પ્રસિદ્ધગાયિકા કૌમુદીબહેન મુન્શીનું અવસાન
સુપ્રસિદ્ધગાયિકા અને સ્વરકાર કૌમુદી મુન્શી એટલે ‘ધ નાઈન્ટિંગલ ઑફ ગુજરાત’.કંઠની મીઠાશ જાણે તેમના સ્વભાવમાં પણ ભળી ગયેલી. ઠુમરી, ગઝલ, ચૈતી, હોરી અને ઉત્તર પ્રદેશના લોકગીતોની તાલીમ મેળવી ચૂકેલાં કૌમુદીબહેને સુગમ સંગીતના શિખરો તેમના જીવનસાથી અને સુપ્રસિદ્ધ સંગીતકાર નિનુ મઝુમદારસાથે રહીને સર કર્યાં હતા. સંગીતનો એ સિતારો આજે સંગીતના નભમંડળમાંથી ખરી પડ્યો.

હા, કૌમુદીબહેન આજે આપણી વચ્ચે નથી રહ્યા. ૧૩ ઑક્ટોબરની વહેલી સવારે બે વાગે ૯૧વર્ષની વયે તેમણે ટૂંકીબીમારી બાદ મુંબઈમાં આ ફાની દુનિયા છોડી દીધી. કોરોના-૧૯ના ખપ્પરમાં તેઓ હોમાઇ ગયા. તેમનેહૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અનેત્યાં જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. તેમના પુત્ર ઉદય મઝુમદાર પણ સ્વાસ્થ્ય સારું ન હોવાથી અત્યારે હોસ્પિટલમાં જ છે.
તેમનું આખું જીવન સંગીતમાં જ વીત્યું હતું. જીવનના અંતિમ શ્ર્વાસ સુધી તેઓ સંગીતની સેવા કરતા રહે તે તેમનો ધ્યેય હતો. તેઓ જીવનમાં ક્યારેય દુ:ખી નહોતા રહેતા, હંમેશાં આનંદમાં રહેતા. ૯૧ વર્ષની વયે પણ તેઓ સદાબહાર ગીતો ગાતા હતા. ‘ગીત કૌમુદી’, ‘તારો વિયોગ’, ‘સ્મરણાંજલિકા’ જેવા તેમના સંગીત આલબમો ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. કૌમુદીબહેન મૂળ બનારસનાં એટલે હિન્દી ભાષા પર ખૂબ જ સારું પ્રભુત્વ ધરાવે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના લોકગીતોનો તેમની પાસે ખજાનો. પચાસ વર્ષ સુધી ગુજરાતી સુગમ સંગીતમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન ભોગવનાર કૌમુદી મુન્શી ૨૧મી સદીમાં ગાયિકા તરીકે નિવૃત્ત થયા એમ કહી શકાય. જોકે, સંગીત ગુરુ તરીકે તો ૨૦૨૦ સુધી અથવા તો કોરોના સુધી સક્રિય રહ્યા. ગુજરાતી સુગમ સંગીતમાં તેમનું અદ્વિતીય અને મહામૂલું યોગદાન છે. તેમણે ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’માં ‘ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા’ ગીત ગાયું હતું. ‘કોઇ આઘે આઘેથી વેણુ વાય છે’ જેવું તેમનું ગીત ખૂબ જ જાણીતું થયું હતું.
કૌમુદી મુન્શીનો જન્મ ૩ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ વારાણસીમાં થયો હતો. વારાણસીમાં મોટા જમીનદારના ઘરમાં તેમનો જન્મ. વારાણસીમાં પુરુષો સંગીતના શોખીન, પણ તે માટે તેઓ બહાર ગાવા-વગાડવા જાય. તે સમયે પારંપારિક રીતે ઠુમરી વગેરે ગણિકા ગાન કહેવાતું. ઘરની સ્ત્રીઓ શરીફ ઔરત ગણાય એટલે એમનો અવાજ પણ બહાર સંભળાવવો ન જોઇએ. વિદ્યાર્થીની તરીકે કૌમુદીબહેન રિયાઝ કરે ત્યારે તેમની માતા બારી બારણાં સખત રીતે બંધ કરી દેતા. કૌમુદીબહેન આ બધી વાડો ઓળંગીને છેક ‘દાલકી મંડી’ જેવી બદનામ વસ્તીમાં જઇને પણ ઠુમરી સંગીતના મહારાણી કહેવાતા સિદ્ધેશ્ર્વરી દેવીપાસે ઠુમરી,દાદરા, હોરી, ચૈતી વગેરે શીખ્યા. આ વાડ કુદવામાં તેમના પતિ નીનુ મઝુમદારનો મોટો સાથ હતો.
આ યુગલની સંગીતયાત્રા ૧૯૫૨માં શરૂ થઇ હતી. નીનુ મજુમદાર તે સમયે ગાયક, સંગીતકાર, ગીતકાર તરીકે જાણીતા હતા. કૌમુદીબહેનના મધુર અવાજ અને શાસ્ત્રીય સંગીતની તાલીમથી નીનુભાઇ અભિભૂત થયેલા અને તેમનો અવાજ એચએમવીની રેકોર્ડમાં અને રેડિયોના સંગીત રૂપકોમાં ઉપયોગ કરેલો. ૧૯૫૪માં નીનુભાઇના પ્રથમ પત્ની શારદાબહેનનું અવસાન થતાં બંનેનો સંબંધ લગ્નમાં પલટાયો હતો.
તેમનો પુત્ર ઉદય મઝુમદારપણ જાણીતા ગાયક-સંગીતકાર છે અને તેમની ત્રણ બહેનો ગાયિકા રાજુલ મહેતા, નારીવાદી કર્મશીલ લેખિકા સોનલ શુક્લ અને અભિનેત્રી મીનળ પટેલ શારદા નિનુ મઝુમદારની પુત્રીઓ છે.
દિગ્ગજોનીસંગીતાંજલિ
* વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ તેમને સંગીતાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા કૌમુદી મુનશીના અવસાનથી દુ:ખ અનુભવું છું. ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં તેમનું યોગદાન સંગીતપ્રેમી પેઢીઓ માટે હંમેશાં યાદગાર રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને તેમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના. ઇશ્ર્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
* ગુજરાતના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ કૌમુદીબહેનને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાતીસુગમ સંગીતના શિરમોર ગાયિકા કૌમુદીબહેનેપોતાના મધુર સ્વરથી ગુજરાતી રચનાઓને ઘેર-ઘેર ગૂંજતી કરી હતી. તેમનું આ યોગદાન ગુજરાતી સુગમ સંગીતમાં દીર્ઘકાલીન બની રહેશે.
*દિગ્ગજ ગાયક-સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મને હજુ પણ યાદ છે કે કૌમુદીબહેન વારાણસીથી મુંબઈમાં આવ્યા ત્યારે તેમના ભાઇના ઘરે સાંતાક્રુઝમાં રહેતા. હું પણ સાંતાક્રુઝમાં રહેતો અને તે સમયે પ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસ સાથે જોડાયેલો હતો. અવિનાશભાઇએ કૌમુદીબહેન પાસે પ્રથમ ગુજરાતી ગરબો ગવડાવેલો, ‘અલી ઓરે બજાર વચ્ચે બજાણીઓ’. તે ગીત બેસાડવા તેેમની પાસે હું ગયો હતો અને આખું ગીત તેમને ગવડાવ્યું હતું. તેઓ વારાણસીથી આવેલા એટલે તેમનું હિન્દી બહુ સારું હતું. પછી તો નીનુભાઇ સાથે તેમને પ્રેમ થયો. બંને ભવન્સ પાસે આવેલી હોટેલ અન્નપૂર્ણામાં મળતા અને સંગીતની ચર્ચાઓ કરતા અને બંનેના લગ્ન પણ થયા. તેઓ ગુજરાતીમાં એકમાત્ર મહિલા હતા, જેઓ ઠુમરીમાં ઉસ્તાદ હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
