સુરતને ચર્ચામાં લાવનાર કરોડોના બીટકોઇન કૌભાંડમાં ફરીયાદી જ આખરે આરોપી બની ગયો
– CID ગુજરાતની ટીમે વધુ એક FIR દર્જ કરી : સુરતીઓનું ‘રોકાણ’ પડાવનાર 3 પૈકીના ધવલ અને સાગરિત પીયૂષને ગોંધી રાખી બિટકોઈન અને રોકડ પડાવી લીધા હતા
– પિયુષ અને ધવલને ફાર્મહાઉસમાં રાખી રિવોલ્વર બતાવીને 2,200 રૂપિયાની માર્કેટ વેલ્યુ ધરાવતા બિટકોઈન પડાવી લેવાયાં હતાં
આખરે, સુરતમાં ધવલ અને પિયૂષનું અપહરણ કરી, ગોંધી રાખી, રિવોલ્વર બતાવીને 155 કરોડની બિટકોઈન ખંડણીને કેસના ‘સૂત્રધાર’ તરીકે શૈલેષ ભટ્ટ સામે CIDએ ફરિયાદ નોંધી છે. શૈલેષ ભટ્ટે આપેલી અરજીના આધારે CIDએ ફરિયાદી બનીને કિરીટ પાલડિયા અને અમરેલી પોલીસ SP, PI સહિતના પાંચ આરોપીને ઝડપી લીધા હતા. પણ, 12 કરોડનો આ બિટકોઈન ખંડણી કેસ જેના કારણે બન્યો હતો તે 155 કરોડના ખંડણી કેસમાં શૈલેષ ભટ્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
શૈલેષ ભટ્ટ સાથે ‘જૈસી કરની વૈસી ભરની” જેવું થયું |
આ કેસમાં શૈલેષ ભટ્ટના ‘પોલીસપુત્ર’ ભાણેજ નિકુંજ ભટ્ટની રાજકોટથી અને સાગરિત દિલીપ કાનાણીની મુંબઈથી અટકાયત કર્યા પછી CIDએ વિધિવત ફરિયાદ નોંધી છે. પોલીસને નિકુંજ અને દિલીપના બે દિવસના રિમાન્ડ પર મેળવ્યાં છે. સીઆઈડીના વડા, DGP આશિષ ભાટિયાએ આજે પત્રકારોને જણાવ્યું કે, ગત તા. 30-1-2018ના રોજ દિલીપ કાનાણીએ સુરતમાં પોતાના લેપટોપમાં એરર ઠીક કરવાના બહાને પિયુષ સાવલિયાને બોલાવ્યો હતો. પિયુષને ત્રણ દિવસ ગોંધી રાખી ‘બિટ કનેક્ટ’વાળા ધવલ માવાણીનું સરનામું મેળવ્યું હતું.
તા. ૧ ફેબ્રુઆરીએ ધવલને ઉઠાવી લીધો હતો અને તેની પાસેથી 2200 બિટકોઈન, 11000 લાઈટકોઈન અને ધવલને મુક્ત કરવા રૂ. 14.50 કરોડનો આંગડિયા હવાલો મેળવી લેવાયો હતો. આમ, 155 કરોડની બિટકોઈન ખંડણી ઉઘરાવી લેવાઈ હતી. પિયુષને ધમકાવી, પૈસા આપીને પોતાનું અપહરણ થયું નથી તેવી ‘એફીડેવિટ’ કરાવી CIDમાં અપાવાઈ હતી. પણ, CIDએ પર્દાફાશ કરીને 155 કરોડની બિટકોઈન ખંડણીમાં સૂત્રધાર તરીકે શૈલેષ ભટ્ટને દર્શાવી કુલ નવ આરોપી સામે ગુનો નોંધ્યો છે.
જુના બિટકોઈન ખંડણી કેસના ‘રાઝ’ શૈલેષ ભટ્ટ સામે ગુનો નોંધાયો તે સાથે ખૂલી રહ્યાં છે. CIDએ જણાવ્યું કે, શૈલેષ ભટ્ટ પાસેથી ખંડણી ઉઘરાવાઈ તે પછી કિરીટ પાલડિયા પાસેથી ધવલ પટેલ (માવાણી) પાસે અનેક બિટકોઈન હોવાની જાણકારી અમરેલી પોલીસને મળી હતી. અમરેલી LCBના પ્રતાપ ડેર સહિત છ પોલીસકર્મીની ટીમ ધવલને શોધવા મુંબઈ પહોંચી ગઈ હતી.
ધવલ માવાણી પાસે 1860 બિટકોઈન હોવાની જાણકારી હોવાથી અમરેલી પોલીસ મુંબઈ ગઈ અને ત્રણ દિવસ સુધી દોડધામ કરી હતી. પણ, ધવલ પટેલ વિદેશ જતો રહ્યો હોવાની જાણકારી મળતાં આખરે આ ટીમ પાછી ફરી હતી. શૈલેષ ભટ્ટે બનાવટી ઈન્કમટેક્સ ઓફિસર બનીને અને તેના સાગરિતોને ‘નકલી પોલીસ’ એટલે કે સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનાવીને ધવલ પાસેથી બિટકોઈન પડાવ્યા હતા. જો કે, શૈલેષે ગોઠવેલી નકલી પોલીસ પાસે લૂંટાયેલો ધવલ અમરેલી પોલીસથી બચી ગયો હતો.
નલિન કોટડિયા પછી શૈલેષ ભટ્ટ પણ અન્ડરગ્રાઉન્ડ!
નલિન કોટડિયા પછી શૈલેષ ભટ્ટ પણ ભૂગર્ભમાં! |
‘જૈસી કરની, વૈસી ભરની’ આ અહેસાસ નલિન કોટડિયા અને શૈલેષ ભટ્ટને થતો હશે. કદાચિત, આવનારાં દિવસોમાં ધવલ માવાણી, દિવ્યેશ દરજી અને સતિષ કુંભાણીને પણ થશે. બિટકોઈન કૌભાંડ આચરીને લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર આ ત્રિપૂટી પૈકીના ધવલ પાસેથી શૈલેષે રૂપિયા ખંખેર્યા હતા. શૈલેષ સૂટ-બૂટ પહેરીને ઈન્કમટેક્સ ઓફિસર બન્યો હતો અને તેના સાગરિતોને નકલી પોલીસ અધિકારી બનાવ્યાં હતાં.
શૈલેષે ફેબ્રુઆરીના પ્રારંભે તોડબાજી કરી તેના ૧૫ જ દિવસ પછી તેના ભાગીદાર કિરીટ પાલડિયાએ શૈલેષ ભટ્ટને ખંખેરવાનું કારસ્તાન ઘડી નાખ્યું. શૈલેષે ફરિયાદ કરી તો તે પણ આરોપી બની ગયો છે. શૈલેષ ભટ્ટ સાથે ‘જૈસી કરની, વૈસી ભરની’ જેવું થયું છે. નલિન કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયાં છે તે જ રીતે શૈલેષ ભટ્ટ પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. કોટડિયાને શોધવા ત્રણ ટીમ કાર્યરત હોવાનું સીઆઈડીએ જણાવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
