25. September 2022
November 28, 20211min199

IPO : PAYtmમાંથી બોધપાઠ લો, સ્ટિંગ પહેલાં અને લિસ્ટિંગ પછી આટલું ધ્યાન રાખો

Share On :

વર્ષ ૨૦૨૧ શૅરબજાર માટે અત્યારસુધી ખૂબ જ ઉત્તેજનાપૂર્ણ અને ખાસ તો પ્રાઈમરી માર્કેટ નવાં ભરણાં (આઈપીઓ)ની બજાર માટે અતિ સારું રહ્યું છે. જાન્યુઆરીથી અત્યારસુધીમાં આવેલા ૫૧ આઈપીઓમાંથી ૩૮ આઈપીઓના ભાવ તેની ઓફર પ્રાઇસથી ઊંચા બોલાઈ રહ્યાં છે. અમુક કંપનીઓના ભાવ તો ઓફર પ્રાઇસથી ડબલ પણ થયા છે. પેટીએમના અપવાદને બાદ કરતા એકંદરે રોકાણકારો મોટેભાગે કમાયા છે, આ કંપનીઓ એક લાખ કરોડ રૂપિયાથી વધુ  ભંડોળ ઊભું કરવામાં અને પોતાની બ્રાન્ડ ઊંચે લઈ જવામાં સફળ થઈ છે. અલબત્ત, આમાંથી ઘણી કંપનીઓના શેરના ભાવ લિસ્ટિંગ બાદ ધીમે-ધીમે ઘટવા લાગ્યા છે. અર્થાત્ આ ઘોડા મહત્તમ દશેરાના દિવસે જ દોડ્યા કહી શકાય. બાકી ઓકે-ઓકે.  હજી કેટલીક નામાંકિત કંપનીઓના આઈપીઓ કતારમાં છે અને આગામી થોડાં સપ્તાહમાં તે પણ પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશવા થનગની રહ્યા છે. જોકે તાજેતરમાં પેટીએમના આઈપીઓ મારફત મળેલા પાઠ બાદ રોકાણકારોમાં એલર્ટ આવ્યા છે. જો કે લેટેન્ટના આઈપીઓની ભવ્ય સફળતાએ ફરી નવી આશા જગાવી છે. તેથી જ આ વિષયમાં કેટલીક બાબતો સમજવી અને તેનો અમલ કરવો જરૂરી છે. 

આઈપીઓમાં રિટેલ રોકાણકારો બહુ મોટી સંખ્યામાં સામેલ થઈ રહ્યા છે અને આઈપીઓમાં રોકાણ મારફત લિસ્ટિંગ સમયે અદ્ભુત વળતર મળી રહ્યું છે એટલે ઝટપટ કમાઈ લેવાની વૃત્તિવાળા રોકાણકારોનું ઘોડાપૂર પ્રાઈમરી માર્કેટમાં આવ્યું છે અને તેમાંના ઘણાં શેરો આઈપીઓની ૨૦૦૯ અને ૨૦૧૧ની તેજી કરતાંય સારી કામગીરી કરી રહ્યા છે. તમે હજી આઈપીઓ બજારમાં સામેલ ન થયા હો પરંતુ હવે તેમાં રોકાણ કરવા માગતા હો તો તમારે મૂડીરોકાણ કરવા પૂર્વે અને પછી પણ નીચેના પાયાના-મહત્ત્વના મુદ્દાઓ ચકાસી જવાની જરૂર છે. તમે શોર્ટ ટર્મ રોકાણકાર હો અને માત્ર લિસ્ટિંગ બાદ નીકળી જવાનો વિચાર હોય તો આ વાત સાવ જ જુદી છે, પરંતુ તમે ગંભીર રોકાણકાર છો અને શેર ધરાવી રાખવા માગો છો તો વાત સાવ અલગ છે. 
હંમેશાં પ્રોસ્પેક્ટસ વાંચો
પ્રોસ્પેક્ટસ એવો દસ્તાવેજ છે, જેમાં સંભવિત રોકાણકારોને આમંત્રણ આપવામા આવ્યું હોય છે. પ્રોસ્પેક્ટસમાં બિડ રેન્જ, લઘુતમ બિડ, આઈપીઓ ખૂલવાની અને બંધ થવાની તારીખો આપેલી હોય છે. આમાં ખાસ ધ્યાન બિડની રેન્જ પર આપવાની જરૂર છે, કારણ કે ખોટ કરતી કંપનીઓ આઈપીઓ લઈને આવવાના કિસ્સા વધી રહ્યા છે એટલે બિડની રેન્જ પ્રાપ્ત થયેલી બિડની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે. આથી તમારે તમારા બ્રોકરને સ્પષ્ટ રીતે જણાવવાની જરૂર છે કે તમે ઓછામાં ઓછા કેટલા શેર્સ શું કિંમતે ખરીદવા તૈયાર છો. તમારા બજેટની અધિક કિંમત હોય તો તમે એ ચીજ ન ખરીદો એના જેવી આ વાત છે. 
વ્યક્તિગતપણે કે સંયુક્તપણે મૂડીરોકાણ કરવું
તમે જે ખાતામાંથી રોકાણ કરો એ વ્યક્તિગત કે જોઈન્ટ હોઈ શકે છે. જો એકાઉન્ટ જોઈન્ટ હોય તો જોડાયેલી વ્યક્તિઓ સાથે રોકાણની પ્રક્રિયા, ડોક્યુમેન્ટ્સ વગેરેની ચર્ચા કરી લેવી સારી જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો ન થાય અને કૌટુંબિક સંબંધ ન બગડે. કોઈ એક ખાસ વર્ગના રોકાણ માટે કુટુંબના સભ્યો વચ્ચે મૂડીરોકાણ અને તેના જોખમ લેવાના પ્રમાણ સંબંધિત સંમતિ અંગેનું કરારનામું પણ થઈ શકે છે. આ કરારમાં કુટુંબની કઈ વ્યક્તિઓ રોકાણનો કારભાર કરશે એની અને જરૂરી ગુપ્તતા જાળવવા માટેની જોગવાઈ પણ કરી શકાય. જ્યારે તમે આ અંગે અનિશ્ર્ચિત હો ત્યારે કાનૂની સલાહ લો.
 કંપનીનું બેકગ્રાઉન્ડ ચેક કરો 
કંપનીનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેકટસ કંપનીનું સાચું ચિત્ર દર્શાવવા માટેનો દસ્તાવેજ છે. કંપનીનો ઈતિહાસ અને અન્ય કંપનીઓ સાથેના તેના તાણાવાણા જાણવા માટેનો એ શ્રેષ્ઠ દસ્તાવેજ છે. કંપની આઈપીઓ લાવીને એટલે કે તમને શેરો વેચીને એ ભંડોળનું શું કરવા માગે છે એના પર ધ્યાન આપો. આ દસ્તાવેજ ઘણો લાંબો હોય છે પરંતુ તેમાંની મહત્ત્વની વિગતો જેવી કે જોખમી પરિબળો પર નજર ફેરવી લો એ જરૂરી છે. શું એ જોખમો તમે કે તમારા ભાગીદારો તમારી આર્થિક શક્તિનો વિચાર કરી લેવા માગો છો કે નહિ તે નક્કી કરો. કંપની વિરૂદ્ધ કયા અને કેવા કેસો પેન્ડિંગ છે એ પણ જાણી લો. આવા કેસોની યાદી પણ પ્રોસ્પેક્ટસમાં આપવામાં આવી હોય છે. કેસોનો નિકાલ કંપનીની તરફેણમાં આવવાની સંભાવનાનો અંદાજ પણ તમને તેનાથી આવી શકે છે. કંપની પર કેવી નાણાકીય જવાબદારી આવી શકે છે એ સમજી લેવામાં સાર.
માર્કેટ ઓવરવ્યુનું મહત્ત્વ
તમારે એ ન ભૂલવું જોઈએ કે તમે રોકાણકાર છો અને કંપનીએ ભૂતકાળમાં વેન્ચર કેપિટલિસ્ટ્સને જે વચનો આપીને રોકાણ પ્રાપ્ત કર્યું હતું એ હવે તમને આપવામાં આવી રહ્યાં છે પણ તમારી સ્થિતિ વેન્ચર કેપિટલિસ્ટ્સિની તુલનાએ ભિન્ન છે. એટલે તમારે સ્વતંત્ર રીતે વિચાર કરવો જોઈએ કે શું આ રોકાણ કરવું યોગ્ય છે કે નહિ. પ્રોસ્પેક્ટસમાં એક શીર્ષક હોય છે ‘માર્કેટ ઓવરવ્યૂ’ તેમાં બજારની સ્થિતિનો અને સંભવિત જોખમોનો ચિતાર હોય છે એનો વિચાર તમારા લાભ માટે કરી શકો છો. ઘણી એવી કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે, જેની સર્વિસીસ કે પ્રોડક્ટ્સ આપણે વાપરતા હોઈએ અથવા એવી કંપનીઓ કે જેને આપણે જાણતા હોઈએ. દાખલા તરીકે ઝોમેટો, પેટીએમ, નાયકા પરંતુ તેમાં રોકાણ કરવા માટે તો તે કંપનીઓની નાણાકીય સ્થિતિનો અભ્યાસ કરવો જ પડે. માત્ર સાંભળેલી વાતોથી કે પાયાની જાણકારીના આધારે તેમાં રોકાણ કરાય નહિ. 
 તમારી વર્તમાન કંપની સાથેનું ઘર્ષણ
જો તમે કોઈ કંપનીમાં કામ કરતા હો તો તમે જે કંપનીમાં રોકાણ કરવાના છો એ કંપની તમારી વર્તમાન કંપનીની હરીફ હોય તો તમારે સાવધ થઈ જવું જરૂરી છે. અગાઉ તો એવું હતું કે તમે વ્યક્તિગત રૂપે કોઈ પણ કંપનીમાં રોકાણ કરો એનાથી તમે જેમાં કામ કરો છો એ કંપનીને કશી લેવાદેવા નહોતી. પરંતુ હવે કંપનીઓ અગાઉથી એવી શરત તમારા નિમણૂક પત્રમાં સામેલ કરી દે છે કે તમે એ જ ક્ષેત્રની અન્ય કોઈ કંપનીમાં મૂડીરોકાણ નહિ કરો. તમારે રોકાણ કરવા પૂર્વે એ તપાસી લેવું જોઈએ કે તમે આવી કોઈ શરત પર સહી કરી છે કે નહિ. એ શક્ય છે કે તમે જે કંપનીમાં રોકાણ કરવા જઈ રહ્યા છો તે કંપની તમારી વર્તમાન કંપની સાથે સંઘર્ષમાં હોય.
 કેપિટલ ગેઈન્સ અને ટેકસ
તમે જે નફો આઈપીઓના લિસ્ટિંગ સમયે કમાઓ છો તેના પર કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે અને તેની જાણ તમારે તમારા આવકવેરાના રિટર્નમાં કરવાની રહે છે. હવે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) અને આધાર જોડાયેલાં હોવાથી એ સંભવ છે કે આવકવેરા વિભાગની નજર તમારા પર હોય અને તે એવી અપેક્ષા રાખતા હોય કે તમે પ્રામાણિકપણે આઈટી રિટર્ન ફાઈલ કરો. તમે જે રોકાણ કરો અને નફો કરો એનો સતત તાળો મેળવતા રહો. તમારા એ સોદાઓની તમારા આઈટી રિટર્ન પર શી અસર થશે એની સલાહ પણ પ્રોફેશનલ કરનિષ્ણાત પાસેથી લો. આઈટી રિટર્નમાં આવકનાં પાંચ શીર્ષક હોય છે અને તેમાં કેપિટલ ગેઈન્સનો પણ સમાવેશ છે એટલે તમે પગારની દૃષ્ટિએ આવકવેરાના નીચા ટેક્સ બ્રેકેટમાં ભલે આવતા હો પરંતુ એ શક્ય છે કે આઈપીઓ રોકાણમાંથી થયેલા નફાને પગલે તમે આવકવેરાના ઊંચા બ્રેકેટમાં આવી જાઓ.
આઈપીઓમાં રોકાણ કરતા ઈન્વેસ્ટરોની માનસિકતા
આઈપીઓમાં વિવિધ માનસિકતા સાથેના રોકાણકારો ભાગ લે છે. એક, સાવ નવા રોકાણકારો, જેઓ આઈપીઓને એન્ટ્રી પોઈન્ટ ગણે છે. બીજા, આઈપીઓમાં ઝટપટ નફો મેળવવા રોકાણ કરે છે, તેમનો હેતુ લિસ્ટિંગ બાદ ભાવ ઊંચા જાય કે તરત નફો લઈ લેવાનો હોય છે. ત્રીજા પ્રકારના રોકાણકાર કંપનીનો ટ્રેકરેકોર્ડ મજબૂત હોય અને પ્રમોટર્સ-મેનેજમેન્ટ ગ્રુપ સારું હોય તો લાંબા ગાળા માટે રોકાણ કરવાના ઈરાદાથી શેર જાળવી રાખવા રોકાણ કરે છે. ઘણાં આઈપીઓની ગ્રે માર્કેટ (બિન-સત્તાવાર) માર્કેટના ટ્રેન્ડને જોઈ રોકાણ કરે છે. અમુક પોતાની પાસેની વધારાની પ્રવાહિતાને આધારે રોકાણ કરી દે છે. હાલ તો મોટા ભાગના રોકાણકારો લિસ્ટિંગ બાદ તરત નફો કરવા રોકાણ કરતા થયા છે. અગાઉ લોકો લોંગ ટર્મ માટે કરતા હતા, હવે શોર્ટેસ્ટ ટાઈમ માટે કરે છે. આવા રોકાણકારો ફાઈનાન્સ મેળવીને રોકાણ કરતા હોવાથી તેમની હોલ્ડિંગ કેપેસિટી હોતી નથી. 

આઈપીઓ સંબંધી આ હકીકત કાયમ યાદ રાખો

આઈપીઓ માટે એક પાયાની વાત એ સમજી રાખો કે આઈપીઓ લાવનાર મોટાભાગની કંપનીઓ પોતાનું ગુલાબી ચિત્ર જ તમારી સમક્ષ મૂકશે. સેબીની આઈપીઓ સંબંધી ભાવ નીતિ મુકત હોવાથી કંપની તેના શેરની ઓફર પ્રાઈસ બેફામ મૂકે છે. મર્ચન્ટ બેન્કર્સ તેમને ફુલ સપોર્ટ કરે છે, કારણ કે તેમને તગડી ફી કંપની જ ચૂકવે છે. આ સાથે વિવિધ મીડિયા, પીઆર,ચોકકસ બ્રોકરોની મંડળી સહિત ઘણી તકવાદી હસ્તીઓ આ વહેતી ગંગામાં પોતાના હાથ ધોઈ લે છે, તેમને મન તો વર મરો, ક્ધયા મરો, ગોરનું તરભાણું ભરોનો મંત્ર જાપ ચાલતો હોય છે. કંપનીઓ એકવાર ભંડોળ ઊભું કરી લે એ પછી તે પોતાના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. આમાં મોટી રકમ ઘર ભેગી પણ કરાય છે. અથવા તેની બીજી કંપનીઓમાં પણ શિફટ કરાય છે. જેથી રોકાણકારોએ એ પણ જોવું જોઈએ કે કંપની કયાં નાણાંનો વપરાશ કરવા ભંડોળ ઊભું કરી રહી છે. એ પછી કંપની કયાં નાણાં વાપરી રહી છે. આ બધાં કંપનીના હિસાબમાં મળે છે. ઘણી કંપનીઓ પોતાનું દેવું ઓછું કરવા ભંડોળ ઊભું કરે છે. કેટલીક કંપનીઓ રોકાણકારોના ભોગે બિઝનેસના જોખમો ઊઠાવે છે. અમુક કંપનીઓ પોતાનું હોલ્ડિંગ ઓછું કરવા અને તેના અન્ય પ્રાથમિક રોકાણકારોને છૂટા કરવા આઈપીઓ લાવતી હોય છે, જેમાં નાણાં ખરેખર કંપનીના બિઝનેસમાં નહીં બલકે પ્રમોટર્સના અને પ્રાથમિક રોકાણકારોના ખિસ્સામાં જાય છે. તેથી જ અનેક આઈપીઓમાંથી કેટલાંય આઈપીઓ અમુક વરસ બાદ ગુમ થઈ જાય છે અથવા તેના શેરના ભાવ અડધા યા ઢીલા પડી જાય છે. તેનો ચાર્મ ખતમ થઈ જાય છે. ઉત્સાહથી શેરો ખરીદનારા રોકાણકારો છેલ્લે ઉદાસીન રહી જાય છે. હવે તમારે શું કરવું એ તમારે પોતાની વિવેકબુદ્ધિના આધારે નકકી કરવું જોઈશે.                                                          

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Share On :