CIA ALERT
November 18, 20251min13

Bangladeshના પૂર્વ PM શેખ હસીનાને ફાંસીની સજા

Share On :

બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યૂનલ (આઇસીટી)એ સોમવારે ફાંસીની સજા ફટકારી છે. જેને પગલે બળવા બાદ ભારત આવેલા શેખ હસીનાની મુશ્કેલી વધી શકે છે. આ ઉપરાંત તેના પ્રત્યાર્પણ માટે ભારત પર બાંગ્લાદેશ દ્વારા દબાણ કરવામાં આવી શકે છે. શેખ હસીના ઉપરાંત તેમના ખાસ ગણાતા પૂર્વ પોલીસ અધિકારી આઇજીપી ચૌધરી અબ્દુલ્લાહ અલ-મામુનને પાંચ વર્ષની સજા આપવામાં આવી છે. જુલાઇ મહિનામાં જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર સામે બળવો થયો ત્યારે માનવતા વિરુદ્ધ ગુના બદલ આ સજા આપવામાં આવી હતી.

બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ બળવા બાદ દેશ છોડીને ભારતમાં શરણ લીધી ત્યારથી તેઓ અહીંયા જ છે. તેમની ગેરહાજરીમાં જ બાંગ્લાદેશની કોર્ટે તેમની સામે ટ્રાયલ શરૂ કરી દીધી અને સીધી ફાંસીની સજા ફટકારી દીધી. આ પહેલા કોર્ટે તેમને ભાગેડુ જાહેર કર્યા હતા. આ ઉપરાંત બાંગ્લાદેશની કોર્ટે માનવતા વિરુદ્ધ અપરાધ માટે પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલને ફાંસીની સજા ફટકારી હતી. સજાની સુનાવણી દરમિયાન બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં હિંસા ફાટી નીકળી છે. જેને પગલે ફરી બાંગ્લાદેશ ભડકે બળે તેવી ભીતિ છે. ઠેરઠેર સુરક્ષાદળો અને હસીનાના સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. જેને પગલે મોહમ્મદ યુનુસ સરકાર એલર્ટ કરી દેવામાં આવી છે.

શેખ હસીનાને સજા સંભળાવતી વખતે જજ ગુલામ મુર્તઝા મઝૂમદારે કહ્યું હતું કે શેખ હસીનાએ માનવતા વિરુદ્ધ ગુનો કર્યો છે તેથી તેને આ સજા આપવામાં આવે છે. નોંધનીય છે કે શેખ હસીના સામે જુલાઇ ૨૦૨૪માં સમગ્ર બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી હતી જેની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. હિંસાખોરોએ શેખ હસીનાના ઘરને આગ લગાવી દીધી હતી, જ્યારે પ્રદર્શનકારીઓને રોકવા માટે શેખ હસીનાના નેતૃત્વમાં સુરક્ષાદળોએ ગોળીબાર કર્યો હતો, આ સમગ્ર હિંસામાં ૧૪૦૦ લોકો માર્યા ગયા હતા. શેખ હસીનાએ માનવતા વિરુદ્ધ આ ગુનો કર્યો હોવાનું માનીને બાંગ્લાદેશની ક્રિમિનલ કોર્ટે તેમને ફાંસીની સજા આપી હતી. ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ બાંગ્લાદેશમાં નવી સરકાર માટે ચૂંટણી યોજાઇ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર તપાસકર્તાઓએ કહ્યું હતું કે હસીના અને તેમની સરકારે સત્તા જાળવી રાખવા માટે પ્રદર્શનકારીઓ પર કથીત રીતે ઘાતક બળપ્રયોગ કર્યો હતો. જેમાં બહુ જ મોટી જાનહાની થઇ હતી.

બાંગ્લાદેશના મીડિયાએ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશની કોર્ટે જે ચુકાદો આપ્યો તેમાં એવો ઉલ્લેખ કરાયો છે કે શેખ હસીનાએ ઢાકાના મેયર શેખ નઝલ નૂરને તે સમયે પ્રદર્શનકારીઓને જ્યાં દેખો ત્યાં ઠાર મારોના આદેશ આપ્યા હતા. કોર્ટે શેખ હસીના અને મેયર વચ્ચે ફોન પર આ મુદ્દે થયેલી વાતચીતને પુરાવા તરીકે સ્વીકારી હતી. ફાંસીની સજા ઉપરાંત શેખ હસીનાની સંપત્તિને જપ્ત કરવાનો પણ આદેશ અપાયો છે. હવે શેખ હસીનાની સામે ઇન્ટરપોલ નોટિસ જારી કરવામાં આવી શકે છે અને નિયમ મુજબ ભારતે તેનો જવાબ આપવો પડશે. શેખ હસીનાને પ્રત્યાર્પણ દ્વારા બાંગ્લાદેશ મોકલવા માટે પણ દબાણ થઇ શકે છે.

બાંગ્લાદેશમાં મળેલી ફાંસીની સજા પર શેખ હસીનાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે અદાલતના નિર્ણયની નિંદા કરવા સાથે તેના પર સવાલ ઉઠાવ્યાં છે, સાથે તેમણે યુનુસ સરકારને પણ ઘેરી છે.હસીનાએ કહ્યું કે તેમને પોતાની વાત રજૂ કરવાની યોગ્ય તક આપવામાં આવી નથી.

ઢાકાની એક અદાલત દ્વારા સંભળાવવામાં આવેલા ચુકાદાની નિંદા કરતા તેને છેતરપિંડી ગણાવી છે.સાથે આ ચુકાદાને હસીનાએ પૂર્વ નિર્ધારીત ચુકાદા સાથે બિન ચૂંટાયેલી સરકારનું અલોકતાંત્રિક પરિણામ ગણાવ્યું છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ફોજદારી પંચ (આઇસીટી-બીડી) એ પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને મોતની સજા સંભળાવી છે.

તેમને આ સજા ગતવર્ષે સરકાર વિરોધમાં થયેલા પ્રદર્શનો દરમિયાન કડક કાર્યવાહી માટે સંભળાવવામાં આવી છે.ટ્રિબ્યુનલે તેઓ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી અસદોજ્જમા ખાન કમાલને પણ મોતની સજા સંભળાવી છે.આ બન્નેને માનવતા વિરુધ્ધ વિવિધ અપરાધો માટે દોષી ઠેરવાયા છે.શેખ હસીના આ સમયમા ભારતમા છે અને તેમની ગેરહાજરીમા તેમની વિરુધ્ધ કેસ ચલાવવામાં આવ્યો છે.

જણાવીએ કે બાંગ્લાદેશમાં પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીના વિરુધ્ધ માનવતા સામે કથિત અપરાધ ના એક કેસમાં ખાસ ટ્રિબ્યુનલના નિર્ણય પહેલા સુરક્ષાદળોનો ભારે બંદોબસ્ત વચ્ચે સોમવારે હિંસાની નાની મોટી ધટનાઓ સામે આવી છે.સામાન્ય દિવસોમા ટ્રાફિકની ભીડ વાળા રોડ પર સોમવારે સન્નાટો જોવા મળ્યો હતો.કેટલીક કાર અને રીક્ષાઓ કડક બંદોબસ્ત વાળા ચાર રસ્તાઓ પરથી પસાર થતી જોવા મળી હતી.દિવસ પસાર થતાની સાથે શહેરમા હિંસાની છૂટપુટ ઘટનાઓ સામે આવી હતી.

ચૂકાદા પહેલા શેખ હસીનાએ કહ્યું હતું, ‘ગમે તે ચુકાદો આવે મને તેની પરવાહ નથી અલ્લાહ મારી સાથે છે.’ આ ઉપરાંત તેઓએ યુનુસ સરકાર ઉપર દેશમાં અરાજકતા અને અંધાધૂંધી ફેલાવવાનો આક્ષેપ મુકતાં કહ્યું હતું કે, તે દેશમાં અંધાધૂંધી અને અરાજકતા ફેલાવે છે. આવામી લીગના બે-ગુનાહ કાર્યકરોની ધરપકડ કરાઈ રહી છે. તેમના વકીલોને પણ ત્રાસ આપવામાં આવે છે, પત્રકારોને પણ ત્રાસ આપવામાં આવે છે. તેઓએ વધુમાં વધુ કહ્યું હતું કે તેમની સરકારે તો ૧૦ લાખથી વધુ રોહીંગ્યાઓને આશ્રય આપ્યો હતો. આ સાથે તેઓએ યુનુસ સરકાર ઉપર છળ-કપટ કરવાના, બનાવટ કરવાના અને માનવ-અધિકાર-ભંગના આક્ષેપો મુક્યા હતા. તેઓએ તેમના પિતાશ્રીએ સ્થાપેલા પક્ષ આવામી લીગના કાર્યકરોને પોતાના વિષે ગમે તે ચુકાદો આવે તો પણ શાંત રહેવા અનુરોધ કર્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :