CIA ALERT
July 27, 20201min1039

પવિત્ર શ્રાવણ માસનું દૈદિપ્યમાન મહાત્મ્ય

Share On :

ચાતુર્માસની પરાકાષ્ઠા એવો ધર્મમય શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. હિન્દુઓ માટે આ મહિનો ખૂબ જ મહત્વનો અને પવિત્ર ગણાય છે.આ મહિનામાં કરેલા ધાર્મિક અનુષ્ઠાનો, પૂજાપાઠ , વ્રતો અને ઉપવાસ ઉત્તમ ફળ આપે છે .ચાલો આપણે આ મહિના વિશે થોડું વધુ જાણીએ.

શ્રાવણ એટલે શું?

મૂળ તો શ્રવણ નક્ષત્ર પરથી આ માસનુ નામ શ્રાવણ રાખવામાં આવ્યું છે શ્રવણનો અર્થ થાય છે સાંભળવું તે. આ મહિનામાં કથા, ભજન.મંત્રો.શ્લોક ઇત્યાદિ સાંભળવાનો ખૂબ મહિમા છે.હાલમાં લોકડાઉનને કારણે મંદિરો બંધ છે ત્યારે ઘરે બેસીને આ ધાર્મિક વાતો સાંભળવાનો ખૂબ સુંદર અવસર છે.

કથાશ્રવણ નાના બાળકોથી લઈ વૃદ્ધો પણ સારી રીતે કરી શકે છે આ એક એવી પ્રક્રિયા છે જેમાં ઓછી શક્તિની જરૂર પડે છે પૂજા પાઠ કરવા યજ્ઞ કાર્ય કરવા, જાત્રાઓ કરવી કઠિન કાર્ય છે. અતિશય વૃદ્ધો, બાળકો, અશક્ત અને વિકલાંગો આ કાર્યો સરળતાથી કરી શકતા નથી ત્યારે કથા શ્રવણ કરવું કે પ્રાર્થના અને ભજનો સાંભળવા દરેક પ્રકારના મનુષ્યો માટે સરળ અને સહજ છ્ે.આ ક્રિયામાં અન્ય ક્રિયાઓ કરતા ખર્ચ પણ ઓછો આવે છે. આ પૃથ્વી પર કંઈ પણ ન હતું અને પૃથ્વી પણ ન હતી ત્યારે પણ અવકાશ તો હતું જ .આ અવકાશની એક તન્માત્રા એટલે ધ્વનિ. ધ્વનિ જેને આપણે બ્રહ્માનાદ તરીકે પણ ઓળખી શકીએ એ અમર છે.પૃથ્વીનો પ્રલય થયા પછી ધરતી અને તેની તન્માત્રા સુગંધ, જળ અને તેની તન્માત્રા રસ.વાયુ અને તેની તન્માત્રા સુગંધ તેમજ અગ્નિ અને તેની તન્માત્રા રૂપ આ દરેક નો નાશ થશે પરંતુ અવકાશ અને ધ્વનિનો નાશ કદી નહીં થાય. સૃષ્ટિની શરૂઆતમાં આપણા ઋષિમુનિઓએ આ અવકાશની અમર વાણી સાંભળી અને તેમાંથી જ્ઞાનના ભંડાર રૂપે ચાર વેદો ઉત્પન્ન થયા. એટલે્ જ તો આ વેદો શ્રુતિ તરીકે પણ ઓળખાય છે. શ્રુતિ એટલે સાંભળીને પ્રાપ્ત કરેલું જ્ઞાન. પહેલાના સમયમાં વિદ્યાર્થીઓને બોલીને અને સંભળાવીને જ જ્ઞાન અપાતું હતું

એ સમયે પ્રિન્ટિંગ ની શોધ નહોતી થઈ. વિદ્યાર્થીઓ સાંભળીને અને પછી તેમનું ફરી ફરી રટણ કરીને દરેક પાઠ યાદ રાખતા હતા. અત્યારે જેમ યંત્રનો વિકાસ થયો છે તેમ વેદકાળમાં મંત્રોનો વિકાસ થયો હતો. હાલમાં લોકડાઉન દરમિયાન તમે રામાયણ અને મહાભારત સીરીયલ જોઈ હશે તો ખ્યાલ આવશે કે અર્જુન, રામ અને લક્ષ્મણ જેવા મહારથીઓ પરમ શક્તિને મંત્ર સંભળાવીને વિવિધ બાણ રૂપી શક્તિઓ પ્રાપ્ત કરતા હતા. શ્રવણનો મહિમા ખરેખર અનેરો છે. અભિમન્યુએ માતાની કૂખમાં જ શ્રવણ કરીને યુદ્ધ કળા શીખી હતી. આ શ્રવણ કરવાનો લાભ લોકડાઉન વખતે આજના બાળકો એ પણ ભરપૂર લીધો. રામાયણમાં લવ-કુશ પેલુ ગીત ગાય છે કે ’હમ કથા સુના એ રામ કી…’ આ આખું ગીત પાંચ વર્ષના છોકરાઓને મોઢે થઈ ગયું હતું.

તેમના મુખેથી આ સમયમાં આવા ગીતો સાંભળીને માતા પિતા અને દાદા દાદીઓ પણ હરખાવા લાગ્યા હતા. ઘણા બાળકોને ’યદા યદા હી ધર્મસ્ય …’ વાળો શ્લોક પણ યાદ રહી ગયો હતો અને ખુશીથી ગાતા હતા. સાંભળવાની અને બોલવાની પ્રથામાં વિદ્યાર્થીઓએ રસ લેવો પડે છે ,મહેનત કરવી પડે છે ,અભ્યાસ કરવો પડે છે .આ પ્રથામાં કોઈ નક્લ ચાલતી નથી જાત મહેનત જિંદાબાદ હોય છે આમ થવાથી ઉત્તમ વિદ્યાર્થીઓ અને આદર્શ નાગરિક નું નિર્માણ થાય છે.

ઈશ્ર્વરનો સાદ સાંભળવા માટેનો શ્રેષ્ઠ સમય

શ્રાવણ માસ એટલે ભગવાન અને તેમણે રચેલી કુદરતને નજીકથી સાંભળવાનો ઉત્તમ અવસર. આ મહિનામાં સાંભળવા મળતો વરસાદ નો અવાજ કાનને પુલકિત કરી મૂકે છે. વાદળાઓનો ગડગડાટ અને પવનના સૂસવાટા ઉપરાત ઝાડના પાંદડાનું સંગીત મનને ભાવવિભોર કરી મૂકે છે. નદીઓનો નિર્મળ અવાજ અને દરિયાના મોજાનો ધ્વનિ સાંભળવા બધી પ્રવૃત્તિઓ બાજુ પર મુકી દઈ, આંખ બંધ કરી રાખજો. જાણે બ્રહ્મ નાદ સંભળાતો હોય કેવી અનુભૂતિ થયા વગર નહીં રહે.કથા શ્રવણનો પણ આ જ મહિમા છે આ સમયે જે ગાદી પર બેસીને ધર્મગુરુઓ પ્રવચન સંભળાવતા હોય છે એ એને વ્યાસપીઠ કહેવાય છે .વ્યાસ આપણા શાસ્ત્રોમાં ભગવાન સ્વરૂપ છે વિષ્ણુના ૨૪ અવતાર માં એક એવા વ્યાસના સ્થાન પરથી જે પવિત્ર વાણી સાંભળીએ એ ઈશ્વરની વાણી ગણાય. આ ગાદી પર બેઠેલી વ્યક્તિ કેવી છે તેની ચર્ચા કરવી નહીં. માત્ર અહીં થી અપાતા શાસ્ત્રોકત જ્ઞાનને જ ગ્રહણ કરવુ જોઈએ.

એમાં જરૂર તમને ઈશ્વરનો સાદએ સંભળાશે .આ કોરોનાના સમયમા મંદિર કે સભામંડપમાં કથાવાર્તા નહીં. સાંભળી શકાય. આવા સંજોગોમાં ઘરે બેસીને ટી.વી.ના માધ્યમ દ્વારા શ્રવણ-મનન અને તે પ્રમાણે વર્તન કરીને તમે ઈશ્વરની નજીક જઈ શકો છો .

નેતાઓના ઠાલા વચનો -પ્રવચનો અને ટીવી એન્કરોના બુમ બરાડા બાકીના ૧૧ મહિના માટે અનામત રાખી ને આ મહિને ઈશ્ર્વર સાથે વાર્તાલાપ કરવાની સુંદર તક ઝડપી લેજો તમારે દુ:ખ, અસંતોષ અને ચિંતા સિવાય બીજું કશું જ ગુમાવવાનું નથી. નાના બાળકને માતાનો અવાજ સાંભળીને ખૂબ જ ખુશી થાય છે આ જ રીતે ભક્તને જો ભગવાન નો અવાજ સાંભળવા મળે એથી વિશેષ શું હોઈ શકે? ભગવાન નો અવાજ સાંભળવા માટે તેમ જ કુદરતનો સાદ સાંભળવા માટે આ શ્રેષ્ઠ સમય છે.

શ્રેષ્ઠ મહિનો છે. એટલું જ નહીં આ મહિનામાં વરસાદમાં બહાર નીકળવા કરતાં ઘરે ધ્યાન ધરીને બેસો. મેટિડેશન શીખો તો આંર્તનાદ અર્થાત અંતરાત્માનો અવાજ સંભાળાવાની પણ પૂરી શક્યતા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :