સુજલામ યોજના માટે સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓએ 1 કરોડનું દાન ભેગું કરી દીધું
આગામી ચોમાસા પહેલાં રાજ્યમાં પાણીની અછતને પહોંચી વળવાના ઉદ્દેશથી ૧લી મે એ રાજ્ય સરકારે પ્રારંભ કરેલા જળ અભિયાન લોકભાગીદારીનો મહાયજ્ઞ બન્યો છે, ત્યારે સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓએ આગળપડતી ભૂમિકા ભજવી સુમુલ ડેરીની આગેવાનીમાં આજે દાનની સરવાણી વહાવતાં માત્ર ૨૪ કલાકના સમયમાં જ રૂ. એક કરોડનું માતબર અનુદાન આપી જળ અભિયાનમાં સરકાર સાથે સહકારનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. આ અનુદાનની મદદથી નવી પારડી, વાડી અને બુટવાડા ગામના તળાવોને ઊંડા ઉતારી બ્યુટીફિકેશન કરી પ્રવાસનધામરૂપે વિકસાવવામાં આવશે.
સુરત જિલ્લાની વિવિધ મધ્યસ્થ અને નાગરિક સહકારી બેંકો, જીનીંગ મિલો, બજાર સમિતિ, દૂધ ઉત્પાદક સંઘો, સુગર ફેકટરીઓ જેવી સહકારી સંસ્થાઓએ સામાજિક જવાબદારીના ભાગરૂપે જળ અભિયાનમાં માત્ર એક દિવસના રેકોર્ડ સમયમાં જ સુજલામ સુફલામ જળ અભિયાનમાં રૂ.૧ કરોડનું દાન આપ્યું હતું. નવી પારડી ગામે આયોજિત સમારોહમાં દાનના ચેકો સહકાર, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલને અર્પણ કરવામાં આવ્યા હતા.
આ ત્રણે ગામોના તળાવ ફરતે બ્યુટીફિકેશન કરવામાં આવશે. જેમાં વોક-વે, લોન, બેસવાની બેંચ અને સોલાર લાઈટની સુવિધાથી સજ્જ કરી રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. આ વેળાએ નવી પારડી ગામે સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે તળાવના રિનોવેશનના કામનું ખાતમૂહુર્ત કરાયું હતું.
નવી પારડી ખાતે ચેક અર્પણ સમારોહમાં મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિક માટે પાણીનું મહત્વ સમજી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી જળ અભિયાનમાં સહભાગી બનવાનો આ સુયોગ્ય અવસર છે. દક્ષિણ ગુજરાતને ઉકાઈ કાકરાપાર ડેમના કારણે એટલી પાણીની અછત વર્તાતી નથી જેટલી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વર્તાય છે.
શ્રી પટેલે ચોમાસા પહેલા પાણીની અછત ન પડે તેનું આગોતરું આયોજન કરી ટૂંકાગાળામાં જ ૧૧૦૦૦ હજાર લાખ ઘનફૂટ પાણીની વધારાની સંગ્રહ ક્ષમતાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક હોવાનું જણાવી જો આજથી જ પાણીની ઉપયોગિતાને નજરઅંદાજ કરવામાં આવશે તો હવે એ દિવસો દૂર નથી કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીના મુદ્દે લડાશે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રએ વિશ્વસ્તરે નામના મેળવી છે. સુમુલ અને જિલ્લાની સહકારી સંસ્થાઓ લોકહિતના કોઈ પણ કાર્યોમાં હરહંમેશ યોગદાન આપતી રહે છે. જળ અભિયાનમાં પણ અગ્ર ભૂમિકા ભજવી એક કરોડનું માતબર અનુદાન આપવા બદલ તેમણે સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આવી સંસ્થાઓના નિ:સ્વાર્થ સહયોગથી જળઅભિયાનને નવું બળ મળ્યું છે એમ શ્રી પટેલે ઉમેર્યું હતું.
સુમુલ ડેરીના ચેરમેનશ્રી રાજુભાઈ પાઠકે પ્રાસંગિક ઉદબોધન કરી સુજલામ સુફલામ જળ-અભિયાનના પ્રણેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના પાણીના દુકાળને ભૂતકાળ બનાવવાના મિશનને પૂર્ણ કરવા સર્વને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. માત્ર એક જ દિવસના ટૂંકા સમયમાં એક કરોડનું અનુદાન આપ્યું છે, ત્યારે જિલ્લાનું સહકારી ક્ષેત્ર જળ અભિયાનમાં હંમેશ માટે અગ્રેસર રહેશે. જનશક્તિના માધ્યમથી જળશક્તિના નિર્માણના સંકલ્પ સાથે આ અભિયાનને સહકારી ક્ષેત્રનો સમ્પૂર્ણ સહયોગ હોવાનું જણાવી સરકાર જો પાણી બચાવવા આ ભગીરથ કાર્ય કરી રહી હોય, ત્યારે સહકારી સંસ્થાઓની પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની ફરજ છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાવાડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, ગુજરાત કૃષિ કલ્યાણ બોર્ડના ચેરમેન શ્રી રમણભાઈ જાની, સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંકના વાઇસ ચેરમેન શ્રી સંદીપભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દિલીપસિંહ રાઠોડ, સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રિતેશ વસાવા, પારડીના સરપંચ શ્રીમતી ભાનુબેન, કામરેજ પ્રાંત શ્રી વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનમાં સહકારી સંસ્થાઓનું યોગદાન
• સુમુલ ડેરી: રૂ.૧૦ લાખ
• સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપ.બેન્ક: રૂ.૧૦ લાખ
• સુરત પીપલ્સ કો.ઓપ.બેંક: રૂ.૧૦ લાખ
• સુટેક્ષ કો.ઓપ.બેંક: રૂ.૧૦ લાખ
• સુરત જિલ્લા સહકારી સંઘ: કો.ઓપ.બેંક: રૂ. ૦૩ લાખ
• ગુજરાત સ્ટેટ ફુડ એન્ડ માર્કેટિંગ ફેડરેશન: રૂ.૦૫ લાખ
• બાબેન ખેડૂત સહકારી જીનિંગ મિલ: રૂ.૦૫ લાખ
• વરાછા કો-ઓપરેટિવ બેન્ક: રૂ. ૨.૫૧ લાખ
• સુરત મર્કન્ટાઇલ કો.ઓપ.બેંક: રૂ. ૨.૫૧ લાખ
• સર્વોદય સહકારી બેંક: રૂ. ૨.૫૦ લાખ
• કામરેજ ફૂડ એન્ડ વેજીટેબલ સહકારી સંઘ: રૂ. ૧.૫૧ લાખ
• ખેડૂત ખરીદ-વેચાણ સહકારી સંઘ, બારડોલી : રૂ.૫ લાખ
• બારડોલી જનતા કો-ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી: રૂ. ૨ લાખ
• પુરુષોત્તમ ફાર્મર્સ, જીનિંગ એન્ડ પ્રોસેસિંગ મિલ: રૂ. ૧ લાખ
• અખંડ-આનંદ કો.ઓપ.બેન્ક: રૂ.૧ લાખ
• નેશનલ કો-ઓપ. બેંક: ૧.૫૧ લાખ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
