CIA ALERT
August 6, 20181min19050

અદભૂત વાંચન : ભગવાન મહાવીર સ્વામીના જીવનના પાંચ પ્રેરક પ્રસંગ

Share On :

ભગવાન મહાવીરને આજે અઢી સૈકાથી વધુ વર્ષ થયાં હોવા છતાં માત્ર જૈનોના જ નહીં, સમગ્ર ભારતના લોકોના હૃદયમાં તેઓ આજે પણ જીવંત રહ્યા છે.

ભગવાન મહાવીરનો ત્યાગ, ભગવાન મહાવીરની અહિંસા, ભગવાન મહાવીરનું તપ, ભગવાન મહાવીરની કરુણાનો જોટો આ જગતમાં મળવો મુશ્કેલ છે. આવી પરમોપકારી, વિશ્વવંદ્ય વિભૂતિના જીવનના કેટલાક પ્રેરક પ્રસંગો અહીં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

પ્રેરક પ્રસંગ 0૧

દીક્ષા લીધા પછી ભગવાન મહાવીર કર્માર ગામની બહાર રાત્રે કાઉસગ્ગ કરીને ઊભા હતા ત્યારે એક ગોપાળ તેમને તેના બળદ સાચવવાનું કહીને તેના કામે ગયો. તે જ્યારે પાછો આવ્યો ત્યારે ભગવાન પાસે બળદ ન જોયા અને ધ્યાનસ્થ ભગવાનને પૂછવા છતાં જવાબ ન મળતાં તે પોતાના બળદને શોધવા અહીં-તહીં ખૂબ જ ભટક્યો. છતાં બળદ ન મળતાં પાછો ભગવાન પાસે આવ્યો. ત્યાં તેણે ભગવાન પાસે પોતાના બળદો ઊભા રહેલા જોયા અને તેને એવો ગુસ્સો આવ્યો કે તે બળદની રાશ લઈ ભગવાનને મારવા દોડ્યો. એ સમયે ઇન્દ્રે પ્રગટ થઈ કહ્યું કે ‘હે મૂર્ખ! જેને તું ચોર માને છે તે ચોર નથી પણ રાજા સિદ્ધાર્થના પુત્ર વર્ધમાન છે. રાજવૈભવને ત્યાગી તેઓ આત્મસાધનાને પંથે નીકળ્યાં છે ત્યારે તારા બળદની ચોરી કરીને શું કરશે?’

ગોવાળે સાચી વાત જાણતાં ભગવાનનાં ચરણ પકડી લીધાં અને પોતાની ભૂલ બદલ ક્ષમા ચાહી. એ વખતે દેવરાજ ઇન્દ્રે ભગવાનને કહ્યું કે ‘હે પ્રભુ! સાધનાના વિકટ પંથમાં આવા મૂઢ માણસો આપને વિના કારણે હેરાન-પરેશાન કરશે. એથી મને આપની સેવામાં રહી આવાં બધાં કષ્ટ નિવારવાની તક આપો. આવતાં સાડાબાર વર્ષ સુધીના સાધનાકાળમાં હું સાથે રહી આપની સંભાળ રાખીશ.’

દેવરાજ ઇન્દ્રની વાત સાંભળીને ભગવાને કહ્યું, ‘આત્મસાધકના જીવનમાં આજ સુધી એ કદી બન્યું નથી અને બનશે પણ નહીં. કોઈ બીજાની મદદ વડે આત્મસિદ્ધિ કે આત્મમુક્તિ મેળવી શકે નહીં. સાધકનો આદર્શ છે – એગો ચરે વિસાણકપ્પો. તે એકલો સ્વપુરુષાર્થથી જ આગળ વધતો રહે. જીવનની પોતાની મુક્તિ પોતાનાં ઉદ્યમ, બળ, ર્વીય અને પરાક્રમ પર જ નર્ભિર છે.

