લોનના મોરેટોરિયમ ગાળામાં વ્યાજનું વ્યાજ ચૂકવવા માંથી રાહતનો માર્ગ મોકળો
કોરોના કાળમાં બેંકોની લોનના હપ્તા ભરવામાં મળેલી રાહતના મામલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જવાબ રજૂ કરતા જણાવ્યું છે કે છ મહિના સુધી રૂ.2 કરોડ સુધીની લોન લેનારને વ્યાજ પરનું વ્યાજ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. કેન્દ્રના આ નિર્ણયથી લોનધારકો તેમજ મધ્યમ તેમજ લઘુ ઉદ્યોગોને લાભ થશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે તે ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજનું વ્યાજ) માફ કરવા સહમત છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ માટે તેઓ સંસદ પાસેથી યોગ્ય અધિકાર માટે માંગ કરશે. ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાથી સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોને રૂ. 3.7 લાખ કરોડની મદદ થશે તેમજ હોમ લોનધારકોને અંદાજે 70,000 કરોડની રાહત મળી રહેશે.
કેન્દ્રીય નાણા મંત્રાલયે ભારત સરકાર વતી દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, કોરોનાને પગલે મોરેટોરિયમ સમયગાળામાં ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી લોનધારકોને મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય મોરેટોરિયમ લીધું હોય અથવા ના લીધું હોય તેવા તમામ લોનધારકો માટે લાગુ પડશે. રૂ. 2 કરોડ સુધીની લોન લેનાર પાસેથી છ માસ સુધી વ્યાજનું વ્યાજ નહીં લેવામાં આવે.
આ માટે આઠ શ્રેણીમાં લોનનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે જેમાં એમએસએમઈ, શૈક્ષણિક, હાઉસિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી, ઓટો, પર્સનલ અને કન્ઝમ્પ્શન લોનનો સમાવેશ કરાયો છે.
જો કે બે કરોડથી વધુની લોન લેનારને ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી નથી. વિપરિત પરિસ્થિતિમાં કાળજીપૂર્વકના અધ્યયન બાદ તમામ વિકલ્પોની વિચારણાના અંતે સરકારે નાના ઋણદાતાઓનો હાથ પકડવાની પ્રથાને જાળવી રાખી છે.
આરબીઆઈએ કોવિડ 19ની પ્રતિકૂળતાઓ વચ્ચે 27 માર્ચના એક પરિપત્ર જાહેર કરીને તમામ બેન્કોને ત્રણ મહિના સુધી લોન મોરેટોરિયમ ગાળો આપવા જણાવ્યું હતું. ત્યારબાદ મોરેટોરિયમનો ગાળો 31 ઓગસ્ટ સુધી લંબાવાયો હતો.
આરબીઆઈએ મોરેટોરિયમની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી જેમાં વ્યાજ ચૂકવણીને મુલતવી રાખવાનું કહ્યું હતું નહીં કે વ્યાજ માફી. જોકે લોનધારકો વ્યાજ માફી અને લોનના હપતાને મુલતવી રાખવાનો ભેદ સમજી શક્યા નહતા. મોટાભાગના ઋણદાતાઓએ મોરેટોરિયમ માટે અરજી કરી નહતી. કેન્દ્રે એફિડેવિટમાં વધુમાં જણાવ્યું હતું કે કેટલા લોકોએ મોરેટોરિયમ માટે અરજી નથી કરી તેનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ છે પરંતુ તે 50 ટકાથી વધુ હોવાની ધારણા છે.
કેન્દ્રે જણાવ્યું કે, તમામ લોન્સ પર છ માસ સુધી વ્યાજના વ્યાજને માફ કરવામાં આવશે તો બેન્કોને અંદાજે રૂ. 6 લાખ કરોડ જતા કરવા પડે તેમ છે. બેન્કો પર આ ભારણ વધવાથી તેમની નેટવર્થનું ધોવાણ થશે અને બેન્કોને ટકી રહેવા સામે ગંભીર સવાલ ઉપસ્થિત થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોષ ભુષણની વડપણ હેઠળની બેન્ચ આ કેસની વધુ સુનાવણી 5 ઓક્ટોબરના કરશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
