CIA ALERT

SGCCI event on BC & AI Archives - CIA Live

July 12, 2024
sgcci-bc-and-ai.jpg
1min142

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૧૧ જુલાઇ, ર૦ર૪ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સેમિનાર હોલ– એ, સંહતિ, સરસાણા, સુરત ખાતે સ્થાનિક વ્યાપાર વૃદ્ધિ માટે બ્લોકચેન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો લાભ વિષય પર ટેક ઇનોવેશન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે ગુજરાતના અલ્ગોભારત રિજીયોનલ એમ્બેસેડર તેમજ ઓપન બ્લોકચેન ફાઉન્ડેશનના ફાઉન્ડર અને બ્લોકચેન આર્કીટેકટ શ્રી સુનિલ કાપડીયાએ આઇટી ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને વ્યવહારમાં તેમજ વેપાર – ઉદ્યોગમાં બ્લોકચેન તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગિતા વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ સમિટમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૩૦ સુધીમાં બ્લોકચેન ટેકનોલોજીની માર્કેટ ગ્રોથમાં હબનચ ૮૪.પ ટકાનો વધારો થવાનો અંદાજ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ષ ર૦૩૦ સુધીમાં ૧પ.૭ ટ્રિલિયન યુએસ ડોલરની વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પ્રદાન કરશે તેવી સંભાવના છે. અર્થશાસ્ત્રીઓની આગાહી મુજબ, બ્લોકચેન વર્ષ ર૦૩૦ સુધીમાં વૈશ્વિક આર્થિક ઉત્પાદનમાં ૧.૭૬ બિલિયન યુએસ ડોલરનો વધારો કરવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં, નિષ્ણાંતોની ધારણા મુજબ વિશ્વભરની મોટા ભાગની કંપનીઓ દ્વારા બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. બ્લોકચેન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ દ્વારા ડેટા સિકયુરિટીમાં વધારો અને ભરોસો, કાર્યક્ષમતામાં વધારો અને ખર્ચમાં ઘટાડો, નવા બિઝનેસ મોડલ અને આવકના સ્ત્રોતોમાં વધારો અને સ્પર્ધાત્મકતામાં વધારો જેવી બાબતોમાં બિઝનેસમાં વૃદ્ધિને વેગ આપવામાં મદદ થશે.

નિષ્ણાંત વકતા શ્રી સુનિલ કાપડીયાએ જણાવ્યું હતું કે, બ્લોકચેન એ મેથેમેટિકસ ગ્રીવન્સ ટેકનોલોજી છે. બ્લોકચેન પર જે ડેટા અપલોડ કરવામાં આવે છે તેમાં ઉમેરો કરી શકાય છે પણ એક વખત જે ડેટા અપલોડ કરાયો તે ચેન્જ થતો નથી. ટ્રાન્ઝેકશનનો ડેટા ચેન્જ થઇ શકે છે. બ્લોકચેન પર બધા પાર્ટીસિપેટ કરી શકે છે અને પોતાનો ડેટા રાખી શકે છે. બ્લોકચેન ક્ષેત્રમાં પીયર ટુ પીયર ઇકોનોમી ઉભી કરાઇ છે, જેનાથી બધાને સમાન અધિકાર મળી શકે. એક વખત બ્લોકચેનમાં જે ડેટા નાંખ્યો તે બદલાતો નથી અને ગમે ત્યારે એ ડેટા મળી જાય છે. બધો જ ડેટા બધા પાસે સરખો હોય છે, આથી બ્લોકચેનનો રેકોર્ડ બદલાયો હોય એવી કોઇ ઘટના અત્યાર સુધી બની જ નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બ્લોકચેન વર્ષ ર૦૧૩માં આવ્યું હતું. જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ષ ર૦૧૮માં અને ચેટજીપીટી વર્ષ ર૦ર૪માં આવ્યું છે. બ્લોકચેનથી ડેટા આવે એટલે એના પર વિશ્વાસ મુકી શકાય છે. બ્લોકચેનથી ટ્રાન્ઝેકશન સુરક્ષિત થાય છે. બ્લોકચેનમાં કોઇ એક વ્યકિત પાસે પાવર હોતો નથી. તેમણે ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે બ્લોકચેનની ઉપયોગિતા વિશે ઉદ્યોગ સાહસિકોને વિસ્તૃત માહિતી આપી હતી.

વધુમાં, શ્રી સુનીલ કાપડીયાએ વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સાબિત થનારી બાબતો જેવી કે ઓથેન્ટીકેશન એન્ડ સર્ટિફિકેશન, માર્કેટ રેગ્યુલેશન કોમ્પ્લાયન્સ, સસ્ટેનેબિલિટી ઇનિશીએટીવ્ઝ, માર્કેટ ડિસ્રપ્શન, ગ્લોબલ ઇમ્પેકટ, સકર્યુલર ઇકોનોમિ ઇનીશિએટીવ્ઝ, ગ્લોબલ કનેકટીવિટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વિશે વિગતવાર ચર્ચા કરી હતી.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ સમિટની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બ્લોકચેન દ્વારા વ્યવસાયિક કામગીરીમાં સુરક્ષા, પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો લાવી શકાય છે. દક્ષિણ ગુજરાતના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપનારા ટેક્ષ્ટાઇલ, ડાયમંડ અને કેમિકલ સહિતના વિવિધ ઉદ્યોગોના ડેવલપમેન્ટ માટે પણ બ્લોકચેન અલ્ગોરેન્ડનો ઉપયોગ કારગર સાબિત થઇ શકે તેમ છે.

ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી બશીર મન્સુરીએ સમિટમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કમિટીના ચેરપર્સન સુશ્રી વંદના શાહે સમિટનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની આઇટી, કોમ્યુનિકેશન્સ એન્ડ આઇટી પાર્ક ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન શ્રી પુનિત ગજેરાએ વકતાનો પરિચય આપ્યો હતો. આઇટી, કોમ્યુનિકેશન્સ એન્ડ આઇટી પાર્ક ડેવલપમેન્ટ કમિટીના એડવાઇઝર શ્રી ગણપત ધામેલિયા, થોટ્‌સપાર્ક સર્વિસિસ પ્રા.લિ.ના ઇન્ડિયાના જનરલ મેનેજર શ્રી સમર્થ મહેતા અને ઉદ્યોગ સાહસિકો સમિટમાં ઉપસ્થિત રહયા હતા. વકતા શ્રી સુનીલ કાપડીયાએ ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સમિટનું સમાપન થયું હતું.