પ્રેરક પ્રસંગ 02

ભગવાન મહાવીર વિહાર કરતાં-કરતાં એક વખત મોરાકસગ્નિવેશમાં દૂઇજ્જતં તાપસોના આશ્રમમાં આવી પહોંચ્યા. આ આશ્રમના કુલપતિ ભગવાનના પિતા સિદ્ધાર્થના મિત્ર હતા. તેમના અતિશય આગ્રહથી ભગવાન ત્યાં ચાતુર્માસ અર્થે રહ્યા. આશ્રમમાં રહેવા માટે ભગવાનને એક ઘાસની ઝૂંપડી આપવામાં આવી. હજી વરસાદની શરૂઆત થઈ નહોતી. એથી ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ ઝૂંપડીના સૂકા ઘાસને ખેંચી કાઢવા લાગ્યા. તાપસો તો લાકડીઓ મારી એ પશુઓને ભગાડી મૂકતા, પરંતુ મહાવીર તો સતત ધ્યાનમગ્ન દશામાં જ રહેતા. બીજા તાપસોને થયું કે દિવસભર લાકડીઓ લઈને તેઓ તેમની ઝૂંપડીઓનું રક્ષણ કરે છે અને મહાવીર તો પોતાની ઝૂંપડીને સહેજ પણ સાચવતા નથી. તાપસો મહાવીરની નિંદા કરવા લાગ્યા. આ વાત આશ્રમના કુલપતિ પાસે પહોંચતાં તેમણે મહાવીરને ઠપકો આપતાં કહ્યું કે ‘આ જગતમાં પક્ષીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરે છે તો આપ તો રાજકુમાર છો તો પણ આટલીબધી ઉપેક્ષા કેમ કરો છો?’

મહાવીર ધ્યાનસ્થ હોવાથી કશું બોલ્યા નહીં, પણ મનોમન વિચારવા લાગ્યા કે ‘ઘર-પરિવારનો ત્યાગ કરનાર સાધક ઝૂંપડીની મમતામાં કેમ ફસાઈ શકે? સાધના માટે મેં સંસારનો ત્યાગ કર્યો, હવે શું ઝૂંપડીની માયામાં હું મારી સાધનાને ભૂલી જાઉં? મારી સાધના તો જંગલોમાં, પર્વતોમાં, ગુફાઓમાં, ખંડેરોમાં કે વૃક્ષ નીચે ગમે ત્યાં કરી શકાશે.’

એથી કુલપતિની રજા લઈને પરમ સદ્ભાવ સાથે ભગવાને એ સ્થળ છોડી ત્યાંથી વિહાર કર્યો, પરંતુ એ વખતે તેમણે પાંચ સંકલ્પો કર્યા : (૧) અપ્રીતિ થાય એવા સ્થળે ન રહેવું. (૨) નિત્ય ધ્યાનમગ્ન રહેવું. (૩) પ્રાય: મૌન રાખવું. (૪) હાથમાં જ કરપાત્રથી ખાવું અને (૫) ગૃહસ્થોની ખુશામત ન કરવી.

સંયમ જીવનને વધુ પુષ્ટ બનાવતા આ પાંચ સંકલ્પો ભગવાનના ત્યાગપંથની ખુમારી બતાવે છે.

પ્રેરક પ્રસંગ 03

પોતાની સંયમસાધનામાં આગળ વધતાં ભગવાન મહાવીરને એક વિચાર આવ્યો કે કર્મોની વિશેષ નર્જિરા માટે કોઈ એવા સ્થળે જવું જોઈએ જ્યાં ધર્મની ધજા ફરકતી ન હોય, જ્યાં માણસ માણસનો શત્રુ હોય, જ્યાં સાધુ-સંતો પ્રત્યે કોઈને શ્રદ્ધા-ભક્તિ ન હોય. આથી તેઓ રાઢ નામના અનાર્ય પ્રદેશમાં પહોંચ્યા. આ વિસ્તારમાં વિચરવું અતિ દુષ્કર હતું. અહીં લોકો તેમના દેહનું માંસ કાપી ગયા. કૂતરાઓ અંગેઅંગમાં બટકાં ભરી ગયા. અહીંના ક્રૂર માણસોએ ભગવાનના સુંદર શરીર પર અનેક ઉઝરડાઓ કર્યા. આ વખતે તેમના એક શિષ્યે કહ્યું, ‘પ્રભુ! મારવા માટે નહીં, ડારવા માટે પણ એકાદ લાકડી સાથે રાખીએ તો સારું.’

ભગવાને કહ્યું, ‘એ કેમ બની શકે? એનાથી તો આપણી અહિંસાનું વ્રત તૂટે.’

રાઢમાં વિચરતાં જીવ જવા સુધીના ઉપસર્ગો આવ્યા તો પણ ભગવાને જરા પણ ભયભીત બન્યા વિના એને શાંત ચિત્તે સહ્યા. એથી જ આચારાંગ સૂત્રમાં ઉલ્લેખ્યું છે :

સૂરિ સંગામ સીસેવા, સંવુડે તત્થ સે મહાવીરે |

પઉસેવમાણે કરુસાઇ અચલે ભગવં રીઇત્થા ||

અર્થાત્ જેવી રીતે બખ્તરધારી યોદ્ધાનું શરીર યુદ્ધમાં અક્ષત રહે છે એ જ રીતે અચલ ભગવાન મહાવીરે અત્યંત કષ્ટો હોવા છતાં પોતાના સંયમને અક્ષત રાખ્યો.

ભારતવર્ષની પ્રજાને સત્યનો પંથ બતાવનાર તેજોમય રશ્મિસમા કરુણાનિધિ શ્રી ભગવાન મહાવીરને અગણિત વંદન હો!

પ્રેરક પ્રસંગ 04

એક વાર પ્રભુ મહાવીર વિહાર કરતાં અસ્થિગ્રામમાં આવ્યા. આ આખું ગામ ખાલી અને ઉજ્જડ હતું. ચારે બાજુ માણસોનાં હાડકાં વેરાયેલા હોઈ લોકો આ ગામને અસ્થિગ્રામ કહેતા. આ ગામમાં આવેલા મંદિરમાં શૂલપાણિ નામનો ભયંકર યક્ષ રહેતો હતો. તે મનુષ્યજાતિનો શત્રુ હતો. કોઈ પણ માણસ એ મંદિરમાં રાતવાસો કરે તો બીજા દિવસે તે મરેલો જ મળતો. આ યક્ષના ત્રાસને લીધે મોટા ભાગના લોકો ગામ છોડીને જતા રહ્યા હતા. પ્રભુ મહાવીર આ ગામમાં પહોંચ્યા અને તેમણે ગામના એ મંદિરમાં સ્થિરતા કરવાનું વિચાર્યું, પરંતુ આ મંદિરના પૂજારી ઇન્દ્રશર્માએ તેમને એમ કરતાં અટકાવીને કહ્યું, ‘ભન્તે! અહીં રાતવાસો કરવો હિતાવહ નથી. આ મંદિરનો યક્ષ તમને જીવતા નહીં રહેવા દે. માણસના લોહીનો તે પ્યાસો છે. તમને જોતાં જ ભયંકર ગુસ્સામાં ન કરવાનું કરી બેસશે. માટે તમે અહીં રાતવાસો કરવાનો આગ્રહ છોડી દો.’

પ્રભુ મહાવીરે કહ્યું કે ‘હું અભય છું, કોઈથી ડરતો નથી અને કોઈને ડરાવતો પણ નથી. હું તો આ જ મંદિરમાં રાતવાસો કરીશ.’

પૂજારીએ તેમને મને-કમને અહીં રાતવાસો કરવાની અનુમતિ આપી. રાત્રિ શરૂ થઈ. પ્રભુ મહાવીર તો મંદિરના એક ખૂણે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. થોડી વારમાં તો ભયંકર એવા શૂલપાણિ યક્ષનું આગમન થયું. ગામની ધરા ધþૂજી ઊઠી. ભયંકર ડાકલાં વાગવાં શરૂ થયાં. કાળજું કંપાવે એવાં કાતિલ અટ્ટહાસ્ય શરૂ થયાં. હાથમાં ભયંકર શૂલ લઈને રૌદ્ર સ્વરૂપી શૂલપાણિ યક્ષ પ્રગટ થયો. પ્રભુ મહાવીરને અહીં જોઈને તેનો ગુસ્સો સાતમા આકાશે પહોંચ્યો, પરંતુ પ્રભુ મહાવીર તો નર્ભિયતાની મૂર્તિ હતા. તેઓ તો પોતાના ધ્યાનમાં અવિચલ, અવિકલ અને મસ્ત હતા. શૂલપાણિ યક્ષે હાથી, પિશાચ અને સર્પ બનીને ભયંકર ઉપસર્ગ કરવા શરૂ કર્યા. પોતાની દૈવી શક્તિથી આ યક્ષે પ્રભુનાં આંખ, કાન, નાક, માથું, પીઠ વગેરેમાં ભયંકર વેદના ઉત્પન્ન કરી; પરંતુ પ્રભુ મહાવીર તો મેરુની જેમ અચલ અને અડોલ રહ્યા. આખી રાત આ ક્રૂર યક્ષે પ્રભુને ભયંકર પીડા આપી. તો પણ પ્રભુ મહાવીર જરા પણ અશાંત ન થયા. આખરે આ ક્રૂર યક્ષ પણ ઢીલો પડ્યો. તેની રાક્ષસી શક્તિ પ્રભુના આત્મબળ સામે પરાજિત થઈ. શૂલપાણિ યક્ષ પ્રભુનાં ચરણોમાં ઝૂકી પડ્યો અને બોલ્યો, ‘પ્રભુ, મને ક્ષમા કરો. મેં આપને ઓળખ્યા નહીં.’

પ્રભુએ કહ્યું, ‘ક્ષમા તો શત્રુને હોય, તું તો મારો મિત્ર છે.’

યક્ષને આશ્ચર્ય થયું. તેણે પ્રભુને પૂછ્યું, ‘હું મિત્ર? અને એ પણ તમારો? મેં તમને કેટલો બધો સંતાપ આપ્યો છે!’

પ્રભુએ કહ્યું, ‘મારો તો શું, તું સમગ્ર વિશ્વનો મિત્ર થઈ શકે એમ છે. માત્ર તારે તારો ક્રોધ અને હિંસાની ભાવના ત્યજવાની જરૂર છે. હિંસાથી તને કદાપિ શાંતિ નહીં મળે. પ્રેમ અને ક્ષમાથી જ તને સાચી શાંતિ મળી શકે. આ ગામ સાથે તને વેર છે, પરંતુ વેરનું ઓસડ વેર નહીં પણ પ્રેમ છે એ તું જાણ.’

ભયંકર ગરમીથી ત્રસ્ત થયેલી ધરા પર જેમ શીતલ મેઘની વર્ષા થાય એમ પ્રભુની એ અમૃતસમી વાણીથી ક્રૂર અને ભયંકર એવા શૂલપાણિ યક્ષમાં આમૂલ પરિવર્તન આવ્યું. જીવનની સાચી દિશા તેને સાંપડતાં

પુન:-પુન: તે યક્ષ પ્રભુનાં પાદચરણમાં પશ્ચાત્તાપનાં અશ્રુઓથી પ્રક્ષાલન કરી રહ્યો.

પ્રેરક પ્રસંગ 05

શ્રમણ ભગવાન મહાવીરને ગોશાલક નામનો શિષ્ય હતો. ઘણા વર્ષો તે પ્રભુની સાથે રહ્યો, પરંતુ ચંચલ મનના તે શિષ્યે પોતાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા પ્રભુથી અલગ થઈને આજીવક સંપ્રદાય સ્થાપ્યો અને પ્રભુનો કટ્ટર હરીફ બન્યો. તે જ્યાં જાય ત્યાં પોતાને સર્વજ્ઞ અને તીર્થંકર તરીકે ઓળખાવતો હતો. પ્રભુ મહાવીરના શિષ્ય ગૌતમસ્વામી પાસે આ વાત આવી. તેમણે શ્રાવસ્તીમાં પ્રભુની ધર્મસભામાં પ્રભુને પ્રશ્ન પૂછuો કે ‘હે ભગવંત! શું ગોશાલક ખરેખર તીર્થંકર છે?’

પ્રભુએ ઉત્તર આપતાં કહ્યું કે ‘હે ગૌતમ! ગોશાલક નથી સર્વજ્ઞ કે નથી તીર્થંકર. તે તીર્થંકર શબ્દનું અપમાન કરે છે. યોગ્યતા વિના ઉપાધિ કેવી? આજથી ચોવીસ વર્ષ પહેલાં મારી પાસે તેણે દીક્ષા લીધી હતી. તે છ વર્ષ મારી સાથે રહ્યો. મને પ્રેમથી અનુસર્યો. પછી તે શક્તિ તરફ આકર્ષાયો. શક્તિથી મળતી કીર્તિનો દાસ બન્યો. તે મારાથી જુદો પડ્યો. સ્વચ્છંદી થયો, સ્વચ્છંદે વિહરવા લાગ્યો. તે તીર્થંકર નથી, તે સર્વજ્ઞ નથી. તે છ મહાનિમિત્તોનું જ્ઞાન ધરાવે છે, પણ સર્વર્જ્ઞપણા કે તીર્થંકરપણા સાથે તેને કશી જ લેવાદેવા નથી.’

પ્રભુ મહાવીરે ગોશાલક વિશે કરેલા ખુલાસાના સમાચાર સાંભળી ગોશાલકના અંતરમાં ક્રોધનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. ગોશાલક પણ એ વખતે પોતાના શિષ્યપરિવાર સાથે શ્રાવસ્તી નગરીમાં આવ્યો હતો. તેને થયું કે મહાવીર મારી બાજી બગાડી નાખશે, લોકોના દિલમાંથી મારું અસ્તિત્વ નષ્ટ કરી નાખશે. એથી તે પ્રભુ મહાવીરે જ્યાં સ્થિરતા કરી હતી એ સ્થળે ધસી ગયો. પ્રભુની એ સમયે ધર્મસભા ચાલુ હતી. ગોશાલકે આવતાંવેંત જ પ્રભુ સામે બેફામ વાણીવિલાસ શરૂ કર્યો. પ્રભુ મહાવીર તો અચલ શાંતિથી તેને સાંભળી રહ્યા. મહાવીરને મૌન જોઈ ગોશાલકને વધુ ચાનક ચડી. તે તો ગાલિપ્રદાન સાથે જેટલું કડવું બોલી શકાય એટલું બોલવા માંડ્યો. વાતાવરણ સ્ફોટક બની ગયું. ધર્મસભામાં ઉશ્કેરાટ વ્યાપી ગયો. પ્રભુના શિષ્યો પણ ગુસ્સે થઈ ગયા. પ્રભુએ પોતાના શિષ્યોને શાંત કરતાં કહ્યું કે ‘ગોશાલકની પ્રકૃતિ જ એવી છે. પ્રકૃતિ ને પ્રાણ સાથે જ જાય. એથી આ માણસ તરફ ક્રોધને બદલે કરુણા જ વધુ શોભે.’

પ્રભુના આ શબ્દોથી શાંત પડવાને બદલે ગોશાલક વધુ ઉગ્ર બન્યો. ફરી બેફામ કટુ વચનો બોલવા લાગ્યો. ભગવાન મહાવીરના સર્વાનુભૂતિ નામના શિષ્યથી ન રહેવાયું. તેઓ આગળ આવ્યા અને ગોશાલકને ઉદ્દેશીને બોલ્યા, ‘હે ગોશાલક! એક વખતના તારા પરમોપકારી ગુરુ પ્રભુ મહાવીરને કડવાં વચનો કહેતાં તને શરમ નથી આવતી? પ્રભુની કૃપાથી તો તું સઘળી વિદ્યા શીખ્યો છે, એ ભૂલી જઈને પ્રભુ સામે મોરચો માંડતાં તું લાજતો નથી?’

ગોશાલક આ સાંભળીને વધુ ઉશ્કેરાયો અને તેણે પોતાનાં નેત્રોમાંથી દૃષ્ટિવિષ સર્પ જેવી પીળી જ્વાળા છોડી અને ક્ષણવારમાં તો શિખામણ આપવા આવેલા સર્વાનુભૂતિ ત્યાં ને ત્યાં બળીને ભસ્મ થઈ ગયા. હવે સર્વાનુભૂતિનું સ્થાન સુનક્ષત્ર મુનિએ લીધું. ગોશાલકે એ મુનિ કંઈક કહે એ પહેલાં જ પોતાની વિદ્યાથી સુનક્ષત્રના પણ એ જ હાલહવાલ કર્યા. આમ બે મુનિની હત્યા થવાથી ધર્મસભામાં હાહાકાર મચી ગયો.

મુનિ સુનક્ષત્રનું સ્થાન લેવા બીજા મુનિઓ આગળ આવ્યા, પરંતુ પ્રભુ મહાવીરે તેમને પાછળ રાખી પોતે એ સ્થાન સંભાળી લીધું. ગોશાલકે જોયું કે પોતાના હરીફ એવા મહાવીરને ખતમ કરવાની સુવર્ણ તક છે. એથી તેણે અજબ ઝનૂનથી પ્રભુએ જ શીખવેલી તેજોલેશ્યા પ્રભુ પર ફેંકી. પરંતુ એ સમયે મહાઆશ્ચર્ય થયું. પ્રભુ પર ફેંકાયેલી તેજોલેશ્યા પ્રભુના દેહમાં પ્રવેશ કરવાને બદલે પ્રભુના દેહની પ્રદક્ષિણા કરી રહી અને ગોશાલક કંઈ વિચારે એ પહેલાં તો એ તેજોલેશ્યા ઝડપથી પાછી ફરીને ગોશાલકના જ દેહમાં સમાઈ ગઈ! અને જાણે ધરતીકંપ થયો હોય એમ ગોશાલક ફસડાઈ પડ્યો. તેનો સોહામણો ચહેરો બિહામણો બની ગયો. મુખારવિંદ કોલસા જેવું કાળું બની ગયું અને તેની સર્વ શક્તિઓ હરાઈ ગઈ હોય એવી તેને અનુભૂતિ થવા લાગી.

પ્રભુ મહાવીરે ગોશાલકને કહ્યું કે ‘હે ગોશાલક! હાથનાં કયાર઼્ હૈયે વાગે છે. કર્મનો એ નિયમ છે. આ પુણ્યના બંધને કોઈ ઓછું કરી શકતું નથી. મારે હજી સોળ વર્ષ સુધી આ દેહભાર રહેવાનો છે. પણ તારા માટે તો હવે માત્ર સાત દિવસ જ બાકી છે. હવે તો તું બધું ભૂલીને એકમાત્ર તારા આત્માની ચિંતા કર. કીર્તિની કામના અને સિદ્ધિનો અહંકાર છોડી દે. આજે તું વિદ્યાના ગર્વમાં બેફામ બન્યો છે, દ્વેષમાં તું અંધ બન્યો છે. રાગદ્વેષને તું છોડ, સ્વસ્થ થા; શાંત થા અને આત્મકલ્યાણના માર્ગે વિહર. તારું તો જ શ્રેય થઈ શકશે.’

ઘાયલ સર્પની જેમ કાતિલ નજર ફેરવતો ગોશાલક પાછો ફર્યો. તેના દેહમાં ભયંકર દાવાનળ પ્રગટ્યો હતો અને સાતમા દિવસે ગોશાલક મૃત્યુ પામ્યો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :