CIA ALERT

7/9 : ગુજરાત કોરોના અપડેટ : 1335 નવા કેસ : 14 મોત

Share On :

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો ત્રણ દિવસમાં નવો વિક્રમ સર્જાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૩૩૫ કેસ નોંધાયા છે અને ૧૪ દર્દીઓના મૃત્યુ કોવિડ-૧૯થી થયાનું જાહેર કરાયું છે. સૌથી ગંભીર સ્થિતિનો સામનો કરતાં સુરતમાં હવે પ્રવાસી શ્રમિકોનું પુન: આગમન થતાં સંક્રમણ વધ્યું છે એની સાથોસાથ ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ ઉદ્યોગ ધમધમતાં થતાં ફરીથી સંક્રમણે માથુ ઊચક્યું છે. સુરત શહેરમાંથી નવા ૧૮૫ કેસ તેમજ ગ્રામ્યમાંથી ૧૧૦ કેસ મળ્યા છે સાથોસાથ અનુક્રમે ૩ અને ૨ દર્દીઓના મૃત્યુ થયા છે.

દરમિયાન, રવિવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં અમદાવાદામંથી નવા ૧૭૩ કેસ મળ્યા છે જેમાં શહેરના ૧૫૨ કેસ છે અને વધુ ત્રણ દર્દીના મૃત્યુ થયા છે. આ જ રીતે વડોદરા શહેરમાંથી નવા ૯૦ કેસ ઉમેરાયા છે અને જિલ્લામાંથી ૩૭ કેસ મળી કુલ ૧૨૭ કેસ નોંધાયા છે. શહેરમાંથી એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગાંધીનગરમાંથી કુલ ૪૧ કેસ નોંધાયા છે એમાં શહેરના ૨૦ કેસનો સમાવેશ થાય છે. એક મૃત્યુ પણ ગ્રામ્યમાં નોંધાયું છે.

સૌરાષ્ટ્રના હોટ સ્પોટ બનેલા રાજકોટમાંથી નવા ૧૦૧ કેસ તથા ગ્રામ્યમાંથી ૫૦ કેસ મળ્યા છે. અહીં સઘન રીતે ટેસ્ટીંગ અને કોન્ટેક્ટ ટ્રેકિંગ શરૂ કરાયું છે એના પગલે કેસ બહાર આવી રહ્યા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. રાજકોટ પછી જામનગરમાંથી આજે પણ નવા ૯૭ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી ૯ મળી કુલ ૧૦૬ કેસ થાય છે. ભાવનગર શહેરમાંથી ૨૭ અને ગ્રામ્યના ૨૨ મળી ૪૯ નવા કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાંથી કુલ ૨૯ કેસ મળ્યા છે એમાં ગ્રામ્યના ૧૭ કેસ છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો પંચમહાલમાંથી નવા ૩૧, કચ્છ અને મહેસાણામાંથી ૨૯-૨૯ કેસ, નર્મદા, અમરેલીમાંથી ૨૩-૨૩ કેસ નોંધાયા છે. જ્યારે ભરૂચમાંથી ૨૨ કેસ મળ્યા છે. મોરબી અને સુરેન્દ્રનગરમાંથી ૨૧-૨૧ કેસ, દાહોદમાં ૧૭ કેસ નોંધાયા છે. પાટણમાંથી ૧૬, ગીર સોમનાથમાંથી ૧૫ અને આણંદમાંથી ૧૪ કેસ નવા નોંધાયા છે. તાપીમાંથી નવા ૧૩, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠામાંથી ૧૨-૧૨ કેસ ઉમેરાયા છે. આ સિવાય ખેડા અને નવસારીમાંથી નવા ૧૧-૧૧ કેસ, વલસાડમાંથી ૮, છોટાઉદેપુરથી ૬, મહીસાગરના ૫, અરવલ્લીમાંથી ૪ અને બોટાદ, પોરબંદરમાંથી ૩-૩ કેસ નવા ઉમેરાયા છે. કચ્છ, મોરબી અને ગીર સોમનાથમાંથી એક એક દર્દીના મૃત્યુ પણ નોંધાયા છે.

આમ, નવા ૭૨,૫૬૧ ટેસ્ટ કરાયા છે અને કુલ ટેસ્ટનો આંક ૨૭,૮૦,૬૮૧ સુધી પહોંચ્યો છે અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસ ૧,૦૪,૩૪૧ થયો છે જ્યારે નવા ૧૨૧૨ દર્દી સાજા થતાં કુલ ડિસ્ચાર્જ થનારનો આંક ૮૪,૭૫૮ થયો છે. અલબત્ત, મૃત્યુ આંક પણ વધીને ૩૧૦૮ થયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૬૪૭૫ થઇ છે એમાં ૯૨ દર્દી વેન્ટીલેટર ઉપર અને બાકીના ૧૬૩૮૩ સ્ટેબલ છે.

સંક્રમણને ખાળવા આવા પગલાં લેવા કેન્દ્રની સૂચના

રવિવારે કેન્દ્રીય આરોગ્ય સચિવે ગુજરાતના સુરત જિલ્લામાં વધતાં જતાં સંક્રમણને લઇને ચિંતા વ્યક્ત કરી હતી અને તેને નાથવા માટે નવા પગલાં લેવા સરકારને સૂચના આપી છે.

  •  ચેપનિયંત્રણના કડક પગલાંઓનો અમલ અને સામાજિક અંતરના પગલાંઓનું પાલન કરવું, ચુસ્ત પરિસીમા નિયંત્રણ અને ઘરે-ઘરે સક્રિયપણે કેસ તપાસ હાથ ધરીને ચેપના ફેલાવાને મર્યાદિત કરવો.
  •  RT-PCR ટેસ્ટિંગ ક્ષમતાનો વૈકલ્પિક ઉપયોગ કરીને સમગ્ર જિલ્લાઓમાં પરીક્ષણમાં વધારો કરીને વહેલાસર કેસની ઓળખ કરવી.
  •  ઘરે આઇસોલેશનમાં રહેલા કેસો ઉપર પ્રભાવશાળી દેખરેખ અને બિમારી વધવાના કિસ્સામાં વહેલાસર હોસ્પિટલમાં દાખલ કરવા.
  •  સરળતાથી હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા અને ખાસ કરીને સહબિમારી અને વૃદ્ધ વસ્તીના કિસ્સામાં તબીબી સહાયતાની જરૂરિયાત ધરાવતાં દર્દીઓને વહેલાસર દાખલ કરવા.
  •  આરોગ્યસંભાળ કાર્યકરોને ચેપના સંપર્કમાંથી સુરક્ષિત રાખવા માટે હોસ્પિટલમાં અસરકારક ચેપ નિયંત્રણ પગલાંઓ અનુસરવા.
  •  જિલ્લા કલેક્ટરો અને અન્ય કાર્યસત્તામંડળો અત્યાર જેટલી જ સખતાઇ રાખીને મહામારીને નિયંત્રિત કરવા પોતાના પ્રયત્નો ચાલુ રાખવા માટે જિલ્લા સંબંધિત આયોજનો તૈયાર કરવા અને અદ્યતન કરશે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :