મુખ્યમંત્રીશ્રીના હસ્તે My Surat સિટીઝન વેબ પોર્ટલ, મોબાઈલ એપ અને સુરત મની કાર્ડનું લોન્ચ્ડ
સૂરતઃ રવિવારઃ- ‘‘જયાં માનવી ત્યાં સુવિધા’’ અને ‘‘વ્યથા નહીં વ્યવસ્થા’’ના મંત્ર સાથે ગુજરાતના શહેરો વર્લ્ડ કલાસ સીટી બને તેવી નેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘‘સ્માર્ટ સિટી સમિટ મેગા ઇવેન્ટ’’ને ખુલ્લી મૂકતા વ્યકત કરી હતી.
શ્રેષ્ઠ તકોના સર્જન થકી ભારત સરકારના ‘સ્ટાર્ટ અપ ઈન્ડિયા’ દ્વારા નવી પેઢીને અવસર આપવા રાજય સરકારની કટિબદ્ધતા વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ યુવા પેઢી પોતાની નવી બ્રાન્ડ બનાવીને સ્ટાર્ટ અપમાં આગળ વધે તેવો અનુરોધ કર્યો હતો.
રાજયમાં ૪૮ ટકા શહેરી વસ્તી છે ત્યારે આવનારા સમયમાં ૫૦-૫૦ ટકા શહેર-ગ્રામ્યની વસ્તી સમાન થશે. ગુજરાતના ૬ શહેરોને ભારત સરકારે સ્માર્ટ સીટીનો દરજ્જો આપ્યો છે. જેમાં સૂરત ગુજરાત અને સમગ્ર ભારતમાં નંબર વન હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સમસ્યાનું કેવી રીતે નિરાકરણ થાય, બે કદમ આગળ વધીને આવનારી સમસ્યાનું નિરાકરણ થાય તે જ સાચું સ્ટાર્ટઅપ હોવાનું તેમણે ઉમેર્યું હતું. સૂરત શહેરને ડાયમંડ સીટી, સીલ્ક સીટી, બ્રિજ સીટીની સાથે હવે સ્માર્ટ સીટી તરીકે ઓળખાય છે. બે દશકમાં ઘણો જ બદલાવ સૂરતમાં આવ્યો છે.
ભારતભરમાં માત્ર અમદાવાદને વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજ્જો મળ્યો છે તેવી જ રીતે સુરત શહેરને પણ સ્માર્ટ સીટી દરજ્જો મળ્યો છે. શહેરોમાં પ્રાથમિક સુવિધા રસ્તા, ડ્રેનેજ, વીજળી, આરોગ્યની સુવિધાઓ પૂરતી હોય તે ઉપરાંત સીટી રહેવાલાયક હોય, સીટીમાં વ્યવસ્થા એવી હોય કે લોકોને કોઈ સમસ્યા વગર ટેકનોલોજીના સહારે સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર પ્રયાસો કરી રહી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.
કમાન્ડ કંટ્રોલની વ્યવસ્થાઓ સમગ્ર રાજયમાં કરવામાં આવી રહી છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સૂરત સીટીમાં પાણી, વીજળી, રસ્તા જેવી અનેકવિધ વ્યવસ્થાઓ એક જ સ્થળે સેન્ટર દ્વારા કમાન્ડ કંટ્રોલ થઈ છે. પોલીસ અને કોર્પોરેશનના સહયોગથી કોઈ પણ સમસ્યા હોય તો એક જ સ્થળેથી તેનું સરળતાથી નિરાકરણ લાવી રહી છે.
આ પ્રસંગે કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ રાજયમંત્રી શ્રી સી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતીય યુવાનોના કૌશલ્યનો વિકાસ થાય, ઉદ્યોગ જગત અને અર્થતંત્રને બળ મળે એવા વિવિધ હેતુઓ સાધવાનો પ્રયાસ સ્ટાર્ટ-અપ ઇન્ડિયાના માધ્યમથી થઈ રહ્યો છે. તેમણે ભારતના ૧૦૦ સ્માર્ટ સીટીમાં સૂરતે કામગીરીમાં પ્રથમ નંબર મેળવ્યો છે જે બદલ અભિનંદન આપ્યા હતા. સામાન્ય માનવીને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, વીજળી જેવી સુવિધાઓ મળે તેવા તમામ પાસાઓને સ્માર્ટ સીટીમાં આવરી લેવામાં આવ્યા છે. ૨૦૨૨માં સૌને ઘરનું ઘર મળી રહે તેવા પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવા માટે સૌને કટિબદ્ધ બનાવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ તકે શ્રી ચૌધરીએ સ્ટાર્ટઅપ ક્ષેત્રે યુવા પેઢી પાસે જો નવા નવા આઈડિયા હશે તો ભારત સરકાર તેમાં પૂર્ણ સહયોગી બનશે તેવી ખાત્રી તેમણે આપી હતી. ઓછામાં ઓછા સમય અને ખર્ચ દ્વારા નવી વસ્તુઓનું નિર્માણ થાય તે દિશામાં કાર્ય કરવા યુવા સ્ટાર્ટઅપ ઉદ્યોગકારોને તેમણે જણાવ્યું હતું.
સ્ટાર્ટ અપ ફેસ્ટિવલમાં દેશભરના સ્ટાર્ટ અપથી ઉદ્યોગમાં પદાર્પણ કરનાર ૧૦૦ ઉદ્યોગ સાહસિકોઓ પૈકી પસંદ થયેલા શ્રેષ્ઠ સ્ટાર્ટ અપને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે My Surat સિટીઝન એન્ગેજમેન્ટ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ તેમજ સુરત મની કાર્ડ તથા કોફી બુકનું લોન્ચિંગ થયું હતું.
આ પ્રસંગે આરોગ્ય રાજયમંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી, મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા, સાંસદ શ્રી સી.આર.પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્યો સર્વશ્રી શ્રીમતી ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, વિવેકભાઈ પટેલ, હર્ષ સંઘવી, અરવિંદ રાણા, પ્રવિણભાઈ ઘોઘારી, પૂર્ણેશભાઈ મોદી, કાંતિ બલર, મ્યુ.કમિશનર શ્રી એમ.થેન્નારસન તેમજ ગુજરાત સહિત અન્ય રાજ્યોના સચિવ કક્ષાના અધિકારી, ૫દાધિકારીઓ, મહાનુભાવો, મ્યુ.કમિશનરો, વરિષ્ઠ અધિકારીઓ, મેયરો તેમજ ડેપ્યુટી મેયરો તેમજ દેશભરના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત ડેલિગેટ્સ ઉ૫સ્થિત રહ્યાં હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
