અનાથ બાળકોને મનાલીનો પ્રવાસ : સામાજિક ન્યાયમંત્રી ઇશ્વર પરમારે શુભેચ્છા પાઠવી
સુરતના ચિલ્ડ્રન હોમના ૬૦ અનાથ બાળકો મનાલીના પ્રવાસે
સુરતના ચિલ્ડ્રન હોમમાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં મનાલી જતાં ૬૦ બાળકોનો અભિવાદન સમારોહ યોજાયો
સરકારી બાળગૃહમાં રહેતા બાળકો માટે હિમાચલ પ્રદેશના મનાલી ખાતે બાળ સાહસિકતા શિબિરનું આયોજન
સુરતના બાલગૃહના ૬૦ બાળકો સહિત ગુજરાતના ૧૪૭ બાળકોને બે બેચમાં આવરી લેવાશે
બાળકોની સુષુપ્ત શક્તિઓ અને કૌશલ્યને બહાર લાવવા બાળ સાહસિકતા શિબિર જેવા કાર્યક્રમો સહાયરૂપ બને છે: મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર
સરકારી બાળગૃહમાં રહેતા બાળકો પણ અન્ય બાળકોની જેમ કુદરતને ખોળે આનંદ-પ્રમોદ કરી શકે તે માટે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા આ બાળકો માટે હિમાચલ પ્રદેશના મનાલીમાં બાળ સાહસિકતા શિબિરનું આયોજન કરાયું છે. જેમાં સુરત ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ, કતારગામ અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રામનગર-રાંદેરના ૬૦ બાળકો પણ ભાગ લઇ રહ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કતારગામના વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમ ખાતે આ બાળકોનો અભિવાદન સમારોહ યોજાયો હતો
આ પ્રસંગે મનાલી પ્રવાસે જતા બાળકોનું અભિવાદન કરતાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બાળગૃહના બાળકો પણ અન્ય બાળકોની જેમ બાળસહજ પ્રવૃત્તિઓ થકી આનંદ અને જ્ઞાન મેળવી શકે તે માટે બાળ સાહસિકતા શિબિરનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે રાજસ્થાનના આબુ ખાતે અનાથ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે પ્રકારે શિબિરનું આયોજન કરાયું હતું. આ વર્ષે હિમાચલના મનાલીમાં આયોજિત શિબિરમાં બાળકો સાહસિક અને ખડતલ બને તે માટે ટ્રેકિંગ-જોગિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે.
મંત્રીશ્રી પરમારે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને કૌશલ્યને બહાર લાવવા બાળ સાહસિકતા શિબિરો ખૂબ સહાયરૂપ હોવાનું જણાવી ઉપસ્થિત સૌ બાળકોને જીવનમાં સાહસિકતાના ગુણો ખીલવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે દરેક બાળકોને ગુલાબનું ફૂલ ભેટ ધરી તેમના સુખમય અને આનંદદાયક પ્રવાસની શુભકામનાઓ પાઠવી હતી.
સ્વાગત પ્રવચન કરતાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના અધ્યક્ષ અને કોર્પોરેટરશ્રી ડો. જગદીશ પટેલે સમગ્ર કાર્યક્રમ વિષે વિસ્તૃત જાણકારી આપી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, સુરત દ્વારા ત્યજી દેવાયેલા બાળકો, અનાથ બાળકો, બાળમજૂરીમાંથી મુક્ત કરાવેલા બાળકોની સારસંભાળ, કાળજી અને રક્ષણની કામગીરીથી સૌને વાકેફ કરાવ્યા હતા.
બે બેચમાં યોજાનાર આ શિબિરમાં આગામી ૧૧ મી જુને સુરતના ૩૬ બાળકો અને ૨૪ બાળાઓ સહિત કુલ ૬૦ બાળકો મનાલી જવા રવાના થશે. ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા આયોજિત આ શિબિરની પ્રથમ બેચ તા.૫ જૂન થી ૧૪ જૂન ૨૦૧૮ દરમિયાન તેમજ બીજી બેચ ૧૧ જૂનથી ૨૦ જૂન ૨૦૧૮ દરમિયાન યોજાશે. પ્રથમ બેચમાં સુરત, વડોદરા તથા અમદાવાદથી રાજધાની ટ્રેનમાં ૭૭ બાળકો તથા બીજી બેચમાં સુરત, વડોદરા, અમદાવાદ અને પાલનપુરથી ૭૦ બાળકો પ્રસ્થાન કરશે. જેમાં સોસાયટીના અધિકારી/કર્મચારીઓ સાથે રહી બાળકોને માર્ગદર્શન આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બંન્ને બેચની શિબિરમાં જોગણી વોટર હોલ્સ, હિડિમ્બા ટેમ્પલ, સ્નો/ભ્રીગુ, મનાલી જેવા પર્વતોમાં પર્વતારોહણની પ્રવૃત્તિ કરવામાં આવશે. તેમજ સાહસિકતા તાલીમ શિબિરમાં બાળકોને રિપલીંગ, ઝિપ લાઇન, રિવર ક્રોસિંગ, કેમ્પ ફાયર જેવી પ્રવૃત્તિઓ તેમજ નેતૃત્વ, જીવન કૌશલ્ય, હકારાત્મક વિચાર શૈલી અંગે સવિસ્તૃત માર્ગદર્શન અપાશે.
મંત્રીશ્રીએ ચિલ્ડ્રન હોમના વિવિધ વિભાગોની મુલાકાત લઇ અહી નિવાસ કરતાં બાળકોના ખબર-અંતર પણ પૂછ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિનુભાઈ મોરડિયા, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એલ.બી.પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી જે.એમ.ઠાકોર, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્ય શ્રીમતી રૂપલબેન શાહ, સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ ચૌધરી અને ઉર્વીબેન પરમાર સહિત ચિલ્ડ્રન હોમના કર્મચારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
