હિચકી ફિલ્મ રિવ્યુ
કોઈ તામઝામની અપેક્ષા રાખ્યા વિના પૉઝિટિવ મેસેજ આપતી ફિલ્મ જોવાની ઇચ્છા હોય તો આ વીકએન્ડ તમે ટીચર અને બાળકો સાથે ઊજવી શકો છો. પૂરેપૂરા બોર થશો એ પહેલાં આ ફિલ્મ પૂરી થઈ જશે
ફિઝિકલ પ્રૉબ્લેમ હોય કે સોશ્યલ-ઇકૉનૉમિક, એને સ્વીકારીને આગળ વધી શકો છો. મહેનત કરીને એને હરાવી શકો છો. આવી કંઈક વાત ‘હિચકી’ કરે છે. રાની મુખરજીના દમદાર અભિનયવાળી તથા ન્યુરોસાઇકિઍટ્રિક ડિસઑર્ડર ટુરેટ સિન્ડ્રૉમને લાઇટ ટોનમાં સમજાવતી ૧૧૮ મિનિટની આ પ્રિડિક્ટેબલ ફિલ્મ છે.
સ્ટોરી
ઍક્ચ્યુઅલી આ ફિલ્મની રિલીઝ-ડેટ ૨૩ ફેબ્રુઆરી હતી, જે એક મહિનો ઠેલાઈ. એટલે ફિલ્મનું પ્રમોશન અને ટ્રેલર વગેરે લોકો પેટ ભરીને જોઈ ચૂક્યા છે અને ટુરેટ સિન્ડ્રૉમ શું છે એ ગૂગલ કરીને સમજી ચૂક્યા છે. તો પણ ક્વિક માહિતી લઈએ તો ટુરેટ સિન્ડ્રૉમ એક રૅર ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર છે. આ રોગગ્રસ્ત વ્યક્તિ રિપીટિટિવ મૂવમેન્ટ કરે છે. તે કોઈ પણ અવાજ કાઢે છે અને ઘણી વાર ગમેતેમ હાથ-પગ પણ ચલાવે છે. ફિલ્મમાં તમે ટ્રેલરમાં જોયું છે એ પ્રમાણે નૈના માથુર એટલે કે રાની મુખરજીને ટુરેટ સિન્ડ્રૉમ છે.
પણ નૈના માથુર અને તેની મમ્મી તથા ભાઈ પૉઝિટિવ છે. નૈના ખૂબ ખુશ રહે છે અને તેની ખ્વાહિશ છે સફળ ટીચર બનવાની. પરંતુ ટુરેટ સિન્ડ્રૉમ હોવાના કારણે તે છેલ્લાં પાંચ વર્ષમાં ૧૮ વખત ઇન્ટરવ્યુમાં ફેલ થઈ છે. પણ તે હાર નથી માનતી. અને એક દિવસ શહેરની પ્રતિષ્ઠિત સેન્ટ નોટકર હાઈ સ્કૂલમાંથી કહેણ આવે છે. તેને નોકરી મળે છે. સ્કૂલના અન્ય ટીચર તેને કહે છે કે અમને કોઈ એક શિક્ષકની અત્યંત જરૂરિયાત છે એટલે તને લીધી છે, રાધર, લેવી પડી છે. પણ નૈના ખુશ છે, કારણ કે વર્ષો પહેલાં આ જ સ્કૂલના પ્રિન્સિપાલે (મોહન ગોખલે) તેને તકલીફોને નાથીને આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી. આ વાત આપણને વેરી શૉર્ટ ફ્લૅશબૅકમાં બતાવાય છે. નૈના માથુરને ક્લાસરૂમ ૯F ફાળવવામાં આવે છે.
૧૧૮ મિનિટની જ ફિલ્મ હોવાથી થોડી જ વારમાં નૈના માથુરને અને આપણને જાણ થાય છે કે આ તો બળવાખોર અને વિદ્રોહી વિદ્યાર્થીઓનો ક્લાસરૂમ છે. છે ૧૪ વિદ્યાર્થીઓ, પણ તમામ માથાભારે. તેઓ સામાજિક અને આર્થિક રીતે પછાત છે અને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અહીં આવ્યા છે. તેમના કારણે છેલ્લા ૭ મહિનામાં ૮ શિક્ષકો બદલાઈ ચૂક્યા છે (તેમનાથી કંટાળીને ભાગી ગયા છે). આ રાઉડી ટોળકી નૈના મૅમને હેરાન-પરેશાન કરવામાં કંઈ જ બાકી નથી રાખતી. તેમની, તેમના ટુરેટ સિન્ડ્રૉમની, તેમની આવડતની, તેમની શીખવવાની પદ્ધતિની તમામની મજાક ઉડાવે છે.
પણ નૈના માથુર પણ ચૅલેન્જ લઈ લે છે કે આ ક્લાસ ૯જ્ને હું ૪ મહિના બાદ આવનારી પરીક્ષામાં પાસ કરાવીને જ છોડીશ, તેમને ૯A જેવો પર્ફેક્ટ બૅચ બનાવીને જ રહીશ.
ડિરેક્શન
ડિરેક્ટર મલ્હોત્રાસાહેબ અગાઉ ‘વી આર ફૅમિલી’ નામની હિન્દી ફિલ્મ બનાવી ચૂક્યા છે, જે ૧૯૯૮ની અમેરિકન ફિલ્મ ‘સ્ટેપમૉમ’ની ઑફિશ્યલ રીમેક હતી. અને આ કહ્યું એમ ‘ફ્રન્ટ ઑફ ધ ક્લાસ’ પર બેઝ્ડ છે. અગાઉ આપણે ‘તારે ઝમીન પર’માં પણ ડિસ્લેક્સિઆ ડિસઑર્ડર સેન્સિટિવ-વેમાં જોઈ ચૂક્યા છીએ. અહીં શરૂઆત લાઇટ ટોનમાં ટુરેટ સિન્ડ્રૉમ ધરાવતી વ્યક્તિની કન્ડિશન એસ્ટૅબ્લિશ કરવાથી થાય છે. ફિલ્મનો ફર્સ્ટ સીન જ ટુરેટ સિન્ડ્રૉમ શું છે એ જણાવે છે. ત્યાર બાદ ટાઇટલ ક્રેડિટ્સ આવે છે. આમ તો આખી ફિલ્મ નૈના માથુરના કૅરૅક્ટરની ઇર્દગિર્દ જ ફરે છે. તેની પ્રોફેશનલ અને પર્સનલ બેઉ લાઇફની સ્ટ્રગલ દર્શાવવામાં આવે છે. નૈનાના પરિવારમાં ભાઈ અને મમ્મીએ તો તેનો ડિસઑર્ડર સહિત સ્વીકાર કર્યો છે, પરંતુ પિતા એ નથી કરી શક્યા. ડિરેક્ટરે રાની મુખરજીને ફુલ ઑફ સ્પિરિટ, કૉન્ફિડન્ટ અને પોતાના સંજોગોથી સંપૂર્ણપણે અવેર દર્શાવી છે. તે ફિલ્મની સ્ટોરીને કે તમારી નજરોને બીજે ક્યાંય ફંટાવા જ નથી દેતી! તેની ઇનોસન્સ, પૉઝિટિવિટી તમને દેખાયા કરે છે. ધૅટ્સ વાય, શી ઇઝ ક્વીન!
‘હિચકી’માં કૉમેડી છે, પરંતુ લાફ આઉટ લાઉડ કે સ્લૅãપ્સ્ટક નથી; ક્લીન અને ક્લેવર કૉમેડી છે. સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ (ઍક્ટર યાદ ન આવી જાય એટલે વચ્ચે પી. લગાડવું પડે છે!) ટુરેટ સિન્ડ્રૉમ ઉપરાંત ફિલ્મમાં સામાજિક અને આર્થિક ભેદભાવનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. અપર મિડલ-ક્લાસ અને સ્લમ એરિયામાં રહેતાં બાળકો સાથે ભણે તો શું થાય એ દર્શાવવામાં આવ્યું છે. એ પ્રતિષ્ઠિત સ્કૂલમાં પરાણે લેવા પડેલા નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા વિદ્યાર્થીઓ ભણે છે. તેમને અન્ય વિદ્યાર્થીઓ કે શિક્ષકો, કોઈ સ્વીકારતું નથી અને એ કારણે જ તેઓ માથાભારે થઈ ગયા છે. સાકેત ચૌધરીની ‘હિન્દી મીડિયમ’માં રાઇટ ટુ ઇન્ફર્મેશનનો જે પૉઇન્ટ ઉઠાવાયો હતો એનો અહીં અછડતો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં સ્લમ એરિયામાં રહેતાં બાળકોનું જીવન પણ દર્શાવવામાં આવ્યું છે.
સ્ટોરી સિદ્ધાર્થ મલ્હોત્રા અને અંકુર ચૌધરીએ લખી છે તથા સ્ક્રીનપ્લે અંકુર ચૌધરી, અંબર હદપ અને ગણેશ પંડિતે લખ્યો છે. પ્રમાણમાં ટૂંકી ફિલ્મ હોવા છતાં પણ અમુક જગ્યાએ તમને બોર કરે છે. એટલે કે સ્ક્રીનપ્લે ક્યાંક ફ્લૅટ જાય છે. નરેશન સિમ્પલ, પ્રિડિક્ટેબલ છે. આ પ્રકારની સ્ટોરી આમ પણ અન્ડરડૉગ હોવાની. આ પ્રકારની વાર્તાની એક સેટ ફૉમ્યુર્લાા છે અને ડિરેક્ટર ઍન્ડ ટીમ સંપૂર્ણપણે એને વળગી રહ્યા છે. ડિરેક્ટર ઘણી જગ્યાએ મેલોડ્રામેટિક પણ થઈ ગયા છે. તેમણે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને ટેન્સ સિચુએશનનો ઉપયોગ કરીને આંસુ બહાર કાઢવાની ભરપૂર કોશિશ કરી છે. અમુક જગ્યાએ સફળ પણ થયા છે. અમુક સીન્સ બેશક સુપર્બ લખાયા અને ભજવાયા છે. ત્રણેક વખત તમારી આંખોમાંથી આંસુ ટપકી પણ પડે છે અને ત્યાર બાદ એ લૂછવા માટે પૂરતો સમય પણ મળી રહે છે.
સામે અમુક સિચુએશન ઊભી કરાઈ છે. એમાં ઇન્સ્પિરેશનલ અને મેલોડ્રામેટિક ડાયલૉગ્સ ફટાકારાય છે, પરંતુ તમને કશો જ ફરક પડતો નથી. એ સીન પાસ-ઑન થઈ જાય છે.
આઈલા, સેમ ટુ સેમ!
મહેશ ભટ્ટની ‘સર’ હોય કે સંજય ભણસાલીની ‘બ્લૅક’ કે આમિરની ‘તારે ઝમીન પર’ કે પછી હૉલીવુડની ‘ડેન્જરસ માઇન્ડ’ કે ‘ગુડ વિલ હન્ટિંગ’ હોય, તમામ ફિલ્મોમાં ક્યાંક સિમિલર પાથ દેખાય છે. એક અચ્છો ટીચર વિદ્યાર્થીઓની જિંદગી બદલી શકે છે. નેગેટિવ એનર્જીને યોગ્ય દિશામાં વાળીને તેમનામાં રહેલું પોટેન્શિયલ બહાર કાઢી શકે છે. આ જ વાત ફરી ‘હિચકી’માં કહેવાઈ છે. એક પૉઇન્ટ બાદ ‘હિચકી’ ફિલ્મ સ્ટ્રૉન્ગ-વિલ્ડ ટીચર અને બળવાખાર વિદ્યાર્થીઓ વચ્ચે ઘડિયાળના લોલકની માફક ઝૂલ્યા કરે છે. એક છેડાના કારણે બીજો છેડો હીરો બનતો રહે છે. અને તમે રાહ જુઓ છો કે વિદ્યાર્થીઓ જીતશે કે નૈના માથુર, જવાબ તમે જાણો છો!
નૈના માથુર જે રીતે ૯F ક્લાસના જંગલી વિદ્યાર્થીઓની એનર્જી અને તેમનો ગુસ્સો પૉઝિટિવ અને પ્રોડક્ટિવ વેમાં વાળે છે એ જોઈને ૨૦૦૨માં આવેલી અતુલ કુલકર્ણી અભિનીત મરાઠી ફિલ્મ ‘દહાવી ફ’(૧૦th F) સખત યાદ આવે છે. અતુલના પાત્રથી રાનીનું પાત્ર માત્ર ટુરેટ સિન્ડ્રૉમ થકી જ જુદું પડે છે, બાકી સેમ ટુ સેમ છે! (હું શું કહું છું એ તમે સમજો છો!)
દમદાર પર્ફોર્મન્સ
નૈના માથુરનાં માતા-પિતાના પાત્રમાં રિયલ લાઇફ હસબન્ડ-વાઇફ સચિન અને સુપ્રિયા પિલગાંવકર છે. સચિનને ઑન સ્ક્રીન જોઈને મજા પડી! ભાઈના પાત્રમાં હુસેન દલાલ છે. સ્કૂલના પ્રિન્સિપાલના પાત્રમાં શિવકુમાર સુબ્રમણ્યમ ફિટ બેસે છે. મોટા ભાગની ફિલ્મમાં નૈના માથુરના ઓપોઝમાં રહેલા શિક્ષક મિસ્ટર વાલિયાના પાત્રમાં અફલાતૂન ઍક્ટર નીરજ કાબી છે. તેઓ ક્લાસ ૯Aના ક્લાસટીચર છે, જે હોનહાર વિદ્યાર્થીઓથી ભરેલો છે. તેમણે અહીં પણ ધારદાર પર્ફોર્મન્સ આપ્યો છે.
ફિલ્મમાં શિક્ષકોની પણ અછત દર્શાવી છે! નૈના અને વાલિયા આ બે ઉપરાંત અન્ય એક શિક્ષક જ પરીક્ષા લેતો અને બોર્ડ પર લખતો દર્શાવ્યો છે. નીરજ કાબીના પાત્ર વડે શિક્ષકો વચ્ચેના ઇન્ટર-ક્લૅશ પણ દર્શાવ્યા છે. આસિફ બસરા પ્યુનના કૅરૅક્ટરમાં છે. અન્ય પાત્રોમાં તમામ વિદ્યાર્થીઓ બનતા છોકરાઓએ સુપર્બ અભિનય કર્યો છે. ખાસ તો બળવાખોર વિદ્યાર્થીઓનો કૅપ્ટન આતિશ, જે પાત્ર હર્ષ મેયરે ભજવ્યું છે. તે છેલ્લે ‘આઇ ઍમ કલામ’માં છોટુ ઉર્ફે કલામના પાત્રમાં દેખાયો હતો. તેના સાથીદાર કિલમના પાત્રમાં વિક્રાન્ત સોનીની ઍક્ટિંગ પણ મજેદાર છે. નબળાઈઓ છતાં રાની મુખરજીના સૉલિડ અને સિન્સિયર અભિનય થકી ફિલ્મ જોવાલાયક બની છે. ઑલમોસ્ટ દરેક ફ્રેમમાં રાની તમને દેખાય છે. સ્લમ-એરિયા, ખાસ કરીને બાળકોના જીવનને આઠ-દસ મિનિટમાં સિફતપૂર્વક કૅપ્ચર કરવામાં આવ્યાં છે, ગૅરેજમાં કામ કરતાં, જુગાર રમતાં, શાકભાજી વેચતાં, નાચતાં અને વાંચતાં બાળકો દર્શાવાયાં છે; પણ આ દરેક ફ્રેમમાં નૈના માથુર તો છે જ!
જોવી કે નહીં?
ફિઝિકલ પ્રૉબ્લેમ હોય કે સોશ્યલ-ઇકૉનૉમિકલ, એને સ્વીકારીને તમે આગળ વધી શકો છો. પૉઝિટિવ રહીને, મહેનત કરીને એને હરાવી શકો છો. બીજું એ કે નબળા વિદ્યાર્થીઓ કદાપિ નથી હોતા, નબળા શિક્ષકો હોય છે. આવી કંઈક વાત ‘હિચકી’ કરે છે.
સો, એક ખુશમિજાજ લેડી કઈ રીતે પોતાના ટુરેટ સિન્ડ્રૉમ ડિસઓર્ડરને અવગણીને સફળ શિક્ષક થાય છે તેની જર્ની લાઇટ ટોનમાં જોવી હોય તો તમે જઈ શકો છો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
