શ્રીકૃષ્ણ પાસેથી શીખીએ કે ક્યારે બોલવું, કેટલું બોલવું અને હા, કેવી રીતે બોલવું
શ્રીકૃષ્ણના જીવનની ઓછી જાણીતી કથાઓમાંથી મેળવીએ મહામૂલો બોધપાઠ
શ્રીકૃષ્ણનું જીવન આમ જુઓ તો ભેદી રહસ્યકથા જેવું છે અને બીજી રીતે જુઓ તો સાવ ખુલ્લી કિતાબ જેવું છે. શ્રીકૃષ્ણની લાઇફસ્ટાઇલ જ એવી છે કે એમાં જે પ્રત્યક્ષ દેખાય છે એવું ખરેખર હોતું નથી અને જે ખરેખર હોય છે એ પ્રત્યક્ષ દેખાતું નથી. શ્રીકૃષ્ણનાં પરાક્રમો, શ્રીકૃષ્ણના ચમત્કારો, શ્રીકૃષ્ણની લીલાઓ, શ્રીકૃષ્ણની કરુણાકૃપાઓ અને શ્રીકૃષ્ણનાં ઉપેદશસૂત્રો આ બધામાં તેમનાં ભિન્ન-ભિન્ન સ્વરૂપો પ્રગટ થાય છે.
આજે શ્રીકૃષ્ણના બર્થ-ડે નિમિત્તે તેમના જીવનની બહુ ઓછી જાણીતી એક-બે કથાઓનું સ્મરણ કરવું છે.
મહાભારતનો મહાસંગ્રામ સમાપ્ત થઈ ગયા પછી શ્રીકૃષ્ણ હસ્તિનાપુરથી વિદાય લે છે. ત્યાં રસ્તામાં તેમને ઉત્તંક ઋષિ સાથે મેળાપ થાય છે. ઉત્તંક ઋષિ વષોર્થી વનમાં રહીને ઘોર તપ કરી રહેલા હોવાથી સંસારમાં અને જગતમાં શું-શું બન્યું હતું એનાથી બેખબર હતા. તેમણે સાવ સ્વાભાવિક રીતે જ શ્રીકૃષ્ણને પૂછ્યું : ‘હસ્તિનાપુરમાં પાંડવો અને કૌરવો સૌ કુશળ છેને?’
શ્રીકૃષ્ણ જવાબ આપે છે, ‘પાંડુના પાંચ પુત્રો સિવાયનો સમગ્ર કુરુવંશ વિનાશ પામ્યો છે.’ આટલું કહીને શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધની કથા સંક્ષેપમાં કહી સંભળાવી. ઉત્તંક ઋષિને ક્રોધ ઉપજ્યો અને તેઓ અભિશાપ આપવાના આવેશમાં આવી ગયા ત્યારે શ્રીકૃષ્ણે પોતાનું પરમાત્માસ્વરૂપ બતાવ્યું એટલું જ નહીં, ઉત્તંક ઋષિને વરદાન આપ્યું કે તમને જ્યારે તીવ્ર તરસ લાગી હોય ત્યારે અને જળ વગર પ્રાણ ચાલ્યા જાય એવી સ્થિતિ હોય ત્યારે મારું સ્મરણ કરજો, તમને જળ મળી જશે.
ત્યાર પછી મરુભૂમિમાં વિચરણ દરમ્યાન ઉત્તંક ઋષિના કંઠે શોષ પડ્યો. જળની તીવ્ર જરૂર જણાઈ. તેમણે શ્રીકૃષ્ણનું સ્મરણ કર્યું. એ જ ક્ષણે એક માતંગ (ચાંડાલ) ત્યાં જળ લઈને ઉપસ્થિત થયો. ઉત્તંક ક્રોધિત થયા. મારા જેવા બ્રાહ્મણ માટે ચાંડાલના હાથ જળ મોકલીને શ્રીકૃષ્ણે મારું અપમાન કર્યું છે એવું તેમને લાગ્યું. તેમણે ગુસ્સામાં આવીને ચાંડાલને પાછો જવા આદેશ કયોર્. શ્રીકૃષ્ણ આ જાણતા જ હતા. તેઓ તરત ત્યાં પ્રગટ થયા અને બોલ્યા, ‘ઋષિવર, તમે જળ માગ્યું હતું અને મેં તમારા માટે અમૃત મોકલ્યું હતું. મેં ઇન્દ્રને તમારી પાસે અમૃત લઈને પહોંચવા આદેશ કયોર્ હતો, પણ તે આવવા તૈયાર નહોતાં. મેં તેને વિશેષ આજ્ઞા કરીને તમારા માટે અમૃત લઈને આવવાની ફરજ પાડી તેથી ઇન્દ્ર સ્વયં માતંગનું રૂપ ધારણ કરીને તમારી પાસે આવ્યા હતા. તમે અમૃત પાછું ઠેલ્યું, હવે જળ પીને તૃપ્ત થાવ.’
આવી કથાઓનો આપણે માત્ર મર્મ જ પકડવાની જરૂર છે. કોઈ શ્રાપ આપે, કોઈ વરદાન આપે, કોઈ ગમે ત્યાં ગમે ત્યારે પ્રગટ પણ થાય અને અલોપ પણ થાય, કોઈ વ્યક્તિ દિવ્ય શક્તિથી પોતાના રૂપને બદલી શકે – આ બધામાં ઝાઝા ઊંડા ઊતરીએ તો કોઠી ધોઈને કાદવ કાઢવા જેવો જ ઉદ્યમ થાય. એટલે આથી કથાઓમાંથી નીર-ક્ષીર વિવેક કરીને સુજ્ઞજનોએ સાર ગ્રહણ કરવાનું જ લક્ષ્ય રાખવું જોઈએ.
ઉપરોક્ત કથાનો સાર એટલો જ કે ઉચ્ચ-નીચ જ્ઞાતિના વાહિયાત ખ્યાલો ન રાખવા જોઈએ. ક્યારેક સામાન્ય વ્યક્તિ પાસેથી પણ કોઈ અણમોલ ચીજ મળી શકે છે. આપણને જ્યારે જે ચીજની જરૂર હોય ત્યારે એ ચીજ જેની પાસેથી મળે તેની પાસેથી લઈ લેવી જોઈએ. લાઇફમાં ક્યારેક સોનાની દાબડીમાંથી માત્ર પથરા મળે છે અને ક્યારેક ફાટ્યા-તૂટ્યા ચીંથરામાં કીમતી રત્ન વીંટાળેલું મળી જતું હોય છે.
શ્રીકૃષ્ણના જીવનની એક બીજી અલ્પ પ્રચલિત કથા પણ જોઈ લઈએ.
મહાભારતના સંગ્રામની સમાપ્ત પછી શ્રીકૃષ્ણ જ્યારે પિતા વસુદેવને મળે છે ત્યારે વસુદેવ પૂછે છે :
‘હે કૃષ્ણ! આમ તો સમગ્ર યુદ્ધકથા હું જાણી જ ચૂક્યો છું, છતાં તારા મુખે એ કથા સાંભળવી એ અનેરો લહાવો બની રહેશે. તું મને ખૂબ વિગતવાર એ ભીષણ સંગ્રામની કથા કહીશ?’
શ્રીકૃષ્ણ તો મહાભારતના યુદ્ધના પળેપળના પ્રત્યક્ષ સાક્ષી અને સૂત્રધાર પણ હતા. છતાં ક્યારે કેટલું કહેવું એની તેમને પૂરેપૂરી ખબર હતી. શ્રીકૃષ્ણ જાણતા હતા કે અભિમન્યુના વધતી વાત પિતાને કહેવાથી તેમને તીવ્ર આઘાત લાગશે. અભિમન્યુ અજુર્નનો પુત્ર તો હતો જ, સાથે-સાથે તે શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનોય પુત્ર હતો! વસુદેવનો તે દોહિત્ર થાયને! પિતાના હૈયાને આઘાત ન લાગે એ રીતે શ્રીકૃષ્ણે માત્ર એટલું જ કહ્યું : ‘પિતાજી આપને મેં યુદ્ધના અઢારેય દિવસનું વૃતાંત કહ્યું અને એમાં આખરે કૌરવોના પક્ષે કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા ઉપરાંત પાંડવોના પક્ષમાં ચાલ્યો ગયેલો યુયુત્સુ એટલા બચી ગયા છે જ્યારે સાત અક્ષૌહિણી પાંડવસેનામાંથી પાંચ પાંડવો, સાત્યકિ અને હું (શ્રીકૃષ્ણ પોતે) એમ કુલ સાત જણાં બચ્યા છીએ.’
શ્રીકૃષ્ણના આ માર્મિક-ભેદી વિધાનમાં આડકતરી રીતે અભિમન્યુના મૃત્યુની હકીકત આવી જ જાય છે. પાંચ પાંડવો ઉપરાંત સાત્યકિ અને શ્રીકૃષ્ણ સિવાય તમામ હણાયા છે એ સત્ય એમાં સમાવિષ્ટ હતું જ. શ્રીકૃષ્ણની મુત્સદ્દી વાણીમાં એકસાથે અનેક રહસ્યો સંતાયેલાં રહેતાં હતાં.
શ્રીકૃષ્ણ પાસેથી વાણીનો આવો વિવેક આપણે શીખવા જેવો છે. સાચી વાત કહી દેવાના આવેશમાં ઘણી વખત આપણે આપણું ખુદનું જ અહિત કરી બેસીએ છીએ કાં તો સ્વજનોની નારાજગી વહોરી બેસીએ છીએ. અસત્ય ન બોલવું એનો અર્થ એવો કદીયે ન કરવો કે સત્ય સઘળું બોલી જ નાખવું. જૂઠું બોલવાની જરૂર નથી એમ દરેક વખતે સાચી વાત બોલી નાખવાની પણ જરૂર નથી જ હોતી.
ગાંધારી ગુસ્સે થઈને જ્યારે શ્રીકૃષ્ણને શાપ આપે છે કે જેવી રીતે મારા કુરુવંશનો સર્વનાશ થયો એવી રીતે તારા યદુવંશનો પણ સંપૂર્ણ નાશ થશે ત્યારે શ્રીકૃષ્ણ સ્વસ્થ રહીને કહે છે, ‘મને તો હતું કે તમે એથી પણ વિશેષ અભિશાપ આપશો, પરંતુ આપ કરુણાવાન માતા છો. આપે મને આ નજીવો શાપ આપીને આપની મહાનતા સિદ્ધ કરી છે.’ અહીં વડીલો પ્રત્યેનો આદર જાળવવાનું શ્રીકૃષ્ણનું ચરિત્ર આપણને જોવા મળે છે.
મહાભારતના સંગ્રામની ઘોર પૂર્ણાહુતિ પછી પાંચ પાંડવો સહિત શ્રીકૃષ્ણ જ્યારે ધૃતરાષ્ટ્રને મળે છે ત્યારે ધૃતરાષ્ટ્ર પોતાના ક્રોધને છુપાવી રાખીને ભીમને ભેટવાની ઝંખના વ્યક્ત કરે છે. શ્રીકૃષ્ણ પળ પારખી જાય છે. ધૃતરાષ્ટ્ર અંધ હતા પણ દસ હજાર હાથી જેટલું શરીરબળ ધરાવતા હતા (એવું કહેવાયું છે). ધૃતરાષ્ટ્રને ભીમ માટે કાંઈ વહાલ તો ન જ ઊપજ્યું હોયને. કૌરવસેનાનો સંહાર કરવામાં ભીમ જ સૌથી મોખરે હતો. વળી દુયોર્ધનની જાંઘ તોડીને તેનું રક્ત પીવાની પ્રતિજ્ઞા પણ તેણે પાળી બતાવી હતી. એવી પરિસ્થિતિમાં જ્યારે ધૃતરાષ્ટ્રે ભીમને આલિંગવાનો ઉમળકો બતાવ્યો ત્યારે શ્રીકૃષ્ણે ચાલાકી વાપરી. દુયોર્ધને અગાઉ ભીમની લોખંડની પ્રતિમા બનાવી રાખી હતી એની સાથે ધૃતરાષ્ટ્રનું આલિંગન કરાવ્યું. ધૃતરાષ્ટ્રે કચકચાવીને એ પ્રતિમાને ભીમ સમજીને કચડી નાખી. શ્રીકૃષ્ણ એ વખતે બોલ્યા, ‘આપને ભીમની હત્યાનું પાપ ન લાગે એ માટે મેં દુયોર્ધને બનાવેલી ભીમની લોખંડની પ્રતિમા આગળ કરી હતી. ભીમ આપના આર્શીવાદ ઝંખે છે.’
વિકટ અને વિષમ સંજોગોમાં યોગ્ય નર્ણિય લેવાની સૂઝબૂઝ શ્રીકૃષ્ણ પાસેથી આપણે સૌએ લેવી જેવા છે. શ્રીકૃષ્ણ સ્વયં મુત્સદ્દી હતા, તો તેમની સામે થોડાક મુત્સદ્દી આપણેય થઈ જ શકીએને!
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
