
જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા (Japanese Prime Minister Fumio Kishida) શનિવારે તા.19 માર્ચ 2022ના રોજ ભારતની સંક્ષિપ્ત યાત્રા પર પહોંચ્યા હતા. શનિવારે સાંજે તેમણે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સાથે શિખર વાર્તા કરી હતી. ટૂંકી મુલાકાત બાદ આજરોજ તા.20 માર્ચને રવિવારે સવારે 8 વાગ્યે તેઓ રવાના પણ થઇ ચૂક્યા હતા. ભારત-જાપાનની વચ્ચે ગત વાર્ષિક શિખર બેઠક ઓક્ટોબર 2018માં ટોક્યોમાં થઈ હતી. ડિસેમ્બર 2019માં નાગરિકતા સંશોધન કાનૂનને લઈને થયેલ વિરોધ-પ્રદર્શનોને કારણે પીએમ મોદી અને તત્કાલીન જાપાની પીએમ શિંજો આબેની વચ્ચે શિખર વાર્તા રદ કરી દેવામાં આવી હતી. જ્યારે 2020 અને 2021માં કોરોના મહામારીને કારણે શિખર વાર્તા યોજાઈ ન હતી.
પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ ફુમિયો કિશિદા વચ્ચેની બેઠક બાદ ભારત અને જાપાન વચ્ચે 6 ડીલ પર હસ્તાક્ષર થયા છે. જાપાને 2014માં કરેલ રોકાણ પ્રોત્સાહન પાર્ટનરશિપ હેઠળ ભારતમાં 3.2 લાખ કરોડ રૂપિયાના રોકાણ લક્ષ્યની જાહેરાત કરી છે. પીએેમ નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ કિશિદા વચ્ચે વાર્તા બાદ જાપાને પૂર્વોત્તર ક્ષેત્રના સતત વિકાસ અભિયાનની જાહેરાત કરી છે. ભારત અને જાપાનના પીએમ વચ્ચે વાર્તા બાદ સ્વસ્છ ઊર્જા પાર્ટનરશિપની પણ જાહેરાત કરાઈ હતી.
રશિયાના આક્રમણ અંગે જાપાનના પીએમ કિશિદાએ કહયું કે, બળપ્રયોગ કરીને યથાસ્થિતિને બદલવાની એકતરફી પ્રયત્નોની મંજૂરી આપવી જોઈએ નહીં. તેઓએ કહ્યું કે અમે યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરી, રશિયાનો હુમલો એક ગંભીર બાબત છે કેમ કે તેણે ઈન્ટરનેશનલ માપદંડોને હલાવી દીધા છે.
પીએમ મોદીએ બેઠક બાદ કહ્યું કે, કોરોના, આર્થિક રિકવરી અને જિયો પોલિટિકલ જેવા અનેક પડકારો વચ્ચે ભારત અને જાપાનની પાર્ટનરશિપને વધારે ઊંડી કરવી બંને દેશો માટે જ મહત્વપુર્ણ નથી પણ તેનાથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને સમગ્ર વિશ્વ સ્તર પર શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન મળશે. ભારત અને જાપાન બંને જ સુરક્ષિત અને સ્થિર એનર્જી સપ્લાયના મહત્વને સમજે છે. આ સ્થિર ઈકોનોમીના ગ્રોથના લક્ષ્યને મેળવવા માટે અને ક્લાયમેન્ટ ચેન્જની સમસ્યાને ઉકેલવા માટે જરૂરી છે. ભારત આજે મેક ઈન ઈન્ડિયા ફોર વર્લ્ડની અપાર સંભાવનાઓ રજૂ કરે છે. ત્યારે જાપાની કંપનીઓ ઘણા સમયથી એક પ્રકારે અમારી બ્રાન્ડ એમ્બેસડર રહી છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ જેવા અમારા ફ્લેગશિપ પ્રોજેક્ટ્સમાં જાપાનનો સહયોગ ઉલ્લેખનીય છે. અમે આ યોગદાન માટે આભારી છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં સારી પ્રગતિ થઈ રહી છે.