CIA ALERT
August 6, 20183min9800

સુરત શહેરના અતિ પ્રાચીન એવા કતારગામ ‘‘કાંતારેશ્વર મહાદેવ’’ મંદિરમાં બારે માસ શિવભકતોની ભીડ ઉમટે છે

Share On :

ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામે કપિલ મુનિના આશ્રમમાં બાણ મારીને જે કુંડ બનાવ્યો તે આજે પણ મંદિરના પરિસરમાં હયાત છે.
—————–
કાંટાવાળી ઝાડીઓ (કાંતાર)માં મંદિર સ્થપાયું હોવાથી નામ પડયું ‘‘કાંતારેશ્વર મહાદેવ’’

સુરત, બુધવાર: સૂર્યપુત્રી તાપીના કાંઠે વસેલું સુરત શહેર અનેક પૌરાણિક સ્થાપત્યો, મંદિરો અને ઐતિહાસિક ધરોહરનો ઉજળો ઈતિહાસ ધરાવે છે. દેવોના દેવ મહાદેવની આરાધનાના પર્વ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરતના અતિ પ્રાચીન અને પૌરાણિક મહત્વ ધરાવતા ‘‘કાંતારેશ્વર મહાદેવ’’ મંદિરમાં શિવભકતોનો મહેરામણ ઉમટે છે. મંદિરનું પ્રાચીન સ્થાપત્ય, શિવલિંગ, જલકુંડ અને નંદી અહીંયા વર્ષોથી આજ સ્થિતિમાં બિરાજીત છે.
કાંતારેશ્વર મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ શિવભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે. બિલી પત્ર, પુષ્પ, દૂધ અને શુદ્ધ જળથી દેવાધીદેવ મહાદેવના શિવલિંગ પર અભિષેક કરવા માટે ભકતો લાંબી કતાર લગાવી રહ્યા છે.
સૂરત શહેરના કતારગામ સ્થિત ‘‘કાંતારેશ્વર મહાદેવ’’ મંદિર સાથે અનેક ઐતિહાસિક અને રોચક પુરાતન ગાથા જોડાયેલી છે. જે મુજબ પ્રાચીન સુર્યપુર અને આજની સુરત નગરી જળપ્રલયમાં સંપૂર્ણપણે ડૂબી જતા ધરતી પેટાળમાં સમાઈ ગઈ હતી. તાપી નદીનું વહેણ બદલાતા તે પોતાના માર્ગથી ફંટાઈને વહેવા લાગી. નદીના માર્ગમાં કાંટાવાળી ઝાડીઓ (કાંતાર) ઊગી નીકળી હતી. ભગવાન કપિલ મુનિએ કાંતારની ઝાડીમાં આશ્રમ બનાવ્યો હતો. આ સ્થળ પર રહીને કપિલ મુનિએ ભગવાન સૂર્યની કઠીન તપ દ્વારા આરાધના કરી હતી. મુનિના કઠિન તપથી પ્રસન્ન થઇ ભગવાન સૂર્ય નારાયણે કપિલ મુનિને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું હતું. કપિલ મુનિએ સૂર્યનારાયણને આશ્રમ પર જ નિવાસ કરવા માગણી કરી. પરંતુ સૂર્યએ પોતાની પ્રચંડ અગ્નિજ્વાળાથી આશ્રમ સહિત આ ધરતીલોક બળીને ભસ્મ થઇ જશે એમ કહી શંકર ભગવાનનું સ્મરણ કર્યું. અને મુનિના વરદાનની વાત વર્ણવી. ભગવાન શંકરે મુનિની માંગણીને વશ થઇ જે રીતે દેવો અને દાનવોના સમુદ્રમંથનથી પ્રાપ્ત થયેલા વિષને ગળામાં ધારણ કર્યું તે જ રીતે પ્રચંડ અગ્નિયુક્ત સૂર્યને પોતાના શરીરમાં સમાવીને આશ્રમ પર જ નિવાસ કર્યો હતો.
પુરાણોમાં ઉલ્લેખ છે કે આ મંદિરના સ્થળે કપિલ મુનિના આગ્રહથી બિરાજી સૂર્યને પોતાના શરીરમાં ધારણ કરતા ભગવાન શિવને ‘સૂર્ય રૂપમ મહેશ’ પણ કહેવાય છે. મુનિએ સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપ્યું. ગૌદાનથી આનંદિત થયેલા સૂર્યદેવે પોતાના તેજરુપી શિવલિંગને અહીં પ્રગટાવીને ભાદરવા વદ-૬ના દિવસે તેજોમય શિવલિંગની સ્થાપના કરી હતી. ‘તાપી પુરાણ’માં પણ આ ઘટનાનું તાદ્રશ્ય વર્ણન છે.
અન્ય માન્યતા અનુસાર રામાયણ કાળમાં ભગવાન રામ વનવાસ દરમ્યાન કાંતારની ઝાડીમાં આવેલા કપિલ મુનિના આશ્રમે પધાર્યા હોવાનું પણ કહેવાય છે. તે સમયે ઋષિઓએ શિતલ જલમાં સ્નાન કરી ભગવાન શિવને અભિષેક કરવાની ઈચ્છા દર્શાવતા તાપી નદીમાં પાણી ન હોવાથી ભગવાન રામે ધરતીમાં બાણ મારી જલધારા ઉત્પન્ન કરી હતી. ઋષિ મુનિઓએ સ્નાન કરી રામને આશીર્વાદ આપી સંતોષ વ્યક્ત કર્યો હતો. સમય જતા જલધારાના સ્થાને કુંડનું નિર્માણ થયું, જે ‘સૂર્ય કુંડ’ ના નામથી ઓળખાય છે. આજે પણ આ સૂર્ય કુંડ અસ્તિત્વ ધરાવે છે.
તાપીપુરાણમાં ભગવાન સૂર્યનારાયણે કાંતારેશ્વર મંદિરનું માહાત્મ્ય વર્ણવ્યું છે. સુરતના આ સૌથી પ્રાચીન મહાદેવ મંદિરની સ્થાપના સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગમાં થયેલી હોવાની લોકમાન્યતા પ્રચલિત છે. કંતારેશ્વર મહાદેવ મહાદેવમાં સ્થાનિકોને અતૂટ શ્રદ્ધા છે. અહીં શ્રાવણ માસ અને મહાશિવરાત્રિમાં માનવ મહેરામણ ઉમટે છે.
કાંતારેશ્વર મહાદેવ મંદિરનો વર્ષ ૧૯૬૮માં કૈવલ્ય મહંત સ્વામી નૃસિંહગીરીએ જીર્ણોધ્ધાર કરાવીને સુંદર અને ભવ્ય મંદિર બનાવ્યું હતું. લોકવાયકા મુજબ કાંતારેશ્વર મહાદેવ મંદિરના નામ પરથી જ આ વિસ્તારનું નામ કતારગામ પડ્યું હતું.
-૦૦-

Image may contain: sky and outdoor
Image may contain: sky and outdoor
No automatic alt text available.
Image may contain: outdoor
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :