છોકરાઓ કેમ વંઠી જાય છે? માબાપએ ઉછેરનો અભિગમ બદલવો જોઇએ
લિમિટેડ ઇન્કમ ગ્રુપમાંથી આવેલાં માબાપ બે પાંદડે થતાં જ વિચારે છે કે તેમને જે નથી મળ્યું એ તેમનાં સંતાનોને આપવું. આ કારણે જ તેમને પોતાનાં સંતાનોને છૂટછાટ આપવાનો શોખ થાય છે. તેમનું માનવું હોય છે કે તેમનાં સંતાનોને જે જોઈએ એ બધું જ મળવું જોઈએ, પણ એમાં એક્સ્ટ્રીમ બને ત્યારે તેમની આંખ ઊઘડે છે અને ત્યારે એમાંથી બચવાનો કોઈ માર્ગ નથી રહેતો. તમારે આપવું જ છે તો એવી ચીજો આપો જેથી તેની ઉન્નતિ થાય. તેને દુનિયા દેખાડો, કુદરત બતાવો; પણ મોટા ભાગના લોકો બાળકોને લઈને વિદેશ જાય તો ડિઝનીલૅન્ડ બતાવે. ત્યાંથી કઈ બ્રૅન્ડની કઈ ચીજો ખરીદી એને તેઓ મહત્વ આપે છે. તમારા સંતાનને તમે છૂટછાટ આપો એ પહેલાં એનો ઉપયોગ તેણે કેવી રીતે કરવો એ શીખવો.
આજકાલની આ જનરેશન-નેક્સ્ટના ઉદ્ધાર માટે જેમ તેના પેરન્ટ્સ જવાબદાર છે એવી જ રીતે આ નવી જનરેશનના ઉત્થાન માટે પણ આ જ મા-બાપ જવાબદાર છે. મા-બાપ એવું માની રહ્યા છે કે બાળકોને સુવિધા આપવાથી તેમને પ્રેમ કરીએ છીએ એવો આડકતરો મેસેજ મળશે, સાથોસાથ આ સુવિધા તેના વિકાસમાં પણ મહત્વનો ફાળો ભજવશે; પણ હકીકત કંઈક જુદી બની જાય છે. સુખ, સગવડ અને સુવિધાઓથી છકી ગયેલાં બાળકો એવી ભૂલ કરી બેસે છે જેના કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની જાય છે.
આજની જનરેશનના મોટા ભાગના પેરન્ટ્સ એવું ધારી લે છે કે જો બાળકોની ઇચ્છા પૂરી નહીં કરીએ તો તેમને ગુમાવવાનો વારો આવશે, પણ સવાલ એ છે કે બાળકોની ઇચ્છા પૂરી કર્યા પછી પણ જો તેને સંસ્કાર અને સૌમ્યતાની દૃષ્ટિએ ગુમાવવાનાં હોય તો શું કરવું? આ એક યક્ષપ્રશ્ન છે અને એનો ઉત્તર કદાચ કોઈ પાસે નથી.
ટીનેજ સમયે બ્રેઇનમાં જે ચેન્જિસ આવે છે એ બહુ મહત્વના છે. ચારથી પાંચ વર્ષના આ ગાળામાં જો તમે તેને તેની મર્યાદાઓ ન સમજાવી શકો તો તેઓ આલ્કોહૉલ, સેક્સ, ડ્રગ્સના રવાડે ચડી જાય છે. સામાન્ય રીતે માતા-પિતામાં એવો ઍટિટ્યુડ હોય છે કે તેમનો છોકરો તો કંઈ ખોટું કરે જ નહીં. આવા ખોટા વિશ્વાસમાં રહેવાની કોઈ મા-બાપે જરૂર નથી
કેટલાંક માબાપનું માનવું હોય છે કે મારાં બાળકોને બધું જ મળવું જોઈએ એટલે તેઓ બધી છૂટછાટો આપે છે, પણ તેમના સંતાનની એ એજ નથી કે સારું-ખોટું સમજી શકે કે એ ન કરવા પોતાની જાતને રોકી શકે. ઘણાં માબાપ કહે છે કે મારો દીકરો તો ૧૪ વર્ષે ડ્રાઇવિંગ શીખી ગયો, પણ તેમણે તેને એ ન કહ્યું કે કાયદા મુજબ ૧૮ વર્ષ પહેલાં ડ્રાઇવિંગ ન કરી શકાય. દીકરો પરીક્ષામાં નાપાસ થયો એનો તેમને વાંધો નથી હોતો, પણ ડ્રાઇવિંગ આવડ્યું એટલે જાણે બહુ મોટું કામ કરી લીધું એવું તેમને લાગે છે. સેક્સની બાબતમાં પણ આજકાલ હવે રિસ્ટ્રિક્શન તેમની તરફથી પણ નથી રહ્યાં. આવી કેટલીક વાતો તેમની નજરે ચડે તો પણ તેઓ આંખ આડા કાન કરે છે. તેમને લાગે છે કે આ તો બધા કરે છે.
