
નરેશ કાપડીયા, બ્લોગર CIA live
શ્રી નરેશ કાપડીયા શહેરના જાણીતા નાગરિક છે. ગુજરાતી ભાષા પર જબરદસ્ત પ્રભુત્વ છે એવું તેમની વાણી પરથી સ્પષ્ટ ખ્યાલ આવે. તેઓ સુરતની સૌથી પહેલી પરફોર્મિંગ આર્ટસ કોલેજના સંચાલન સાથે સંકળાયેલા છે. શહેરમાં નાટ્ય અને સંગીત ક્ષેત્રમાં જેટલું જ્ઞાન તેમની પાસે છે તેટલું કદાચ અન્ય કોઇ પાસે નહીં હોય. સીઆઇએ લાઇવ માટે તેઓ નિયમિત રીતે બ્લોગ લખશે.
બેમિસાલ અભિનેત્રી કાજોલ

લગ્ન પહેલાં કાજોલ મુખર્જી અને હવે કાજોલ દેવગણનો ૪૪મો જન્મ દિન. ૫ ઓગસ્ટ, ૧૯૭૪ના રોજ મુંબઈમાં તેમનો જન્મ. અભિનેત્રી માતા તનુજા અને ફિલ્મ નિર્માતા શોમુ મુખર્જીના તેઓ દીકરી. કાજોલ હાલના સમયના સૌથી સફળ અભિનેત્રીઓમાંના એક છે. તેમણે ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ના સૌથી વધુ છ ફિલ્મફેર એવોર્ડ્સ જીતીને માસી નૂતનના વિક્રમની બરાબરી કરી છે. કાજોલ એ એવોર્ડ માટે બાર વાર નોમિનેટ થયાં છે! ૨૦૧૧માં તેમને પદ્મશ્રીનું સન્માન મળ્યું છે.
મુંબઈમાં મુખર્જી-સમર્થ પરિવારમાં બંગાળી-મરાઠી સંસ્કૃતિમાં તેમનો જન્મ. અભિનેત્રી મરાઠી માતા તનુજા અને બંગાળી નિર્માતા-નિર્દેશક પિતા શોમુ મુખર્જીના તેઓ દીકરી. પિતાજીનું ૨૦૦૮માં નિધન થયું. કાજોલના નાના બેન તનીષા મુખર્જી પણ અભિનેત્રી છે. તેમના માસી નૂતન અને નાની શોભના સમર્થ અને તેમના માતા રત્તન બાઈ પણ હિન્દી ફિલ્મોના મહાન અભિનેત્રીઓ હતાં. જોય મુખર્જી અને દેબ મુખર્જી તેમના માતૃપક્ષના. દાદા શશધર મુખર્જી અને કુમારસેન સમર્થ પણ ફિલ્મકારો હતાં. અભિનેત્રી રાની મુખર્જી, શર્બાની મુખર્જી અને મોહનીશ બહલ કાજોલના કઝીન્સ થાય.
કાજોલ પોતાને ‘અત્યંત તોફાની’ બાળક રૂપે વર્ણવે છે. નાનપણથી તેઓ જીદ્દી અને અધીરા હતાં. તેમના નાનપણમાં જ મા-બાપ છૂટા પડ્યા હતાં. માતા તનુજા કહે છે કે ‘અમારા છૂટા પડવાની કાજોલ પર અસર ન પડે માટે અમે તેની સામે ક્યારેય ચર્ચા કરી નહોતી.’ તનુજા ફિલ્મોમાં અભિનય કરતાં ત્યારે કાજોલને નાની રૂમમાં બંધ કરી રાખતા અને માતા દૂર છે કે કાર્યરત છે તેની તેને જાણ પણ નહોતી.નાની ઉમરથી જ માતા તનુજાએ કાજોલમાં સ્વતંત્રતાની ભાવના જગાવી હતી. બે અલગ સંસ્કૃતિના મા-બાપમાંથી કાજોલે માતાનો મરાઠી તર્ક અને પિતાનો બંગાળી સ્વભાવ વિકસાવ્યો છે. કાજોલ પંચગીનીના સેન્ટ જોસેફ કોન્વેન્ટ બોર્ડીંગ સ્કૂલમાં ભણ્યા છે. શિક્ષણ ઉપરાંત નૃત્ય પ્રકારની ઈતર પ્રવૃત્તિમાં તેમણે રસ લીધો હતો. વાર્તાઓ વાંચવાનો શોખ પણ વિકસ્યો જે તેમને કસોટીની પળોમાં ઉપયોગી નીવડ્યો.
સોળ વર્ષની વયે રાહુલ રવૈલની ‘બેખુદી’માં કાજોલે અભિનય કર્યો તેને તેઓ પોતાનું મોટું નસીબ માને છે. ઉનાળાના વેકેશનમાં શૂટિંગ કરીને સ્કૂલ પરત થવાનું તેમણે આયોજન કર્યું હતું. જોકે પછી સ્કૂલ છોડીને ફિલ્મોમાં ફૂલ ટાઈમ કરિયર બનાવી. તે અંગે કાજોલ કહે છે, ‘મેં શાળા શિક્ષણ ન લીધું તેનાથી હું કોઈ અધુરપ નહી અનુભવતી.’
રોમાન્ટિક ફિલ્મ ‘બેખુદી’૧૯૯૨માં રજુ થતાં જયારે કાજોલની અભિનય યાત્રા શરૂ થઇ હતી ત્યારે તેઓ માંડ ૧૮ વર્ષના સ્કૂલગર્લ હતાં. ભણવાનું છોડીને ‘બાઝીગર’ (૧૯૯૩)માં તો તેઓ સ્ટાર બની ગયાં. કાજોલે એક પછી એક જબ્બર સફળતાના સોપાન સર કર્યા. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘પ્યાર તો હોના હી થા’, ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘કભી ખુશી કભી ગમ’ થી તેમનું સ્ટારપદ જામી ગયુ. દરમિયાનમાં ‘ગુપ્ત’ અને ‘દુશ્મન’ જેવી હટ-કે ફિલ્મો કરીને સમીક્ષકોની સરાહના પણ તેમણે મેળવી.
૧૯૯૯માં કાજોલે અજય દેવગણ સાથે લગ્ન કર્યા અને તેમને ન્યાસા તથા યુગ એવાં બે સંતાનો છે. ૨૦૦૧થી ૨૦૦૬ દરમિયાન ફિલ્મોમાંથી પારિવારિક વિરામ લઈને તેઓ ‘ફના’થી પરત આવ્યાં અને પતિ અજય નિર્દેશિત ‘યુ મૈ ઔર હમ’, દુનિયામાં બે બિલિયન ડોલરની કમાણી કરનારી ‘માય નેમ ઇસ ખાન’, ‘વી આર ફેમીલી’ તથા પાંચ વર્ષના બીજા વિરામ બાદ શાહરુખ ખાન સાથે સાતમી વાર ‘દિલવાલે’ જેવી કોમેડી પણ કરી.
આટલી બધી ફિલ્મી સફળતા ઉપરાંત મહિલાઓ, વિધવાઓ અને બાળકો માટે પણ તેઓ કાર્યરત બન્યા અને ૨૦૦૮માં ‘કર્મવીર પુરસ્કાર’ પામ્યાં. ઝી ટીવીના શો ‘રોક એન્ડ રોલ ફેમીલી’માં પતિ અજય અને માતા તનુજા સાથે જજ બન્યા, તો તેઓ દેવગણ એન્ટરટેઇનમેંટ એન્ડ સોફ્ટવેર લિ. ના મેનેજર પણ છે, જે ટીવી અને મ્યુઝિકના કાર્યક્રમો બનાવે છે.
૧૯૯૮માં કાજોલે શાહરુખ, જુહી અને અક્ષય કુમાર સાથે ‘ઓસમ, ફોરસમ’ નામથી કોન્સર્ટ ટુર અમેરિકા, યુકે અને કેનેડામાં કરી હતી. જોકે ત્યાર પછી અન્ય વર્લ્ડ ટુરમાં જોડાવાની કાજોલે અનિચ્છા દર્શાવી છે. કાજોલે મંદિરા બેદી સાથે ‘વિમેન્સ વેલનેસ’ ઇવેન્ટ શરૂ કર્યો છે. બાળ શિક્ષણ આપતી ‘શિક્ષા’ નામની એનજીઓ સાથે તેઓ સંકળાયા છે. બાળકો માટેની ધર્માદા સંસ્થા ‘પ્રથમ’ના કાજોલ બ્રાન્ડ એમ્બેસેડર છે. એનડીટીવી એ સર્વકાલીન લોકપ્રિય ચાર અભિનેત્રીઓમાં કાજોલને માધુરી દીક્ષિત, શ્રીદેવી અને મીના કુમારી સાથે લીધાં છે.
કાજોલના ટોપ ટેન ગીતો: છુપાના ભી નહીં આતા (બાજીગર), હો ગયા હૈ તુજકો અને મેરે ખ્વાબોં મેં (દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે), સૂરજ હુઆ મધ્ધમ (કભી ખુશી કભી ગમ), કુછ કુછ હોતા હૈ (શીર્ષક),મેરે હાથ મેં (ફના), દિલ ક્યા કરે (શીર્ષક), ઓ ઓ જાનેજાના (પ્યાર કિયા તો ડરના ક્યા), તેરે નૈના (માય નેમ ઇસ ખાન), યુ મી એન્ડ હમ (શીર્ષક), રંગ દે મુઝે તુ ગેરુઆ (દિલવાલે).
we@nareshkapadia.in
ગબ્બર સિંઘ યાને અમજદ ખાન

ગબ્બર સિંઘના પાત્રથી સદા યાદગાર બની ગયેલા અમજદ ખાનની ૨૬મી પુણ્યતિથિ. ૨૭ જુલાઈ, ૧૯૯૨ના રોજ મુંબઈમાં માત્ર ૫૧ વર્ષની વયે તેમનું નિધન થયું હતું.વીસેક વર્ષની અભિનય કારકિર્દીમાં અમજદે ૧૩૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને વિલનની ભૂમિકાઓમાં ખુબ લોકપ્રિયતા મળી, જેમાં ‘શોલે’ (૧૯૭૫)ની ડાકૂ ગબ્બર સિંઘની ભૂમિકા શિરમોર હતી. ‘મુકદ્દર ક સિકંદર’ની દિલવર પણ આવી એક યાદગાર ભૂમિકા હતી.
પશ્તુન જાતિના અભિનેતા જયંતના પરિવારને ત્યાં અમજદનો જન્મ આજના પાકિસ્તાનના પેશાવરમાં ૧૨ નવેમ્બર, ૧૯૪૦ના રોજ થયો હતો. તેમના ભાઈઓ ઈમ્તીઆઝ ખાન અને ઈનાયત ખાન પણ અભિનેતા છે. અમજદે મુંબઈના બાન્દ્રાની સેન્ટ એન્ડ્રુઝ હાઈ સ્કૂલમાં શિક્ષણ લીધું હતું. આર.ડી. નેશનલ કોલેજમાં તેઓ વિદ્યાર્થી મંડળના જનરલ સેક્રેટરી હતા. કેમેરા સામે આવતા પહેલાં અમજદ રંગમંચના અભિનેતા હતા. ‘નાઝનીન’ (૧૯૫૧) ફિલ્મમાં તેમણે ૧૧ વર્ષની ઉમરે પહેલીવાર અભિનય કર્યો હતો.પછી ૧૭ વર્ષની ઉમરે ‘અબ દિલ્લી દૂર નહીં’માં અને થોડી ફિલ્મોમાં પિતાજી જયંત સાથે તેમણે અભિનય કર્યો હતો. સાંઠના દાયકાના અંતે કે. આસીફ સાહેબની ‘લવ એન્ડ ગોડ’ માટે તેમણે સહાયક નિર્દેશન કર્યું હતું.એક વયસ્કની ભૂમિકામાં અમજદ ‘હિન્દુસ્તાન કી કસમ’ (૧૯૭૩)માં પહેલીવાર દેખાયા હતા. ‘શોલે’ના લેખકોમાંના સલીમ ખાને અમજદને ગબ્બર સિંઘની ભૂમિકા ઓફર કરી હતી.તે ભૂમિકાની તૈયારી રૂપે અમજદે જયા ભાદુડીના પિતાજી તરુણકુમાર ભાદુરીએ ચંબલના ડાકૂઓ વિશે લખેલું પુસ્તક ‘અભિશપ્ત ચંબલ’ વાંચ્યું હતું. ‘શોલે’ની સફળતા સાથે અમજદ સ્ટાર બન્યા. તેમના એ પાત્રને સમીક્ષકો ભારતીય સિનેમાના ‘શુદ્ધ દુષણ’ રૂપે નવાજે છે. એ પાત્રના સંવાદો અને તે બોલવાની શૈલીની અનેકાનેક નકલ થતી રહી છે. ‘શોલે’માં અમજદ સાથે ધર્મેન્દ્ર, અમિતાભ, સંજીવ કુમાર, હેમા માલિની અને જયા ભાદુડી પણ હતાં. પણ અમજદ ગબ્બર રૂપે ખુબ જામ્યા હતા. તેમના ‘જો ડર ગયા, સમજો મર ગયા’ કે ‘તેરા ક્યા હોગા કાલિયા?’ કે ‘તો ગોલી ખા’ કે ‘કબ હૈ હોલી, કબ?’ જેવા સંવાદો આજે પણ યાદ કરાય છે. તેઓ બાદમાં બ્રિટાનીયા ગ્લુકોઝ બિસ્કીટની જાહેરાતમાં પણ એ પાત્રમાં દેખાયા અને કહેતા, ‘ગબ્બર કી અસલી પસંદ’. જાણીતી પ્રોડક્ટ વેચવા માટે વિલનના પાત્રનો ઉપયોગ નવો હતો.
‘શોલે’ની સફળતા બાદ અમજદ ખાને સિત્તેર અને એંશીના દાયકાઓમાં અને નેવુંના દાયકાના આરંભ સુધી નકારાત્મક ભૂમિકાઓ કરી. અમિતાભની સામે વિલનની ભૂમિકામાં અજીતને પાછળ પાડીને અમજદ આગળ વધી ગયા હતા. ‘ઇનકાર’ની તેમની ભૂમિકા પણ ડરાવે તેવી હતી. જે ફિલ્મોમાં અમજદની ખલનાયકીની નોંધ લેવી પડે તેવી ‘દેશ પરદેશ’, ‘નાસ્તિક’, ‘સત્તે પે સત્તા’, ‘દાદા’, ‘ચંબલ કી કસમ’, ‘ગંગા કી સૌગંધ’, ‘હમ કિસીસે કમ નહીં’ કે ‘નસીબ’ને યાદ કરી શકાય.તેમને કેટલીક અલગ પ્રકારની ભૂમિકા પણ મળી. મુન્શી પ્રેમચંદની નવલકથા પરથી સત્યજીત રાયે બનાવેલી ‘શતરંજ કે ખિલાડી’માં અમજદ અવધના રાજા વાજીદઅલી શાહની ભૂમિકામાં હતા. એમાં તો તેમણે એક ગીત પણ ગાયેલું. તો અમજદે કેટલીક હકારાત્મક ભૂમિકાઓ પણ કરી. જેમાં ‘યારાના’માં તેઓ અમિતાભના મિત્ર અને ‘લાવારિસ’માં પિતા બન્યા હતા. કલાત્મક ફિલ્મ ‘ઉત્સવ’ માં અમજદ ‘કામસૂત્ર’ના લેખક વાત્સયાયન બન્યા હતા. ૧૯૮૮માં તેઓ મર્ચન્ટ-આઇવરીની અંગ્રેજી ફિલ્મ ‘ધ પરફેક્ટ મર્ડર’માં અન્ડરવર્લ્ડ ડોન બન્યા હતા. તો કેટલીક ફિલ્મોમાં તેમણે કરેલી હાસ્ય ભૂમિકાઓ પણ યાદગાર બની, જેમાં ‘કુરબાની’, ‘લવ સ્ટોરી’ કે ‘ચમેલી કી શાદી’ યાદ કરી શકાય.તેમણે સફળ ફિલ્મ ‘ચોર પોલીસ’નું અને નિષ્ફળ ફિલ્મ ‘અમીર આદમી, ગરીબ આદમી’નું નિર્દેશન કર્યું હતું. અમજદ એક્ટર્સ ગીલ્ડના પ્રમુખ બન્યા હતા. ફિલ્મ જગતમાં તેમનું માન હતું. અભિનેતાઓ, નિર્માતા કે નિર્દેશકો સાથેના વિવાદમાં તેઓ લવાદ રૂપે સ્વીકાર્ય રહેતા.
અમજદે શેહલા ખાન સાથે ૧૯૭૨માં લગ્ન કર્યા હતા અને તેમનો દીકરો શાદાબ ખાન પણ થોડી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યો છે. તેમની એક દીકરી અહલામ ખાન જાણીતા રંગમંચ અભિનેતા ઝફર કરાંચીવાલાને પરણી છે, બીજો દીકરો સીમાબ ખાન છે.
૧૯૭૬માં મુંબઈ-ગોવા હાઈ-વે પર અમજદનો ભીષણ માર્ગ અકસ્માત થયો હતો, જેને કારણે તેમના પાંસળા તૂટયા હતા અને ફેફસાંમાં કાણા પડ્યા હતાં. તેઓ અમિતાભ સાથેની ફિલ્મ ‘ધ ગ્રેટ ગેમ્બલર’ના શૂટિંગ માટે જઈ રહ્યા હતા. તેઓ ગંભીર ઈજાને કારણે કોમામાં સરકી ગયા હતા, જોકે સદનસીબે વહેલા સારા પણ થયા હતા. એ દરમિયાનની દવાઓને કારણે તેમનું વજન ખુબ વધી ગયું હતું, જેને કારણે વધુ મુશ્કેલી નડી હતી. એને કારણે તેમને થયેલી હૃદયની બીમારીમાં માત્ર ૫૧ વર્ષની વયે ૧૯૯૨માં અમજદનું નિધન થયું હતું. તે પહેલાં તેમણે પુરી કરેલી અનેક ફિલ્મો તેમના નિધન બાદ ૧૯૯૬સુધી રજૂ થઇ હતી.
we@nareshkapadia.in
મિ. ભારત નામે મનોજ કુમાર

હિન્દી ફિલ્મોના મિ. ભારત યાને મનોજ કુમાર ૮૧ વર્ષના થયા. ૨૪ જુલાઈ, ૧૯૩૭ના રોજ આજના પાકિસ્તાનના ખૈબર પખ્તુંન્વાના અબોટાબાદમાં તેમનો જન્મ થયો હતો. તેમને ૨૦૧૬માં ભારતીય ફિલ્મોના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડની નવાજેશ થઇ છે. તેમની ‘ઉપકાર’, ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘રોટી કપડા ઔર મકાન’ કે ‘ક્રાંતિ’માં તેમણે દેશભક્તિનો રંગ જમાવ્યો હતો.તે પહેલાં ‘શહીદ’માં તેઓ ભગત સિંઘની યાદગાર ભૂમિકામાં દેખાયા હતા. તેમની રોમાન્ટિક ફિલ્મ ‘હરિયાલી ઔર રાસ્તા’, રહસ્ય ફિલ્મ ‘વોહ કૌન થી?’, સામાજિક મ્યુઝીકલ હીટ ‘હિમાલય કી ગોદ મેં’, પ્રેમકથા ‘દો બદન’, ‘પથ્થર કે સનમ’, ‘નીલ કમલ’ માટે પણ તેમને યાદ કરાશે. ૧૯૯૨માં તેમને પદ્મશ્રીનો ઈલ્કાબ અપાયો હતો.‘ઉપકાર’ માટે તેમને નેશનલ ફિલ્મ એવોર્ડ (દ્વિતીય) પણ મળ્યો હતો. તે ઉપરાંત ‘ઉપકાર’ને માટે મનોજ કુમારને શ્રેષ્ઠ નિર્માતા, નિર્દેશક, કથા અને સંવાદ લેખનના એમ કુલ ચાર ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. ‘શોર’ના એડીટીંગ માટે તેમને વધુ એક ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ‘રોટી કપડા ઔર મકાન’ માટે શ્રેષ્ઠ નિર્દેશક, ‘બેઈમાન’ના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતા અને ૧૯૯૯ના લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સહીત મનોજ કુમારને કુલ આઠ ફિલ્મફેર એવોર્ડ મળ્યાં હતાં.
તેમનું મૂળ નામ હરીકિશન ગિરી ગોસ્વામી છે. તેઓ જયારે ૧૦ વર્ષના હતા ત્યારે તેમના પરિવારે દેશના ભાગલાને કારણે જન્ધ્યાળા શેર ખાન સ્થળેથી દિલ્હી સ્થળાંતર કરવું પડ્યું હતું.તેમનું પરિવાર દિલ્હીના વિજય નગરમાં નિરાશ્રિત રૂપે રહ્યું અને પછી નવી દિલ્હીના જુના રાજેન્દ્ર નગર વિસ્તારમાં જઈને વસ્યું હતું. મનોજ કુમાર દિલ્હીની હિંદુ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા અને તેમણે ફિલ્મોમાં જવાનું નક્કી કર્યું હતું. તેઓ દિલીપ કુમાર, અશોક કુમાર અને કામિની કૌશલના અભિનયથી પ્રભાવિત હતા. દિલીપ કુમારના ‘શબનમ’ (૧૯૪૯)ના પાત્રના નામ પરથી તેમણે પોતાનું નામ મનોજ કુમાર રાખ્યું હતું.તેઓ હરિયાણાના શશી ગોસ્વામીને પરણ્યા અને તેમને બે સંતાનો છે.
‘ફેશન’ નામની ધ્યાને ન પડે તેવી ભૂમિકા બાદ મનોજ કુમાર ‘કાંચ કી ગુડિયા’ (૧૯૬૦)માં મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા. ત્યાર બાદ ‘પિયા મિલન કી આસ’ અને રેશમી રૂમાલ’ આવી. પણ વિજય ભટ્ટની ‘હરિયાલી ઔર રાસ્તા’માં માલા સિંહા સામે નાયક બનીને તેઓ જાણીતા બન્યા. સાધના સામે રાજ ખોસલાની સરસ ફિલ્મ ‘વોહ કૌન થી?’ આવી અને વિજય ભટ્ટની ‘હિમાલય કી ગોદ મેં’ આવી. રાજ ખોસલા સાથે વધુ એક રોમાન્ટિક ફિલ્મ ‘દો બદન’ આશા પારેખ સામે આવી. આ ફિલ્મ ખુબ સફળ રહી. એમાં મોહંમદ રફીએ રવિના સંગીત પર ગાયેલી શકીલની ગઝલોની કમાલ હતી.
સાંઠના દાયકામાં મનોજ કુમારે જે રોમાન્ટિક ફિલ્મો કરીને સફળતા મેળવી તેમાં ‘હનીમૂન’, ‘અપના બનાકે દેખો’, ‘નકલી નવાબ’, ‘સાજન’, ‘સાવન કી ઘટા’ હતી, તો કેટલીક સામાજિક ફિલ્મો જેવીકે ‘શાદી’, ‘ગૃહસ્થી’, ‘અપને હુએ પરાયે’, ‘પેહચાન’, ‘આદમી’ હતી, સાથે ત્રણ યાદગાર રહસ્ય ફિલ્મો પણ હતી, ‘ગુમનામ’, ‘અનીતા’ અને ‘વોહ કૌન થી?’.
૧૯૬૫ની ‘શહીદ’થી મનોજ કુમારની દેશભક્તિવાળી ઈમેજ શરૂ થઇ હતી. એ ફિલ્મ ભગત સિંઘના જીવન આધારિત હતી. ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ના યુદ્ધ પછી વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ મનોજ કુમારને તેમના લોકપ્રિય સૂત્ર ‘જય જવાન, જય કિસાન’ આધારિત ફિલ્મ બનાવવાનું સુચન કર્યું હતું. તે મુજબ મનોજ કુમારે ‘વિશાલ પિક્ચર્સ’ના પોતાના જ બેનર અને નિર્દેશનમાં ‘ઉપકાર’ (૧૯૬૭) બનાવી, જે તેમની શ્રેષ્ઠ ફિલ્મ બની. તેમાં ગુલશન બાવરાના ગીતો અને કલ્યાણજી આનંદજીના સંગીતે કમાલ કરી. અન્ય ગીતો સાથે મહેન્દ્ર કપૂરે ગાયેલું ‘મેરે દેશ કી ધરતી’ ગીત સૌથી સફળ રહ્યું, એનાથી મનોજ કુમારની આખી ઈમેજ બદલાઈ અને તેઓ ભારત કુમાર બની રહ્યા. ત્યાર બાદ તેમણે ‘પૂરબ ઔર પશ્ચિમ’માં પૂર્વ અને પશ્ચિમના જગતની જીવન શૈલીની સરખામણી કરી હતી. પછી તેઓ ‘બે-ઈમાન’ના નાયક બન્યા અને તેમને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. ફરી ગૃહ નિર્માણમાં ‘શોર’નું નિર્દેશન કર્યું અને નંદા સાથે અભિનય કર્યો.એને પણ જબરી સફળતા મળી. સિત્તેરના દાયકામાં મનોજ કુમારે ત્રણ ફિલ્મો કરી. પોતાના ગૃહ નિર્માણ-નિર્દેશનમાં ‘રોટી કપડા ઔર મકાન’માં સામાજિક સમીક્ષા કરી, જેમાં અમિતાભ બચ્ચન, શશી કપૂર, ઝીનત અમાન જેવા કલાકારો સાથેવધુ એક સફળતા મેળવી.અહીં તેમને શ્રેષ્ઠ દિગ્દર્શકનો બીજો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.‘સન્યાસી’માં તેઓ હેમા માલીની સાથે ધર્મ આધારિત કોમેડી કરતા હતા. હેમાજી સાથેની ‘દસ નંબરી’ પણ સફળ રહી. ૧૯૮૧માં મનોજ કુમારે તેમની કરિયરની ટોચ પર પહોચી તેમના આઈડોલ દિલીપ કુમારને નિર્દેશિત કરીને ‘ક્રાંતિ’ બનાવી. જે ૧૯મી સદીની સ્વતંત્રતા ચળવળને લગતી હતી. આ તેમની છેલ્લી મોટી સફળતા હતી. ત્યારબાદની તેમની ફિલ્મો નિષ્ફળ ગઈ. તેમના દીકરા કુનાલ ગોસ્વામીને માટે વધુ એક દેશભક્તિ આધારિત ‘જય હિન્દ’ બનાવી. જે તેમની છેલ્લી અને નિષ્ફળ ફિલ્મ બની રહી. તેમની ૪૦ વર્ષની કારકિર્દી બદલ ફિલ્મફેર દ્વારા તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો. ફિલ્મોમાંથી નિવૃત્ત થઈને ૨૦૦૪માં તેઓ શિવસેનામાં પણ જોડાયા હતા.
મનોજ કુમારના જાણીતા ગીતો: બોલ મેરી તકદીર મેં ક્યા હૈ, અલ્લા જાને ક્યા હોગા આગે, તેરી યાદ દિલ સે – હરિયાલી ઔર રાસ્તા, અય દિલ-એ-આવારા ચલ – ડૉ. વિદ્યા, છોડ કર તેરે પ્યાર કા દામન, લગ જા ગલે – વોહ કૌન થી? અય વતન અય વતન, સરફરોશી કી તમન્ના, મેરા રંગ દે બસંતી ચોલા – શહીદ, ચાંદ સી મેહબૂબા હો મેરી કબ, મૈ તો એક ખ્વાબ હું – હિમાલય કી ગોદ મેં; ભરી દુનિયા મેં આખિર, રહા ગર્દીશો મેં હરદમ, નસીબ મેં જિસ કે જો લિખા – દો બદન; જુલ્ફો કો હટા લે ચેહરે સે, મેરી જાન તુમ પે સદકે – સાવન કી ઘટા; તૌબા યે મતવાલી ચાલ, મેહબૂબ મેરે, પત્થર કે સનમ – શીર્ષક; ગોરે ગોરે ચાંદ સે મુખ પર, તુમ બિન જીવન કૈસે બીતા – અનીતા; મેરે દેશ કી ધરતી, દીવાનો સે યે મત પૂછો – ઉપકાર; કૈસી હસીન આજ બહારો કી રાત હૈ – આદમી; ભારત કા રહનેવાલા હું, કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે, દુલ્હન ચલી – પુરબ ઔર પશ્ચિમ, એકતારા બોલે – યાદગાર; બસ યહી અપરાધ મૈ હરબાર કરતા હું, કૌન કૌન કિતને પાની મેં, આયા ન હમ કો પ્યાર જતાના, વો પરી કહાં સે લઉં – પેહચાન; એક પ્યાર ક નગ્મા હૈ, પાની રે પાની – શોર; જય બોલો બે-ઈમાન કી – બે-ઈમાન; મૈ ન ભુલુંગા, ઔર નહીં બસ ઔર નહીં, હાય હાય યે મજબૂરી, મેહગાઈ માર ગઈ – રોટી કપડા ઔર મકાન; ચલ સન્યાસી મંદિર મેં, બાલી ઉમર જતન કરું કૈસે – સન્યાસી; જિંદગી કી ના તૂટે લડી – ક્રાંતિ.
we@nareshkapadia.in
સદાબહાર ગીતકાર આનંદ બક્ષી

હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર આનંદ બક્ષીનો ૮૮મો જન્મ દિન. ૨૧ જુલાઈ, ૧૯૩૦ના રોજ આજના પાકિસ્તાનના રાવલપિંડીમાં તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ બખ્શી આનંદ પ્રકાશ વૈદ હતું. તેમના પૂર્વજોમૂળ કાશ્મીરના હતાં, તેઓ રાવલપિંડી પાસેના કુર્રીના મોહયાલ બ્રાહ્મણ પરિવારના હતા. આનંદ પાંચ વર્ષના હતા ત્યારે તેમના માતા સુમિત્રાનું નિધન થયું હતું. દેશના ભાગલા પછી તેમનું પરિવાર ડાકોટા વિમાન દ્વારા દિલ્હી આવીને વસ્યું. ત્યારે આનંદ ૧૭ વર્ષના હતા. ત્યાંથી તેઓ પહેલાં પુણે, પછી મિરત અને અંતે દિલ્હીમાં જ વસ્યા.બચપણથી બક્ષીને કવિતા કરવાનો શોખ હતો. ૧૯૮૩માં દૂરદર્શનની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તેઓ અભ્યાસ બાદ ભારતીય સેનામાં જોડાયા હતા. જ્યાં સમય ન મળતાં તેઓ ઓછું લખતા હતા. તેઓ થોડા વર્ષ સેનામાં રહીને ત્યાંથી જ તેમના ગીતો મુંબઈની ફિલ્મોમાં આવે તેવું કરતા રહ્યા. પછી ૧૯૫૬માં ગાયક કે ગીતકાર કે સંગીતકાર બનવા મુંબઈ આવ્યા. જેમાંથી તેઓ સફળ ગીતકાર બન્યા.બ્રીજ મોહનની ફિલ્મ ‘ભલા આદમી’ (૧૯૫૮)થી શરૂઆત કરી, જેમાં ભગવાન દાદા હતા. વધુ થોડી ફિલ્મોમાં લખ્યાં બાદ કલ્યાણજી આનંદજીની ‘મેંહદી લગી મેરે હાથ’માં સફળતા મળી. ‘કાલા સમંદર’ ની કવ્વાલી ‘મેરી તસ્વીર લેકર ક્યા કરોગે’માં તેમનું નામ થયું. પણ ‘હિમાલય કી ગોદ મેં’માં જબ્બર સફળતા મળી. તરત ‘જબ જબ ફૂલ ખિલે’ આવી,પછી સુપર હીટ ‘મિલન’ આવી. બસ, અહીંથી આનંદ બક્ષી એવાં જામી ગયાં કે તેમણે ૬૩૮ ફિલ્મોમાં ૩,૫૦૦થી વધુ ગીતો લખ્યાં.‘મોમ કી ગુડિયા’ (૧૯૮૨) જેમાં તેમણે ‘બાગો મેં બહાર આઈ’ ગીત લતાજી સાથે લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતમાં ગાયું પણ હતું.
તેમણે એટલો લાંબો સમય અને સંખ્યામાં ગીતો લખ્યાં કે ગાયકો અને સંગીતકારોની બે પેઢી સાથે તેમણે કામ કર્યું. કિશોર કુમારથી કુમાર સાનુ અને શમશાદ બેગમથી કવિતા કૃષ્ણમુર્થી સહિતના ગાયકોએ તેમના ગીતો ગાયા. તેઓ જે ફિલ્મોના ગીતો માટે યાદ કરાશે તેમાં ‘હિમાલય કી ગોદ મેં’, ‘દેવર’, ‘આસરા’, ‘જબ જબ ફૂલ ખિલે’, ‘મિલન’, ‘દો રાસ્તે’, ‘આરાધના’, ‘અમર પ્રેમ’, ‘હરે રામ હરે કૃષ્ણ’, ‘મૈ તુલસી તેરે આંગન કી’, ‘સીતા ઔર ગીતા’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘રોટી’, ‘જીને કી રાહ’, ‘આન મિલો સજના’, ‘શરાફત’, ‘ખિલૌના’, ‘મર્યાદા’, ‘કટી પતંગ’, ‘રાજા ઔર રંક’, ‘ફર્ઝ’, ‘લોફર’, ‘પિયા કા ઘર’, ‘અપના દેશ’, ‘આપકી કસમ’, ‘બોબી’, ‘મૈ સુંદર હું’, ‘અમર અકબર એન્થની’, ‘ધરમ વીર’, ‘શાલીમાર’, ‘સત્યમ શિવમ સુન્દરમ’, ‘જુલી’, ‘જવાની દીવાની’, ‘દોસ્તાના’, ‘હીરો’, ‘તકદીર’, ‘લવ સ્ટોરી’, ‘અવતાર’, ‘આશા’, ‘મિ. નટવરલાલ’, ‘સરગમ’, ‘જાનેમન’, ‘જુદાઈ’, ‘નમક હરામ’, ‘જીવન મૃત્યુ’, ‘શોલે’, ‘શાન’, ‘શક્તિ’, ‘સચ્ચા જુઠા’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ને યાદ કરી શકાય. પણ ત્યાર બાદની ‘પરદેશ’, ‘દુશ્મન’, ‘તાલ’, ‘મોહબ્બતેં’, ‘ગદર: એક પ્રેમ કથા’ કે ‘યાદેં’માં પણ તેમના ગીતો હતાં.
આનંદ બક્ષીએ લક્ષ્મીકાંત પ્યારેલાલ માટે ૩૦૨, રાહુલદેવ બર્મન માટે૯૯, કલ્યાણજી આનંદજી માટે ૩૨, અનુ મલિક માટે ૨૪, રાજેશ રોશન માટે ૧૩, સચિન દેવ બર્મન માટે ૧૩, આનંદ મિલિન્દ માટે ૮, રોશન માટે ૭, જતીન લલિત માટે ૭, એસ. મોહિન્દર માટે ૭, ભપ્પી લાહિરી માટે ૮, વિજુ શાહ માટે૮, એન. દત્તા માટે ૬, શિવ હરિ માટે ૫, ઉત્તમ સિંઘ માટે ૬, એ.આર. રેહમાન માટે ૩, રવીન્દ્ર જૈન માટે ૩, ઉષા ખન્ના માટે ૩, ચિત્રગુપ્ત માટેબે ફિલ્મોમાં ગીતો લખ્યાં હતા. તે ઉપરાંત અન્ય અનેક સંગીતકારો સાથે તેઓ ગીતકાર રૂપે જોડાયા હતા.
જે નિર્દેશકોની ફિલ્મોમાં આનંદ બક્ષીએ સૌથી વધુ ગીતો લખ્યાં તેમાં ટી. રામા રાવની ૨૩ ફિલ્મો, રાજ ખોસલાની ૨૧,સુભાષ ઘાઈની ૧૫, શક્તિ સામંતની ૧૪, કે. બાપૈયાની ૧૦,મહેશ ભટ્ટની ૧૦, પ્રમોદ ચક્રવર્તીની ૧૦, દુલાલ ગુહાની ૯, રવિ નાગાઈચની ૮, મોહન કુમારની ૮, મનમોહન દેસાઈની ૮, જે. ઓમપ્રકાશની ૮, યશ ચોપ્રાની ૮, રાહુલ રવૈલની ૮, હૃષીકેશ મુખર્જીની ૫, રામાનંદ સાગરની ૫, આસિત સેનની ૪, રાજકુમાર કોહલીની ૪, તથા એલ.વી.પ્રસાદ કે દેવ આનંદની ત્રણ ત્રણ ફિલ્મોમાં ગીતો લખ્યાં હતા.
આનંદ બક્ષીના ૪૦ ગીતોને ફિલ્મફેરના શ્રેષ્ઠ ગીત રૂપે નામાંકન મળ્યાં હતાં, જેમાંથી ચારને એવોર્ડ મળ્યાં હતાં. એ ગીતો હતાં, ‘આદમી મુસાફિર હૈ (અપનાપન), તેરે મેરે બીચ મેં કૈસા હૈ (એક દુજે કે લિયે), તુજે દેખા તો યે (દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે) અને ઈશ્ક બિના ક્યા જીના યારો (તાલ).
પાછલી ઉમરમાં બક્ષી સાહેબને હૃદય અને ફેફસાંની બીમારી થઇ હતી. તેઓ આજીવન સિગરેટ પીતા રહ્યા તેનું તે ફળ હતું. ૨૦૦૨ના માર્ચમાં તેમને બેક્ટેરિયાનો ચેપ લાગ્યો, મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં નાનું ઓપરેશન થયું, અને મલ્ટીપલ ઓર્ગન ફેલીયોરના કારણે ૩૦ માર્ચ ૨૦૦૨ના રોજ ૭૨ વર્ષની વયે તેમનું નિધન થયું. ત્યારે તેમના ગીતોવાળી છેલ્લી ફિલ્મ ‘મેહબૂબા’ રજૂ થઇ હતી.
we@nareshkapadia.in
સુરીલા અને પ્રભાવશાળી ગાયિકા- ગીતા દત્ત

સુરીલા અને પ્રભાવશાળી ગાયિકા ગીતા દત્તની ૪૬મી પુણ્યતિથિ. ૨૦ જુલાઈ, ૧૯૭૨ના રોજ માત્ર ૪૧ વર્ષની વયે મુંબઈમાં તેમનું નિધન થયું હતું. ગીતા ઘોષ રોયચૌધરી રૂપે બાંગ્લાદેશના ફરીદપુરમાં ૨૩ નવેમ્બર, ૧૯૩૦ના રોજ તેમનો જન્મ થયો હતો. ગામ્ભીર્યથી માંડી ચુલબુલા હિન્દી-બંગાળી ફિલ્મી-ગૈરફિલ્મી ગીતો ગાઈને ગીતા દત્તે જબરી લોકપ્રિયતા હાંસલ કરી હતી.
ગીતા દત્ત જમીનદાર પિતાના દસ સંતાનોમાંના એક હતાં. તેમનું પરિવાર પહેલાં કોલકાતા અને પછી ૧૯૪૨માં મુંબઈ આવીને વસ્યું, ત્યારે ગીતા ૧૨ વર્ષના હતાં. ત્યાંની બંગાળી સ્કૂલમાં ભણતા ગીતાને હનુમાન પ્રસાદે ગાયકી શીખવી અને ફિલ્મી સંગીત સુધી પહોંચાડી. ‘ભક્ત પ્રહલાદ’ (૧૯૪૬)માં ગીતાએ પહેલી વાર ગાયું પણ ‘દો ભાઈ’ (૧૯૪૭)ના ‘મેરા સુંદર સપના બિત ગયા’થી ગીતા રોયનો તાજો સુરીલો અવાજ દેશભરમાં ફેલાઈ ગયો. તે ગીતના ઉચ્ચારણમાં બંગાળી છાંટ હતી તેથી ગીતા ‘બંગાળ કા જાદુ’થી ઓળખાયા.
‘આજા રી નિંદીયા’ના હાલરડાથી ગીતાએ સાબિત કર્યું કે તેઓ કોઈ પણ પ્રકારના ગીતો ગાઈ શકતા હતાં. ભજનથી ક્લબ સોંગ અને હન્ટિંગ મેલોડીથી રોમાન્ટિક દરેક પ્રકારના ગીતો ગીતા ગાતા રહ્યાં, પરિણામે તેમના હરીફો કરતાં આગળ વધતાં રહ્યાં.એમનું ‘તદબીર સે બિગડી હુઈ – બાઝી’ ગીત સ્ક્રીન પરના ગીતા બાલી સાથે બરાબર મેચ થતું હતું. એના સંગીતકાર સચિનદેવ બર્મને ગીતા દત્તના અવાજનો ભરપુર ઉપયોગ કર્યો. ‘આન મિલો સાંવ સાંવરે – દેવદાસ’નો આધ્યાત્મિક ટચ, ‘નન્હીં કલી સોને ચલી – સુજાતા’નું માતૃત્વ,‘અય દિલ મુઝે બતા દે – ભાઈ ભાઈ’નું અલ્લડપણું અને ‘વક્ત ને કિયા – કાગઝ કે ફૂલ’ની ગંભીરતા તેના ઉત્તમ નમુના છે.
‘બાઝી’ના ગીતોના રેકોર્ડીંગ વખતે ગીતાજીનો પરિચય તેના યુવાન અને ઉભરતા નિર્દેશક ગુરુ દત્ત સાથે થયો. તેમનો પ્રેમ ૨૬ મે, ૧૯૫૩ના રોજ પરિણયમાં પરિણમ્યો. ગીતા-ગુરુ દત્તના ત્રણ સંતાનો, તરુણ, અરુણ અને નીના.
ગીતા દત્તના હિન્દી-બંગાળી ગૈરફિલ્મી ગીતોના આલ્બમ પણ સફળ થયા. ૧૯૫૮માં સચિનદેવને લતા મંગેશકર સાથે અણબનાવ થયો અને તેમને આશા ભોસલે હજુ પૂર્ણ પરિપકવ નહોતા લાગ્યાં, ત્યારે સચિનદેવે મુખ્ય ગાયિકા રૂપે ગીતા દત્તને પસંદ કર્યા હતાં. પણ પોતાના અંગત કારણોસર તથા પ્રેક્ટિસ માટે પૂરતો સમય ન આપી શકવા જેવા કારણોસર પાછળથી બર્મનદાદા અને ઓ.પી. નૈયરે આશાને પ્રમોટ કરવા માંડ્યા.
ગુરુ દત્તના પોતાના વિચારોને પ્રગટ કરતી ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’ ના ‘વક્તને કિયા ક્યા હસીં સિતમ’માં ગીતા દત્તે કૈફી આઝમીના દરેક શબ્દમાં દર્દ, આક્રોશ અને હતાશા પૂર્યા. આજે જે ક્લાસિક ગણાય છે એવી એ ફિલ્મ નિષ્ફળ ગઈ અને ગીતા દત્ત અને ગુરુ દત્ત આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યાં. ૧૯૬૪માં ગુરુ દત્તનું શરાબ અને વધુ પડતી ઊંઘની ગોળીને લીધે નિધન થયું, ગીતા દત્તને ત્યારે નર્વસ બ્રેકડાઉન થયું, આર્થિક પ્રશ્નો વધ્યાં. એમણે સ્ટેજ શો વગેરે કરીને પોતાની ગાયકીની કેરિયર ફરી શરૂ કરવાના પ્રયાસ કર્યા. બંગાળી ફિલ્મ ‘બધુ બારન’માં અભિનય કર્યો. બાસુ ભટ્ટાચાર્યની ‘અનુભવ’ (૧૯૭૧)માં કાનુ રોયના સંગીતમાં ત્રણ ગીતો અદભુત રીતે ગાયા અને સીરોસીસ ઓફ લીવરથી ૨૦ જુલાઈ, ૧૯૭૨ના રોજ ગીતા દત્તનું માત્ર ૪૧ વર્ષની વયે નિધન થયું.
ગીતા દત્તના યાદગાર ગીતો: અય દિલ મુઝે બતા દે, મેરા સુંદર સપના બિત ગયા – દો ભાઈ, તદબીર સે બિગડી હુઈ તકદીર – બાઝી, આજ સજન મોહે અંગ લગાલો, જાને ક્યા તુને કહી – પ્યાસા, નન્હી કલી સોને ચલી – સુજાતા, વક્ત ને કિયા ક્યા હસીં સિતમ – કાગઝ કે ફૂલ, બાબુજી ધીરે ચલના – આરપાર, મેરા નામ ચીનચીન ચૂં – હાવરા બ્રીજ, ન જાઓ સૈયા ચૂરા કે બૈયા, પિયા ઐસો જીયા મેં – સાહિબ બીબી ઔર ગુલામ, ના યે ચાંદ હોગા – શર્ત, મુઝે જાન ન કહો મેરી જાન – અનુભવ.
we@nareshkapadia.in
Rajesh Khanna – the real super star of Indian Cinema

ભારતના રીયલ સુપર સ્ટાર -રાજેશ ખન્ના
હિન્દી ફિલ્મોના રીયલ સુપર સ્ટાર રાજેશ ખન્નાએ આખરી એક્ઝીટ લીધાંને છ વર્ષ થઇ ગયાં. ૧૮ જુલાઈ, ૨૦૧૨ના રોજ ૬૯ વર્ષની વયે તેમનું નિધન થયું હતું.૨૯ ડીસેમ્બર, ૧૯૪૨ના રોજ તેમનો અમૃતસરમાં જન્મ થયો હતો. જયારે દેશના સૌથી સફળ અભિનેતાઓને યાદ કરાશે, ત્યારે રાજેશ ખન્ના તેમાં ટોચ પર હશે.૧૯૬૯થી ૧૯૭૧ના ટૂંકા ગાળામાં રાજેશ ખન્નાએ ૧૫ સોલો હીટ ફિલ્મો આપી હતી, જે સફળતાનો વિક્રમ છે. ૧૬૦થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર, ત્રણ વાર ફિલ્મફેર બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર અને ચારવાર બીએફજેએ શ્રેષ્ઠ એક્ટરના એવોર્ડ્સ જીતનારા રાજેશ ખન્નાને ૧૯૯૧માં ફિલ્મફેર દ્વારા ફિલ્મોમાં ૨૫ વર્ષ પુરા કરવા બદલ સ્પેશિયલ એવોર્ડ આપ્યો હતો અને ૨૦૦૫માં તેમને ફિલ્મફેર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપી સન્માન કરાયું હતું. ૧૯૭૦થી ૧૯૮૭ સુધી તેઓ સૌથી વધારે ફી લેતાં અભિનેતા હતાં, જોકે ૧૯૮૦થી ૧૯૮૭ સુધી આવું સન્માન ખન્ના સાથે અમિતાભ બચ્ચન પણ ભોગવતા હતાં. રાજેશ ખન્ના સંસદની ચુંટણી નવી દિલ્હી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રૂપે જીત્યા હતા અને ૧૯૯૨થી ૧૯૯૬ સુધી સાંસદ રહ્યા હતા.
અમૃતસરમાં ૧૯૪૨માં જન્મેલા આ અભિનેતાનું મૂળ નામ જતીન ખન્ના હતું. ચુન્નીલાલ અને લીલાવતી ખન્નાએ જતીનને દત્તક લીધો હતો. તેઓ જતીનના મા-બાપના સંબંધી હતાં. જતીનને દત્તક લેનાર મા-બાપ ૧૯૩૫માં લાહોરથી મુંબઈ આવીને વસ્યાં હતાં, તેઓ રેલવેના કોન્ટ્રાક્ટર હતાં. રાજેશ મુંબઈની સેન્ટ સેબેસ્ટીન ગોવાઅન સ્કૂલમાં ભણ્યા હતા, જ્યાં તેમના સહપાઠી રવિ કપૂર હતા, જેને આપણે જીતેન્દ્ર રૂપે ઓળખીએ છીએ. રાજેશ ખન્ના મુંબઈના ગીરગામ, ઠાકુર દ્વારના સરસ્વતી નિવાસમાં રહેતા હતા. સ્કૂલ અને કોલેજમાં રાજેશ ખુબ નાટકો કરતા અને અભિનેતા રૂપે તેમને ઘણાં ઇનામો મળ્યાં હતા. ૧૯૫૯થી ૧૯૬૧ના બે વર્ષ રાજેશ પુણેની નવરોઝજી વાડિયા આર્ટસ કોલેજમાં ભણ્યાપછી તેઓ મુંબઈની કે.સી. કોલેજમાં ભણ્યા હતા. સાંઠના દાયકાના આરંભમાં નાટક અને ફિલ્મોમાં કામ શોધનારા રાજેશ ખન્ના ત્યારે પણ એમ.જી. સ્પોર્ટ્સ કારમાં ઘૂમતા હતા. તેમના કાકા કે.કે. તલવારે તેમનું ફિલ્મી નામ જતીનમાંથી રાજેશ ખન્ના કર્યું હતું. તેમના મિત્રો રાજેશ ખન્નાને બાળક જેવો ચેહરો ધરાવનાર માટે વપરાતો પંજાબી શબ્દ ‘કાકા’ કહી બોલાવતા.
૧૯૬૫માં યુનાઈટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેર દ્વારા ઓલ ઇન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટ યોજાઈ હતી, જેમાં દસ હજારથી વધુ હરીફોમાંથી આઠ ફાઈનાલીસ્ટમાંના એક રાજેશ ખન્ના હતા. જે નિર્માતાઓએ મંડળ બનાવીને આ હરીફાઈ યોજી હતી તેમાં બી.આર. ચોપ્રા, બિમલ રોય, જી.પી. સિપ્પી, એચ.એસ. રવૈલ, નસીર હુસૈન, જે. ઓમપ્રકાશ, મોહન સાયગલ, શક્તિ સામંત અને સુબોધ મુખર્જી જેવા ધુરંધરો હતાં. તેઓ જ તે સ્પર્ધાના જજ પણ હતાં. તેમની કસોટીમાં ખરા ઉતરેલા રાજેશ ખન્નાને ઇનામ રૂપે મળેલી ફિલ્મોમાં પહેલી ફિલ્મ ચેતન આનંદની ‘આખરી ખત’ હતી. આ ફિલ્મ ૧૯૬૭ની ભારતની ઓસ્કાર એવોર્ડ માટેની એન્ટ્રી હતી. ત્યાર બાદ ‘રાઝ’ આવી. એ મહાન નિર્માતાઓએ રાજેશ ખન્નાને મોટી ફિલ્મો દ્વારા ટૂંકા ગાળામાં મોટી સફળતા અપાવી હતી. એમાં રાજેશને મળી ‘ઔરત’, ‘ડોલી’ અને ‘ઇત્તેફાક’. નસીર હુસૈનની ‘બહારોં કે સપને’માં રાજેશની નોંધ લેવાઈ. ‘ઇત્તેફાક’માં તેમના વખાણ થયાં અને ‘આરાધના’થી તેઓ દેશભરમાં જાણીતા સ્ટાર બની ગયા. અહીં તેમને માટે કિશોર કુમારે ગાયું અને પછી કિશોરદાના ૧૯૮૭ના નિધન સુધી ગાતાં જ રહ્યા. ‘દો રાસ્તે’ હીટ ગઈ. વહીદા રહેમાને આસિત સેનને કહીને રાજેશને ‘ખામોશી’માં લેવડાવ્યા હતા. ૧૯૭૧માં રાજેશે સલીમ-જાવેદ લિખિત ‘હાથી મેરે સાથી’માં કામ કર્યું, જે વર્ષની સૌથી સફળ ફિલ્મ બની. રાજેશે ૧૯૭૦માં રાજેન્દ્ર કુમારનો ‘ડીમ્પલ’ નામનો કાર્ટર રોડ પરનો બંગલો ૩૧ લાખમાં લીધો અને તેનું ‘આશીર્વાદ’ નામ રાખ્યું.
૧૯૭૨માં ખન્નાની ૧૧ ફિલ્મો આવી, જેમાંથી ‘દુશ્મન’, ‘અમર પ્રેમ’, ‘અપના દેશ’ અને ‘મેરે જીવન સાથી’એ મળીને ત્યારની મોટી રકમ સમાન રૂપિયા પાંચ કરોડની આવક મેળવી હતી. તેજ વર્ષે ‘દિલ દોલત દુનિયા’, ‘બાવર્ચી’, ‘જોરુ કા ગુલામ’, ‘શેહજાદા’ મળી વધુ સાડા ચાર કરોડ કમાઈ હતી. પછીની તેમની સફળ ફિલ્મ હતી ‘અનુરાગ’. હિંદુ અખબારે નોંધ્યું છે કે ૧૯૭૩ની ‘રાજા રાની’ની આવકને ફુગાવા વડે જોઈએ તો આજના સો કરોડ જેટલી આવક મેળવી હતી.
તેમણે પોતાની પહેલી ફિલ્મ ‘બોબી’ રજૂ થાય તેના આઠ મહિના પહેલાં ડીમ્પલ કાપડીઆ સાથે લગ્ન કર્યા હતાં. આ દંપતીને બે દીકરીઓ, મોટી દીકરી ટ્વિન્કલ ખન્ના અભિનેતા અક્ષય કુમારને પરણ્યા અને નાની દીકરી તે રીન્કલ ખન્ના.
લાંબી માંદગી બાદ ૧૮ જુલાઈ ૨૦૧૨ના રોજ રાજેશ ખન્નાનું ૬૯ વર્ષની વયે નિધન થયું હતું. તેમને મૃત્યુ બાદ પદ્મભૂષણનો ઈલ્કાબ અપાયો હતો. ૨૦૧૩માં દાદાસાહેબ ફાળકે એકેડમીએ રાજેશ ખન્નાને ‘ભારતીય સિનેમાના પહેલાં સુપર સ્ટાર’ નામે નવાજ્યા હતા. સરકારે તેમના નામની ટપાલ ટિકિટ, પ્રતિમા અને તેમના નામનો માર્ગ જાહેર કર્યા હતાં.
રાજેશ ખન્નાના યાદગાર ગીતો: અકેલે હૈ ચલે આઓ – રાઝ, મેરે સપનો કી રાની કબ આયેગી તું – આરાધના, ખિઝા કે ફૂલ પે આતી કભી – દો રાસ્તે, વો શામ કુછ અજીબ થી – ખામોશી, ગુલાબી આંખેં – ધ ટ્રેઈન, મેરી પ્યારી બહનીયા બનેગી – સચ્ચા જુઠા, જીવન સે ભરી તેરી આંખે – સફર, યે શામ મસ્તાની – કટી પતંગ, મૈને તેરે લીયે હી – આનંદ, અચ્છા તો હમ ચલતે હૈ – આન મિલો સજના, ઝીંદગી એક સફર હૈ સુહાના – અંદાઝ, ચલ ચલ ચલ મેરે સાથી – હાથી મેરે સાથી, યે જો ચિલમન હૈ – મેહબૂબ કી મેહંદી, વાદા તેરા વાદા – દુશ્મન.
– નરેશ કાપડીઆ
we@nareshkapadia.in
પ્રતિભાશાળી પ્રિયંકા ચોપ્રા

હિન્દી અને હવે હોલીવૂડની ફિલ્મોથી જાણીતા થયેલાં પ્રિયંકા ચોપ્રા ૩૬ વર્ષના થયાં. ૧૮ જુલાઈ, ૧૯૮૨ના રોજ આજના ઝારખંડના જમશેદપુરમાં તેમનો જન્મ. તેઓ ફિલ્મી અભિનેત્રી ઉપરાંત ગાયિકા, નિર્માત્રી, દાનવીર અને ‘મીસ વર્લ્ડ ૨૦૦૦’ તરીકે પણ જાણીતા છે. તેઓ આજે ભારતના એવાં સેલેબ્રિટી છે, જેમને સૌથી વધુ ફી ચૂકવાય છે અને સૌથી વધુ લોકપ્રિય છે. તેમને નેશનલ ફિલ્મ એવોર્ડ અને પાંચ ફિલ્મફેર એવોર્ડ્સ સહિત અનેક સન્માનો મળ્યાં છે. ૨૦૧૬માં ભારત સરકારે પ્રિયંકાને પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યાં છે. ‘ટાઈમ’ મેગેઝીને પ્રિયંકા ને જગતમાં ૧૦૦ સૌથી વધુ અસરકારક વ્યક્તિત્વોની યાદીમાં સમાવ્યાં છે.ફોર્બ્સ દ્વારા ૨૦૧૭ની દુનિયાની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ પ્રિયંકા સામેલ થયાં હતાં.
૧૯૮૨માં પ્રિયંકાનો જન્મ જમશેદપુરમાં ડોક્ટર દંપતી અશોક અને મધુ ચોપ્રાને ત્યાં થયો હતો. તેમના પિતાજી અંબાલાના પંજાબી છે. માતાજી ઝારખંડના માજી ધારાસભ્યો મધુ જ્યોત્સના અને મનોહર અખૌરીના મોટા દીકરી છે. પ્રિયંકાનો ભાઈ સિદ્ધાર્થ તેમનાથી સાત વર્ષ નાનો છે. અભિનેત્રીઓ પરિણીતિ ચોપ્રા, મીરા ચોપ્રા અને મન્નારા ચોપ્રા પ્રિયંકાના કઝીન્સ છે. સેનાના તબીબ મા-બાપની નોકરીને કારણે તેઓ દેશના અનેક શહેરોમાં ઘૂમ્યાં છે; જેમાં દિલ્હી, ચંડીગઢ, અંબાલા, લેહ-લડાખ, લખનૌ, બરેલી અને પુનાનો સમાવેશ થાય છે. આમ તેઓ વિવિધ સ્થળોએ ભણ્યા છે. બરેલીને તેઓ પોતાનું વતન માને છે.
શરૂઆતમાં પ્રિયંકા એરોનોટીકલ એન્જીનીયરીંગ અથવા ક્રિમીનલ સાયકોલોજીસ્ટ બનવા માંગતા હતાં.રૂપસુંદરી બન્યા બાદ તેમને ફિલ્મોની ઓફર મળી અને ‘ધ હીરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય’ (૨૦૦૩)માં પહેલીવાર કામ કર્યું.તો બોક્સ ઓફિસ હીટ ‘અંદાઝ’ (૨૦૦૩) અને ‘મુજસે શાદી કરોગી’ (૨૦૦૪)માં તેઓ નાયિકા હતાં. પણ થ્રીલર ‘ઐતબાર’માં તેમનાં અભિનયના વખાણ થયાં. ૨૦૦૬માં પ્રિયંકા ચોપ્રા ‘ક્રિશ’ અને ‘ડોન’ની નાયિકા રૂપે હિન્દી ફિલ્મોની ટોચની અભિનેત્રી તરીકે સ્થાપિત થયાં. થોડી વિફળતા બાદ ફરી ‘ફેશન’ના તકલીફ ભોગવતા મોડેલ રૂપે ફરી સફળતાના માર્ગે આવી ગયાં. એ ભૂમિકા માટે એમને શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ અને નેશનલ એવોર્ડ મળ્યાં. પછી તો તેમણે પોતીકી છાપ ઉભી કરી અને ‘કમિને’, ‘૭ ખૂન માફ’, ‘બરફી’, ‘મેરી કોમ’, ‘દિલ ધડકને દો’ અને ૨૦૧૫ની ‘બાજીરાવ મસ્તાની’ સહિત અનેક સફળ ફિલ્મોથી ટોચ પર પહોંચી ગયાં. ‘બાજીરાવ મસ્તાની’ની પેશ્વાની પહેલી પત્ની કાશીબાઈ રૂપે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીના ફિલ્મફેર, આઈફા અને સ્ક્રીન એવોર્ડ મળ્યાં હતાં. એ ફિલ્મ દેશની સૌથી સફળ ફિલ્મોની યાદીમાં સામેલ થઇ છે. ૨૦૧૫માં એબીસી થ્રીલર સીરીઝ ‘ક્વોન્ટીકો’માં એલેક્સ પેરીશ રૂપે કામ કરીને પ્રિયંકા અમેરિકન નેટવર્ક સીરીઝના જાણીતા એવાં દક્ષિણ એશિયાના પહેલાં અભિનેત્રી બન્યાં.
પ્રિયંકાએ ગુજરાતી લેખક મધુ રાયની નવલકથા ‘કિમ્બલ રેવન્સવૂડ’ આધારિત આશુતોષ ગોવારીકરની રોમાન્ટિક કોમેડી ‘વ્હોટસ યોર રાશિ?’માં કામ કર્યું. ગુજરાતી એનઆરઆઈ ભારતમાં વિવિધ રાશિની છોકરીઓને જીવનસાથીની શોધ રૂપે જુએ એવી કથામાં પ્રિયંકાએ ૧૨ વિવિધ પાત્રો ભજવ્યાં હતાં. એ પાત્ર માટે તેમણે શ્રેષ્ઠ અભિનેત્રીનો સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો અને એક જ ફિલ્મમાં બાર વિવિધ પાત્રો કરવા બદલ તેમનું નામ ગુનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે પણ ચર્ચાયું હતું. પ્રિયંકા ખૂબ કામ કરે છે. અનેક પાત્રોના ફીલ્મીંગ, વિવિધ કર્યો માટે યાત્રા અને ‘મિસ ઇન્ડિયા સ્પર્ધા’ સહિતના વિવિધ લાઈવ શોઝને લીધે તેઓ ખૂબ વ્યસ્ત રહ્યા અને એક શૂટિંગમાં તેઓ બેહોશ પણ થઇ ગયા અને હોસ્પિટલ ભેગા થઇ ગયાં હતાં.
૨૦૧૬માં પર્પલ પેબલ પિક્ચર્સ નામની ફિલ્મ નિર્માણ કંપની તેમણે સ્થાપી છે, જેના દ્વારા જાણીતા મરાઠી હાસ્યનાટક ‘વેન્ટીલેટર’નું નિર્માણ થયું અને ૬૪માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં તેને ત્રણ એવોર્ડ મળ્યાં હતાં. ૨૦૧૭માં તેઓ હોલીવૂડની લાઈવ-એક્શન ફિલ્મ ‘બેવોચ’માં દેખાયાં. ૨૦૧૮ના સંડેન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં તેમની અમેરિકન ફિલ્મ ‘એ કીડ લાઈક જેક’ રજુ થઇ.
તેમની અભિનય કારકિર્દી ઉપરાંત પ્રિયંકા ચોપ્રા તેમનાં સમાજોપયોગી કર્યો માટે પણ જાણીતા બન્યાં. છેલ્લા દસ વર્ષોથી તેઓ યુનિસેફ સાથે કાર્યરત થયાં અને બાળકોના અધિકાર માટે ૨૦૧૦માં નેશનલ અને ૨૦૧૬માં ગ્લોબલ યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર બન્યાં. પર્યાવરણ, આરોગ્ય અને શિક્ષણ અને મહિલા અધિકારો તથા સ્ત્રીસશક્તિકરણ વિશે તેઓ બોલતા રહે છે. તેઓ પડદા પરના પાત્રોથી પણ વધુ તેમનાં બાહ્ય જીવન માટે મીડિયામાં છવાયેલાં રહે છે.૨૦૦૯માં આખું વર્ષ તેમણે હિન્દુસ્તાન ટાઈમ્સમાં ‘પ્રિયંકા ચોપરા કોલમ’ રૂપે ૫૦ લેખો લખ્યાં હતાં. ત્યાર બાદ પણ તેઓ ભારત અને અમેરિકાના વિવિધ અખબારો અને સામયિકોમાં લખતાં રહે છે. તેમના મુખ્ય વિષયો નારી શોષણનો વિરોધ, નારી શિક્ષણ અને દહેજ પ્રાથના વિરોધ જેવાં રહે છે. તેઓ અનેક જાહેરાતોમાં ચમકે છે અને ‘ક્વીન ઓફ બ્રાંડ એન્ડોર્સમેન્ટ’ જેવા માનનીય ઉપનામથી ઓળખાય છે. ૨૦૧૩માં તેમના સદગત પિતાની સ્મૃતિમાં મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કેન્સર વોર્ડ શરુ કરવા માટે તેમણે રૂપિયા ૫૦ લાખનું દાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં ભારત સરકારનું ‘સ્વચ્છ ભારત અભિયાન’ શરુ કર્યું ત્યારે તેનો પ્રચાર કરનાર નવરત્નોમાંના એક પ્રિયંકા હતાં. ૨૦૧૫માં ‘પીપલ ફોર એથીકલ ટ્રીટમેન્ટ ઓફ એનીમલ્સ’ (પેટા) દ્વારા ‘એલી’ નામનો મોટોમસ રોબોટિક હાથી બનાવીને અમેરિકા અને યુરોપની શાળાઓમાં બાળકોને હાથી વિષે જ્ઞાન આપવા માટે બનાવાયો હતો, જેમાં સર્કસ જોવાથી દૂર રહેવાની સલાહ અપાતી હતી, તેમાં હાથણીનો અવાજ પ્રિયંકાએ આપ્યો હતો. ૨૦૧૬માં તેઓ યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર બન્યાં અને ૨૦૧૭માં તેમના સામાજિક પ્રદાન માટે પ્રિયંકા ચોપ્રાને ‘મધર ટેરેસા એવોર્ડ ફોર સોશિયલ જસ્ટીસ’ આપવામાં આવ્યો હતો.
આવાં પ્રિયંકા ચોપ્રાને તેમના ૩૬માં જન્મ દિનની શુભકામનાઓ.
-નરેશ કાપડીઆ
we@nareshkapadia.in
સંવેદનાના સૂર સજાવનાર સંગીતકાર મદન મોહન

સંગીતકાર મદન મોહનની ૪૩મી પુણ્યતિથિએ તેમને યાદ કરીએ. ૧૪ જુલાઈ, ૧૯૭૫ના રોજ માત્ર ૫૧ વર્ષની વયે આ મહાન સંગીતકારના સૂર થંભી ગયાં હતાં. પચાસથી સિત્તેરના દાયકા સુધી મદન મોહને તેમના શ્રેષ્ઠ ગીતો હિન્દી ફિલ્મોમાં આપ્યાં. ખાસ કરીને મદનજી તેમની સ્વરબદ્ધ કરેલી સંવેદનશીલ ગઝલોને કારણે ખુબ લોકપ્રિય થયા હતા. તેમની લતા મંગેશકર, તલત મેહમૂદ અને મોહંમદ રફીએ ગયેલી ગઝલો યાદગાર હતી.
મદનજીનો જન્મ ઈરબીલ, ઈરાકી કુર્દિસ્તાનમાં ૨૫ જૂન, ૧૯૨૪ના રોજ થયો હતો. તેમના પિતા રાયબહાદૂર ચુન્નીલાલ કુર્દિસ્તાનના લશ્કરના એકાઉન્ટન્ટ જનરલ હતા. ત્યાં જન્મેલા મદનજીના પહેલાં પાંચ વર્ષ મિડલ ઈસ્ટમાં વિત્યા હતાં. ૧૯૩૨માં ચુન્નીલાલનો પરિવાર પંજાબના જેલમ જીલ્લાના વતન ચકવાલમાં પરત થયો. મદનને દાદા પાસે રાખી પિતા મુંબઈ ગયાં, જે પાછળથી બોમ્બે ટોકીઝ સ્ટુડીઓના અને પછી ફિલ્મીસ્તાન સ્ટુડીઓના પાર્ટનર બન્યા હતા. આમ મદન મોહન કરતાં તેમના પિતાજી ફિલ્મો તરફ વહેલાં આવ્યા હતા.
મદન મોહનને સંગીતનો વારસો માતા પાસેથી મળ્યો હતો. માતાજી કવયિત્રી અને સંગીત રસિક હતાં. તેમના પિતાજીને સંગીતમાં ઓછો રસ હતો, પણ દાદા હકીમ યોગરાજ અને તેમના ભાઈ પ્રકાશ સંગીતના ભારે રસિયા હતાં. તેઓ નાનકડા મદનની હાજરીમાં સંગીતની ઝીણી ઝીણી બાબતોની ચર્ચા કરતાં. આમ મદનજીને ઘરે જ બાળપણથી સંગીતના સંસ્કાર મળ્યાં હતાં. ત્યાર બાદ પિતાએ માતા અને મદનને મુંબઈ બોલાવી લીધાં. ત્યાં તેમની દોસ્તી રાજ કપૂર, નરગીસ અને સુરૈયા સાથે થઇ હતી. પિતાજીના કહેવા મુજબ મદન કર્નલ બ્રાઉન કેમ્બ્રિજ સ્કૂલમાં ભણીને લશ્કરમાં જોડાયા. બીજા વિશ્વ યુદ્ધના ૧૯૪૩ના કટોકટી કાળમાં તેઓ યુધ્ધના સાક્ષી બન્યા. સેના સાથે કામ કરવાને લીધે મદન મોહનના વ્યક્તિત્વમાં શિસ્ત, ફિટનેસ, વિનમ્રતા અને સમયપાલનના ગુણો વિક્સ્યાં હતાં. પણ નિયતિને કંઇક બીજું જ મંજૂર હતું, મદને સેના છોડી અને પોતાનાં પહેલાં પ્રેમ – સંગીત તરફ વળ્યા. તેઓ ઓલ ઇન્ડિયા રેડીઓ, લખનૌમાં જોડાયા, જ્યાં તેમણે ઉસ્તાદ ફૈયાઝ ખાન, ઉસ્તાદ અલી અકબર ખાન, બેગમ અખ્તર અને તલત મેહમૂદ જેવા દિગ્ગજો સાથે કામ કર્યું. ૧૯૪૭માં મદનજીની બદલી આકાશવાણી, દિલ્હીમાં થઇ. તેમની સમજ લઈને મદન મોહન મુંબઈ આવ્યા. પહેલાં તેઓ એક્ટર બનવા માંગતા હતાં પણ પછી સંગીતકાર બની ગયા. તેમને ગાયક પણ બનવું હતું. તેમના સ્વરમાં બેહઝાદ લખનવી સહિતની ગઝલો રેકોર્ડ પણ થઇ હતી. ૧૯૪૮માં ‘પિંજરે મેં બુલબુલ બોલે’ ફિલ્મી ગઝલ લતાજી સાથે રેકોર્ડ થઇ હતી. સંગીતકાર હતાં ગુલામ હૈદર અને ફિલ્મ હતી ‘શહીદ’. જોકે એ ગીતો ક્યારેય ફિલ્મોમાં વપરાયા નહીં. પહેલાં તેઓ દિગ્ગજ સંગીતકાર એસ ડી બર્મનના ફિલ્મ ‘દો ભાઈ’ના અને પછી સંગીતકાર શ્યામ સુંદરના ‘એક્ટ્રેસ’ અને ‘નિર્દોષ’ માટે સહાયક બન્યા. ૧૯૫૦માં સ્વતંત્ર સંગીતકાર રૂપે તેમની પહેલી ફિલ્મ ‘આંખે’ આવી. પછી ‘અદા’માં તેમણે લતા મંગેશકર પાસે ગવડાવ્યું. લતાદીદી અને મદન ભૈયાની આ જુગલબંદી બહુ લાંબી ચાલવાની છે, તેનો ત્યારે કોને ખ્યાલ હતો?
તેમની ‘શરાબી’ની રફી સાહેબે ગયેલી બે રચનાઓ ‘સાવન કે મહિને મેં’ અને ‘કભી ના કભી કોઈ ના કોઈ’ દેવ આનંદ પર ચિત્રિત થઇ અને મદનજી જાણીતા બન્યા. ‘જહાં આરા’ની ‘વો ચૂપ રહે તો’ અને ‘દુલ્હન એક રાત કી’ની ‘મૈને રંગ લી આજ ચુનરિયા’ પણ જાણીતી બની. મદનજીના સંગીતમાં તલત મેહમૂદ માટે ફિલ્મ ‘જહાં આરા’માં ‘ફિર વોહી શામ’ કે ‘મૈ તેરી નઝર કા શૂરુર હું’ કે ‘તેરી આંખ કે આંસૂ’ ગીતો બન્યા. રફી સાહેબે ‘દુલ્હન એક રાત કી’માં ‘એક હસીન શામ કો’ કે ‘જહાં આરા’માં ‘કિસી કી યાદ મેં’, ‘મેરા સાયા’માં ‘આપ કે પહલુ મેં આકાર રો દિયે’ અને ‘નૌનિહાલ’ માટે ‘મેરી આવાઝ સુનો’ કે ‘તુમ્હારી જુલ્ફ કે સાયે મેં’ કે ‘ચિરાગ’માં ગયેલી ‘તેરી આંખો કે સિવા’ કે ‘હીર રાંઝા’ના ગીતો કોણ ભૂલી શકે? કિશોર કુમાર સાથે તેમણે પ્રમાણમાં ઓછું કામ કર્યું પણ ‘ભાઈ ભાઈ’ માટે ‘મેરા નામ અબ્દુલ રેહમાન’ કે ‘મુનીમજી’નું ‘જરૂરત હૈ’ કે ‘પરવાના’નું ‘સિમટી સી’ યાદગાર બન્યાં. જોકે લતાજીએ ગાયેલી મદન મોહનની ગઝલો તો એક બીજી જ દુનિયામાં લઇ જાય એવી છે.
જે મહાન શાયરોની ગઝલો મદન મોહને સ્વરબદ્ધ કરી છે તેમાં રાજા મેહદી અલી ખાન, કૈફી આઝમી, રાજેન્દ્ર કૃષ્ણ, સાહિર લુધિયાનવી કે મજરૂહ સુલતાન પુરી યાદગાર હતાં. સંગીતકાર મદન મોહને આપેલું સંગીત એ હિન્દી સિનેમાનો વારસો છે.
મદન મોહનની યાદગાર રચનાઓ જે ફિલ્મો દ્વારા મળી તે યાદ કરીએ: આંખે (૧૯૫૦), મદહોશ, રેલવે પ્લેટફોર્મ, ભાઈ ભાઈ, દેખ કબીર રોયા, આખરી દાવ, અદાલત, જેલર, ખજાનચી, સંજોગ, અનપઢ, આપકી પરછાઈયાં, ગઝલ, હકીકત, જહાંઆરા, પૂજા કે ફૂલ, વહ કૌન થી? મેરા સાયા, નૌનિહાલ, એક કલી મુસ્કાઈ, દસ્તક (નેશનલ એવોર્ડ – ૧૯૭૦), હીર રાંઝા, પરવાના, બાવર્ચી, એક મુઠ્ઠી આસમાન, હસ્તે જખ્મ, મૌસમ, લૈલા મજનું, ચાલબાઝ (૧૯૮૦) અને મરણોપરાંત ‘વીર ઝારા’ (IIFA એવોર્ડ – ૨૦૦૪).
મદન મોહનના યાદગાર ગીતો: આજ સોચા તો આંસુ ભર આયે, આપ કી નઝરોં ને સમજા, આપ કયું રોયે, અગર મુજસે મોહબ્બત હૈ, અય્ દિલ મુઝે બતા દે, બૈયા ના ધરો, ભૂલી હુઈ યાદેં, દો દિલ તૂટે દો દિલ હારે, એક હસીં શામ કો, હૈ ઇસી મેં પ્યાર કી આબરુ, હમ હૈ મતા યે કૂચા ઓ બાઝાર કી તરહા, હમ પ્યાર મેં જલને વાલોં કો, કદર જાને ના, કૌન આયા મેરે મન કે દ્વારે, લગ જા ગલે, માઈ રે મૈ કૈસે કહું, મૈ નિગાહેં તેરે ચેહરે સે, મૈ યહાં હું યહાં હું, મૈ યે સોચકર, મેરી આવાઝ સુનો, મેરી વીણા તુમ બિન રોયે, મેરી યાદ મેં તુમ ના, નગ્મા ઓ શેર કી સૌગાત, નૈના બરસે, નૈનો મેં બદરા છાયે, ફિર વોહી શામ, રંગ ઔર નૂર કી સૌગાત, રસ્મ એ ઉલ્ફત કો નિભાયે, રુકે રુકે સે કદમ, તેરી આંખો કે સિવા દુનિયા મેં, તું જહાં જહાં ચલેગા, તું પ્યાર કરે યા ઠુકરાયે, તુઝે ક્યા સુનાઉ મૈ દિલરુબા, તુમ જો મીલ ગયે હો, તુમ્હારી જુલ્ફ કે સાયે મેં, ઉનકો યે શિકાયત હૈ, વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ આ ગઈ, યું હસરતોં કે દાગ, જરા સી આહટ હોતી હૈ…
– નરેશ કાપડીઆ
we@nareshkapadia.in
ભારતીય ફિલ્મોના આરંભકાળના અભિનેત્રી-ગાયિકા કાનન દેવી

ભારતીય સિનેમાના આરંભના દિવસોના સિંગિંગ સ્ટાર કાનન દેવીની ૨૬મી પુણ્યતિથિ. ૧૭ જુલાઈ, ૧૯૯૮ના રોજ કોલકાતામાં તેમનું નિધન થયું હતું. ન્યુ થિયેટર્સની ફિલ્મોએ કાનન દેવીને સુપરહિટ અભિનેત્રી-ગાયિકા બનાવ્યાં હતાં. મૂંગી ફિલ્મોથી શરુ કરીને ફિલ્મો બોલતી થઇ ત્યારે રજુ થયેલી ‘મુક્તિ’, ‘વિદ્યાપતિ’, ‘સ્ટ્રીટ સિંગર’, ‘અભિનેત્રી’, કે ‘જવાબ’માં કાનન દેવી યાદગાર હતાં. તેમની ગાયન શૈલી તેજ ટેમ્પો વાળી હતી. તેઓ બંગાળી સિનેમાના પહેલાં લોકપ્રિય સ્ટાર હતાં.૧૯૭૬માં તેમને દેશના સર્વોચ્ચ સિને સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પુરસ્કૃત કરાયા હતાં.
પશ્ચિમ બંગાળના હાવરામાં ૨૨ એપ્રિલ, ૧૯૧૬ના રોજ કાનન દેવીનો જન્મ થયો હતો. તેમની આત્મકથા ‘સાબારાય આમી નામી’માં કાનને નોંધ્યું છે કે રતન ચંદ્ર દાસ અને રાજોબાલા સાથે રહેતાં હતાં, તેઓજ મારા માતા પિતા. મારા પાલક પિતા રતન ચંદ્રનું નિધન થયા બાદ નાનકડી કાનન અને રાજોબાલા એકદમ ભગવાન ભરોસે જ હતાં. કાનનનું જીવન ખરેખર તદ્દન ગરીબીમાંથી અમીરીની‘રેગ્સ ટુ રીચીસ’ની ફિલ્મોમાં હોય તેવી કથા છે. સેન્ટ એજ્નેસ કોન્વેન્ટ સ્કૂલમાં તેઓ ભણ્યા હતાં. તેમના એક હિતેચ્છુ તુલસી બેનરજી, જેમને નાની કાનન કાકા બાબુ કહેતાં, તેમણે કાનનને માદન થિયેટર્સમાં પરીચય કરાવીને દસ વર્ષની ઉમરે મૂંગી ફિલ્મ ‘જયદેવ’ (૧૯૨૬)માં નાનું પાત્ર અપાવ્યું હતું. ત્યાર બાદ મૂંગી ફિલ્મ ‘શંકરાચાર્ય’ માં ભૂમિકા કરી, હવે તેઓ કાનન બાળા નામે જાણીતા થયાં હતાં. માદન થિયેટર્સની પાંચેક ફિલ્મમાં આવ્યા, જેમાંથી ‘વિષ્ણુ માયા’ અને ‘પ્રહલાદ’માં તો તેમણે મુખ્ય પુરુષ પાત્રો ભજવ્યાં હતાં. કાનન દેવીએ ૧૯૩૩-૩૬ રાધા ફિલ્મ્સ, ૧૯૩૭-૪૧ ન્યુ થિયેટર્સ, ૧૯૪૨-૪૮ એમ.પી. પ્રોડક્શનમાં કામ કર્યું અને અંતે ૧૯૪૯-૬૫ દરમિયાન તેમની પોતાની ફિલ્મ કંપની ‘શ્રીમતિ પિક્ચર્સ’ બનાવી હતી.
મૂંગી ફિલ્મોના કાનન બાળા ફિલ્મો બોલતી થઇ ત્યારે સરળતાથી તેમાં જોડાઈ ગયાં અને કાનન દેવી બન્યાં. તેમણે ભજવેલી સફળ ફિલ્મોની યાદી લાંબી છે: ‘જોરેબારાત’, ‘ખૂની કૌન’, ‘માં’, ‘વિષ્ણુમાયા’, ‘કાંટાહાર’, ‘ચાર દરવેશ’, ‘હરિ ભક્તિ’, ‘કૃષ્ણ સુદામા’ વગેરે. ન્યુ થિયેટર્સના પી.સી. બરુઆ કાનનને ‘દેવદાસ’ની પારો બનાવવા માંગતા હતા પણ અન્ય કરારને કારણે તેમ બન્યું નહી, જેનો ખેદ કાનન દેવીને જીવનભર રહ્યો. ન્યુ થિયેટર્સની ફિલ્મોએ કાનન દેવીને સુપરહિટ સિંગર બનાવ્યાં. તેમને મળતી સફળતાને કારણે કાનન દેવી જ્યાં જાય ત્યાં લોકો ટોળે વળતા. યાત્રા દરમિયાન તેમને સલામતી આપવી મુશ્કેલ બનતું. તેમણે બરુઆની ‘મુક્તિ’માં કરેલું કામ કદાચ તેમના જીવનનું શ્રેષ્ઠ હતું. હવે તેઓ ટોપ સ્ટાર હતાં. પછી આવી ‘વિદ્યાપતિ’, ‘સ્ટ્રીટ સિંગર’, ‘સપેરા’, ‘જવાની કી રીત’, ‘પરાજય’, ‘અભિનેત્રી’, ‘લગન’, ‘પરિચય’ અને ‘જવાબ’માં કાનન દેવી યાદગાર હતાં. મહાન સંગીતકાર રાઈ ચંદ બોરાલના સંપર્કમાં આવી કાનને સંગીત તાલીમ લીધી, પોતાનું હિન્દી સુધાર્યું અને પ્રયોગો કરીને વેસ્ટર્ન અને ભારતીય સંગીત પર ગીતો ગયાં. પછી અલ્લા રખા અને ભીષ્મદેવ ચેટરજી પાસે સંગીત શીખ્યા, રવીન્દ્ર સંગીત શીખ્યા.
કાનન દેવીએ ફિલ્મ કંપનીઓમાંથી રાજીનામું આપીને મુક્ત રીતે બંગાળી અને હિન્દી ફિલ્મો કરવા માંડી ત્યાં સુધી કાનન ટોપ સ્ટાર રહ્યાં. પોતાના સમયના મહાન કલાકારો સાયગલ, પંકજ માલિક, પ્રમથેશ બરુઆ, પહાડી સન્યાલ, ચાબી બિસ્વાસ અને અશોક કુમાર સાથે કાનન દેવીએ કામ કર્યું. એમ.પી. પ્રોડક્શનની ‘જવાબ’ કદાચ કાનનજીની સૌથી સફળ ફિલ્મ હતી. જેમાં તેઓ ‘દુનિયા યે દુનિયા હૈ તુફાન મેલ’ ગાતા હતાં. તેજ રીતે તેમણે ‘હોસ્પિટલ’, ‘બનફૂલ’, અને ‘રાજલક્ષ્મી’માં પણ સફળતા મેળવી હતી. કાનન દેવીની છેલ્લી હિન્દી ફિલ્મ અશોક કુમાર સાથે ‘ચંદ્રશેખર’ હતી. પછી તેમણે પોતાની કંપની બનાવીને બંગાળી ફિલ્મો કરી.
કાનને અશોક મોઇત્રા સાથે ૧૯૪૦માં લગ્ન કર્યા હતાં. તેઓ કટ્ટર બ્રહ્મો સમાજના શિક્ષણશાસ્ત્રીના સંતાન હતાં. બંનેના સારા હેતુઓ હોવા છતાં, તેમના લગ્ન ટકી શક્યા નહીં. ખુદ ગુરુદેવ ટાગોરની નવદંપતીને મોકલેલી ભેટ માટે ઘણી ટીકા થઇ હતી. તેઓની ઈચ્છા હતી કે કાનન લગ્ન પછી ફિલ્મોમાં કામ ન કરે. ભારે હૈયે તેમણે ૧૯૪૫માં છુટાછેડા લીધાં. છતાં છેવટ સુધી કાનને સસરા પક્ષના તમામ સાથે સારા સંબંધો રાખ્યા હતાં. ચારેક વર્ષ પછી કાનને હરિદાસ ભટ્ટાચારજી સાથે લગ્ન કર્યા. હરિદાસ નેવી ઓફિસર હતાં, જે છોડીને તેઓ કાનન સાથે રહ્યાં અને અંતે સારા દિગ્દર્શક પણ બન્યાં. તેમના દીકરા સિદ્ધાર્થને કોલકાતામાં ભણાવ્યો. કાનન મહિલા શિલ્પી મહલ, જે સંસ્થા બંગાળી સિનેમાના વરિષ્ઠ મહિલા કલાકારોની આર્થિક સંભાળ લેતી હતી, તેના પ્રમુખ બન્યાં હતાં. કાનનને ખુબ માન-સન્માન મળ્યાં હતાં. ૧૯૬૮માં તેઓ પદ્મશ્રી બન્યાં હતાં. તો ૧૯૭૬માં તેમને દેશના સર્વોચ્ચ સિને સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પુરસ્કૃત કરાયા હતાં.
૧૭ જુલાઈ, ૧૯૯૨ના રોજ કોલકાતાના બેલે વ્યુ ક્લિનિકમાં ૭૬ વર્ષની વયે કાનન દેવીનું નિધન થયું ત્યારે ભારતીય આરંભના મહિલા સિને કલાકારનો એક યુગ પૂરો થયો હતો.
we@nareshkapadia.in
મહાન સંગીતકાર રોશન
મહાન સંગીતકાર રોશન હોત તો તેમનો ૧૦૧મો જન્મ દિવસ ઉજવાત. ૧૪ જુલાઈ, ૧૯૧૭ના રોજ પંજાબના ગુજરાનવાલા મુકામે તેમનો જન્મ. તેમનું મુળનામ રોશનલાલ નાગરથ. પણ તેઓ તેમના પહેલાં નામ ‘રોશન’થી જ જાણીતા થયા. તેઓ અભિનેતા-દિગ્દર્શક રાકેશ રોશન અને સંગીતકાર રાજેશ રોશનના પિતા અને જાણીતા ફિલ્મ સ્ટાર ઋતિક રોશનના દાદા થાય.ફિલ્મ ‘તાજ મહાલ’ના યાદગાર સંગીત માટે રોશનને ફિલ્મફેરનો શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ મળ્યો હતો.
હાલ પાકિસ્તાનમાં છે એવાં ગુજરાનવાલામાં રોશનનો જન્મ. નાની ઉમરે તેમણે સંગીત શીખવું શરૂ કર્યું અને પછી તેઓ લખનૌની આજની જાણીતી ભાતખંડે મ્યુઝિક ઇન્સ્ટિટયૂટ અને ત્યારની મોરીસ કોલેજ તરીકે ઓળખાતી વિખ્યાત સંસ્થામાં સંગીત ભણ્યા. ત્યારના આચાર્ય પંડિત એસ. એન. રતનજાનકરના તેઓ માનીતા વિદ્યાર્થી હતા. ચાલીસના દાયકાના આરંભમાં ઓલ ઇન્ડિયા રેડીઓ, દિલ્હીના મ્યુઝિક પ્રોડ્યુસર ખ્વાજા ખુરશીદ અનવરે રોશનને એસરાજ નામનું વાજિંત્ર વગાડવા માટે નોકરી આપી હતી.
રોશનલાલ ૧૯૪૮માં મુંબઈ આવ્યા અને સંગીતકાર બનવા માટે કામ શોધ્યું.તેઓ આકાશવાણીવાલા એજ સંગીતકાર ખ્વાજા ખુરશીદ અનવરના ફિલ્મ ‘શિંગાર’ના સહાયક સંગીતકાર બન્યા. સંઘર્ષના દિવસો હતાં, ત્યારે કેદાર શર્માજીએ રોશનને તેમની ફિલ્મ ‘નેકી ઔર બદી’ (૧૯૪૯) માટે સંગીતકાર બનવાનું કામ આપ્યું. એ ફિલ્મ તો નિષ્ફળ ગઈ પણ એ સંબંધે તેમને બીજા વર્ષે ફિલ્મ ‘બાવરે નૈન’આવી અને રોશનલાલે સફળતા જોઈ.

પચાસના દાયકામાં સંગીતકાર રોશને મોહંમદ રફી, મુકેશ અને તલત મેહમૂદ સાથે કામ કર્યું. ‘મલ્હાર’, ‘શીશમ’ અને ‘અનહોની’ જેવી એ ફિલ્મો હતી. ત્યારે એમણે લતા મંગેશકરે ગયેલી ‘નૌબહાર’ની ‘એરી મૈ તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને કોઈ’ જેવી ધૂન બનાવી હતી. રોશન હંમેશા વ્યવસાયિક રીતે સફળ નહોતા બન્યા. એમણે ‘ઇન્દીવર’ અને ‘આનંદ બક્ષી’ જેવા ગીતકારોને પહેલી તક આપી હતી. આ બે એવાં ગીતકારો હતાં જેમને ફિલ્મી દુનિયા હંમેશા શોધતી રહી. નિસાર બઝમીની ‘ભલા આદમી’ (૧૯૫૬)માંઆનંદ બક્ષીએ ચાર ગીતો લખ્યાં હતાં. જયારે રોશને ‘સીઆઈડી ગર્લ’માં બક્ષીના ગીતો લીધાં. જોકે ‘ભલા આદમી’ પછી ૧૯૫૮માં રજુ થઇ. આનંદ બક્ષી અને રોશને ‘દેવર’માં યાદગાર ગીતો આપ્યાં હતાં. સાંઠનો દાયકો રોશન અને તેમના સંગીત માટે સુવર્ણ દાયકો નીવડ્યો. લોક સંગીતને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને મેળવીને બનેલા તેમના ગીતોએ ધૂમ મચાવી. ‘ન તો કારવાં કી તલાશ હૈ’ કે ‘ઝીંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત’ જેવા ગીતો તેમણે ‘બરસાત કી રાત’માં આપ્યાં. તો ‘અબ ક્યા મિસાલ દુ મૈ તુમ્હારે શબાબ કા’ (આરતી) કે ‘જો વાદા કિયા વો’ (તાજમહાલ) કે ‘નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ’ અને ‘લાગા ચુનરી મેં દાગ’ (દિલ હી તો હૈ)માં કે ‘સંસાર સે ભાગે ફિરતે હો’ (ચિત્રલેખા) કે ‘ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં’ (અનોખી રાત) જેવી યાદગાર રચનાઓ રોશન સાહેબે આપી હતી.
રોશને ‘મમતા’ માટે મજરૂહના ગીતો પર લતાજી ને કંઠે ‘રેહતે થે કભી જિનકે દિલ મેં’ કે ‘રહે ન રહે હમ’ કે ‘છુપા લો યું દિલ મેં પ્યાર’ હેમંત કુમાર –લતા જેવાં યાદગાર ગીતો આપ્યાં. ‘દેવર’ના યાદગાર ગીતો કહેતાં હતાં, ‘આયા હૈ મુઝે ફિર યાદ વો જાલિમ’, કે ‘બહારોં ને મેરા ચમન લૂંટ કર’ કે ‘દુનિયા મૈ ઐસા કહાં સબકા નસીબ હૈ’ જેવાં ગીતો રોશનની કમાલ હતી.
રોશન કવ્વાલીના નિષ્ણાંત ગણાયા. ‘નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ’ કે ‘ન ખંજર ઉઠેગા ના તલવાર તુમસે, યે બાઝૂ મેરે આઝમાયે હુએ હૈ’ જેવી રચનાઓ તેમણે આપી હતી.
જીવનના છેલ્લા વીસ વર્ષો સુધી સંગીતકાર રોશન હૃદય રોગથી સખત પીડાયા હતા. અતે ૧૬ નવેમ્બર, ૧૯૬૭ના રોજ માત્ર ૫૦ વર્ષની ઉમરે રોશન હૃદય રોગના હુમલા સામે હારી ગયા. તેમની પાછળ પત્ની, બે દીકરા અને બે દીકરીઓ મુકીને ચાલી નીકળ્યા. આ તો તેમનું પરિવાર, બાકી તેમના ચાહકોના વિશાળ પરિવારને તેઓ વિલાપ કરતાં મૂકી ગયા.
સંગીતકાર રોશનના જાણીતા ગીતો:બડે અરમાન સે રખા થા બલમ – મલ્હાર, ખયાલો મેં કિસી કે – બાવરે નૈન,જો વાદા કિયા વો નિભાના પડેગા – તાજમહાલ, રહે ન રહે હમ, છુપા લો યું દિલ મે – મમતા, આયા હૈ મુઝે ફિર યાદ વો જાલિમ, બહારોં ને મેરા ચમન લૂંટ કર, દુનિયા મે ઐસા કહાં સબ કા નસીબ હૈ –દેવર, ના તો કારવાં કી તલાશ હૈ, ઝીંદગીભર નહીં ભૂલેગી – બરસાત કી રાત, લાગ ચુનરી મેં દાગ – દિલ હિ તો હૈ, કભી તો મિલેગી કહીં તો મિલેગી – આરતી, દિલ જો ન કેહ સકા – ભીગી રાત, હમ ઇન્તઝાર કરેંગે – બહુ બેગમ, ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં – અનોખી રાત.
લેખક: નરેશ કાપડીઆ
we@nareshkapadia.in