CIA ALERT
09. May 2024

SPB Elections: શહેર ભાજપના મહામંત્રી મુકેશ દલાલ અને તેમની આખી વિકાસ પેનલનો કારમો પરાજય, સહકાર પેનલે ઝળહળતો વિજય મેળવ્યો

Share On :
Print Friendly, PDF & Email

અમિત ગજ્જરની આગેવાની હેઠળની સહકાર પેનલે કર્યો ઋણ સ્વીકાર

રિપોર્ટેડ ઓન 7 ઓગસ્ટ 2023

પીપલ્સ બેંકની ચૂંટણીમાં મુકેશ દલાલની વિકાસ પેનલનો સફાયો, સહકાર પેનલના દરેક ઉમેદવારો મોટા માર્જિનથી જીત્યા

રિપોર્ટેડ ઓન 7 ઓગસ્ટ 2023

11 હજાર કરોડનો વહીવટ ધરાવતી 102 વર્ષ જૂની સુરત પીપલ્સ મલ્ટીસ્ટેટ કો ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ગતરોજ રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે સોમવારે યોજાયેલી મતગણતરીની પ્રક્રિયાને અંતે સત્તાધારી વિકાસ પેનલ કે જેમાં સુરત શહેર ભાજપાના મહામંત્રી મુકેશ દલાલની આગેવાની હેઠળ અનેક ભાજપી નેતાઓ ચૂંટણી લડી રહ્યા હતા, એ વિકાસ પેનલના દરેકે દરેક ઉમેદવારની કારમી હાર થઇ હતી. પીપલ્સ બેંકની ચૂંટણી લડી રહેલા સત્તાધારીઓની વિકાસ પેનલને ભાજપાએ સત્તાવાર રીતે કોઇ મેન્ડેટ આપ્યો ન હતો છતાં ભાજપાના નામે વિરોધી સહકારી પેનલનું કામ કરતા અનેક લોકોને દમ મારનાર સુરત શહેર ભાજપાના મહામંત્રી મુકેશ દલાલ, બે કોર્પોરેટરો ધર્મેશ વાણિયાવાલા, કેયુર ચપટવાલા, શહેર ભાજપાના ખજાનચી શૈલેષ જરીવાલા, શહેર ભાજપના પૂર્વ કોર્પોરેટર દિપક આફ્રિકાવાલા સહિત આખી પેનલની હાર એટલી ખરાબ રીતે થઇ હતી કે આ પેનલનો એકેય ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવી શકે તેટલા મત પણ મેળવી શક્યા નથી.ગતરોજ રવિવારે યોજાયેલા મતદાનને અંતે કુલ 15180 સભાસદોએ મતદાન કર્યું હતું. આ મતોની ગણતરી આજે સવારે 10 કલાકે દયાળજી આશ્રમ, મજૂરાગેટ ખાતે શરૂ કરવામાં આવી હતી. પહેલા રાઉન્ડની પ્રક્રિયાથી જ સત્તાધારી વિકાસ પેનલના ઉમેદવારો પછડાય રહ્યા હતા. એક પછી એક પેનલ ટુ પેનલ બેલેટ નીકળી રહ્યા હતા અને પહેલા 5000 મતોની ગણતરીમાં જ 3500 જેટલા મતો પૂર્વ ડિરેક્ટરોની બનેલી સહકાર પેનલના ઉમેદવારોને મળ્યા હતા. જોતજોતામાં બીજા રાઉન્ડની ગણતરી પણ હાથ ધરાઇ હતી અને તેમાં સહકાર પેનલના ઉમેદવારોની લીડ એટલી મજબૂત બની ગઇ હતી કે સત્તાધારી વિકાસ પેનલના ઉમેદવારો હાર પામી ગયા હતા અને એક પછી એક મતગણતરીના સ્થળ છોડી ગયા હતા.

રિપોર્ટેડ ઓન 6 ઓગસ્ટ 2023

પીપલ્સ બેંકની ચૂંટણીમાં 17 ટકા મતદાન, સહકાર પેનલને જોરદાર રિસ્પોન્સ

પાવર પોલિટીક્સને કારણે અનેક વિવાદોને જન્મ આપનાર સુરતની સૌથી મોટી સહકારી બેંક, સુરત પીપલ્સ કો.ઓ. બેંકમાં આજે યોજાયેલી ચૂંટણીમાં ક્રોસ પેનલ વોટીંગની ભરમાર વચ્ચે ગઇ ચૂંટણી કરતા 5 ગણું મતદાન નોંધાયું છે. છેલ્લી ચૂંટણીમાં 80 હજાર શેરહોલ્ડર મતદારો પૈકી માંડ 3 હજારે મતદાન કર્યું હતું. જ્યારે આ વખતે 87237 રજિસ્ટર્ડ શેરહોલ્ડર મતદારો પૈકી 15500 શેરહોલ્ડર મતદારોએ આજે મતદાન કર્યું હતું. આવતીકાલે સવારે 10 કલાકથી મતગણતરીની પ્રક્રિયા દયાળજી આશ્રમ, મજૂરાગેટ ખાતે શરૂ થશે.

સહકાર પેનલને જોરદાર રિસ્પોન્સ મળ્યાના સંકેતો
સુરત પીપલ્સ કો.ઓ. બેંકની આજે યોજાયેલી ચૂંટણીમાં મતદાનની પેટર્ન તેમજ એક ચોક્કસ સમાજના મતદારોએ અપનાવેલા ક્રોસ પેનલ વોટીંગના રૂખને જોતા એવું જણાય આવે છે કે સહકાર પેનલ કે જે બેંકના પૂર્વ ડિરેક્ટરોએ બનાવેલી પેનલ છે તેના બહુમતિ સભ્યોની તરફેણમાં જબરદસ્ત વોટીંગ થયાનું જણાય રહ્યું છે. કુલ 13 ડિરેક્ટરોની બેઠક માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં 10 સીટ સામાન્ય વર્ગના ઉમેદવારો, 2 મહિલા કેન્ડીડેટ અને 1 એસસીએસટી વર્ગ પૈકી 10 સામાન્ય વર્ગ માટેની બેઠક પર એક ચોક્કસ સમાજના મતદારોએ પોતાના સમાજના બન્ને પેનલના મતદારોને મત આપ્યો હોવાનું મતદાન કરીને બહાર આવેલા અનેક મતદારોએ એક્ઝિટ પોલમાં જણાવ્યું હતું. સહકાર પેનલને એટલે પણ સમર્થન મળી રહ્યું છે કેમકે વિકાસ પેનલના કેપ્ટન ખુદ મુકેશ દલાલ કે જેઓ બેંકના હાલના ચેરમેન પણ છે, તેમણે તેમની પેનલમાં કેટલાક રાજકારણીઓને સમાવતા બેંકમાં રાજકારણ નહીં ચલાવવા સંદર્ભે સહકાર પેનલે મતદારોમાં ભારે પ્રચાર પણ કર્યો હતો. આમ, આવતીકાલના પરીણામોમાં વિકાસ પેનલને એન્ટીઇન્કમબંસી ફેક્ટર અને રાજકારણમાં જોડાણ નડી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

આજે સવારે 9 કલાકથી શહેરના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ સંકુલ ખાતે મતદાન શરૂ થયું હતું. પહેલા જ કલાકમાં 1500થી વધુ શેરહોલ્ડરો મતદાન માટે ઉમટી પડ્યા હતા. મતદાન મથકે મતદારોને રિઝવવા માટે ઉમેદવારોએ પોતાને જે ચૂંટણી ચિન્હો મળ્યા હતા એ પશુ પક્ષીઓના વસ્ત્ર પરિધાન કરેલા કેન્વાસરોને રોકીને છેલ્લી ઘડી સુધી મતદારો તેમનું નામ કે તેના ચિન્હને ન ભૂલે એ રીતે પ્રચાર કર્યો હતો.વનિતા વિશ્રામ સંકુલ ખાતે સવારે 9 કલાકથી શરૂ થયેલું મતદાન સાંજે 6 કલાકે પૂર્ણ થયું ત્યાં સુધી ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. મતદારોને તેમના ઘરેથી મતદાન મથક સુધી લાવવા તેમજ લઇ જવા માટે ટુ વ્હીલ, ફોરવ્હીલ, રીક્ષા સહિતના વાહનોની વ્યવસ્થા જે તે ઉમેદવારોએ સ્વખર્ચે કરી હતી અને એ મુજબ જ ઉમેદવારોના સમર્થકો શેરહોલ્ડરોને પોતાના ઘરેથી મતદાન મથક સુધી દોરી લાવતા જોવાયા હતા.આજે મતદાન દરમિયાન નોંધપાત્ર ઘટના એ પણ બની હતી કે ક્રોસ પેનલ વોટીંગ કરીને આવેલા મતદાર શેરહોલ્ડરોએ પોતાના માનિતા ઉમેદવારોને કોને મત આપ્યા તેના મોબાઇલ ફોન પર લીધેલા ફોટોગ્રાફ્સ પણ દેખાડતા નજરે પડ્યા હતા. મળતી માહિતી મુજબ ચોક્કસ સમાજના મતદારોએ બન્ને પેનલમાં રહેલા પોતાના સમાજના ઉમેદવારોને જ મત આપ્યા અને તે અંગેના ફોટોગ્રાફ પણ મોબાઇલમાં લીધા હતા એ સૂચવે છે કે પીપલ્સ કો.ઓ. બેંકની ચૂંટણીમાં ભારે ક્રોસ પેનલ વોટીંગ થયું હતું.સમગ્ર વોટીંગ સમયગાળા દરમિયાન વનિતા વિશ્રામ પર ઉમેદવારો અને તેમના ટેકેદારોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરમાં આજે પીપલ્સ બેંકની ચૂંટણીને સમાંતર લિંબાયત વિધાનસભામાં આવતા વોર્ડ નં.21ની પેટા ચૂંટણી પણ યોજાઇ રહી હતી, એ ચૂંટણીમાં સાવ નિરસ માહોલ જોવા મળતો હતો જ્યારે વનિતા વિશ્રામ સંકુલમાં પીપલ્સ બેંકની ચૂંટણીને કારણે ભારે ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા.

જુદી જુદી સહકારી બેંકોએ સહકાર પેનલને સપોર્ટ જાહેર કર્યો

પીપલ્સ બેંકના શેરહોલ્ડરોને સહકાર પેનલની અપીલ

પીપલ્સ બેંકની ચૂંટણીમાં સહકાર પેનલ સામે વિકાસ પેનલનો સાવ ફિક્કો પ્રચાર

રિપોર્ટેડ ઓન 4 ઓગસ્ટ 2023

સુરત પીપલ્સ કો.ઓ. બેંકની આગામી તા.6 ઓગસ્ટે યોજાઇ રહેલી ચૂંટણીમાં સહકાર પેનલના જોરદાર પ્રચાર સામે ભાજપના મહામંત્રી મુકેશ દલાલની વિકાસ પેનલનો પ્રચાર સાવ ફિક્કો જણાય રહ્યો છે. મળતી માહિતી મુજબ શેરહોલ્ડરોનો રૂખ સહકાર પેનલ તરફ વોટિંગનો જણાય રહ્યો હોઇ, વિકાસ પેનલના ઉમેદવારો મોટા ભાગનો સમય પોતાના પ્રચાર કાર્યાલયમાં જ વિતાવી રહ્યા છે જ્યારે સહકાર પેનલનું કેમ્પેન દ્વીસ્તરીય રીતે ચાલી રહ્યું છે. સહકાર પેનલના ઉમેદવારો ડોર ટુ ડોર જઇને શેર હોલ્ડરોના ઘરે જઇને પોતાની આખી પેનલ માટે વોટ માગી રહ્યા છે જ્યારે બીજી તરફ બેક ઓફિસની ટીમ સોશ્યલ મિડીયા થકી અંદાજે 45 હજાર જેટલા મતદારો સુધી પહોંચી ચૂક્યા હોવાની માહિતી મળી છે.

ગુજરાત હાઇકોર્ટના રૂલિંગ પછી પીપલ્સ બેંકની ચૂંટણીમાં પેનલના સમીકરણો બદલાયા

ગુજરાત હાઇકોર્ટે સુરત જિલ્લા રજિસ્ટ્રાર અને સુરત પીપલ્સ કો.ઓ.બેંકના ચૂંટણી અધિકારી ધ્રુવિન પટેલની ઉમેદવારીપત્રો રદ કરવાની કાર્યવાહી સ્થગિત કરી દીધા પછી પીપલ્સ બેંકના પૂર્વ ડિરેક્ટરો ચૂંટણી લડી શકે તેમ હોઇ, હવે નીચે મુજબના ઉમેદવારો જુદી જુદી પેનલમાંથી ચૂંટણી લડશે.

  • અમિત ગજ્જર સહકાર પેનલ
  • મુકેશ દલાલ વિકાસ પેનલ

સુરત પીપલ્સ બેંકમાં રજિસ્ટ્રારે સત્તા બહાર ઉમેદવારીપત્રો રદ કર્યા

રિપોર્ટેડ ઓન 2 ઓગસ્ટ 2023 

સુરત પીપલ્સ બેંકની આગામી  રવિવારે યોજાનારી ચૂંટણીમાં આજે ગુજરાત હાઇકોર્ટની સૂચનાને પગલે જબરદસ્ત વળાંક આવ્યો છે. સુરત પીપલ્સ કો.ઓ. બેંકની ચૂંટણીના અધિકારી તરીકે સુરત જિલ્લા સહકારી રજિસ્ટ્રારે પોતાની સત્તા બહાર જઇને 5 સિનિયર ડિરેક્ટરોના ઉમેદવારીપત્રો રદ કર્યા હોવાનું નોંધીને ગુજરાત હાઇકોર્ટે પાંચેય ડિરેક્ટરોના ઉમેદવારીપત્રો ગ્રાહ્ય રાખીને તેમને ચૂંટણી લડતા રોકવા નહીં તેવી સ્પષ્ટ સૂચના વચગાળાના આદેશમાં આપી હોવાનું જાણવા મળ્યું છે.સુરત પીપલ્સ કો.ઓ. બેંકની ચૂંટણી કરાવવા માટે બેંક બોર્ડે સુરત જિલ્લા સહકારી રજિસ્ટ્રારની નિમણૂંક કરી હતી. હાલમાં સુરત જિલ્લા સહકારી રજિસ્ટ્રાર તરીકે ધ્રુવિન પટેલ નામના અધિકારી ફરજ બજાવી રહ્યા છે. પીપલ્સ બેંકની ચૂંટણીમાં ચેરમેન મુકેશ દલાલ, મુકેશ ગજ્જર, અમિત ગજ્જર, સંજીવ તમાકુવાલા અને સુનિલ મોદી એમ પાંચ ડિરેક્ટરોના ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારી ધ્રુવિન પટેલે રદ કર્યા હતા. ઉમેદવારી પત્રો રદ કરવા પાછળ એવું કારણ આપવામાં આવ્યું હતું કે રિઝર્વ બેંકના કાયદા અનુસાર કોઇપણ વ્યક્તિ બેંકના ડિરેક્ટર તરીકે 8 વર્ષથી વધુ સમય સુધી રહી શકે નહીં. ઉપરોક્ત પાંચેય સિનિયર ડિરેક્ટરો આઠથી વધુ વર્ષોથી ડિરેક્ટર પદે રહ્યા હોઇ, જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવિન પટેલે પાંચેયના ઉમેદવારીપત્રો રદ કરી દીધા હતા.આ મુદ્દાને બેંકના ડિરેક્ટરોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેના અનુસંધાને આજે યોજાયેલા હિયરિંગ દરમિયાન ગુજરાત હાઇકોર્ટે એવી સ્પષ્ટ સૂચના આપી હતી કે જિલ્લા રજિસ્ટ્રારે પોતાની સત્તા બહાર જઇને આ ઉમેદવારીપત્રો રદ કર્યા છે. બેંકીંગ રેગ્યુલેશન્સમાં તેમણે ડખલગીરી કરવી જોઇએ નહીં એ સંદર્ભની ટીપ્પણી સાથે ગુજરાત હાઇકોર્ટે આ ડિરેક્ટરોના ઉમેદવારીપત્રો માન્ય રાખીને તેમને ચૂંટણી લડવા દેવા સંદર્ભની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું હતું.ગુજરાત હાઇકોર્ટના આ સંદર્ભની સૂચનાઓ બાદ આજે સાંજે 5 કલાકે તાબડતોડ તમામ ઉમેદવારોની મિટીંગ રજિસ્ટ્રાર કમ ચૂંટણી અધિકારી ધ્રુવિન પટેલે યોજી હતી. ઉમેદવારોની આ મિટીંગમાં જેમના ફોર્મ રદ કરાયા હતા એ તમામ ઉમેદવારોને પણ હાજર રખાયા હતા.

SPB Elections: સહકાર પેનલનો સોશ્યલ મિડીયા અને ડોર ટુ ડોર જોરદાર પ્રચાર શરૂ

રિપોર્ટેડ ઓન 27 જુલાઇ 2023

સુરત પીપલ્સ કો.ઓ. બેંકમાં ચૂંટણી નિશ્ચિત બની છે. બેંકના ચેરમેન અને સુરત ભાજપના મહામંત્રી મુકેશ દલાલ પ્રેરિત વિકાસ પેનલની સામે સહકાર પેનલે જોરદાર પ્રચાર શરી દીધો છે. મળતી માહિતી મુજબ સહકાર પેનલના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કરીને શેર હોલ્ડરોના પોકેટમાં વ્યક્તિગત પ્રચાર શરુ કર્યો છે જ્યારે તેમની બેક ઓફિસ દ્વારા સોશ્યલ મિડીયના માધ્યમથી ખાસ કરીને વ્હોટ્સએપ પર સહકાર પેનલને મતદાન કરવા માટે જબરદસ્ત કેમ્પેન શરૂ કર્યું છે.

SPB Elections: બેંકના ચેરમેને મુકેશ દલાલની પેનલને જોરદાર ટક્કર આપવા સહકાર પેનલનું નિર્માણ

સુરત પીપલ્સ કો.ઓ. બેંક લિ.ની ચૂંટણીમાં ઉમેદવારીપત્રક પરત ખેંચવાની અંતિમ મુદત સુધીમાં થયેલી સમાધાન માટેની દરેક મિટીંગો વિફળ રહ્યા બાદ હવે મુકેશ દલાલની પેનલને ટક્કર આપવા માટે બેંકના પૂર્વ ડિરેક્ટરોની સહકાર પેનલનું નિર્માણ થયું છે. ઉમેદવારીપત્રક પરત ખેંચાવાની મુદત બાદ હવે ઇલેક્શન નિશ્ચિત બન્યું છે. મુકેશ દલાલે પોતાની સત્તાધારી પેનલને વિકાસ પેનલનું નામ આપ્યું છે જ્યારે તેમની સામે બેંકના પૂર્વ ડિરેક્ટરો મુકેશ ગજ્જર, અમિત ગજ્જર, સંજીવ તમાકુવાલા, સુનિલ મોદીએ પોતાની પેનલનું નામ સહકાર પેનલ રાખ્યું છે. સહકાર પેનલ પીપલ્સ બેંકની ચૂંટણીમાં સત્તાધારી પેનલને જોરદાર ટક્કર આપશે એ વાત નિશ્ચિત મનાય રહી છે.

  • સહકાર પેનલના ઉમેદવારો
  • આયુષિ અમિત ગજ્જર
  • આશિષ નટવરલાલ તમાકુવાલા
  • બિપિન મનસુખલાલ સાવલિયા
  • કેતન પ્રવિણચંદ્ર મોદી
  • મહેક નરેન્દ્ર ગાંધી
  • નિમિષ મુકેશચંદ્ર ગજ્જર
  • રાજેન્દ્ર પૂનમચંદ લાલવાલા
  • રોહિત શશિકાંત મહેતા
  • સમિર કાંતિલાલ બોડાવાલા
  • યતિશ ચંદ્રકાંત પારેખ
  • અન્યુતા ગોવિંદ મોદી
  • જસ્મિન જગદીશચંદ્ર મહેતા
  • કૈલાશ મગનલાલ રાંદેરીયા

આ ડિરેક્ટરો સહકાર પેનલને ખુલ્લું સમર્થન કરી રહ્યા છે

  • મુકેશ નાનાલાલ ગજ્જર
  • સુનિલ કનૈયાલાલ મોદી
  • સંજીવ નટવરલાલ તમાકુવાલા
  • અમિત દિલિપભાઇ ગજ્જર

ભાજપના મહામંત્રી મુકેશ દલાલની વિકાસ પેનલના ઉમેદવારો

  • અનિલ દલાલ
  • ક્રિનલ જરીવાલા
  • દિવ્યા બોડાવાલા
  • રાજેશ દૂધવાલા
  • અશોક સોપારીવાલા
  • દિપક આફ્રિકાવાલા
  • ધર્મેશ વાણિયાવાલા
  • કેયુર ચપટવાલા
  • જયેશ દલાલ
  • શૈલેષ જરીવાલા
  • જે.સી. જરીવાલા
  • રાહુલ મારુ
  • મુકેશ દેસાઇ

પરાજયની બીકે પીપલ્સ બેંકની ચૂંટણીમાંથી પરેશ પટેલની પીછેહઠ

સુરતમાં હેડક્વાર્ટર ધરાવતી ગુજરાતની મોટામાં મોટી મલ્ટી સ્ટેટ કો.ઓ. બેંક, સુરત પીપલ્સ બેંકની ચૂંટણીમાં રાજકારણીઓની ઘૂસણખોરી પર બ્રેક લાગી ગઇ છે. સી.આર. પાટીલના ખાસમખાસ ગણાતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશ પટેલે આજે પીપલ્સ બેંકની ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. પરેશ પટેલ સાથે સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ પંકજ દેસાઇએ પણ ઉમેદવારી પરત ખેંચી લેતા ચૂંટણી પહેલા જ ભાજપની પેનલ વેરવિખેર થઇ ગઇ છે. હવે પીપલ્સ બેંકની ચૂંટણીમાં મોઢ વણિક સમાજ કે ખત્રી સમાજ સાથે સંકળાયેલા રાજકારણીઓ જ મેદાનમાં રહ્યા છે.11 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી સુરતની મોટામાં મોટી સહકારી ક્ષેત્રની બેંક સુરત પીપલ્સ કો.ઓ. બેંકમાં આગામી તા.6 ઓગસ્ટે યોજાનારી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીમાં ઉમેવદવારી પરત ખેંચવાની આજે અંતિમ મુદત પહેલા 38માંથી 9 ઉમેદવારોએ ઉમેદવારીપત્રક પરત ખેંચી લીધા હતા. પીપલ્સ બેંકની ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચનારામાં સૌથી વધુ ચર્ચાસ્પદ સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ રહ્યા છે. પરેશ પટેલે આજે બપોરે બેંકમાં આવીને પોતાનું વિડ્રોલ ફોર્મ આપી નીકળી ગયા હતા. એ પછી તેમનો સંપર્ક કરી શકાયો ન હતો.

બેંક વર્તુળમાંથી મળતી માહિતી મુજબ પરેશ પટેલ સહિત ભાજપી ઉમેદવારો માટે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જો તેઓ ચૂંટણી લડ્યા હોત તો તેમનો પરાજય નિશ્ચિત હતો અને તેમનો પરાજય એટલે ભાજપાનો પરાજય થાય. આવી સ્થિતિમાં પરાજયની બીકે તેમણે ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું હોવાનું મનાય રહ્યું છે. જોકે તેમણે ઉમેદવારી કરી શું કામ અને કરી તો પરત કેમ ખેંચી એ અંગે ખુદ ભાજપી કાર્યકર્તાઓમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. કેમકે જો ચૂંટણી લડવાની હિંમત જ ના હોય તો પછી ઉમેદવારી કરવાનું નાટક શું કામ કર્યું, ઉમેદવારી પરત ખેંચી લેવાના કારણે પણ પીપલ્સ બેંકની ચૂંટણીમાં ભાજપ માટે નીચાજોણું થવા પામ્યું હોવાની લાગણી કાર્યકર્તાઓમાં ફરી વળી છે.પરેશ પટેલ ઉપરાંત સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ પંકજ દેસાઇ, વર્તમાન ચેરમેન મુકેશ દલાલના પત્ની નીલાબેન મુકેશ દલાલ, જાણિતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતીશ મોદીના પત્ની દક્ષાબેન અને અરુણાબેન સોપારીવાલા એમ પાંચ એવા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે જે વર્તમાન ચેરમેન મુકેશ દલાલની પેનલના મનાય છે.આ ઉપરાંત પૂર્વ ડિરેક્ટરોની પેનલના રાહુલ ગજ્જર, રાધિકા જગદીશ મહેતા, હેમાંગીની તમાકુવાલા અને આનંદ ગાંધીએ પણ ઉમેદવારી પરત ખેંચી છે. સુરત પીપલ્સ બેંકની ચૂંટણીમાં હવે 13 બેઠક માટે 29 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :