આ વર્ષે પણ ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબશે?
ચોમાસું આ વર્ષે જલદી દાખલ થવાનું હોઈ કરોડો રૂપિયા ખર્ચીને પણ નાળાસફાઈના કામ સમાધાનકારક નહીં હોવાને કારણે આ વર્ષે પણ ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબવાની ભારોભાર શક્યતા છે. સ્થાયી સમિતિની બેઠકમાં વિરોધપક્ષે નાળાસફાઈના કામ અંગે અસંતોષ વ્યકત કરી ચોમાસામાં પાણી ભરાશે એવા આરોપ કર્યા હતા ત્યારે આ આરોપનું ખંડન નહીં કરતા સુધરાઈ પ્રશાસને અપ્રત્યક્ષ રીતે માન્ય કર્યું હતું. એટલું જ નહીં પણ દાદર, હિંદમાતા પરિસરમાં આ વર્ષે પણ પાણી ભરાશે તેથી લોકોને ત્રાસ સહન કરવો પડશે એવી કબૂલાત પણ પાલિકાના અધિકારીઓએ કરી છે. કરોડો રૂપિયા ખર્ચીને પણ મુંબઈ પાણીમાં ડૂબશે એમ મનાય રહ્યું છે.
નાળામાંથી કાઢવામાં આવેલો ગાળ મુંબઈની બહાર નાખવામાં આવતા હોવાનું પ્રશાસન તરફથી કહેવામાં આવી રહ્યું છે પણ હકીકતમાં કાંજુરમાર્ગ અને મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં તેને નાખવામાં આવતો હોવાનો આરોપ વિરોધપક્ષ નેતા રવિ રાજાએ કર્યો હતો. મુંબઈ પાણીમાં ડૂબશે નહીં એવુ આશ્ર્વાસન પણ તેમણે પ્રશાસન પાસેથી માગ્યું હતું.
ચોમાસું જલદી બેસવાનું હોવા છતાં મુંબઈના નાળાઓની સફાઈ હજી સુધી થઈ નથી. અનેક ઠેકાણે મોટા નાળામાંથી કચરો કાઢવામાં આવ્યો નથી. નાળાસફાઈના કામ છેલ્લા તબક્કામાં છે છતાં નાળાઓમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા હોવાનો આરોપ પણ નગરસેવકોએ કર્યો હતો. તો ‘ઈ ’વોર્ડમાં બે દિવસ પહેલા જ નાળાસફાઈનું કામ ચાલુ કરવામાં આવ્યું હોવાનો આરોપ સમાજવાદી પાર્ટીના નેતાએ કર્યો હતો. એક તરફ વિરોધપક્ષ આક્રમક થઈ ગયો હતો ત્યારે અનેક ઉપાય યોજના અમલમાં લાવ્યા બાદ પણ આ વર્ષે પણ હિંદમાતા પાણીમાં ડૂબશે એવી કબૂલાત પ્રસાસને કરતા સત્તાધારી શિવસેનાને નીચાજોણું થયું હતું.
અગાઉ મુંબઈમાં થોડો પણ વરસાદ પડતો તો દાદર-હિંદમાતા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ જતા હતા. ગયા વર્ષે બ્રિટાનિયા પંપિંગ સ્ટેશન ચાલુ કરવામાં આવ્યું હતું છતાં ત્યાં ગયા વર્ષે ચોમાસામાં ઘૂંટણભેર પાણી ભરાયા હતા. ગયા વર્ષ દરમિયાન પાલિકાએ અનેક ઉપાયયોજના અમલમાં મૂકી હતી. અંગ્રેજોના જમાનાની જમીનની નીચે આવેલી વરસાદી પાણીનો નિકાલ કરનારી સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈનમાં મોટા મોટા ઝાડના મૂળિયાને કારણે અડચણો આવી રહી છે અને તેના પર ઉપાયયોજના કરવામાં આવી રહી છે છતાં પાણી ભરાવાની શકયતા નકારી શકાય નહીં, તેથી હજી થોડો વખત લોકોને ત્રાસ સહન કરવો પડશે એવું સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ ખાતાના ચીફ ઍન્જિનિયર વિદ્યાધર ખંડકરે કહ્યું હતું નાળાસફાઈનું કામ જોરદાર ચાલી રહ્યું હોવા છતાં નાળાની ઉપર તથા તેની આજુબાજુ આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેલા લોકો દ્વારા ફરી નાળામાં કચરો ફેંકવામાં આવતો હોય છે.
ક્લીનઅપ માર્શલને નાળા પર નજર રાખવા બાબતે પાલિકા વિચાર કરી રહી છે. ઠેર ઠેર કચરો ફેંકનારા પર નજર રાખવા માટે તહેનાત કરવામાં આવેલ ક્લીનઅપ માર્શલ દ્વારા લોકો પાસેથી ખોટી રીતે પૈસા વસૂલ કરવામાં આવતા હોવાના આરોપને કારણે પાલિકાની ક્લીનઅપ માર્શલની યોજના ભારે વિવાદાસ્પદ બની હતી. તેને પગલે થોડા સમય માટે આ યોજનાને બંધ કરવામાં આવ્યા બાદ ફરી ક્લીનઅપ માર્શલને તહેનાત કરવામાં આવ્યા હતા. હવે કચરો કરનારાને પકડવાની સાથે જ નાળામાં કચરો નાખનારા પર પણ નજર રાખવા ક્લીનઅપ માર્શલ બાબત પાલિકા વિચારાધીન હોવાનું કહેવાય છે.
ચોમાસા દરમિયાન મધ્ય રેલવેના સૌથી વધુ પાણી ભરાતા સ્ટેશન એટલે કે કુર્લા અને સાયન ખાતે વધારે ક્ષમતા ધરાવતા પાણી ફેંકનારા પંપ બેસાડવામાં આવશે, એવું મધ્ય રેલવેના સાધનોએ જણાવ્યું હતું.
દર વર્ષે લગભગ મધ્ય રેલવેના કુર્લા અને સાયન ખાતે ભારે વરસાદમાં ટ્રેકમાં પાણી ભરાતું હોય છે અને આ પાણી ટ્રેકમાંથી બહાર ફેંકવા માટે મધ્ય રેલવે દ્વારા પંપ બેસાડવામાં આવે છે. આ વર્ષે ૧૦૦૦ હૉર્સ પાવર (એચપી)ની ક્ષમતા ધરાવતા પંપ મધ્ય રેલવે દ્વારા બેસાડવામાં આવશે. જેથી ટ્રેકમાંથી પાણી ખૂબ જ ઝડપથી બહાર કાઢી શકાશે, એવું મધ્ય રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) એસ. કે. પંકજે જણાવ્યું હતું. ૧૦૦૦ એચપીના પંપ ઉપરાંત મધ્ય રેલવેની ૪૨ જગ્યા પર ૩૨ એચપીના પંપ બેસાડવામાં આવશે. આ ઉપરાંત સુધરાઈ દ્વારા પણ ૧૬ ઠેકાણે પંપ બેસાડવામાં આવશે. ગયા વર્ષે મધ્ય રેલવે દ્વારા ૧૨ એચપીના ૨૭ પંપ બેસાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મધ્ય રેલવે દ્વારા હવામાન ખાતા સાથે પણ સતત સંપર્કમાં રહીને ભારે વરસાદની માહિતી લેવામાં આવશે. આ વર્ષે રેલવે દ્વારા નાળા સફાઈ માટે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કુલ ૮૦,૦૦૦ ક્યુબિક મીટરનો કચરો કાઢવામાં આવ્યો હતો, એવું પંકજે વધુમાં જણાવ્યું હતું.
રૂ. ૬૦ લાખના ખર્ચે ‘ઉત્કૃષ્ટ’ પ્રોજેક્ટ હેઠળ મધ્ય રેલવે દ્વારા ડેક્કન ક્વીન, એલટીટી-મડગાંવ ડબલડેકર ઍક્સ્પ્રેસને અપગ્રેડ કરવામાં આવશે. ડેક્કન ક્વીનનું અપગ્રેડેશન ઑગસ્ટ, ૨૦૧૮ અને એલટીટી-મડગાંવ ડબલડેકર ઍક્સ્પ્રેસનું કામ ડિસેમ્બર સુધી પૂરું કરવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


