઓને પી. પી. સવાણી પરિવાર દર વર્ષે ભવ્ય લગ્ન સમારંભ યોજીને દીકરીઓને પરણાવે છે. આ વર્ષે પણ ૨૬૧ દીકરીઓના પિતા બની સવાણી અને મોવલિયા પરિવાર કોઇ પણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના પિતાવિહોણી તેમજ વિધવા બહેનોની દીકરીઓને પરણાવી સાસરે વળાવશે.

આ વર્ષે ૨૬૧ ‘લાડકડી દીકરીઓ’ પૈકી છ મુસ્લિમ, ત્રણ ખ્રિસ્તી દીકરીઓ પણ એમની પરંપરાગત રિતીરિવાજ-લગ્ન વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાશે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત દેશભરમાંથી ૫૦ રાજસ્વી મહાનુભાવો, બ્યુરોક્રેટસ, ઉચ્ચ અધિકારીઓ, વિવિધ ધર્મના સંતોમહંતો, મહાનુભાવો આ લાડકડીઓનું કન્યાદાન કરશે.

શ્રી મહેશભાઈએ એક નવી જ પહેલ કરી દરેક દીકરીને રાજ્ય સરકારની ‘કુંવરબાઈનું મામેરું’, સપ્તપદીના સાત ફેરા જેવી બીજી ઉપયોગી યોજનાનો લાભ મળે એનું પણ આયોજન કર્યું હોવાનું જણાવી ઉમેર્યું કે, દીકરીના ખાતામાં સરકાર અમુક રકમ ફિક્સ ડિપોઝીટમાં મુકે છે, જે ૨૦-૨૧ વર્ષ પછી એના બાળકને ૬ લાખથી વધુ રકમ મળે છે. આ યોજનાના લાભ સાથે જ “લાડકડી”ના મંડપમાં લગ્ન કરનાર નવયુગલને ‘પ્રધાનમંત્રી વિમા યોજના અંતર્ગત ૨-૨ લાખનું વિમા કવચ પણ મળશે. ઉપરાંત લગ્નસ્થળે જ સુરત મહાનગરપાલિકાના સહયોગથી મેરેજ સર્ટિફિકેટ એનાયત કરાશે.

લગ્ન કરનારી ૨૬૧ દીકરીઓની પસંદગી માટે પણ લાંબી કવાયત હાથ ધરીને ચોક્કસ નિયમો મુજબ પસંદગી કરવામાં આવી છે. લગ્ન માટેના ફોર્મ ભરવાની શરૂઆતમાં માત્ર ૨૫ દિવસમાં પિતાવિહોણી ૬00 દીકરીઓની અરજી આવી હતી. જેમાં માતા અને પિતા બંનેની છત્રછાયા વિનાની ૫૪ દીકરીઓને પસંદગીમાં પ્રાથમિકતા આપી છે. ત્યાર બાદ પિતા વિનાની ૧૧૮ દીકરીઓ પસંદ કરાઈ છે. આ વર્ષે ‘લાડકડી’માં કામરેજના આંબોલી સ્થિત જનનીધામમાં રહેતી ૪ એચ.આઈ.વી.ગ્રસ્ત દીકરીઓના પણ લગ્ન થશે એમ શ્રી સવાણીએ કહ્યું હતું.

મહેશભાઈ સવાણીએ વધુમાં કહ્યું કે, વર્ષ ૨૦૦૮માં ૦૨ દિકરીઓથી પ્રારંભ કરીને નાત જાત કે ધર્મના ભેદભાવ વિના આજ સુધીમાં ૩૧૭૨ દીકરીઓના નિ:સ્વાર્થભાવે ધામધૂમથી લગ્ન કરાવી તેમના સપના પૂરા કર્યા છે. કરિયાવરમાં અનેક જીવન જરૂરિયાત વસ્તુઓ આપીએ જ છીએ, સાથે જ લગ્ન પછી પણ પી.પી.સવાણી ગ્રુપ દીકરીની તમામ સામાજિક જવાબદારી નિભાવતું રહ્યું છે. પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ દીકરાઓની ધો.૧૦ સુધીની અભ્યાસ ફી અને કોલેજ સુધીના અભ્યાસની ફી ભરવામાં આવે છે. શિક્ષણની સાથે વિધવા બહેનોના પરિવારની આરોગ્યની જવાબદારી પણ પી. પી. સવાણી પરિવાર ઉપાડે છે. સુરતના ૮૦૦૦ થી વધુ પરિવારના પાલકપિતા તરીકેની જવાબદારી આજે પી.પી. સવાણી પરિવાર નિભાવી રહ્યો હોવાની વિગતો તેમણે આપી હતી.

‘લાડકડી’ લગ્નોત્સવના ૨૬૧ નવયુગલોમાંથી લક્કી ડ્રો દ્વારા વિજેતા થયેલા ૧૦ દંપતિને આડતીયા ફાઉન્ડેશનના રિઝવાનભાઈ આડતીયાના સૌજન્યથી સીંગાપુર-મલેશિયા ક્રુઝ ટુર પ્રવાસ અને ૫૦ લક્કી કપલને કિઆન એરવેઝના કેપ્ટન નૈયુમભાઈ સૈયદ કિઆન એરવેઝ દ્વારા હેલિકોપ્ટર મારફત સુરત દર્શન પણ કરાવવામાં આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :