મંદીનો માહોલ છે, અનિયમિત આવકવાળાઓએ ફાઇનાન્સ મેનેજમેન્ટ કરવું જરૂરી

Share On :

ફ્રીલાન્સર્સ, સ્વરોજગારી ધરાવતા પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો જાણે છે કે, આવક અનિયમિત હોય ત્યારે નાણાંનું મેનેજમેન્ટ મુશ્કેલ હોય છે. કારણ કે વ્યક્તિએ ખર્ચ નિયમિત રીતે કરવો પડે છે, પણ એ ખર્ચ માટે આવક નિશ્ચિત હોતી નથી. ઓપ્ટિમા મની મેનેજર્સના સીઇઓ પંકજ મઠપાલ જણાવે છે કે, અનિયમિત આવક ધરાવતા લોકોને ખર્ચનો અંદાજ હોય છે, આવકનો નહીં. એટલે જ તેમના માટે નાણાકીય આયોજન મુશ્કેલ બને છે.” જોકે, સમજણપૂર્વકના આયોજન સાથે આ પડકારનો સામનો કરી શકાય.

ઇમરજન્સી માટે સૌથી પહેલાં વ્યવસ્થા

વ્યક્તિએ ઇમરજન્સી ખર્ચ માટે સૌથી પહેલાં વ્યવસ્થા કરવી જરૂરી છે. એક વર્ષના ખર્ચ જેટલાં નાણાંની FD કરો અથવા લિક્વિડ ફંડમાં મૂકો. એક્સેલન્ટ એડ્વાઇઝર્સના ડિરેક્ટર પુનિત ઓબેરોયના જણાવ્યા અનુસાર સ્વરોજગાર કરતી વ્યક્તિએ એક વર્ષની આવક જેટલું કન્ટિન્જન્સી ફંડ બનાવવું જોઈએ. તેમાં વર્ષનો ઘરખર્ચ અને બિઝનેસના ફિક્સ્ડ ખર્ચ જેટલી રકમ રાખવી જોઈએ.

ઇમરજન્સી ફંડ ન હોય તો નાણાંની જરૂર પડે ત્યારે વ્યક્તિ એસેટ્સનું વેચાણ કરે છે. તેને લીધે મહત્ત્વના લક્ષ્યાંક માટેની ગણતરી ખોરવાઈ જાય છે. દર મહિને થતી આવકનું લક્ષ્યાંક આધારિત એસેટ એલોકેશન સ્ટ્રેટેજી પ્રમાણે રોકાણ કરવું જોઈએ. અન્ય રોકાણકારોની જેમ સ્વરોજગારમાં સક્રિય પ્રોફેશનલ્સે લાંબા ગાળાના લક્ષ્ય સિદ્ધ કરવા ઇક્વિટીનો ઉપયોગ કરવો જોઈએ. તાત્કાલિક જરૂરિયાત માટે લિક્વિડ અને ડેટ ફંડ્સ સારો વિકલ્પ છે. ઉપરાંત, રહેઠાણની ખરીદી જેવા મધ્યમ ગાળાના લક્ષ્ય માટે તેમાં નાણાં રોકી શકાય.

વ્યક્તિગત અને બિઝનેસ ખર્ચ અલગ રાખવા જોઈએ. TBNG કેપિટલના સ્થાપક અને સીઇઓ તરુણ બિરાનીએ જણાવ્યું હતું કે, “તમે પોતાની જાતને વેતન ચૂકવતા થઈ જશો ત્યારે તમે તેને અન્ય બિઝનેસ ખર્ચની જેમ ગણશો.

વ્યક્તિગત અને બિઝનેસ ખર્ચ અલગ રાખવાથી ફાઇનાન્શિયલ પ્લાન માટે સ્પષ્ટ ચિત્રનો ખ્યાલ આવશે. બિરાની SIPને બદલે તબક્કાવાર રોકાણની ભલામણ કરે છે. Oyepaisa.comના સ્થાપક ઉદય ધૂતના જણાવ્યા અનુસાર વ્યક્તિએ લઘુતમ રોકાણ કે બચતના કમિટમેન્ટની આદત રાખવી જોઈએ. ઉચ્ચક રકમનું રોકાણ લિક્વિડ ફંડ્સમાં કરવું હિતાવહ છે. ચોક્કસ લક્ષ્ય માટે આ પ્રકારના રોકાણની ટેવ રાખો.

નાણાકીય આયોજનને વળગી રહો

વ્યક્તિ નક્કી કરેલી યોજનાને વળગી ન રહે તો અસરકારક નાણાકીય આયોજન માટે ફાળવેલો સમય અને ઊર્જા નિરર્થક નીવડે છે. મઠપાલના જણાવ્યા અનુસાર “લોકો કમાય ત્યારે વધુ ખર્ચ કરે છે અને મુશ્કેલીના સમય માટે ખાસ બચત કરતા નથી. તેઓ પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ દ્વારા ઊંચા વ્યાજે લોન લે છે.

આવી વ્યક્તિએ લાંબા ગાલાના નાણાકીય આયોજન સાથે વારંવાર સમાધાન કરવું પડે છે. એ વાત યાદ રાખો કે, અંકુશ વગરના ખર્ચા વ્યક્તિને જીવનના લાંબા ગાળાના આર્થિક લક્ષ્યમાંથી વિચલિત કરે છે.

બિરાનીના જણાવ્યા અનુસાર ઘણા લોકો રોકાણને ટૂંકા ગાળાની તકવાદી નજરથી જુએ છે. રોકાણમાં સાતત્યનો અભાવ તેના લાંબા ગાળાના લાભમાં સતત નુકસાન કરાવે છે.વ્યક્તિ લાંબા ગાળા માટે નાનું સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરે તો પણ તેના ભંડોળમાં નોંધપાત્ર વધારો થાય છે.

આવક વધારતા વિકલ્પો

અનિયમિત આવક ધરાવતી વ્યક્તિએ સતત આવક રળી આપતા વિકલ્પો પર ધ્યાન આપવું જોઇએ. ટૂંકા ગાળામાં વ્યક્તિની આવક પૂરતી ન હોય ત્યારે ઇમરજન્સી ભંડોળ તેને ટકાવી રાખવામાં મદદ કરે છે. જ્યારે આવકના અન્ય સ્રોત તેને સ્થિરતા આપે છે. મઠપાલના જણાવ્યા અનુસાર આવક રળી આપતી એસેટ્સ ઊભી કરો. જેમકે, વ્યાજની આવક, ડિવિડન્ડ આવક કે ભાડાની આવક આપતી રિયલ એસ્ટેટમાં રોકાણ કરો.

ઇન્શ્યોરન્સને અગ્રિમતા આપો

વ્યક્તિ માટે પૂરતો જીવન વીમો અને હેલ્થ ઇન્શ્યોરન્સ રાખવો ફરજિયાત છે. કારણ કે સ્વરોજગાર કરતી વ્યક્તિ પાસે અન્ય કર્મચારીઓની જેમ કંપની તરફથી ગ્રૂપ હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ હોતો નથી. મહાનગરમાં જીવનસાથી અને બે બાળક સાથે રહેતી વ્યક્તિ માટે ઓછામાં ઓછું ₹5 લાખનું વીમાકવચ જરૂરી છે. દર પાંચ વર્ષે વીમાની રકમની સમીક્ષા કરી તેમાં વધારો કરવો હિતાવહ છે. જીવન વીમો વ્યક્તિની વાર્ષિક આવક કરતાં ઓછામાં ઓછો 10 ગણો હોવો જોઇએ.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :