ગુજરાત ભાજપની રેલીઓ-મિટીંગો કોરોના કરીયર નિવડી
કમલમ્ માં કોરોનાના કેસો મળ્યા ત્યાં સુધી આંખો ઉઘડી નહીં
તા.8મી સપ્ટેમ્બરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ માં પ્રવક્ત પંડ્યા સમેત આઠેક જણા કોરોના પોઝીટીવ આવ્યાના સમાચારો બાદ ભાજપ કાર્યાલયમાં ગતિવિધિઓ પર બ્રેક લાગી, ઉલ્ટાનું તા.8મીએ પ્રદેશ યુવા પાંખની મિટીંગ પણ મોટા ઉપાડે યોજવામાં આવી, પરંતુ, બપોર બાદ ખુદ ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની તબિયત બગડતા ભાજપે કમલમમાં ગતિવિધિઓ પર રોક લગાડવાનું શરૂ કર્યું. ગુજરાત ભાજપના પ્રમુખ પદે સી.આર.પાટીલના આગમન પછી રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં કાર્યકરોની ભીડ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે કોરોનાએ દેખા દીધી છે. અહીં ચારેક જણાને કોરોના થયો છે.
કાર્યાલય મંત્રી પરેશ પટેલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, કર્મચારીઓને લાવવા લઇ જવા માટે ઉપયોગમાં લેવાતી કારના ડ્રાઇવર, બે સફાઇ કર્મચારીઓને કોરોના થયો છે. આને પગલે મંગળવારથી કાર્યાલયમાં તમામ ગતિવિધિઓને નિયંત્રિત કરી દેવાઇ છે. અંદર દાખલ થનારનું ટેમ્પરેચર માપવા માટે ગનનો ઉપયોગ શરૂ કરાયો છે જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ માટે પટ્ટીઓ ગોઠવવામાં આવી છે. જોકે, આ પરિસ્થિતિ વચ્ચે આજે યુવા મોરચાની બેઠક યોજાઇ હતી. જેમાં પાટીલ અનુપસ્થિત રહ્યાં હતાં. જ્યારે મંગળવારે જયદ્રથસિંહ પરમારે હાજર રહી કાર્યકરોની રજૂઆતો સાંભળી હતી.
ખુદ સી.આર. પાટીલ સપડાયા
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી.આર. પાટીલ મંગળવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધબારણે બેઠક કર્યા પછી એકાએક એપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતાં. કોરોનાની મહામારી વચ્ચે ગયા મહિને રાજકીય મેળાવડાઓ પર પ્રતિબંધ હતો છતાંય દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને હમણાં ઉત્તર ગુજરાતમાં રેલીઓ યોજ્યા પછી પાટીલે હોસ્પિટલની વાટ પકડતાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. પાટીલે પોતે ટ્વીટ કરીને જાહેર કર્યું છે કે, તેમનો એન્ટીજેન રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાય છે. એક માહિતી મુજબ એમના ચેસ્ટ સીટી સ્કેન રિપોર્ટમાં સંક્રરમણ હોવાની ચર્ચા છે. જોકે, હોસ્પિટલે પાટીલ અંગે સત્તાવાર કોઇ હેલ્થ બુલેટિન બહાર પાડ્યું નથી.
અહીંથી ભાજપાની રેલીઓ-મેળાવડાઓ કોરોના કરીયર બનવા માંડ્યા
70 વર્ષીય પાટીલને ગયા મહિને જ ભાજપ નેતૃત્વએ પ્રદેશની જવાબદારી સોંપી હતી અને એ સાથે જ એમણે રાજ્યભરનો પ્રવાસ શરૂ કર્યો હતો. આ પ્રવાસને પગલે વેરાવળ તાલુકા ભાજપના મહામંત્રી કોરોનાગ્રસ્ત થયા હતા અને ટૂંકી સારવાર બાદ મૃત્યુને ભેટ્યા હતાં.. ત્યાર બાદ મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પાટીલની સાથે જ યાત્રામાં જોડાયા હતા, એમને ચેપ લાગ્યો હતો. ભાજપના જ સાંસદો અભય ભારદ્વાજ અને રમેશ ધડુક, ધારાસભ્યો ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, સુરેન્દ્રનગર ભાજપ પ્રમુખ દિલીપ પટેલ, મહામંત્રી જગદીશ મકવાણા સહિત અનેક આગેવાનો, કાર્યકરોને સંક્રમણ થયું હતું. ઉત્તર ગુજરાતની રેલીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી દિલીપ ઠાકોર, ધારાસભ્યો અને સાંસદો સાથે રહ્યાં હતા. આ પૈકી મોટાભાગના ઉંમરલાયક હોવાથી એમના માટે કોરોનાનું સંક્રમણ લાગી જવાની શક્યતાઓ વધારે હતું. ઉત્તર ગુજરાતની રેલી બાદ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા કોરોનામાં સપડાતા યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થયા છે.
પાટીલે જવાબદારી સંભાળ્યા પછી ગુજરાતમાં કોરોનાની કોઇ સ્થિતિ જ ન હોય એવી રીતે શરૂ કરેલા પ્રવાસ, રેલીઓ અને મેળાવડાની ચોમેરથી આકરી ટીકાઓ થઇ હતી. રાજ્યમાં સવા સો વર્ષ કરતાં વધુ સમયથી, કોમી હુલ્લડોમાં પણ નીકળતી અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ટોકન સ્વરૂપે પણ યોજવા દેવાનો ઇન્કાર કરનાર રૂપાણી સરકારની આ મુદ્દે આંખમીચામણાં કરવા બદલ આકરી ટીકા થઇ હતી. ખુદ ભાજપના અનેક કાર્યકરોએ પણ આવા કપરા સમયમાં ભીડ એકત્રિત કરી સ્વાગત, રેલીઓ પ્રત્યે નાખુશી વ્યક્ત કરી હતી. છેલ્લા પાંચ મહિનાથી ભાજપ તેના કાર્યકરોના સેવાકીય કાર્યોને લઇ કોરોના વોરિયર તરીકે પ્રસ્થાપિત થવા મથામણ કરતો હતો, તે હવે કોરોના કેરિયર સાબિત થતાં શાસક પક્ષ માટે કફોડી સ્થિતિ સર્જાઇ છે.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


