UGCના નવા નિયમો : સુપ્રીમનો Stay
- શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાની માર્ગદર્શિકામાં જ સવર્ણો વિરુદ્ધ ભેદભાવ
- નવા નિયમોમાં સંસ્થાકીય રક્ષણમાંથી સામાન્ય વર્ગ બાકાત, માત્ર એસસી-એસટી-ઓબીસી સામે ભેદભાવ થતો હોવાનો દાવો
- નિયમો અસ્પષ્ટ, દુરુપયોગ થવાની પૂરી સંભાવના, ભાષા સ્પષ્ટ કરવા નિષ્ણાતોની નવી સમિતિ બનાવો : મુખ્ય ન્યાયાધીશ
UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા દેશની કોલેજો અને યુનિવર્સિટીઓમાં રજૂ કરાયેલા નવા નિયમોને ભેદભાવપૂર્ણ ગણાવતા સુપ્રીમ કોર્ટે તેના અમલ પર Dated 29/01/2026 સ્ટે મુકી દીધો છે. યુજીસીના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન નિયમ, ૨૦૨૬નો દેશભરના અનેક રાજ્યોમાં સવર્ણોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ નિયમોના અમલને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો હતો. આ મામલે થયેલી અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે યુજીસીના નવા નિયમો પર સ્ટે મૂકવાની સાથે કેન્દ્ર અને યુજીસીને નોટિસ ફટકારી હતી. સાથે જ આ મામલે વધુ સુનાવણી ૧૯ માર્ચ પર મુલતવી રાખી હતી. આથી હાલમાં ૨૦૧૨નો નિયમ લાગુ રહેશે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે નવા નિયમોમાં અલગ અલગ જાતિઓના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ હોસ્ટેલની જોગવાઈનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ભગવાન માટે આવું ના કરશો. સુપ્રીમે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે, યુજીસીના નવા નિયમના ૩(સી) (જે જાતિ આધારિત ભેદભાવને વ્યાખ્યાઈત કરે છે)ને સંપૂર્ણપણે અસ્પષ્ટ ગણાવ્યો અને તેનો દુરુપયોગ થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર અને યુજીસી પાસેથી જવાબ માગ્યો.
બેન્ચે ઉમેર્યું કે, નવા નિયમો સમાજનું વિભાજન કરતા જોખમી પરિણામો લાવી શકે છે. નવા નિયમોમાં ૩(સી) હેઠળની જોગવાઈમાં સંસ્થાકીય રક્ષણમાંથી સામાન્ય વર્ગને બાકાત રાખતી જાતિ-આધારિત ભેદભાવની બિનસમાવેશક વ્યાખ્યાને સમાજ માટે જોખમી ગણાવી હતી. બેન્ચે સવાલ કર્યો કે, ૩(ઈ) હેઠળ ભેદભાવની વ્યાખ્યા તમામ પ્રકારના ભેદભાવપૂર્ણ વર્તનની કાળજી લે છે ત્યારે નવા નિયમોમાં જાતિ આધારિત ભેદભાવોને અલગથી શા માટે વ્યાખ્યાઇત કરવામાં આવ્યો? અને રેગિંગ પર બિલકુલ ધ્યાન શા માટે આપવામાં આવ્યું નથી? સુપ્રીમે કહ્યું કે આ નિયમની ભાષા ફરીથી બદલવાની જરૂર છે.
યુજીસીના નવા નિયમોને સવર્ણો માટે ભેદભાવ પેદા કરનારા ગણાવી સોશિયલ મીડિયા પર વ્યાપક સ્તર પર વિરોધ શરૂ થયો હતો, જેને પગલે શાસક પક્ષ ભાજપની અંદરથી પણ નવા નિયમો સામે અવાજ ઉઠવા લાગ્યા હતા. સાથે નવી દિલ્હીથી લઈને રાજસ્થાનથી દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી સવર્ણોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તેમણે છેલ્લા કેટલાક દિવસોથી સરકાર અને યુજીસી સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. આ દેખાવોના કારણે ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓએ પક્ષમાંથી રાજીનામાં પણ આપી દીધા હતા.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના અધ્યક્ષપદે એક બેન્ચે આ કેસની સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમે કહ્યું કે, જાતિવિહિન સમાજ બનાવવાની બાબતમાં આપણે જે પણ કંઈ મેળવ્યું છે તેને આપણે શું પાછળ છોડી રહ્યા છીએ? તેમણે નવા નિયમોમાં અલગ અલગ જાતિઓ માટે અલગ અલગ હોસ્ટેલની સૂચિત જોગવાઈ સામે પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું ભગવાન માટે આવું ના કરશો. આપણે બધા એક સાથે રહીએ છીએ. આંતર જાતીય લગ્નો પણ થતા હતા. ન્યાયાધીશ બાગચીએ પણ કહ્યું કે, ભારતમાં એકતા શિક્ષણ સંસ્થાઓમાં દેખાવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમોને અસ્પષ્ટ ગણાવ્યા હતા. બેન્ચે કહ્યું, પહેલી નજરે જ આ નિયમોની ભાષા સંપૂર્ણપણે અસ્પષ્ટ છે. તેનો દુરુપયોગ થઈ શકે છે. કોઈ એક્સપર્ટ રીમોડેલિંગની સલાહ આપી શકે છે. કેન્દ્ર અને યુજીસીને નોટિસ પાઠવતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સૂચન કર્યું કે, આ નિયમો પર જાણિતા કાયદાકીય નિષ્ણાતોની એક સમિતિ મારફત ફરીથી વિચાર કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી ૧૯ માર્ચ પર મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટે કલમ ૧૪૨ હેઠળ તેની સત્તાઓનો ઉપયોગ કરી નવા આદેશો ના થાય ત્યાં સુધી યુજીસીના ૨૦૧૨ના નિયમોનો અમલ ચાલુ રાખવા જણાવ્યું હતું.
યુજીસીના વિવાદાસ્પદ નિયમમાં શું છે?
કોલેજ અને યુનિવર્સિટીમાં જાતિના આધારે થતા ભેદભાવ રોકવા માટે લવાયેલા નવા નિયમો હેઠળ સંસ્થાઓને એસસી-એસટી અને ઓબીસી વર્ગની ફરિયાદો સાંભળળા માટે વિશેષ સમિતિઓ અને હેલ્પલાઈન બનાવવાં પડશે. વિશેષરૂપે એસસી (અનુસૂચિત જનજાતિ), અનુસૂચિત જનજાતિ (આદિવાસી) કેટેગરી અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓની ફરિયાદો માટે ઉકેલ લાવવાની માગ કરાઈ હતી. યુજીસીએ ૧૩ જાન્યુઆરીએ આ નિયમોને નોટિફાઈ કર્યા હતા. જોકે, આ નવા નિયમોમાંથી શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવ મુદ્દે સવર્ણોને બાકાત રખાયા અને માત્ર એસસી, એસટી, ઓબીસી વર્ગ પર જ ભેદભાવ થતો હોવાનું ચિત્ર ઉપસાવ્યું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


