રાષ્ટ્રપતિએ 62 ખેલાડીઓને સન્માનિત કર્યા
રમતગમતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ખેલાડીઓ, કોચને આજે રમત ગમત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં રમત પુરસ્કારોનું વિતરણ કર્યું. દર વર્ષે રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનારને વિવિધ કેટેગરીમાં પુરસ્કારો આપવામાં આવે છે. જેમાં ખેલ, રત્ન, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક એવોર્ડ, મૌલાના અબુલ કલામ આઝાદ એવોર્ડનો સમાવેશ થાય છે.
રમતગમતની દુનિયામાં સર્વોચ્ચ સન્માન ખેલ રત્ન એવોર્ડ આ વર્ષે 12 ખેલાડીઓને આપવામાં આવ્યો. આ પહેલીવાર છે જ્યારે એક સાથે આટલા બધા ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હોય. પહેલા 11 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહનું નામ પણ તેમાં જોડાયું હતું.
ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ જીતનાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા (Neeraj Chopra)ને આ એવોર્ડ આપવામાં આવ્યો. આ સિવાય પુરુષ કુસ્તીબાજ રવિ દહિયા, મહિલા બોક્સર લવલિના બોર્ગોહેન, હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ, પેરાલિમ્પિક મેડલિસ્ટ શૂટર અવની લેખરા, પેરાથ્લેટ સુમિત એન્ટિલ, પેરા બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત, કૃષ્ણ નાગર, પેરા શૂટર મનીષ નરવાલે પણ અવોર્ડથી સન્માનિત કરાવમાં આવ્યાં છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ, હોકી ટીમના કેપ્ટન સુનીલ છેત્રીને પણ ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા.
35 લોકોને અર્જુન એવોર્ડ
આ સાથે જ કુલ 35 લોકોને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોટાભાગના ખેલાડીઓ હોકી સાથે સંકળાયેલા હતા. જેમાં પુરૂષ અને મહિલા બંને ટીમના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતીય પુરુષ હોકી ટીમે ચાર દાયકા બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. આ વખતે ટીમ બ્રોન્ઝ મેડલ સાથે વાપસી કરી હતી.
પુરુષ ટીમમાંથી દિલપ્રીત સિંહ, હરમનપ્રીત સિંહ, રુપિન્દર પાલ સિંહ, સુરેન્દ્ર કુમાર, અમિત રોહિદાસ, બિરેન્દર લાકરા, સુમિત, નીલકાંત શર્મા, હાર્દિક સિંહ, વિવેક સાગર સિંહ, ગુરજંત સિંહ, મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, વરુણ કુમાર છે. આ સાથે જ આમાં ક્રિકેટર શિખર ધવનનું નામ પણ સામેલ છે. આ યાદીમાં તલવારબાજ ભવાની દેવીની સાથે ઘણા પેરા એથ્લેટ્સનો પણ સમાવેશ થાય છે.
આ કોચને દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો
એથ્લેટિક્સ કોચ ટીપી ઓસેફ, ક્રિકેટ કોચ સરકાર તલવાર એવા કોચમાં સામેલ છે જેમને લાઈફ ટાઈમ કેટેગરીમાં દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમાં હોકી કોચ સરપાલ સિંહ, કબડ્ડી કોચ આશાન કુમાર અને સ્વિમિંગ કોચ તપન કુમાર પાણિગ્રહીનું નામ પણ સામેલ છે. બીજી તરફ એથ્લેટિક્સ કોચ રાધાકૃષ્ણન નાયર, બોક્સિંગ કોચ સંધ્યા ગુરુંગ, હોકી કોચ પ્રિતમ સિવાચ, પેરા શૂટિંગ કોચ જય પ્રકાશ નૌટિયાલ, ટેબલ ટેનિસ કોચ સુબ્રમણ્યમ રમણને દ્રોણાચાર્ય એવોર્ડની નિયમિત શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે.
લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડની યાદીમાં કોચ લેખ કેસી, ચેસ કોચ અભિજિત કુંટે, હોકી કોચ દવિંદર સિંહ ગરચા, કબડ્ડી કોચ વિકાસ કુમાર, કુસ્તી સજ્જન સિંહના નામ સામેલ છે.ખેલ રત્ન એવોર્ડમાં 25 લાખ રૂપિયાનું રોકડ ઈનામ, મેડલ અને સન્માન પત્ર આપવામાં આવે છે. અર્જુન પુરસ્કારમાં 15 લાખ રૂપિયાની ઈનામી રકમ, એક કાંસ્ય પ્રતિમા અને સન્માનનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રસંગે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, તેમના પુરોગામી કેરેન રિજિજુ અને અન્ય મહાનુભાવો પણ હાજર હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
