CIA ALERT
May 25, 20181min11970

ભારતનું અર્થતંત્ર ૨૦૨૫માં પાંચ ટ્રિલ્યન ડૉલરનું થવાની સંભાવના

Share On :

ભારતની રાષ્ટ્રીય આવક ૨૦૧૭માં ૨.૬ ટ્રિલ્યન (એક ટ્રિલ્યન બરાબર ૧૦૦૦ બિલ્યન) ડૉલરમાંથી વધીને ૨૦૨૫મા પાંચ ટ્રિલ્યન ડા÷લર થશે એવો આશાવાદ ગયે મહિને મળેલી વિશ્વબૅન્કની મીટિંગમાં ભારત સરકારના આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે વ્યક્ત કર્યો છે. ૨૦૦૭થી ૨૦૧૪ના સાત વરસના ગાળામાં ભારતનું અર્થતંત્ર એક ટ્રિલ્યન ડૉલરમાંથી વધીને બે ટ્રિલ્યન ડૉલરનું થયું. વિકાસનો આ દસ ટકાનો વાર્ષિક દર જોતાં આવતાં આઠ વરસ (૨૦૧૮થી ૨૦૨૫)માં આર્થિક વિકાસનો વાર્ષિક દર ૪.૭ ટકાનો રહે તો પાંચ ટકાના ભાવવધારા સાથે ચાલુ ભાવે અર્થતંત્ર ૯.૭ ટકાના દરે વધતું રહેવું જોઈએ, પણ શરત એટલી કે આ વરસો દરમ્યાન રૂપિયાની ડૉલર સામેની કિંમતમાં ઘટાડો થવો ન જોઈએ. આમ થાય તો આપણું પાંચ ટ્રિલ્યન ડૉલરના અર્થતંત્રનું સ્વપ્ન ફળે.

ભારતનું અર્થતંત્ર જે રીતે વિશ્વના અર્થતંત્ર પર આધાર રાખે છે એ જોતાં વિકાસના ૯.૭ ટકાના દરે આ લક્ષ્યાંક સિદ્ધ કરવાનું થોડું મુશ્કેલ બની શકે. વિશ્વમાં વધવા માંડેલા વ્યાજના દર અને બૉન્ડ પરના યીલ્ડને કારણે વિદેશી મૂડીરોકાણનો પ્રવાહ ઘટી શકે.

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમની દક્ષિણ કોરિયા અને ચીનની મુલાકાત પછી અને અમેરિકાની ગોઠવાઈ રહેલી મુલાકાતને કારણે એના પરમાણુશસ્ત્રોના ઉપયોગના વલણના અકલ્પનીય ફેરફારને લીધે વિશ્વની તણાવભરી ભૌગોલિક-રાજનીતિ વિષયક પરિસ્થિતિ હળવી બની શકે એમાં ટ્રમ્પે ઉત્તર કોરિયા પર મૂકેલા આર્થિક પ્રતિબંધોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હોય.

વડા પ્રધાન મોદીની ચીનની અનૌપચારિક મુલાકાત દરમ્યાન જિનપિંગ સાથે થયેલી વાતચીતના અંજામનો તાગ મેળવવો મુશ્કેલ છે. એમ છતાં ચીનની અમેરિકા સાથેની વધતી જતી મુશ્કેલીઓ વચ્ચે ચીનને ભારત જેવું વિશ્વનું સૌથી મોટું બજાર ગુમાવવું પરવડે એમ નથી.

અમેરિકાએ બહુ સ્પષ્ટ અને મક્કમ રીતે ચીનને અમેરિકા સાથેની એની ટ્રેડ સરપ્લસમાં તાત્કાલિક ધોરણે ૧૦૦ બિલ્યન ડૉલરનો અને ૨૦૨૦ સુધીમાં ૨૦૦ બિલ્યન ડૉલરનો ઘટાડો કરવાની તથા ચીન દ્વારા ૨૦૨૫ માટેના મેડ ઇન ચાઈના પ્લાન અન્વયે સ્થાનિક ઉદ્યોગોને અપાતી રોકડ સહાય (જેના દ્વારા ચીનની ઔદ્યોગિક ઉત્પાદનની ક્ષમતા વધે છે) બંધ કરવાની તાકીદ કરી છે. આ માટે ચીને અમેરિકાથી થતી આયાતો વધારવાની ઑફર કરી છે.

આમ ચારે બાજુથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે ચીને છેલ્લાં ૧૭ વરસમાં પહેલી જ વાર ૨૦૧૮ના પ્રથમ ક્વૉર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (૨૮ બિલ્યન ડૉલર)નો અનુભવ કર્યો છે (છેલ્લે ૨૦૦૧ના એપ્રિલ-જૂન દરમ્યાન આવો અનુભવ કરેલો). છેલ્લાં સત્તર વરસથી વિશ્વના એક મોટા નિકાસકાર દેશ તરીકે સતત ટ્રેડ સરપ્લસ અને નેગેટિવ CAD દ્વારા ત્રણ ટિલ્યન ડૉલર જેટલું માતબર વિદેશી હૂંડિયામણ જમા કરનાર ચીન માટે આ હકીકત સ્વીકારવી અને વિદેશવેપારક્ષેત્રે આવી હાર પચાવવી મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં જિનપિંગ માટે ચીનમાં પોતાનું સ્થાન કાયમી ધોરણે જાળવી રાખવા માટે ચીનના ભારત સહિત અન્ય દેશો સાથેના સંબંધો સુધારવા અનિવાર્ય ગણાય. ભૂતકાળના અનુભવોને આધારે ચીનનો વિશ્વાસ કરવો અઘરું ગણાય એમ છતાં એની આવી નબળાઈઓનો અણધાર્યો લાભ ભારતને મળી શકે.

પાકિસ્તાનની શાંતિ અને સમૃદ્ધિ પાકિસ્તાનના લશ્કરના ભારતના લશ્કર સાથેના સુમેળભર્યા સંબંધો સિવાય શક્ય નથી એવું પાકિસ્તાનના લશ્કરી વડાનું વિધાન ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધરે એવી આશા જન્માવે છે. આજે લશ્કરી અને સંરક્ષણ ખર્ચની બાબતમાં ભારતનો વિશ્વના ટોચના દેશોમાં અમેરિકા, રશિયા, ચીન અને સાઉદી અરેબિયા પછી પાંચમો નંબર છે. વિશ્વમાં પ્રવર્તતા ભૌગોલિક-રાજનીતિ વિષયક તણાવમાં સુધારો થવાની જન્મેલી આશાને લીધે આ ખર્ચ સીમિત બનવાની સંભાવના ખરી જે આપણા અર્થતંત્રના લાભમાં હશે. જોકે ઈરાન અને સાઉદી અરેબિયાના સંબંધો અને સિરિયામાં ચાલી રહેલું ગૃહયુદ્ધ કેવો વળાંક લે છે એના પર પણ વિશ્વની શાંતિ અને સમૃદ્ધિનો મોટો આધાર છે. અમેરિકા દ્વારા ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ પર મૂકવામાં આવેલા અંકુશો વધે તો પરિસ્થિતિ વણસી પણ શકે.

ઈરાનના પ્રમુખ હસન રૂહાનીએ અમેરિકાને ચેતવણી આપી છે કે જો અમેરિકા ઈરાન અને વિશ્વની મહાસત્તાઓ વચ્ચે ૨૦૧૫માં કરવામાં આવેલા પરમાણુકરારની શરતો બદલવાની કે એ બહાના હેઠળ ઈરાન પર વેપાર પ્રતિબંધ લાદવાની ગુસ્તાખી કરશે તો એનાં માઠાં પરિણામ ભોગવવા માટે અમેરિકા અને અન્ય દેશોએ તૈયાર રહેવું પડશે.

આ પરિસ્થિતિમાં ઉત્તર કોરિયા એના પરમાણુપરીક્ષણ બંધ કરવા માટે તૈયાર ન પણ થાય. લિબિયા અને ઇરાકે પોતપોતાના ન્યુક્લિયર પ્રોગ્રામ છોડી દીધા પછી એમના જે હાલહવાલ થયા એ પણ ઉત્તર કોરિયાને પરમાણુપરીક્ષણ બંધ કરવામાંથી અટકાવી શકે. આ સંજોગોમાં વિશ્વની ભૌગોલિક-રાજનીતિ વિષયક પરિસ્થિતિ બગડે તો વિશ્વના અને ભારતના આર્થિક વિકાસ પર એના છાંટા ઊડ્યા વિના ન રહે.

બીજા શબ્દોમાં રૂપિયાનું છેલ્લાં સાત વરસ (૨૦૧૧-૨૦૧૭)માં થયું એટલું અવમૂલ્યન ૨૦૧૮થી ૨૦૨૫મા થાય તો ભારતે ચાલુ ભાવે હવે પછીનાં આઠ વરસમાં વિકાસનો વાર્ષિક દર ૧૫.૩ ટકા જેટલો વધારવો પડે અને તો જ આપણું અર્થતંત્ર ૨૦૨૫માં પાંચ ટ્રિલ્યન ડૉલરનું થઈ શકે. એટલે કે પાંચ ટકાના ભાવવધારા સાથે સ્થિર ભાવે આર્થિક વિકાસનો વાર્ષિક દર ૧૦ ટકાથી પણ વધુ રહેવો જોઈએ જે અશક્ય નહીં પણ મુશ્કેલ તો છે જ.

૨૦૧૮ની શરૂઆતથી અત્યાર સુધી (૭ મે) ડૉલર સામે રૂપિયો ૪.૫ ટકા જેટલો ઘસાયો છે અને આમ રૂપિયાની કિંમત ૬૭ રૂપિયાથી પણ ઘટીને ૧૫ મહિનાની નીચી સપાટી પર ઊતરી ગઈ છે. ક્રૂડના ભાવ નવેમ્બર-૨૦૧૪ પછીના સૌથી ઊંચા છે. અમેરિકા ઈરાન પર વેપાર વિષયક પ્રતિબંધ મૂકે એનાથી અને વેનેઝુએલાની આર્થિક કટોકટીથી પણ ક્રૂડની તેજી વણથંભી આગળ વધી શકે.

આર્જેન્ટિનાનો પિઝો ડૉલર સામે ગગડી ન જાય એટલે હાલમાં એની સેન્ટ્રલ બૅન્કે વ્યાજના દર વધારીને ૪૦ ટકા જેટલા કર્યા છે. ભારતને અને એનાં મૅક્રો-ઇકૉનૉમિક પરિબળોને આર્જેન્ટિના સાથે સરખાવીને ખતરાની ઘંટી વગાડવાનો આ પ્રયાસ નથી. આર્જેન્ટિનાના કડવા અનુભવે ઊભરતા અને વિકસતા દેશોએ સાવધ બની જવું જોઈએ. એમ છતાં સારી રીતે મૅનેજ કરતા ઊભરતા દેશો પર પણ આની ખરાબ અસર થોડેઘણે અંશે પડવાની જ.

ભારતના મૅક્રો-ઇકૉનૉમિક પરિબળો વિકાસના આપણા તબક્કે હોય એવા દેશો કરતાં ઘણાં મજબૂત છે. જુલાઈ-૨૦૧૩માં અમેરિકાએ નરમ મૉનિટરી પૉલિસી પાછી ખેંચી લેવાની શરૂઆત કરી ત્યાર કરતાં પણ ભારતની સ્થિતિ આજે મજબૂત છે.

GSTની મન્થ્લી સરેરાશ આવક ફિસ્કલ ૨૦૧૮ના લગભગ ૯૦,૦૦૦ કરોડ રૂપિયા સામે ફિસ્કલ ૨૦૧૯ના પ્રથમ મહિને પહેલી વાર એક લાખ કરોડ રૂપિયાનો આંક વટાવીને ૧.૦૩ લાખ કરોડની થઈ છે. ફિસ્કલ ૨૦૧૯નો ૧૨ લાખ કરોડ રૂપિયાનો GSTનો લક્ષ્યાંક સરકાર હાંસલ કરે એવી સંભાવના છે. એ માટેનાં બે કારણો છે- (૧) ફિસ્કલ ૨૦૧૯માં આર્થિક વિકાસનો દર સાત ટકા ઉપર (ફિસ્કલ ૨૦૧૮મા સંભવિત ૬.૬ ટકા) રહેવાની ધારણા છે. (૨) GSTના સરળીકરણ સાથે વધુ ને વધુ ઉદ્યોગ-ધંધા GSTના દાયરામાં આવી શકે.

GST કાઉન્સિલની છેલ્લી મીટિંગના નિર્ણય પ્રમાણે GST રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા સરળ બનશે અને છ મહિના પછી દર મહિને એક જ રિટર્ન (હાલના રિટર્નને બદલે) ફાઇલ કરવાનું રહેશે. વેચાણકારે ઇન્વૉઇસ અપલોડ કરવાના રહેશે. GSTના અમલની શરૂઆતની મુશ્કેલીઓ દૂર થયા પછી GST દ્વારા કરવેરાની આવક અને આર્થિક વિકાસનો દર વધવાની સરકારને આશા છે.

મોટરકારના વેચાણમાં એપ્રિલ-૨૦૧૮માં ૧૨ ટકાનો વધારો થયો છે. ગ્રામ્ય વિસ્તારની ડિમાન્ડના વધારાનો એમાં મોટો ફાળો છે. સેવાક્ષેત્રનો પર્ચે‍ઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) એપ્રિલમાં ત્રણ મહિનાની ઊંચી સપાટીએ છે. ઉત્પાદનક્ષેત્રનો PMI પણ એપ્રિલમાં સતત નવ મહિનાથી સુધરતો રહ્યો છે. પરિણામે સર્વિસ અને ઉત્પાદનનો કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ હતો.

વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલમાં મૂડીબજારમાંથી લગભગ ૨૫૦૦ મિલ્યન ડૉલર પાછા ખેંચ્યા છે. આગલા મહિને વિદેશી મૂડીરોકાણકારો દ્વારા મૂડીબજારમાં ૪૫૦ મિલ્યન ડૉલરનું રોકાણ કરવામાં આવેલું.

દેશના મજબૂત મૅક્રો-ઇકૉનૉમિક ફન્ડામેન્ટલ અને વિશ્વનાં ભૌગોલિક-રાજકીય વિષયક પરિબળોમાં કોનો હાથ ઉપર રહે છે એના ઉપર દેશના આર્થિક વિકાસનો દર નિર્ભર છે, પણ એ વિશે અડસટ્ટો લગાવવો મુશ્કેલ ગણાય

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :