
સોના-ચાંદીમાં ૨૦૨૪ના આરંભથી તેજીનો ધમધમાટ ચાલુ થયો છે જે હજી ચાલુ છે. ખાસ કરીને સોનાના ભાવ ૨૦૨૪ના આરંભથી અનેક વખત નવી ટોચે પહોંચ્યા છે અને ૨૦૨૪માં જાણે કે સોનાની નવી ટોચની હારમાળા સર્જાઈ હતી. ૨૦૨૩ના છેલ્લા મહિનાઓમાં અનેક ઍનલિસ્ટોએ અને રિસર્ચ એજન્સીઓએ ૨૦૨૪માં મોટી તેજીની આગાહી કરી હતી અને આ તમામ આગાહીઓ સાચી પડી છે. ૨૦૨૪ના આરંભથી સોનું-ચાંદી સતત વધતાં રહ્યાં છે. અમેરિકન રિઝર્વ બૅન્ક ફેડ ૨૦૨૪માં રેટ-કટ લાવશે એવી ધારણાઓને આધારે આ તેજી એકધારી આગળ વધી રહી છે. નવાઈની વાત એ છે કે ૧૩ ડિસેમ્બર ૨૦૨૩માં ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલે જાહેરાત કરી હતી કે ૨૦૨૪માં અમે ત્રણ રેટ-કટ લાવીશું, પણ ૨૦૨૪ના આઠ મહિના પૂરા થઈ ચૂક્યા છે ત્યાં સુધી ફેડ દ્વારા એક પણ રેટ-કટ આવ્યો નથી. હવે ૧૮-૧૯ સપ્ટેમ્બરે ફેડની મીટિંગ મળવાની છે એમાં પહેલો રેટ-કટ આવવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે ૨૦૨૩ના અંતથી રેટ-કટની માત્ર ધારણાને આધારે સતત આગળ વધેલી તેજી વાસ્તવિક રેટ-કટની જાહેરાત બાદ આગળ વધશે કે તેજી પૂરી થશે?
સોનામાં તેજીનાં નવાં કારણોના અભાવે સતત બીજે દિવસે પ્રત્યાઘાતી ઘટાડોસોનામાં તેજીનાં નવાં કારણોના અભાવે સતત બીજે દિવસે પ્રત્યાઘાતી ઘટાડો
નાનપણમાં આપણે બધાએ એ કહેવત સાંભળી છે કે ગામડામાં વાઘ આવ્યો રે વાઘ એવું વારંવાર કહીને ગામડાના લોકોને ડરાવનાર જ્યારે વાસ્તવિક વાઘ આવ્યો ત્યારે ચેતવણી આપવાનું ચૂકી ગયો અને વાઘે તેનું કામ પૂરું કરી નાખ્યું. અમેરિકાના રેટ-કટની કહાની પણ વાઘ આવ્યો રે વાઘ જેવી છે. ૨૦૨૩ના ઑક્ટોબરમાં સૌપ્રથમ રેટ-કટની શક્યતા વિશે બજારમાં ચર્ચા શરૂ થઈ હતી ત્યારે વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ ૧૮૧૯ ડૉલર હતો. રેટ-કટની ચર્ચા વચ્ચે ૧૩ ડિસેમ્બર ૨૦૨૩માં ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે જાહેરાત કરી હતી કે ૨૦૨૪માં ત્રણ રેટ-કટ આવશે. જોકે આવી જાહેરાત થશે એ ધારણાથી નવેમ્બરમાં વર્લ્ડ માર્કેટમાં સોનાએ ૨૦૦૦ ડૉલરની સપાટી પાર કરી લીધી હતી અને ડિસેમ્બર એન્ડ સુધીમાં સોનાનો ભાવ ૨૦૬૨ ડૉલર સુધી વધ્યો હતો. ૨૦૨૪માં ફેડ ત્રણ રેટ-કટ લાવશે એવી જાહેરાત થઈ ચૂકી હોવાથી માર્ચમાં પહેલો રેટ-કટ આવશે એવી માત્ર ધારણાથી સોનું વધીને ૨૨૧૦ ડૉલરે પહોંચી ગયું હતું. ત્યાર બાદ ફેડ જૂનમાં રેટ-કટ લાવશે એવી વાતો થવા લાગતાં એપ્રિલના બીજા સપ્તાહે સોનાએ ૨૪૦૦ ડૉલરની સપાટી વટાવી દીધી હતી. જૂનની ફેડની મીટિંગમાં રેટ-કટ આવ્યો નહોતો, પણ સપ્ટેમ્બરમાં રેટ-કટ આવશે એવી ધારણાથી ફરી સોનું વધવા લાગ્યું હતું અને સોનું વધીને ૨૫૩૧ ડૉલરની નવી ઊંચી સપાટીએ તાજેતરમાં પહોચ્યું હતું. હવે સપ્ટેમ્બરમાં રેટ-કટ નિશ્ચિત મનાઈ રહ્યો છે, પણ માત્ર રેટ-કટની ધારણાની વાતોથી સોનું ૧૮૧૯ ડૉલરથી ૨૫૩૧ ડૉલર સુધી પહોંચી ગયું છે ત્યારે રેટ-કટની ઑલરેડી અસર થઈ ચૂકી છે. હવે જ્યારે વાસ્તવિક રેટ-કટ આવશે ત્યારે સોનામાં વધુ તેજી થવાની જગ્યા બચી છે ખરી? ઍનલિસ્ટોના મતે સોનામાં રેટ-કટની અસર ઑલરેડી થઈ ચૂકી હોવાથી રેટ-કટની જાહેરાત બાદ સોનું ઘટશે અને એની પાછળ ચાંદીમાં પણ ઘટાડો જોવા મળશે.
ભારતીય માર્કેટમાં મૂવમેન્ટ
વિશ્વમાં ભારત સોના અને ચાંદીનું બીજા ક્રમનું સૌથી મોટું આયાતકાર હોવાથી વિશ્વબજારમાં સોના-ચાંદીના ભાવની દરેક મૂવમેન્ટની અહીં તરત જ અસર પડે છે. ફેડ દ્વારા રેટ-કટ આવવાની વાતો શરૂ થઈ ત્યાર પહેલાં સોનાનો ભાવ લોકલ માર્કેટમાં પ્રતિ ૧૦ ગ્રામ ૫૯૮૯૨ રૂપિયા હતો. જેવી રેટ-કટની ચર્ચા શરૂ થઈ કે તરત વિશ્વબજારમાં પણ ભાવ વધતાં એની અસરે સોનું લોકલ માર્કેટમાં વધીને ડિસેમ્બરના અંતે ૬૩,૨૪૬ થઈ ચૂક્યું હતું. માત્ર રેટ-કટની વાતોથી જ ૨૦૨૩ના છેલ્લા બે મહિનામાં સોનાનો ભાવ ૩૪૦૦ રૂપિયા વધી ચૂક્યો હતો. વિશ્વ બજારમાં રેટ-કટ આવશે એવી વાતોને પગલે ૨૦૨૪ના ચાર મહિનામાં લોકલ માર્કેટમાં સોનું ૬૩,૨૪૬ રૂપિયાથી વધીને એપ્રિલ સુધીમાં ૭૩,૧૭૪ રૂપિયા સુધી વધી ગયું. માત્ર ચાર મહિનામાં ભારતીય માર્કેટમાં સોનાના ભાવ ઑલમોસ્ટ ૧૦ હજાર રૂપિયા વધી ગયા હતા. રેટ-કટની શક્યતાઓની ચર્ચા વચ્ચે સોનું આગળના ચાર મહિનામાં વધુ ૮૦૦થી ૯૦૦ વધીને ઑલમોસ્ટ ૭૪,૦૦૦ રૂપિયાની સપાટી સુધી પહોંચી ગયું હતું. બજેટમાં ભારત સરકારે સોના-ચાંદીની આયાત ડ્યુટી ઘટાડતાં સોનું ૨૦૦૦થી ૨૫૦૦ રૂપિયા ઘટી ગયું હતું, પણ સપ્ટેમ્બરમાં ફેડ રેટ-કટ લાવશે એવી શક્યતાએ બજેટની અસર પૂરી થયા બાદ સોનું ફરી ઉપર જઈ રહ્યું છે. સોનાનો ભાવ માત્ર રેટ-કટની ધારણાથી છેલ્લા દસ મહિનામાં ૧૪ હજાર રૂપિયા વધી ગયું છે. ચાંદીમાં પણ આવી જ ચાલ જોવા મળી હતી. નવેમ્બર ૨૦૨૩માં ચાંદી પ્રતિ કિલો ૬૯,૪૦૦ રૂપિયા હતી એ ૨૦૨૩ના છેલ્લા બે મહિનામાં વધીને ૭૩,૩૯૫ રૂપિયા થયા બાદ ૨૦૨૪માં માત્ર રેટ-કટની વાતોથી જુલાઈ સુધીમાં ૯૨,૨૦૪ રૂપિયા થઈ હતી. માત્ર રેટ-કટની ધારણાથી જ ભારતીય માર્કેટમાં ચાંદીમાં ઑલમોસ્ટ બાવીસ હજાર રૂપિયાની તેજી થઈ ચૂકી છે.
સોના-ચાંદીના ભાવ એક લાખ રૂપિયા થશે ખરા?
૨૦૨૪ના આરંભથી સોના-ચાંદીના ભાવ જે રીતે વધી રહ્યા છે એની ગતિ અને રેટ-કટ, જિયોપૉલિટિકલ ટેન્શન, અમેરિકાની પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં સત્તાપલટો અને વિશ્વની સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદીનો પ્રવાહ જોતાં આખા વર્લ્ડના ઍનલિસ્ટો સોના-ચાંદીમાં વધુ તેજીની આગાહી કરી રહ્યા છે. સોનું વધીને ૨૭૦૦થી ૨૯૦૦ ડૉલર અને ચાંદી વધીને ૩૯ ડૉલર થવાની આગાહીઓ થઈ રહી છે. જો આ આગાહી સાચી પડે તો ભારતમાં સોના અને ચાંદી બન્નેનો ભાવ એક લાખ રૂપિયાથી પણ ઉપર જવાની શક્યતા છે, પણ સોનાનો ભાવ હાલ લોકલ માર્કેટમાં પ્રતિ ૧૦ ગ્રામ ૭૧,૪૨૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૮૪,૬૧૫ રૂપિયા છે. કેટલાક ઍનલિસ્ટો સોના-ચાંદીમાં તેજી પૂરી થયાનો સંકેત આપે છે અને કેટલાક હજી વધુ તેજીની આગાહી કરી રહ્યા છે ત્યારે કોની આગાહી સાચી માનવી એ મોટો પ્રશ્ન છે, પણ ફેડ સપ્ટેમ્બરમાં રેટ-કટ લાવવાની જાહેરાત કરે ત્યાર બાદના એક મહિનાની સોના-ચાંદીની મૂવમેન્ટ નવી તેજી-મંદીનો સ્પષ્ટ સંકેત આપશે.