કોરોના તેના નવા વેરિઅન્ટો સાથે ફરી સક્રિય થઈ રહ્યો છે ત્યારે દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 50 કરોડને પાર થઈ ગયો છે. આ મહામારીના પહેલા કેસથી 50 કરોડ દર્દી થવામાં માત્ર 877 દિવસનો સમય લાગ્યો છે. જોકે રાહતની વાત એ પણ રહી છે કે, દુનિયાભરમાં 45 કરોડ 02 લાખથી વધુ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. સંક્રમણને કારણે દુનિયામાં અત્યાર સુધીમાં 62 લાખથી વધુ મૃત્યુ નોંધાયાં છે. દરમ્યાન, ભારતમાં કોરોના સતત નબળો પડી રહ્યો છે. વીતેલા ચોવીસ કલાકમાં 796 નવા કેસ નોંધાયા હતા અને 19 દર્દીઓએ મહામારી સામેની લડાઈમાં પોતાનો જીવ ખોયો હતો.
વિશ્વમાં અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ 8.20 કરોડ કેસ જોવા મળ્યા છે, જ્યારે ભારતનો ક્રમ બીજો છે. હાલમાં વિશ્વમાં 6થી 10 લાખ લોકોને આ સંક્રમણ થઈ રહ્યું છે.
ભારતમાં નવા કેસના ઉમેરા સાથે કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 4,30,36,828 પહોંચી હતી, જ્યારે 19 નવાં મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 5,21,710 થયો હતો. નોંધાયેલાં 19માંથી 18 મોત એકલાં કેરળ રાજ્યનાં છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જારી કરવામાં આવેલા અદ્યતન આંકડાઓ અનુસાર સક્રિય કેસોની સંખ્યા ઘટીને 10,889 થઈ હતી. એક્ટિવ કેસોની ટકાવારી કુલ કેસના 0.03 ટકા છે.
વીતેલા 24 કલાક દરમ્યાન કોવિડના કુલ કેસોમાંથી 169 કેસનો ઘટાડો થયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,25,04,329 લોકો મહામારીને મ્હાત આપી ચૂક્યા છે. દેશમાં કોવિડ સામે જારી રસીકરણ અભિયાન તળે અત્યાર સુધીમાં 185.90 કરોડ ડોઝ અપાયા છે.