અતિશય બિઝી રહેતા પેરન્ટ્સનો વાંક વધુ હોય એવું મને લાગે છે. કૉમ્પિટિશન અને મની-ઓરિયેન્ટેડ પપ્પા આખો દિવસ બિઝનેસમાં વ્યસ્ત હોય છે અને મમ્મી શૉપિંગ, પાર્ટી અને ક્લબમાંથી ફ્રી નથી થતી એટલે તેમનું ટીનેજ કે ફ્રેશ-યંગ કહેવાય એવું અઢાર-ઓગણીસ વર્ષનું બાળક કઈ દિશામાં જાય છે એની તેમને ખબર નથી હોતી. મેં એ પણ જોયું છે કે સંતાન ટાઇમ ન આપવો પડે એ માટે અમુક પેરન્ટ્સ તો બાળકની ડિમાન્ડ એક જ સેકન્ડમાં પૂરી કરી નાખે છે. તેઓ એવું ધારી લે છે કે ડિમાન્ડ પૂરી કરવાથી બાળક પોતે માગેલી ચીજવસ્તુમાં બિઝી રહેશે અને પોતે પોતાનું કામ કરી શકશે. આજે સુરતના સિત્તેર ટકા અપર-મિડલક્લાસ ફૅમિલીનાં બાળકો પાસે એ બધી સગવડ છે જે બીજા સામાન્ય લોકો માટે સપનું કહેવાય. બધું હોવા છતાં તે બાળકોમાં બધા અવગુણ છે અને એ અવગુણ છતી ફૅમિલીએ ફૅમિલી વિનાના હોવાને કારણે આવ્યા છે.
૧. તમારા બચ્ચાનું ગ્રુપ કેવું છે એનું ધ્યાન રાખો. જરૂર પડ્યે વર્ષમાં એકાદ વાર તેના આખા ગ્રુપને ઘરે બોલાવો અને તેમની સાથે બે-ચાર કલાક વિતાવો, જેથી તે બધાને પણ ઓળખવાની તક મળે.
૨. બાળકોને સુવિધા ચોક્કસપણે આપો પણ એ સુવિધા હોવી જોઈએ, લક્ઝરી નહીં.
૩. નીતિનિયમોનું પાલન કરતાં શીખવો, જો ભૂલથી પણ તેનાથી નિયમ તૂટે તો છાવરવાને બદલે તેને એ ભૂલની સજા ભોગવવા માટે સક્ષમ બનાવો.
૪. બાળકોને પોતાના ફ્રેન્ડસર્કલ કરતાં ફૅમિલી સાથે વધુ રહેવાની આદત પડે એવું આચરણ કરો. તેમને પૂરતો સમય આપો. જો બાળકમાં તમને ન ગમે એવા શોખ હોય તો થોડો કંટાળો ભોગવીને પણ તેના એ શોખ પૂરા કરવા માટે સાથે રહો.
૫. પૈસો બાળકોને બગાડી શકે છે. શક્ય હોય ત્યાં સુધી બાળકોની જરૂરિયાતની વસ્તુ તેમની સાથે જઈને તમે પોતે તેને ખરીદી આપો. જો ૧૬-૧૭ વર્ષનું સંતાન હોય તો તેને ગ્રુપ સાથે શૉપિંગ કરવા જવા દો, પણ પાછા આવ્યા પછી પાંચ પૈસાનો પણ હિસાબ લો. જોકે માસ્તરની જેમ, ગાર્ડિયનની જેમ.
૬. આજકાલની જનરેશનને પૈસાનું મૂલ્ય નથી એટલે એવા સમયે બાળકોને બચતનું મૂલ્ય ખાસ સમજાવો. એક એવી સ્કીમ પર આપો કે જેટલા પૈસા તે બચાવશે એટલા જ દર મહિને તેને તમારા તરફથી વધારાના મળશે. વધુ પૈસા મેળવવા માટે બાળક ચોક્કસપણે બચતને રસ્તે વળશે.
૭. મોબાઇલ, આઇપૅડ અને લૅપટૉપ જેવાં સાધનો જો તમારાં દીકરા-દીકરીને આપ્યાં હોય તો એ વારતહેવારે તેની હાજરીમાં જ ચેક કરવાનું રાખો. એમાં શરમાવાની કોઈ જરૂર નથી. આ અનુશાસન થકી બાળક ખોટું કરતાં પહેલાં સહેજ ડરશે અને બાળક પર મા-બાપનો ડર હોય એમાં કંઈ ખોટું પણ નથી. એ હોવો જ જોઈએ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
