CIA ALERT
26. April 2024
July 26, 20191min3210

U.K. Prime Minister બોરિસ જૉન્સનને બીજા ડોનાલ્ડ ટ્રમ્પ કેમ માનવામાં આવે છે ?

Share On :
Print Friendly, PDF & Email
British Prime Minister Boris Jhonson

બ્રિટનમાં કોન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અલેક્ઝાન્ડર બોરિસ દ ફેફેલ જૉન્સન પક્ષનું નેતૃત્વ સંભાળીને બ્રિટનના નવા વડા પ્રધાનપદે બિરાજમાન થવા માટે પસંદગી પામ્યા છે. બોરિસ બહાદુરીનો દેખાડો કરવા, ડંફાસો મારવા, લેટિનમાં કટાક્ષો કરવા કે ટોણા મારવા તથા વિખરાયેલાં પીળા-બ્લોન્ડ વાળ માટે જાણીતા છે. તેમની અને ટ્રમ્પ વચ્ચેની સરખામણી કરતાં અનેક વાતો કહેવામાં આવે છે અને એ વાતો ટ્રમ્પને પણ ગમતી હોવી જોઈએ. બોરિસ જૉન્સન વિશે ડોનલ્ડ ટ્રમ્પે ગયા મંગળવારે જ કહ્યું હતું કે, “એ લોકો (અંગ્રેજો) એમને બ્રિટનના ટ્રમ્પ કહે છે. લોકો જ્યારે એમ કહે છે ત્યારે એ સારી જ વાત કહેવાય! ત્યાં પણ હું લોકોમાં પ્રિય અને જાણીતો છું. એમને ટ્રમ્પ જોઈએ છે અને એમને ટ્રમ્પની જરૂર પણ છે.

એક અમેરિકન અખબારે લખ્યું છે કે, અર્થહીન બકવાસ અને વગર કારણની દલીલો કરવાની બાબત જો માણસના ગુણ કહેવાતા હોય તો બોરિસ જૉન્સનની ગણના આંગળીના વેઢે ગણાતા ‘વિદ્વાનો’માં સહેલાઈથી થઈ શકે છે. એ જ અખબારે વધુમાં એમ પણ જણાવ્યું છે કે, જવાબદારીની સભાનતા વિનાનો માણસ જે બાલિશતા આચરે એવા લગભગ તમામ ‘ઉદ્યોગ’ કર્યાનું લિસ્ટ બોરિસ જૉન્સનના નામે છે. યુવાનીમાં જ તેમણે આવા ઉધમાત કર્યા છે એવું નથી, મોટા-પુખ્ત, પીઢ થયા બાદ પણ કર્યા છે. પીઢ થયા બાદ એટલે કે વય વધ્યા બાદ પણ ચોથા ભાગના કદનું પેન્ટ પહેરીને દોડવા જવું, ફાટેલાં કપડાં પહેરીને ફરવું, લંડનના મેયર હોવા છતાં કાદવ-કાંપમાં ઊતરવું, ઊંચા દોરડા પરથી લટકવું વગેરે તેમની પ્રવૃત્તિ વિશે યુકેવાસીઓ ગણગણતાં સાદે વાતો કરે છે. પ્રથમ પત્નીથી ચાર સંતાનો અને સંબંધમાં રહેલી સ્ત્રીના પણ કેટલાક સંતાનોના પિતા એવા બોરિસ જૉન્સન આવતા સપ્તાહે ‘૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ’નાં સરનામા પર વડા પ્રધાન તરીકે રહેવા જશે! જૉન્સનનાં પહેલાં પત્ની એલેગ્રા મોસ્ટીન-ઓવેન સાથે ૧૯૮૭માં થયેલું લગ્ન ૧૯૯૩માં ફોક થયું પછી થોડાં સપ્તાહમાં બોરિસ જૉન્સન મરિના વ્હીલરને પરણ્યા હતા. અહીં ભારતીયોને ગમે એવી વાત કહેવાની છે કે મરિના વ્હીલરની માતા દીપ સિંહ મૂળ પંજાબનાં છે. એ નાતે બોરિસ જૉન્સન ભારતના જમાઈ થાય છે! 

આ વાતો તો જાણે તેમનાં અંગત જીવનની થઈ, એના પ્રત્યે દુર્લક્ષ કરીને તેમના વ્યાવસાયિક જીવનમાં જોઈએ તો તેમાં પણ આવા જ ઉત્પાત હોવાનું બ્રિટિશ મીડિયાએ કહ્યું છે. આ માણસ મૂળમાં એક પત્રકાર. હજી પણ અખબારોમાં કટારો લખીને પુષ્કળ કમાણી કરે છે. કેટલાક લખાણો માત્ર કલ્પનાના તરંગો પર સવાર થઈને કર્યા હતા એટલે તેમને અખબારની તેમની નોકરી ગુમાવવી પડી હતી. આગળ જતાં કોન્ઝર્વેટિવ પક્ષના પ્રવક્તા તરીકે કામ કરતા હતા ત્યારે અસત્ય નિવેદનો માટે તેમને ઠપકો આપવામાં આવ્યો હતો અને પનિશમેન્ટ પણ મળી હતી. આ મહાનુભાવને વિદાય લઈ રહેલા વડાં પ્રધાન થેરેસા મેએ વિદેશ પ્રધાનપદે ગોઠવ્યા ત્યારે એક યુરોપિયન નેતાની પ્રતિક્રિયા બળતરા કરાવે એવી બોલકી હતી. તેમણે કહ્યું હતું કે, “હવે તો ડ્રેક્યુલા પણ હેલ્ધ મિનિસ્ટર બની શકે. આ વાતને કદાચ અંગત કડવાશ સમજીને ભૂલી જઈએ. જૉન્સનની વડા પ્રધાનપદ માટે પસંદગી કરાઈ છે ખરી, પણ બ્રિટન અને યુરોપમાં એક ફિકર છે કે, ‘બ્રિટિશ વડા પ્રધાન પદ માટે પસંદગી પામેલા બોરિસ જૉન્સન ‘બ્રેક્ઝિટનું ખરેખર શું કરશે?’

એમ કહેવાય છે કે, કોન્ઝર્વેટિવ પક્ષે વડા પ્રધાનપદ માટે પસંદગી એટલા માટે કરી છે જૉન્સન યુરોપિયન યુનિયનના કટ્ટર વિરોધી છે. જોકે, જૉન્સન મૂળથી વિરોધના વિચારના નથી. તેમણે આવું કટ્ટર વલણ લીધું એટલા માટે કે થેરેસા મે સામેની સ્પર્ધામાં મેદાન મારી જવાય! તોય થેરેસાબાઈએ પક્ષની નેતાગીરી માટેની સ્પર્ધામાં બોરિસને ધૂળ ચટાડી હતી. એ પછી તેમને શાંત પાડવા માટે પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા, પણ થેરેસા મેના બ્રેક્ઝિટ સંબંધી મવાળ વલણનો નિષેધ કરીને બોરિસે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું હતું, પણ પાર્લામેન્ટમાં આ માટે મતદાન કરતી વખતે તેમણે થેરેસા મેના ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. મક્કમ બ્રેક્ઝિટ સમર્થક તરીકે બોરિસ આજે માઈગ્રન્ટોની વિરુદ્ધ જોરદાર ભાષણબાજી કરે છે એ ખરું, પણ હજી હમણાં સુધી સ્થળાંતર કરનારાઓના કલ્યાણ માટે શું શું કરી શકાય એ માટે મોખરે રહીને કામ કરતા હતા. આ છે બ્રિટનના આવતી કાલના વડા પ્રધાન બોરિસ જૉન્સનનો ટૂંકો ઈતિહાસ.

બ્રિટનના ‘પોતાના આગવા ડોનલ્ડ ટ્રમ્પ’ એવી બોરિસ જૉન્સનની ઓળખ તેમના વિશે ઘણું કહી દે છે, એટલું જ નહીં પણ જૉન્સન અને ટ્રમ્પ એકબીજાના સારામાં સારા દોસ્તો છે! બ્રિટનનાં અખબારોના કહેવા પ્રમાણે ‘કોઈ પણ વિચારશીલ વ્યક્તિની ઊંઘ ઉડાવી દેવા માટે આ દોસ્તીની વાત જ પૂરતી છે.’ એ કારણે જ આખા યુરોપ અને બ્રિટનમાં “આ માણસ આગળ જતાં શું કરશે એ અંગે ભારે ઉચાટ છે. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :