30/9 : Gujarat Corona update
કોરોનાગ્રસ્ત રાજ્યના સૌથી સંક્રમિત મહાનગરોમાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં પરિસ્થિતિ હજુ નિયંત્રણમાં આવતી નથી. રાજ્યમાં કુલ કેસ વધીને ૧,૩૬,૦૦૪ સુધી પહોંચ્યા છે જ્યારે નવા ૧૩૮૩ મળી કુલ ૧,૧૫,૮૫૯ ડિસ્ચાર્જ થયા છે એટલે રાજ્યનો રિવકરી રેટ ૮૫.૧૯ ટકા સુધી પહોંચી ગયો છે. અલબત્ત, મૃત્યુની સંખ્યા ૩૪૪૨ સુધી પહોંચી છે. હાલ એક્ટિવ કેસ વધીને ૧૬૭૦૩ થઇ છે એમાં ૮૯ વેન્ટીલેટર ઉપર છે અને ૧૬૬૧૪ સ્ટેબલ છે.
સુરતમાં કુલ ૩૧૧ નવા કેસ, અમદાવાદમાં ૧૯૫, રાજકોટમાં ૧૪૮, વડોદરા ૧૨૯ અને જામનગરમાંથી નવા ૮૧ મળી કુલ ૧૩૮૧ કેસ નોંધાયા છે. જોકે, દૈનિક કેસમાં છ દિવસ પછી ઘટાડો નોંધાયો છે. બીજી તરફ કોરોના સંક્રમણથી ઝઝૂમી રહેલા દર્દીઓ પૈકી વધુ ૧૧ના મૃત્યુ થયા છે એમાં સૌથી વધુ સુરતમાં ૪, અમદાવાદમાં ૩, વડોદરામાં ૨ અને રાજકોટ તથા ગાંધીનગરમાં ૧-૧ મૃત્યુનો સમાવેશ થાય છે.
સુરત મહાનગરમાંથી નવા ૧૭૬ કેસ નોંધાયા છે, પરંતુ સુરતના જુદા જુદા તાલુકાઓમાંથી વિક્રમી ૧૩૨ ચેપગ્રસ્તો મળી આવ્યા છે. આને લીધે જિલ્લાનો આંક ૩૧૧ સુધી પહોંચ્યો છે. જોકે, હવે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના મૃત્યુ આંકમાં નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હોય તેમ ગ્રામ્યમાંથી ત્રણ અને શહેરના એક મળી કુલ ચાર મૃત્યુ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં સતત વધતાં જતાં કેસને પગલે પશ્ચિમ વિસ્તારમાં રાત્રે આડેધડ ખુલ્લાં રહેતાં ખાણી પીણી સહિતના બજારોને હવે ૧૦ વાગ્યા પછી બંધ કરાવી દેવાના સ્થાનિક તંત્રના પગલાંની અસર થતાં થોડો સમય લાગશે. એમ છતાંય શહેરમાંથી નવા ૧૭૬ કેસ ઉમેરાયા છે જ્યારે ત્રણ દર્દીએ કોરોના સામે હાર સ્વીકારી છે. આ સિવાય ગ્રામ્યમાંથી નવા ૧૯ કેસ નોંધાયા છે.
રાજકોટ શહેરમાંથી નવા ૧૦૪ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યમાંથી વધુ ૪૪ કેસ આવ્યા છે. એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. વડોદરામાં કેસ ઘટીને નવા ૯૫ નોંધાયા છે જ્યારે ગ્રામ્યના નવા ૩૯ કેસનો સમાવેશ થાય છે. એક એક દર્દીના મૃત્યુ પણ થયા છે. જામનગર શહેરમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. જામનગરમાંથી નવા ૬૯ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યના ૨૨ કેસ છે. ગાંધીનગર શહેરના ૨૧ અને ગ્રામ્યના ૧૯ મળી ચાળીસ કેસ નવા નોંધાયા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ થયું છે.
ભાવનગર જિલ્લામાંથી કુલ ચાળીસ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૮ કેસ છે. જૂનાગઢમાં સ્થિતિ નિયંત્રણમાં આવી જતાં હવે કુલ ૩૨ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭નો સમાવેશ થાય છે.
ઉત્તર ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી વધેલા કેસમાં હવે આંશિક ઘટાડો થઇ રહ્યો હોય તેમ બનાસકાંઠામાંથી નવા ૩૯, મહેસાણા અને પાટણમાંથી ૩૪-૩૪ કેસ, સાબરકાંઠામાંથી ૧૧ અને અરવલ્લીના ૬ કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ ભરૂચમાંથી નવા ૨૯, સુરેન્દ્રનગરના ૨૭, અમરેલી અને કચ્છમાંથી ૨૪-૨૪ કેસ નવા નોંધાયા છે. પંચમહાલમાંથી વધુ ૨૩, તાપીમાંથી ૨૧, મહીસાગરમાંથી ૧૯, મોરબી ૧૭, ગીર સોમનાથના ૧૫ કેસ નવા નોંધાયા છે. આણંદમાં ૧૨, નર્મદામાંથી ૧૧, દેવભૂમિ દ્વારકા, ખેડા અને નવસારીમાંથી ૮-૮, છોટાઉદેપુર અને બોટાદમાંથી ૬-૬, પોરબંદર, દાહોદ અને વલસાડમાંથી ૪-૪ કેસ અને ડાંગમાંથી એક કેસ નવો નોંધાયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
