July 12, 20181min25550

ઇન્કમટેક્સમાં અપીલ ફાઇલિંગમાં નાણાંકીય લિમિટ વધારાઇ, દાવાઓ સાવ ઓછા થઇ જશે

Share On :

લેખકઃ શ્રી મિતિશ મોદી

આપ દક્ષિણ ગુજરાતના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છો. ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં સુગર ફેક્ટરીઝ, બેંક વગેરેના એક્સપર્ટ સી.એ. તરીકે ખ્યાતિપ્રાપ્ત છે.

શ્રી મિતેશ મોદી સી.આઇ.એ. લાઇવ માટે નિયમિત રીતે બ્લોગ લખશે.

 

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષીસ, ન્‍યુ દિલ્‍હીએ ઈન્‍કમટેક્ષ ખાતા ઘ્‍વારા એપેલેટ ટ્રિબ્‍યુનલ, હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સમક્ષ અપીલ ફાઈલ કરવાની નાણાંકીય મર્યાદા વધારી કાનૂની દાવાઓ ઘટાડવાની દિશામાં લીધેલું ખૂબજ આવકારદાયક પગલું

નાણાં મંત્રાલયના નેજા હેઠળ કામ કરતાં સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષીસ, ન્‍યુ દિલ્‍હી ઘ્‍વારા તાજેતરમાં તાઃ 11મી જુલાઈ, ર018ના રોજનો સરકયૂલર નં. 3/ર018 જારી કરવામાં આવ્‍યો છે. અગાઉના તાઃ 10-1ર-ર01પના સરકયૂલરને નાબૂદ કરી તેને સ્‍થાને આ નવો સરકયૂલર તાત્‍કાલીક અસરથી અમલમાં આવે તે રીતે ઈન્‍કમટેક્ષ ખાતાને સૂચિત કરવામાં આવ્‍યુ છે કે હવેથી ઈન્‍કમટેક્ષ ખાતાએ એપેલેટ ટ્રિબ્‍યુનલ, હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ સમક્ષ અપીલ ફાઈલ કરતી વેળા જે તે કેસની કે કરદાતાની લાગુ પડતાં આકારણી વર્ષની “ટેક્ષ ઈફેકટ”ની નાણાંકીય રકમ મર્યાદા ઘ્‍યાનમાં લઈ અપીલ ફાઈલ કરવી.    આ સરકયૂલર ઘ્‍વારા ઈન્‍કમટેક્ષ ખાતા ઘ્‍વારા થતી અપીલોની નાણાકીય મર્યાદા નીચે મુજબ વધારવામાં આવી છેઃ

(1)     જો અપીલ કે ક્રોસ ઓબ્જેકશન એપેલેટ ટ્રિબ્‍યુનલ સમક્ષ હોય તો તે નાણાંકીય મર્યાદા રૂા. 10 લાખથી વધારીને 20 લાખ કરી છે.

 (ર)     જો અપીલ કે રેફરન્સ હાઈકોર્ટ સમક્ષ હોય તો તે નાણાંકીય મર્યાદા રૂા.20 લાખથી વધારીને 50 લાખ કરી છે.

 (3)     જો અપીલ કે એસ.એલ.પી. સુપ્રિમકોર્ટ સમક્ષ હોય તો તે નાણાંકીય મર્યાદા રૂા. 25 લાખથી વધારીને 1 કરોડ કરી છે.

વધુમાં, “ટેક્ષ ઈફેકટ” ની આપેલી વ્‍યાખ્‍યા મુજબ, તેમાં વિવાદી મુદ્દાઓ પર ગણતરી કરતાં ભરવાના થતા ટેક્ષની જવાબદારી ઉપરાંત તેમાં સરચાર્જ અને સેશ પણ આવરી લેવાશે. જો ટેક્ષની જવાબદારી પર ચડાવેલ વ્‍યાજની જવાબદારી પણ વિવાદી મુદ્દામાં આવરી લેવાયેલ હોય તો તેનો પણ સમાવેશ ટેક્ષ ઈફેકટની નાણાંકીય મર્યાદામાં કરવાનો રહેશે.  જે કિસ્‍સાઓમાં કરદાતાએ “લોસ”નું રીટર્ન ભર્યુ હોય અને જો વિવાદી મુદ્દાઓને લીધે આકારણીની આવક વધી હોય તો તેવા કિસ્‍સાઓમાં, વિવાદી મુદ્દાઓની આકારાયેલી રકમ પર જે ટેક્ષ આવે તે “ટેક્ષ ઈફેકટ” ગણાશે.  વળી, પેનલ્‍ટીના ઓર્ડરના કિસ્‍સામાં, જેટલી રકમ પેનલ્‍ટીની ઓછી કરી હોય અથવા તો રદ કરી હોય તેટલી રકમ “ટેક્ષ ઈફેકટ” ગણાશે.  ટૂંકમાં, ઈન્‍કમટેક્ષ ખાતા ઘ્‍વારા જયારે કમિશ્‍નર ઓફ ઈન્‍કમટેક્ષ (અપીલ્‍સ)ના ઓર્ડરની સામે એપેલેટ ટ્રિબ્‍યુનલ, હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ સમક્ષ અપીલનો વિષય હોય ત્‍યારે ઉપર મુજબ “ટેક્ષ ઈફેકટ”ની ગણતરી કરી જો તેની રકમ ઉપરની મર્યાદાથી વધે તો જ અપીલ ફાઈલ કરવાની રહેશે.

કેન્‍દ્ર સરકારના નાણાં મંત્રાલય ઘ્‍વારા લેવાયેલું આ પગલું કાનૂની દાવાઓ અને તેની પાછળ થતો ખર્ચ અને સમય ચોકકસપણે ઘટાડશે અને સામાન્‍ય કરદાતાઓ માટે ખૂબજ લાભદાયક નીવડશે, એ વાત ચોકકસ છે. અલબત્‍ત, ઈન્‍કમટેક્ષ ખાતા ઘ્‍વારા, દરેક કિસ્‍સાઓમાં વર્ષવાર અલગ અલગ અને જે તે કરદાતાઓ માટે અલગ અલગ નિર્દિષ્‍ટ સૂચના પ્રમાણે “ટેક્ષ ઈફેકટ” ગણીને જો ઉપર મુજબ નાણાંકીય મર્યાદાઓની ઉપર ન થતી હોય તો અપીલ ફાઈલ કરી શકાશે નહી. પરીણામે કરદાતાઓ આવા કિસ્‍સાઓમાં કાનૂની દાવાઓના માનસિક બોજ, કાનૂની ખર્ચાઓ અને પોતાના કિંમતી સમય બચાવી છુટકારો મેળવી શકશે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે આ સરકયૂલરમાં ખૂબજ સ્‍પષ્‍ટપણે સૂચિત કરેલ છે કે ફકત હવેથી દાખલ કરવાની થતી અપીલોના કિસ્‍સામાં જ આ નાણાંકીય મર્યાદા લાગુ પડશે, તે ઉપરાંત ઈન્‍કમટેક્ષ ખાતા ઘ્‍વારા અગાઉ જેટલી પણ અપીલો કે ક્રોસ ઓબ્જેકશન, રેફરન્સ એપેલેટ ટ્રિબ્‍યુનલ, હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ સમક્ષ આજની તારીખે પેન્‍ડીંગ છે, તે તમામ અપીલોને પાછી ખેંચવાની રહેશે. આમ, આજની તારીખે પણ ઈન્‍કમટેક્ષ ખાતા ઘ્‍વારા કરાયેલી અપીલો ટ્રિબ્‍યુનલો કે કોર્ટ સમક્ષ અનિર્ણાયક રીતે પડી હોય તો તેવી તમામ અપીલોને પણ ઉપરોકત સુધારેલી નાણાંકીય મર્યાદા લાગુ પડશે અને જો ઉપરોકત નાણાંકીય મર્યાદા સુધી દરેક અપીલની “ટેક્ષ ઈફેકટ” રહેતી હોય તો તેવી તમામ અપીલો હવે પરત ખેંચાઈ જશે અને કરદાતાઓ એમાંથી માનસિક અને આર્થિક રીતે રાહત મેળવી શકશે.  આમ, આ સરકયૂલર દેશના કરદાતાઓ માટે ખૂબજ લાભદાયક સાબિત થનાર છે અને તે માટે સરકારને અભિનંદન આપવા ઘટે.

 

Blog 01

નાણામંત્રીશ્રીએ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ભરવાના થતા નાણાંકીય વર્ષ 2017-18ના વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં થયેલા વિલંબ પર ફરજિયાતપણે લાદેલી પેનલ્ટીની જોગવાઇઓ પર પુનઃવિચારણા કરવી આવશ્યક

ધી ફાઇનાન્સ એક્ટ, 2017 દ્વારા આકારણી વર્ષ 2018-19 (નાણાંકીય વર્ષ 2017-18) ને લગતા ઇન્કમ ટેક્સના રિટર્ન્સ ભરવામાં જો મોડું થાય તો નવી કલમ 234 એફ હેઠળ હવેથી ફરજિયાતપણે પેનલ્ટી (લેટ ફી) વસુલ કરવામાં આવશે.

ઇન્કમ ટેક્સની કલમ 139(1) ની જોગવાઇઓ મુજબ, જે કરદાતાઓની આવક ઓડિટને પાત્ર નથી તેઓએ તા.31મી જુલાઇ સુધીમાં પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું રહે છે. સામાન્યતઃ આ જોગવાઇ પગારદાર, નિવૃત્ત પેન્શનરો, નાના ધંધાદારીઓ તેમજ સ્ત્રી વર્ગના કરદાતાઓને લાગૂ પડે છે. નોંધપાત્ર બાબત એ છે કે ટી.ડી.એસ.ના રિટર્ન ભરવાની આખરી અવધિ તા.31મી મે છે અને ટીડીએસના સર્ટિફિકેટ્સ આપવાની આખરી તા.15મી જુન છે, તે ઉપરાંત એડવાન્સ્ડ ટેક્સના પ્રથમ હપ્તાની તારીખ પણ 15મી જુન છે. વળી, નાના ધંધાદારી કરદાતાઓએ ઇન્કમટેક્સ અને ટીડીએસ ઉપરાંત પ્રોફેશનલ ટેક્સ, પ્રોવિડન્ટ ફંડ, ઇ.એસ.આઇ. વગેરે જેવા અન્ય કાયદાઓની જોગવાઇઓનું પણ સમયસર પાલન કરવાનું ભારણ ઉઠાવવું પડે છે. વળી,  જે કરદાતાની આવક ઓડિટને પાત્ર છે તેઓએ તેઓનું ઇન્કમટેક્સ રિટર્ન તા.30મી સપ્ટેમ્બર સુધીમાં ભરવાનું રહે છે, પરંતુ, તેઓને પણ અન્ય કાયદાની તમામ જોગવાઇઓનું પાલન પણ સમયસર કરવાનું  પણ હોય છે.

જ્યારે કેન્દ્ર સરકાર, દરેક કરદાતા પોતાનું ઇન્કમટેક્સનું રિટર્ન નિયત સમયમર્યાદામાં ભરી દે એવું ઇચ્છે છે, એ સારી વાત છે પરંતુ, સાથોસાથ કેન્દ્ર સરકારના નેજા હેઠળનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સમયસર ઇન્કમટેક્સ રિટર્ન ફોર્મનું જાહેરનામું જારી કરતી નથી. જો, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, ન્યુ દિલ્હીએ ઇન્કમટેક્સના ફોર્મ આઇટીઆર-1થી આઇટીઆર-7 તેની વેબસાઇટ પર મુકેલા નવા રિટર્ન ફોર્મમાં મે ની 15 તારીખ પછી 29 જુન સુધી તેમાં સુધારો કરતી રહી છે અને તેથી કરદાતાઓ પોતાનું ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. જો નાણાં મંત્રાલય પોતે જ ઇન્કમટેક્સના ફોર્મ સમયસર જારી નહીં કરી શકતું હોય અને પરીણામે જો કરદાતાને રિટર્ન ભરવામાં મોડું થાય તો તેના પર ફરજિયાતપણે લાદેલી દંડનીય લેટ ફી કેટલે અંશે વ્યાજબી ગણાય

જો કલમ 234 એફ ને ચકાસીએ તો જે કરદાતાની વાર્ષિક કરપાત્ર આવક રૂ.5,00,000થી વધુ ના હોય તેને રૂ.1000 ફરજિયાત લેટ ફી ભરવી પડે. પરંતુ જો કરદાતાની વાર્ષિક કરપાત્ર આવક રૂ.5,00,000થી વધુ હોય અને તે તા.31મી ડિસેમ્બર પહેલા પોતાનું રિટર્ન ભરી દે તો આવી દંડનીય લેટ ફી રૂ.5,000 અને જો ત્યાર પછી ભરશે તો તેવા કિસ્સામાં આવી દંડનીય લેટ ફી રૂ.10,000 ફરજિયાત વસુલવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જો કોઇપણ કરદાતા પોતાનું રિટર્ન કલમ 139 (1) હેઠળની સમય મર્યાદામાં (એટલે કે તા.31મી જુલાઇ અથવા તા.30મી સપ્ટેમ્બર જે લાગુ પડતી હોય તે ) ન ભરે તો જેટલા મહિના મોડું થયુ હોય તેટલા મહિનાનું દંડનીય વ્યાજ તો ભરે જ છે. તો પછી તેના પર વધારાનું દંડનીય લેટ ફી નું ભારણ કેટલે અંશે વ્યાજબી ગણાય? અને તે પણ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઇન્કમટેક્સના નિયત ફોર્મને આખરી ઓફ આપવામાં અને તેને જાહેર કરવામાં વિલંબ થતો હોય ત્યારે શું સરકાર દેશના સુજ્ઞ નાગરિકો પાસે દંડનીય લેટ ફી યોગ્ય ગણાય?

આદરણિય નાણાંમંત્રીશ્રી ને આ બાબત ધ્યાન પર લાવી નમ્ર વિનંતી કરીએ છીએ કે નવી દાખલ કરેલી કલ 234 એફ દ્વારા ફરજિયાત દંડનીય લેટ ફી ની જોગવાઇઓમાં સાનૂકુળ સુધારો કરી નાના કરદાતાઓ તેમજ પગારદાર અને પેન્શનરો ને રાહત મળે તેવા કોઇ તાકીદે સુધારાત્મક પગલાં લે.

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :