સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના વર્તમાન પ્રમુખ હેમંતભાઇ કોન્ટ્રાક્ટરની વરણી ગુજરાત ક્રિકેટ એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કરવામાં આવતા આજે સુરત એસડીસીએ, લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના અગ્રણીઓએ હેંમતભાઇ કોન્ટ્રાક્ટરને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત ક્રિકેટ એસોસીએશનમાં સુરતના હેમંતભાઇને વાઇસ પ્રેસિડેન્ટ પદ સાથે મળેલા પ્રતિનિધિત્વને કારણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ક્રિકેટમાં નવું જોમ, ઉત્સાહ વધ્યો છે.
આજે સવારે હેમંતભાઇ કોન્ટ્રાક્ટરને શુભેચ્છા આપવા માટે શૈલેષભાઈ, નિસર્ગ પટેલ, મંયકભાઇ ત્રિવેદી, વિપુલ ભાઈ, હરીશભાઈ, સંજયભાઈ, મયંક ભાઈ, બિપિન ભાઈ, સાયમન કોરેથ, હનીફ મંજુ, વિજયભાઈ દેસાઈ વગેરે હાજર રહ્યા હતા.
ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી20 શ્રેણીનો બીજો મુકાબલો માઉનટ માઉંગાનુઈમાં Dated 20/11/2022, રવિવારે 20મી નવેમ્બરના રોજ થવાનો છે. આ મેચ માટે ટીમ ઇન્ડિયા વેલિંગટનથી ટોરંગા પહોંચી ચૂકી છે. ટોરંગા પહોંચ્યા બાદ ભારતીય ટીમ માઉન્ટ મોઉંગાનુઈ પહોંચશે. વરસાદના કારણે ટૂર્નામેન્ટનો પહેલો મેચ રમાયા વિના રદ થયો હતો ત્યારે હવે ચાહકોની નજર બીજા મેચ ઉપર છે. જો કે માઉટ માઉંગાનુઈનું હવામાન પણ ચાહકોની આશા ઉપર પાણી ફેરવી શકે છે.
હકીકતમાં વર્તમાન સમયે માઉન્ટ માઉંગાનુઈમાં પણ વરસાદ થઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે રવિવારે વરસાદ પડવાની સંભાવના 89 ટકા છે જ્યારે રાત્રે વરસાદની શક્યતા 42 ટકા છે. જો કે ટાઇમના હિસાબે મેચ સાત વાગ્યે શરૂ થવાનો છે. જેના કારણે બીજો ટી20 મેચ પણ વરસાદની ભેંટ ચડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેની ટી20 શ્રેણીનો અંતિમ મેચ નેપિયરમાં રમાવાનો છે. નેપિયરનું હવામાન વર્તમાન સમયે સાફ દેખાઈ રહ્યું છે. તેવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બન્ને ટીમને ટૂર્નામેન્ટમાં એક મેચ પૂરો રમવા મળશે
ન્યુઝિલેન્ડની ટીમ કાગળ પર ભલે મજબૂત નજરે પડી રહી હોય, પણ તેને ટી-20 વિશ્વ કપમાં બુધવારે રમાનાર પ્રથમ સેમિ ફાઇનલ મુકાબલામાં આંચકારૂપ પરિણામ આપનારી ટીમ પાકિસ્તાનનો સામનો કરવો પડશે ત્યારે કિવિઝ ટીમે ક્ષમતા અનુરૂપ દેખાવ કરવો પડશે અને ઇતિહાસ પણ પલટાવવો પડશે. એક તરફ પાકિસ્તાનનો સેમિ ફાઇનલ સુધીનો દેખાવ ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો છે જ્યારે ન્યુઝિલેન્ડ ગત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને આયરલેન્ડને હરાવીને ગ્રુપ વનમાં ટોચ પર રહેની સેમિ ફાઇનલમાં પહોંચી છે.
બાબર આઝમની ટીમ સુપર-12 રાઉન્ડમાં ભારત અને ઝિમ્બાબ્વે સામે હારીને જલ્દીથી સ્વદેશ પરત ફરવાની તૈયારીમાં હતી પણ નેધરલેન્ડ્સે વિશ્વ કપ ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર કરીને દ. આફ્રિકાને હાર આપી. આથી પાક.ની આશા જીવંત બની. બાદમાં સેમિમાં પહોંચવા પાક.ને ફક્ત બાંગલાદેશને હરાવવાનું હતું. જે કાર્યમાં પાક. ટીમ સફળ રહી અને હવે સેમિ ફાઇનલમાં ન્યુઝિલેન્ડનો બુધવારે સમાનો કરશે. હવે પાક. માટે ઇતિહાસનું પુનરાવર્તન કરવાની સ્થિતિ છે, કારણ કે પાક. ટીમ 1992ના વન ડે વિશ્વ કપમાં નસીબના સહારે સેમિ ફાઇનલમાં પહોંચી હતી અને જ્યાં ન્યુઝિલેન્ડને હાર આપીને આખરમાં વિશ્વ વિજેતા બની હતી.
પાછલો ઇતિહાસ પાકિસ્તાનના પક્ષમાં રહ્યો છે. આ પહેલા જ્યારે પણ વિશ્વ કપના સેમિ ફાઇનલમાં ન્યુઝિલેન્ડનો સામનો કર્યો છે ત્યારે જીત મળી છે. પાકિસ્તાને 1992 અને 1999ના વન ડે વર્લ્ડ કપ અને 2007ના ટી-20 વર્લ્ડ કપના સેમિમાં ન્યુઝિલેન્ડને હાર આપી છે.
એ વાત પણ છૂપી નથી કે ન્યુઝિલેન્ડની ટીમ લિમિટેડ ઓવર્સની આઇસીસી ટૂર્નામેન્ટોમાં મોટો મેચમાં સારો દેખાવ કરી શકી નથી. તેણે પાછલા ચાર વર્લ્ડ કપમાં અંતિમ ચારમાં જગ્યા બનાવી છે, પણ ખિતાબ નસીબ થયો નથી. કિવિઝ ટીમે સાત વર્ષમાં ત્રણ વિશ્વ કપ ફાઇનલ (201પ અને 2019 વન ડે વર્લ્ડ કપ અને 2021 ટી-20 વર્લ્ડ કપ) ગુમાવ્યા છે. આ વાત કેન વિલિયમ્સનની ટીમ સારી રીતે જાણે છે. જો કે ટીમને વિશ્વાસ છે કે અમે કૌશલ અને ક્ષમતા પર વિશ્વાસ રાખીએ છીએ અને ઇતિહાસને પલટાવશું.
કિવિઝ ટીમની રણનીતિ પાકિસ્તાનને શરૂઆતમાં ઝટકા આપવાની કોશિશ કરશે, કારણ કે પાક. બેટધરો અત્યાર સુધી રન કરવા સંઘર્ષ કરી રહ્યા છે. ખાસ કરીને કપ્તાન બાબર આઝમ અને સ્ટાર મોહમ્મદ રિઝવાન તેમનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરી શક્યા નથી. બાંગલાદેશ સામે 128 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પણ સંઘર્ષ કરવો પડયો હતો. ન્યુઝિલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટ અને ટિમ સાઉધી એ જ મેદાન પર પાછા ફરશે જ્યાં તેમણે લીગ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાના શીર્ષ ક્રમને ધ્રૂજાવી દીધું હતું. સંયોગથી પાક.નો મજબૂત પક્ષ પણ તેની બોલિંગ છે. કિવિઝ બેટર ડવેન કોન્વે, ડેરિલ મિશેલ, કપ્તાન કેન વિલિયમ્સન, ગ્લેન ફિલિપ સારા ફોર્મમાં છે. એવામાં પાકે. સાબિત કરવાનું રહેશે કે તેઓ સેમિ સુધીની સફર ફક્ત સંયોગ નથી. ટીમમાં શકિતશાળી છે. સેમિમાં પાક. માટે ઝડપી બોલર શાહિન અફ્રિદી અને હારિસ રઉફની ભૂમિકા મહત્ત્વની બની રહેશે.
સુપર-12 રાઉન્ડ પૂરો થતાની સાથે જ સેમિફાઈનલ માટે ચાર ટીમો નક્કી થઈ ચૂકી છે. ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ છે, જ્યારે ગ્રુપ-2માંથી ભારત અને પાકિસ્તાને પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ચાલો જોઈએ સેમિફાઈનલમાં હવે કઈ ટીમ કોની સામે ટકરાશે.
ભારતની સામે ઈંગ્લેન્ડની ટક્કર ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતે ઝિમ્બાબ્વેને પોતાની છેલ્લી લીગ મેચમાં 71 રને હરાવી ગ્રુપમાં પહેલું સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પાંચ મેચોમાંથી ચાર મેચમાં જીત મેળવી 8 પોઈન્ટ સાથે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું. એવામાં ટેબલ ટોપ કરવાના કારણે ભારતીય ટીમનો સેમિફાઈનલમાં ગ્રુપ-1માં બીજા નંબરે રહેનારી ઈંગ્લેન્ડની ટીમ સામે ટક્કર થશે. તો, જો ટીમ ઈન્ડિયા બીજા સ્થાને રહી હોત તો, આ સેમિફાઈનલમાં તે ન્યૂઝીલેન્ડ સામે ટકરાત. સેમિફાઈનલમાં ભારતીય ટીમ હવે 10 નવેમ્બરે એડિલેડના ઓવલ મેદાનમાં ઈંગ્લેન્ડ સામે રમવા ઉતરશે. આ મેચમાં ભારત જીતશે તો ફાઈનલ માટે મેલબોર્ન જશે. ફાઈનલ મેચ 13 નવેમ્બરે રમાશે.
પાકિસ્તાનની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે ગ્રુપ-2માં ઉલેટફેરના કારણે સેમિફાઈનલમાં પહોંચનારી પાકિસ્તાનની ટીમનો સામનો પહેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે થશે. બંને ટીમોની વચ્ચે આ મેચ 9 નવેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. પાકિસ્તાનની ટીમ પોતાના ગ્રુપમાં 6 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચી છે. જોકે, તે નોકઆઉટ સ્ટેજમાંથી લગભગ બહાર થઈ ચૂકી હતી, પરંતુ નેધરલેન્ડની ટીમે છેલ્લી લીગ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવી ઉલટફેર કરી દીધો. એ કારણે સાઉથ આફ્રિકાની ટીમ પાસે 5 પોઈન્ટ જ રહી ગયા, જેના કારણે તે સેમિફાઈનલમાંથી બહાર ફેંકાઈ ગઈ. તો પાકિસ્તાનની ટીમે બાંગ્લાદેશને પોતાની છેલ્લી મેચમાં હરાવી સેમિફાઈનલની ટિકિટ મેળવી. ગ્રુપ-1માં ન્યૂઝીલેન્ડની ટીમ ટેબલ ટોપર છે. એ કારણે સેમિફાઈનલમાં તેનો સામનો પાકિસ્તાન સામે થશે.
ટી-20 વિશ્વ કપનો સુપર-12 રાઉન્ડનો ગ્રુપ-બેનો 3/11/22 ગુરુવારે પાકિસ્તાન અને દ. આફ્રિકા વચ્ચેનો એક નિર્ણાયક મેચ રમાશે. આ મેચ પાકિસ્તાન માટે કરો યા મરો સમાન છે. આફ્રિકા સામેની હારથી તે વિશ્વ કપની બહાર થઇ જશે જ્યારે જીત મળવાથી તેની થોડીઘણી આશા જીવંત રહેશે.
હાલ ગ્રુપ બેમાં ભારતીય ટીમ 6 પોઇન્ટ સાથે ટોચ પર છે. તેના પછી દ. આફ્રિકા બીજા સ્થાને પ પોઇન્ટ સાથે છે જ્યારે બાંગલાદેશના ખાતામાં 4, ઝિમ્બાબ્વેના ખાતામાં 3 અને પાકિસ્તાનના ખાતામાં માત્ર બે અંક છે. આથી તેની આમ તો સેમિ ફાઇનલની રાહ લગભગ અશક્ય સમાન બની ચૂકી છે. આફ્રિકા પછી પાકિસ્તાનને એક મેચ બાંગલાદેશ સામે રમવાનો રહે છે.
જો બન્ને મેચમાં તેને જીત મળે તો 6 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. આ સામે આફ્રિકાને નેધરલેન્ડ સામે મેચ રમવાના છે. જેમાં તેની નિશ્ચિત જીત ગણી શકાય. આથી પાક. સામેની હાર છતાં તે અંતમાં 7 અંકે પહોંચી જશે. બીજી તરફ હાલ 6 પોઇન્ટ ધરાવતી ભારતીય ટીમ રવિવારે ઝિમ્બાબ્વે સામે રમશે. જે વર્લ્ડ કપનો સુપર-12 રાઉન્ડનો આખરી મેચ હશે. આ મેચના વિજયથી ભારતના ખાતામાં 8 પોઇન્ટ હશે. ભારતની રન રેટ ઘણી સારી છે. આથી પાક. માટે સેમિના દ્વાર લગભગ બંધ સમાન છે. આમ છતાં આફ્રિકા સામેનો તેનો મેચ ડૂ ઓર ડાઇ જેવો કહી શકાય.
ટીમ ઇન્ડિયા Dt.2/11/22 બુધવારે અહીં રમાનાર ગ્રુપ-બેના તેના લીગ મેચમાં બાંગલાદેશ વિરૂધ્ધ વિજય મેળવીને સેમિ ફાઇનલ ભણી આગેકૂચ કરવાના લક્ષ્ય સાથે મેદાને પડશે. ભારતીય ટીમના હાલ 3 મેચમાં 2 જીત અને 1 હારથી કુલ 4 પોઇન્ટ છે અને દ. આફ્રિકા પછી પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને છે. બાંગલાદેશની ટીમની પણ ભારત સમાન જ સ્થિતિ છે, પણ તે નેટ રન રેટમાં પાછળ છે. આથી તે ત્રીજા સ્થાને છે. ભારતનો રન રેટ 0.844 અને શ્રીલંકાનો માઇનસ 1.પ33 છે. બાંગલાદેશની ટીમ ઉલટફેર કરવામાં માહિર છે, પણ આ મેચમાં ટીમ ઇન્ડિયા જીતની પ્રબળ દાવેદાર છે.
બંગલાદેશ સામેના મેચમાં ભારતીય ટીમ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ કેએલ રાહુલને ફરી ઓપનિંગમાં ઉતરાવનું પસંદ કરશે. જ્યારે અનફિટ દિનેશ કાર્તિકના સ્થાને ઋષભ પંતને તક મળી શકે છે અને તે મીડલ ઓર્ડરમાં બેટિંગ કરશે તેવું માનવામાં આવે છે. કેએલ રાહુલ ટી-20 વિશ્વ કપમાં હજુ સુધી 3 મેચમાં 22 રન જ કરી શકયો છે. જો કે કોચ દ્રવિડ અને કપ્તાન શર્મા તેના પર પૂરો ભરોસો રાખે છે. બાંગલાદેશનું બોલિંગ આક્રમણ પ્રમાણમાં નબળુ છે આથી રાહુલ પાસે ફોર્મમાં વાપસી કરવાનો મોકો બની રહેશે.
બંગાલદેશના બોલિંગ આક્રમણમાં મુસ્તાફિઝૂર, તસકીન, મહેંદી હસન, હસન મહમૂદ અને કપ્તાન શકિબ છે, પણ નિશ્ચિત રીતે આ આક્રમણ વિશ્વસ્તરીય નથી. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી વિશ્વ કપમાં શાનદાર ઇનિંગો રમી ચૂકયા છે. આથી તેની સામે બાંગલાદેશની બોલિંગની કસોટી થશે. ભારતીય ટીમને કપ્તાન રોહિત શર્મા પાસેથી મોટી અને વિસ્ફોટક ઇનિંગની આશા રહેશે. પાછલા મેચમાં વિકેટકીપર કાર્તિક ઇજાગ્રસ્ત થયો હતો. આથી તેના સ્થાને પંતને મોકો મળી શકે છે. ભારતીય ટીમમાં દીપક હુડ્ડાના સ્થાને અક્ષર પટેલની વાપસી થઇ શકે છે. કારણ કે બાંગલાદેશની ટીમમાં 4 ડાબોડી બેટધર છે. આ મેચમાં પણ ભારત ઝડપી બોલર ત્રિપુટી ભુવનેશ્વર, અર્શદિપ અને શમી સાથે ઉતરવાનું પસંદ કરશે. ટોસ જીતનાર ટીમ એડિલેડમાં પહેલા બેટિંગ પસંદ કરી શકે છે. કારણ કે એડિલેડમાં સંધ્યા ટાણે બોલ વધુ સ્વિંગ થાય છે. જેનો ફાયદો મળી શકે છે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારે બપોરે 1-30થી શરૂ થશે.
વિશ્વકપમાં ગુરૂવારે ભારતીય ટીમે નેધરલેન્ડને 56 રને હરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં આ ટીમ ઈન્ડિયાની સતત બીજી જીત છે. આ પહેલા મેલબર્નમાં રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. અત્યારે ટીમ ઈન્ડિયાના બે મેચમાં ચાર પોઈન્ટ છે અને ગ્રુપ બેમાં ટોપ ઉપર છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા ક્રમાંકે છે. દક્ષિણ આફ્રિકાએ ગુરૂવારે બંગલાદેશ સામે મોટી જીત નોંધાવી હતી. જો કે દક્ષિણ આફ્રિકાનો પહેલો મેચ ઝિમ્બાબ્વે સામે હતો જે ધોવાઈ ગયો હતો. જેના કારણે બે મેચમાં ત્રણ પોઈન્ટ સાથે દક્ષિણ આફ્રિકાની ટીમના ત્રણ પોઈન્ટ છે. હવે આવતીકાલે દક્ષિણ આફ્રિકાની ટીમ અને ભારતીય ટીમ વચ્ચે મુકાબલો થવાનો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો મેચ ભારતીય સમયઅનુસાર 4.30 વાગ્યે શરૂ થશે. ટી20 વિશ્વકપનો આ 30મો મેચ હશે. જેમાં ભારતીય ટીમ પર્થમાં પોતાનો પહેલો મેચ રમશે. જો ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવવામાં સફળ રહેશે તો ગ્રુપ બેમાં ટોચ ઉપર યથાવત રહેશે. બીજી તરફ જો દક્ષિણ આફ્રિકાની ટીમ જીતી જશે તો તે ટોચ ઉચપર પહોંચી જશે. અત્યારે ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા બન્નેના ત્રણ ત્રણ પોઈન્ટ છે. જો કે સારી રનરેટના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા ક્રમાંકે છે.
પર્થમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના મેચમાં વરસાદની સંભાવના નથી. એટલે કે મેચ કોઈપણ અડચણ વિના 40 ઓવરનો રમાશે અને ક્રિકેટ ચાહકો એક રોમાંચક મેચની મજા માણી શકશે.
ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો રોહિત શર્માના નેતૃત્વમાં પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. પહેલા મેચમાં ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું અને નેધરલેન્ડ સામે 56 રને જીત મળી હતી. તેવામાં દક્ષિણ આફ્રિકા સામે કાબુ મેળવવો ભારતીય ટીમ સામે મુશ્કેલ રહેશે નહી. જો કે દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે સારુ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ભારતીય ટીમ સાવધાન રહેવું પડશે.’
પર્થની વિકેટ ઝડપી બોલર માટે સૌથી અનુકુળ માનવામાં આવે છે. પર્થ દુનિયાની સૌથી ઝડપી પીચ છે. જેના કારણે બેટરોને પરેશાની થઈ શકે છે. આ જ કારણથી ભારતે ટી20 વિશ્વકપની તૈયારી પર્થમાં જ કરી હતી. ભારતીય ટીમ વિશ્વકપ શરૂ થયાના એક અઠવાડીયા સુધી પર્થમાં રહી હતી અને પ્રેક્ટિસ કરી હતી. તેમજ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે બે અભ્યાસ મેચ પણ રમ્યા હતા. તેવામા આ પ્રેક્ટિસ કેટલી કારગર સાબિત થાય છે તે દક્ષિણ આફ્રિકા સામે રવિવારના મુકાબલામાં જોવા મળશે.
ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં બુધવારે date 27/10/22 મોટો અપસેટ સર્જાયો છે. ઝિમ્બાબ્વેની ટીમે પાકિસ્તાન સામે રોમાંચક વિજય નોંધાવ્યો છે. ઝિમ્બાબ્વેએ લાજવાબ પ્રદર્શન કરતાં પાકિસ્તાન સામે એક રને વિજય નોંધાવ્યો છે.
પર્થ ખાતે રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. સારી શરૂઆત બાદ અંતિમ ઓવર્સમાં ઝિમ્બાબ્વેનો ધબડકો થયો હતો. તેમ છતાં ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 8 વિકેટે 130 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન જ નોંધાવી શકી હતી. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો આ સળંગ બીજો પરાજય છે. પાકિસ્તાનને અગાઉ ભારત સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામેની મેચનું પરિણામ પણ અંતિમ બોલ પર આવ્યું હતું.
ઝિમ્બાબ્વેની બેટિંગ થોડી પ્રભાવશાળી રહી હતી. તેની શરૂઆત સારી રહી હતી. માધેવેરે અને સુકાની ક્રેગ ઈરવિનની ઓપનિંગ જોડીએ પાંચ ઓવરમાં 42 રનનો સ્કોર નોંધાવ્યો હતો. માધેવેરેએ 17 અને ઈરવિને 19 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે મિલ્ટન શુમ્બાએ 8 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વે માટે સૌથી વધુ રન સીન વિલિયમ્સે નોંધાવ્યા હતા. સીન વિલિયમ્સે 28 બોલમાં 31 રન નોંધાવ્યા હતા. જ્યારે અંતિમ ઓવર્સમાં બ્રાડ ઈવાન્સે 15 બોલમાં 19 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન માટે મોહમ્મદ વસિમે ચાર તથા શાદાબ ખાને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હેરિસ રૌફને એક સફળતા મળી હતી.
131 રનના સ્કોર સામે પાકિસ્તાનના બેટર્સ વધારે કમાલ કરી શક્યા ન હતા. ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી જેના કારણે ટીમ દબાણમાં આવી ગઈ હતી. જેના પરિણામે અંતિમ બોલ સુધી મેચ રોમાંચક રહી હતી. પાકિસ્તાનના સ્ટાર બેટર્સ મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમ નિષ્ફળ રહ્યા હતા. રિઝવાન 14 અને બાબર આઝમ ચાર રન નોંધાવીને આઉટ થયા હતા. પાકિસ્તાન માટે શાન મસૂદે 38 બોલમાં 44 રન ફટકાર્યા હતા પરંતુ તેની ઈનિંગ્સ એળે ગઈ હતી. મોહમ્મદ નવાઝે 22 રન ફટકાર્યા હતા પરંતુ ટીમને વિજય અપાવી શક્યો ન હતો. ઝિમ્બાબ્વે માટે સિકંદર રઝાએ ત્રણ તથા બ્રાડ ઈવાન્સે બે વિકેટ ઝડપી હતી. જ્યારે બ્રેસિંગ મુઝારાબાની અને લ્યુક જોંગ્વેને એક-એક સફળતા મળી હતી.
મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકટરો જેટલુ જ વેતન આપવાનો ઐતહાસિક નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લીધો છે.
આજે ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા થકી લોકોને જાણકારી આપતા કહ્યુ હતુ કે, અમને જણાવતા ખુશી થઈ રહી છે કે, પુરુષ અને મહિલા ક્રિકેટરો વચ્ચેનો ભેદભાવ દુર થવા જઈ રહ્યો છે.ક્રિકેટ બોર્ડ જે મહિલા ક્રિકેટરો કોન્ટ્રાક્ટમાં સામેલ છે તેમને પુરુષો જેટલુ જ વેતન આપવા જઈ રહ્યુ છે.
તેમણે કહ્યુ હતુ કે, હવે સમાનતાના નવા યુગમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટરો જેટલી જ મેચ ફી મળશે.
ઉલ્લેખનીય છે કે, પુરુષોની ટીમને હાલમાં બોર્ડ એક ટેસ્ટ માટે પંદર લાખ રુપિયા અને એક વન ડે માટે 6 લાખ રુપિયા ચુકવે છે.જ્યારે ટી 20 મેચ માટે 3 લાખ રુપિયા ચુકવાય છે.
પુરુષ અને મહિલાને સમાન પૈસા આપવાની શરુઆત સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે કરી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી-૨૦ વર્લ્ડકપનો એશિયાના ચાહકો માટે મેગા મુકાબલો જામશે. ભારતીય સમય પ્રમાણે બપોરે ૧-૩૦ થી રમાનાર આ મેચ માટે બંને ટીમ જીતવા માટે સમાન તક ધરાવે છે. જોકે પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ, વિકેટકિપર બેટ્સમેન રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીના ફોર્મ પર મહત્તમ આધાર રાખે છે. જ્યારે ભારતની ટીમમાં સુર્યકુમાર યાદવ, રાહુલ અને હાર્દિક પંડયાની આક્રમક બેટિંગ નિર્ણાયક બનશે.
ભારતને ડેથ ઓવરમાં ૧૫ થી ૨૫ રન આપતું હોઈ ચિંતા છે. બુમરાહ, જાડેજાની પણ ખોટ સાલશે. પંત કે કાર્તિક કોને રમાડવા તે કોયડો છે. સ્પિનરની પસંદગી પણ મુંઝવે છે. મેલબોર્નમાં વરસાદની આગાહી પણ છે. ચાહકો એવી પ્રાર્થના કરે છે કે વરસાદ ન પડે અને વિઘ્ન પડે તો પણ અમુક ઓવરોની મેચ પણ યોજાય. નિયમ પ્રમાણે ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવરની મેચ રમાડી શકાય.
કેપ્ટન રોહિત શર્મા અને કોહલી જેવા અનુભવી પણ ઈનિંગને બિલ્ટ અપ કરી શકવા સક્ષમ છે.
પાકિસ્તાને ભારતને એશિયા કપમાં હરાવ્યું હોઈ તેઓ આત્મવિશ્વાસ સાથે ઉતરશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.