
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના માલિકીના લક્ષ્મી ડાયમંડ ગ્રૂપ અને મહાકાલ ગ્રૂપ સહિતના ભાગીદારો પર 28 જાન્યુઆરી બુધવારના રોજ વહેલી સવારથી આવકવેરા વિભાગે સુરતમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડાયમંડ, એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા આ ગ્રુપના ગુજરાતભરમાં આવેલા ઠેકાણાઓ પર 150થી વધુ અધિકારીઓની અલગ-અલગ ટીમોએ એકસાથે ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આવકવેરા વિભાગની DDI (ડિરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ ઇન્વેસ્ટિગેશન) વિંગ પાસે આ ગ્રુપના વ્યવહારો અંગે અગાઉથી જ સચોટ માહિતી ઉપલબ્ધ હતી, જેના આધારે આ ઓપરેશન માટે છેલ્લા ઘણા દિવસોથી ગુપ્ત રીતે તૈયારીઓ ચાલી રહી હતી અને વહેલી સવારે જ ટીમો નિર્ધારિત સ્થળો પર પહોંચી ગઈ હતી.
અધિકારીઓએ ગજેરા પરિવારના મુખ્ય ભાગીદારો વસંત ગજેરા, ચિનુ ગજેરા અને ધીરુ ગજેરા સહિત પરિવારના તમામ સભ્યોની પૂછપરછ અને તેમના આર્થિક વ્યવહારોની ઊંડી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આઇટી વિભાગ દ્વારા લેટેસ્ટ ‘હવાલા નેટવર્ક’ના જોડાણો અંગે પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. ગજેરા પરિવાર ઉપરાંત તેમની સાથે સંકળાયેલા અન્ય ભાગીદારો પર પણ તંત્રએ ગાળિયો કસ્યો હતો. જેમાં અનિલ બગદાણા, તરુણ ભગત અને પ્રવિણ ભૂતના રહેણાક મકાનો, ઓફિસો અને રિયલ એસ્ટેટના સાઈટ પ્રોજેક્ટ્સ સહિત અનેક સ્થળોએ ટીમો દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.
ગજેરા પરિવાર જેવી મોટી હસ્તીઓ પર આઈટીના દરોડા પડતા જ સુરતના હીરા બજાર અને બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, આ તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો અને કરચોરી પકડાઈ શકે તેવી શક્યતા છે.
ગજેરા પરિવાર પર આઈટીના દરોડાને રાજકીય એન્ગલથી પણ જોવામાં આવી રહ્યો છે. કારણ કે ગજેરા પરિવારના ધીરુ ગજેરા રાજકીય સંબંધો માટે જાણીતા છે. અગાઉ ભાજપમાં રહ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને ફરી પાછા ભાજપમાં પરત ફર્યા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ અને કામગીરી વિરુદ્ધ આડકતરી રીતે નિશાન સાધતા હોવાથી સતત ચર્ચામાં રહ્યા છે. આ સંજોગોમાં આઈટી વિભાગની કાર્યવાહીએ બિઝનેશ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

