ભારત, ચીન અને નેપાળમાં Dt.8/11/22, મંગળવારે મોડી રાતે 1.57 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી. ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા.
ભૂકંપનુ કેન્દ્ર નેપાળ હતુ. સૌથી વધારે તબાહી નેપાળમાં મચી છે. ત્યાં ડોટીમાં એક ઘર ધરાશાયી થતા 6 લોકોના મોત નીપજ્યા છે. ઉત્તરાખંડના પિથૌરાગઢમાં બુધવારે સવારે 6.27 વાગે ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા. જેની તીવ્રતા 4.3 હતી.
Dt.8/11/22 મંગળવારે મોડી રાત્રે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લગભગ ભૂકંપના આંચકા આવ્યા, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા. મધ્યરાત્રિએ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
મોરબીની ઘટનામાં આખરે નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવાનો શહેરી વિકાસ વિભાગે આદેશ કર્યો છે. દુર્ઘટના બની ત્યારે સંદીપસિંહે ઓરેવાએ નગરપાલિકાની પરવાનગી વિના જ બ્રિજ ખુલ્લો મુકી દીધો હોવાનું જણાવી હાથ અદ્ધર કરી દીધા હતા. જોકે, ત્યારથી જ એવા સવાલ થઈ રહ્યા હતા કે બ્રિજ પાંચ દિવસ સુધી ખુલ્લો રહ્યો, તેના પર હજારો લોકોની રોજ અવરજવર હતી ત્યાં સુધી નગરપાલિકા શું ઊંઘી રહી હતી? પોલીસે પણ તાજેતરમાં જ સંદીપસિંહ ઝાલાની ચાર કલાક સુધી પુછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન સંદીપસિંહ ઝાલાએ બ્રિજને ફરી ખુલ્લો મુકવામાં રહેલા જોખમની નગરપાલિકાને જાણ હોવાનું પોલીસને જણાવ્યું હોવાની ચર્ચા છે. પોલીસ સમક્ષ સંદીપસિંહે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે ઓરેવાએ બ્રિજ ખુલ્લો મુકવા પરવાનગી નથી લીધી તેની પણ તેમને જાણ હતી. બ્રિજ પડ્યો ત્યારે ઝાલાએ દોષનો ટોપલો ઓરેવાના માથે ઢોળી દીધો હતો, અને નગરપાલિકાનો તેમાં કોઈ દોષ ના હોવાનો દાવો કર્યો હતો. જોકે, પોલીસે કરેલી પૂછપરછમાં તેમણે વટાણા વેરી દીધા હતા, અને સ્વીકાર્યું હતું કે નગરપાલિકાને જાણ હતી કે જો બ્રિજ ખુલ્લો મુકાય અને મોટી સંખ્યામાં લોકો તેના પર ભેગા થાય તો તે જોખમી સાબિત થઈ શકે છે.
મોરબી નગરપાલિકા બ્રિજ ખુલ્લો મુકવો જોખમી સાબિત થઈ શકે છે તેટલું જ નહીં, પરંતુ તેનું રિનોવેશન યોગ્ય રીતે ના થયું હોવાનું પણ જાણતી હતી. રિનોવેશન બરાબર ના થયું હોવાથી બ્રિજનો ઉપયોગ ભયાનક હોનારત સર્જી શકે છે તે વાત પણ નગરપાલિકાના અધિકારીઓથી છૂપી નહોતી. પોલીસે સંદીપસિંહને પોતે કરેલા દાવાના દસ્તાવેજ સોંપવા જણાવ્યું હતું તેમજ બ્રિજના રિપેરિંગ અને રિઓપનિંગમાં તેમની શું ભૂમિકા હતી તે અંગે પણ સવાલ કર્યા હતા.
આ ઘટનામાં મોરબી પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ઓરેવાના બે મેનેજર ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ અને ટિકિટબારીના ક્લાર્કનો સમાવેશ થાય છે. જોકે, ઓરેવાનો માલિક જયસુખ પટેલ હજુય ફરાર છે. પોલીસ તેને શોધવા માટે તેની અમદાવાદ તેમજ મોરબી સ્થિત ઓફિસ પર અનેકવાર ચક્કર લગાવી ચુકી છે, પરંતુ જયસુખ પટેલ હજુય હાથ નથી લાગ્યો. જયસુખ પટેલ રાજ્ય બહાર હોવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે પોલીસે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ઓરેવાના કર્મચારીઓની કોલ ડિટેઈલ્સ ચકાસવાનું પણ શરુ કર્યું છે.
મોરબી ખાતે રવિવાર, Dated 30/10/22, સાંજે ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 141 પર પહોંચી ગયો છે. મોરબીની ઘટનામાં જવાબદાર લોકો સામે સદોષ માણવવધની ફરિયાદ દાખલ થશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું રાજ્ય સરકારે જણાવ્યું હતું.
આ દુર્ઘટનામાં કલમ 304, 308, 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદ થઈ હોવાનું એક ટ્વીટ કરી જાહેર કર્યું હતું પણ આ ઘટનામાં ગુનેગારો કોણ છે તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો.
મોરબીની ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ છે જેમાં સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદમાં બન્નેમાંથી એકપણ એજન્સીના નામ લખવામાં નથી આવ્યા.
રવિવાર, તા.30મી ઓક્ટોબર 2022ના સંધ્યાકાળે મોરબીમાં બનેલી ભયાનક અને અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટનામાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટતા અનેક લોકો પુલ નીચે મચ્છુ નદીના પાણીમાં અને પથ્થરો પર ખાબકતા ૧32થી વધુના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને ૫૦થી વધુને ઈજા પહોંચી છે જેમાં કેટલાકની હાલત ગંભીર છે. સોમવારે સવારે અજવાળું થતાં જ બચાવ કામગીરીમાં વેગ આવ્યો હતો. અનેક એજન્સીઓ દ્વારા નદીમાં હજુ પણ મૃતદેહોની શોધખોળ યુદ્ધસ્તર પર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના ગૃહમંત્રી સહિત અનેક અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આખી રાત ઉપસ્થિત રહ્યો હતો.
મચ્છુ નદીમાં દર્દથી કણસતા લોકોને તત્કાલ સારવાર પણ મળી શકી ન હતી અને મહિલા,બાળકો સહિત તરફડીને મોતને ભેટયા હતા. સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ રખાયેલ ઝુલતો પુલ હજુ પાંચ દિવસ પહેલા જ વિ.સં.૨૦૭૯ના બેસતા વર્ષના દિવસે જ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે તા.30મી ઓક્ટોબર 2022ને રવિવારે રજાના હોવાથી લોકો સાહજિક હરવા ફરવા નીકળ્યા હતા તેને કારણે પુલ પર સાંજે ચિક્કાર ભીડ હતી ત્યારે પૂલ ધસી પડતા મરણોન્મુખ ચીસોથી મચ્છુ નદી ફરી એક વાર દ્રવી ઉઠી હતી.
નગરપાલિકાએ આ પુલની મરમ્મતનું કામ તથા સંચાલન મોરબીના અજન્તાગુ્રપના જયસુખ પટેલની ઓરેવા કંપનીને સોંપ્યું હતું. રિપેરીંગ માટે સાત મહિનાથી પુલ બંધ હતો અને નૂતન વર્ષના દિવસે કંપની દ્વારા તેને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. રિપેરીંગ માટે મોરબી નગરપાલિકાએ આશરે રૂ.૨ કરોડથી વધુ ખર્ચ કર્યો છે.
૪.૬૦ ફૂટ પહોળાઈ અને ૨૩૩ મીટરની લંબાઈ ધરાવતા આ તારના આધારે ઝુલતા રહેતા પુલ પર આજે રજાના પગલે ચિક્કાર ભીડ હતી અને લોકો મોજ માણી રહ્યા હતા ત્યાં જ પોણા સાત વાગ્યે તે વચ્ચેથી ધસી પડયો હતો.
મહિલા,બાળકો સહિત લોકો પુલ પરથી નદીમાં અને કિનારે પથ્થરો પર પટકાયા હતા. મચ્છુ નદીમાં મોટા કાળમીંઢ પથ્થરો છે જેના પર લોકો પછડાઈને તરવાનો પણ પ્રયાસ ન કરી શકે એવી ગંભીર ઈજા સાથે મોતને ભેટયા હતા. બચાવ કાર્ય માટે મોરબીમાં અપુરતી ટીમોને પગલે રાજકોટ,સુરેન્દ્રનગર,કચ્છ સહિત જિલ્લામાંથી એમ્બ્યુલન્સ, તરવૈયા બોલાવાયા હતા, રાજકોટથી ફાયરબ્રિગેડની સાત ટીમ ધસી ગઈ હતી.
ઘટના એટલી ભયાનક અને કરુણ હતી કે લોકો તારના આધારે કલાકો સુધી જીવ બચાવવા લટકતા નજરે પડયા હતા. નદીમાં પાણીમાં અને પથ્થર ઉપર ખૂબ ઉંચાઈથી પટકાયેલા લોકો કણસતાં રહીને મોતને ભેટયા હતા. દુર્ઘટનાના કલાક-બે કલાક સુધી તો મૃત્યુ આંક ઓછો હતો પરંતુ, રાત્રે એકપછી એક લાશો નદીની બહાર આવતી ગઈ ત્યારે અત્યંત કરુણદ્રશ્યો સર્જાયા હતા. સ્થળ પર અને હોસ્પિટલ પર લોકોના હૈયાફાટ આક્રંદથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
ઘટનાની અતિ કરુણતા એ હતી કે જ્યાં મચ્છુ નદીમાં ગંભીર ઈજાથી દર્દથી કણસતાં હતા તે જગ્યાથી ઉપર રસ્તા સુધી લાવવા કોઈ ઝડપી માર્ગ જ ન્હોતો.તેમને હોસ્પિટલે ઝડપથી પહોંચાડવા બચાવકાર્યમાં પણ મૂશ્કેલીઓ આવી હતી.
સ્થળ પર પહોંચેલા મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યા મૂજબ સાંજે ૬.૪૦ વાગ્યે આ ભયાનક દુર્ઘટના ઘટી હતી, પુલ વચ્ચેથી તૂટતા તેના પર રહેલા સેંકડો લોકો નીચે પટકાયા હતા. ટિકીટબારી પર ત્રણસો મુલાકાતીઓની ટિકીટ લેવાઈ હતી. બચાવ કાર્ય તુરંત શરુકરાયું હતું પરંતુ, શરુઆતના એકાદ કલાકમાં મૃત્યુ આંક જાણી ન્હોતો શકાયો અને રાત્રિના સાડા નવ સુધીમાં ૪૦થી વધુ ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. જ્યારે ૬૦થી વધુ લોકોના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. ઘટનાની સી.એમ.ઓફિસથી તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આશરે સવા સાત વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોનથી વાત કરી હતી અને ઘટના અંગે ઘેરો શોક વ્યક્ત કરીને બચાવકાર્યમાં લેશમાત્ર કચાશ ન રહે તે માટે તાકીદ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી, આરોગ્યમંત્રી સહિતના મંત્રીઓ આજે ઠેરઠેર યોજાયેલા કાર્યક્રમોને ટૂંકાવીને ઘટનાની જાણ થતા બાદ રાત્રિના સાડા નવ પછી મોરબી ધસી આવ્યા હતા. કેન્દ્ર દ્વારા મૃતકોને રૂ।.બે-બે લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય જાહેર કરાઈ છે.
પ્રાથમિક રીતે ઝુલતાપૂલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટીની પૂરતી ચકાસણીનો અભાવ,ઓવરલોડથી આ ભયાનક દુર્ઘટના સર્જાયાનું તારણ છે. જો કે સી.એમ.કક્ષાએથી આ ઘટનાની તપાસ કરાવાશે.
બેસતા વર્ષના દિવસે ઝૂલતો પુલ શરૂ કરાયો
મોરબીમાં ઝુલતો પુલ છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં હતો. સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે જ ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો. દિવાળીના તહેવારોને પગલે ઝુલતા પુલ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી. ઓરેવા કંપનીને ઝુલતા પુલના સમારકામ અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી. ઝુલતા પુલની સ્થિતી દયનીય બનતા તેનુ પુઃન સમારકામ કરવામાં આવ્યુ હતું. સમારકામ બાદ પણ ઝુલતો પુલ તૂટી પડયો હતો જેથી સમારકામની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે.
ચાર દિવસમાં ૧૫ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી
મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ છેલ્લા ૭ મહિનાથી બંધ હતો અને તેનું રીનોવેશન કાર્ય ચાલુ હતું. હમણાં જ નૂતન વર્ષના દિવસે સવારે પુલ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો હતો. જે પછી દિવાળીનાં તહેવારો દરમિયાન ચાર દિવસમાં ૧૫૦૦૦થી વધુ લોકોએ ઝુલતા પુલની મુલાકાત લીધી હતી.
નાસિક-ઔરંગાબાદ રોડ પર મિર્ચી હોટેલની નજીક સવારે આશરે 5.20 કલાકે ટ્રક સાથે અથડાતા પ્રાઈવેટ લક્ઝરી બસ ભડભડ કરતી સળગી ઉઠી હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા જ્યારે 20 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી સરકારે લીધી છે.
નાસિકઃ મહારાષ્ટ્રના નાસિક શહેરમાં વહેલી સવારે ઔરંગાબાદ રોડ પર એક ખાનગી લક્ઝરી બસ ટ્રક સાથે અથડાયા બાદ ભીષણ આગની ઝપેટમાં આવી હતી અને તેના લીધે 11 લોકોના મોત થયા હતા જ્યારે કેટલાક ઘાયલ થયા હતા. ડે્પ્યૂટી કલેક્ટરટ ભગવત ડોઈફોડેએ અકસ્માત અને મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી હતી. ઘટનામાં આશરે 20 જેટલા લોકોને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નાસિક-ઔરંગાબાદ રોડ પર મિર્ચી હોટેલની નજીક સવારે આશરે 5.20 કલાકે આ ઘટના બની હતી. ઘટના અંગેની જાણ થતાં જ નાસિક ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ટેન્ડર તાત્કાલિક પહોંચ્યા હતા. આ સિવાય સ્થાનિકો અને પોલીસ પણ ઘટનાસ્થળ પર આવી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
બસ લગભગ 3.30 વાગ્યે યવતમાલથી નીકળી હતી અને આશરે 5.20 વાગ્યે ટ્રક સાથે અથડાઈ હતી. બસ તરત જ સળગી ઉઠી હતી અને 11 લોકોના દાઝી જવાથી મોત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નાસિક સિવિલ હોસ્પિટલ અને શહેરની અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હજી ચાલી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા માટેનો આદેશ આપ્યો છે. ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
નાસિક જિલ્લાના સંરક્ષક મંત્રી દાદા ભુસેએ મીડિયા સાથે વાતચીત કરતાં જે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે તેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે તેમ જણાવ્યું હતું. તો મુખ્યમંત્રીએ મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાયની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ પણ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘નાસિકમાં થયેલી બસ દુર્ઘટનાથી દુઃખી છું. મારી સંવેદના ઘટનામાં પ્રિયજનને ગુમાવનારાના પરિવાર સાથે છે. ઈજાગ્રસ્તો જલ્દીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના. સ્થાનિક તંત્ર પ્રભાવિત લોકોને દરેક શક્ય સહાય આપી રહ્યું છે’. આ સાથે તેમણે PMNRF (પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રીલિફ ફંડ)માંથી મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટી દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા છે. કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી જતાં 27 લોકોના મોત થયા છે. કોરથા ગામના રહેવાસી શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર ટ્રોલીમાં ફતેહપુરમાં ચંદ્રિકા દેવી મંદિરે ગયા હતા. તેમાં 50 જેટલા શ્રદ્ધાળુઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દર્શન કરીને પરત ફરતી વખતે સાઢ અને ગંભીરપુર ગામ વચ્ચે રસ્તાના કિનારા પર આવેલા તળાવમાં ટ્રોલી પટલી ગઈ હતી જેમાં 27 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઘણા લોકોને ઈજા થઈ છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. જોકે મૃતકોની સંખ્યા હજી વધી શકે છે.
મીડિયા અહેવાલ પ્રમાણે કોરથામાં બાળકનું મુંડન કરાવવા માટે તેના માતા-પિતા સંબંધીઓ સાથે ગયા હતા. પિતા જ ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. મુંડન વિધી પૂરી કર્યા બાદ પરત ફરતી વખતે ભદેઉ ગામની સામે પાણી ભરેલા તળાવમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ હતી. અડધા કલાક સુધી ટ્રોલી બહાર કાઢી શકાઈ ન હતી. બાળક, માતા અને પિતા ત્રણેયનું પણ મોત થયું હતું. આ સાથે જ સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી પ્રમાણે ટ્રેક્ટર ચાલક સ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતો. જ્યાં ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ ત્યાં પાણી ભરેલું હતું. જેના કારણે ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર મોટા ભાગના લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગીએ ટ્વિટ કરી હતી કે, જનપદ કાનપુરમાં બનેલી દુર્ઘટના અત્યંત હ્રદયદ્રાવક છે. જિલ્લા અધિકારી તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અને યુદ્ધના ધોરણે રાહત કાર્ય અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે મરનારાઓમાં 11 મહિલા અને 11 બાળકો પણ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના અંગે શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ પણ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્તોને 50000-50000 રૂપિયાની આપવાની જાહેરાત કરી છે. ઘટનાની જાણ થયા બાદ બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને પીએચસી અને કાનપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
-એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતાં 7 શ્રમિકોના મોત
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં એસ્પાયર-2 નામની બિલ્ડિંગના બાંધકામ દરમ્યાન 7 શ્રમિકોના મોત થયાના અહેવાલ મળી રહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા છે. આ ઘટનામાં બે શ્રમિકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના
એસ્પાયર-2 નામની બિલ્ડીંગનુ કન્ટ્રક્શન વખતે બની ઘટના
મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની
સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 7શ્રમિકોના મોત
મૃત્યુ પામનાર શ્રમિકો :
મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની હોવાની માહિતી મળી રહી છે.
કેરળ, તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં વરસાદથી ભારે તારાજી, ઓરેંજ એલર્ટ
દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર અને અન્ય કેટલાક સમુદ્રી કાંઠા વાળા રાજ્યોમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. પૂણેમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારેથી અતી ભારે વરસાદ પડયો છે. આગામી બે દિવસ માટે પૂણે અને આસપાસના વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત વિદર્ભ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશામાં પણ ભારે વરસાદની આગાહી છે.
બીજી તરફ હાલ તેલંગાણા, કેરળમાં પૂરની સ્થિતિ પેદા થઇ ગઇ છે. તેલંગાણામાં ગોદાવરી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે અને નદીના કાંઠા વાળા વિસ્તારોમાં અનેક ગામડા તળાવમાં ફેરવાઇ ગયા છે.
હજારો લોકોને ગામડામાંથી સુરક્ષીત રેસ્ક્યૂ કરાઇને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ચેતવણી જારી કરવામાં આવી છે. જુલાઇ મહિનામાં જ તેલંગાણાના અનેક જિલ્લામાં પૂરે તબાહી મચાવી હતી.
તેલંગાણા ઉપરાંત કેરળમાં પણ ચક્રાવાતી વાવાઝોડાએ તબાહી મચાવી છે. કેરળના અનેક મકાનોને આ વાવાઝોડાને કારણે નુકસાન પહોંચ્યું છે. કેરળની ચલક્કુડી નદીની આસપાસ આ ચક્રાવાતી વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ છે. આ વાવાઝોડાને પગલે ત્રિશૂર જિલ્લાના કલેક્ટર અને અન્ય અધિકારીઓએ ઇમર્જન્સી બેઠક યોજી હતી.
હાલ તેલંગાણા અને કેરળમાં અનેક લોકોને રેસ્ક્યૂ કરવા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કેરળમાં વીજળી પડવાની ઘટનાઓને લઇને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીંના ઇડુક્કી, મલક્કડ, કોઝીકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.
– પાણીમાં ફસાયેલી યુવતીનું વીજ કરંટથી મોત થતા લોકોમાં રોષ, સતત બીજા દિવસે પણ શહેરમાં ઘૂંટણસમા પાણી
બેંગાલુરુ : દેશના આઇટી હબ ગણાતા બેંગાલુરુમાં અતી ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. પીવાના પાણીના પમ્પિંગ સ્ટેશન ડુબી ગયા છે તેથી બે દિવસ પાણીનો કાપ જાહેર કરાયો હતો, જ્યારે હવે મંગળવારે બેંગાલરુની સ્કૂલોમાં રજાઓ જાહેર કરાઇ છે અને કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી જ ઓનલાઇન કામ કરવા કહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી લોકો પોતાની કારોને ઘરે છોડીને ટ્રેક્ટર પર ઓફિસ જવા મજબૂર થયા છે.
સતત બીજા દિવસે પણ બેંગાલુરુના મોટા ભાગના રોડ પર ઘંૂટણ જેટલા પાણી ભરાયા છે. બીજી તરફ કર્ણાટક સરકાર બેંગાલુરુની હાલત માટે જવાબદારી લેવા તૈયાર નથી અને અગાઉની સરકારો પર ઢોળી રહી છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસાવરાજ બોમ્મઇએ કહ્યું હતું કે બેંગાલુરુની વર્તમાન સ્થિતિ માટે અગાઉની કોંગ્રેસ સરકાર જવાબદાર છે. જ્યારે કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો હતો. બેંગાલુરુુની સ્થિતિને લઇને એકબીજા પર આરોપો થઇ રહ્યા છે ત્યારે લોકોની સ્થિતિ કથળતી જાય છે.
બેંગાલુરુમાં એક યુવતીને વીજળીના થાંપલાનો શોટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. બેંગાલુરુમાં સ્કૂટી બંધ પડી જતા ચાલતા જ આ યુવતી જઇ રહી હતી. એવામાં અચાનક તેનો પગ લપસી ગયો હતો, તેથી તે પાણીમાં પડી ગઇ હતી, તે જે સ્થળે પડી ગઇ હતી ત્યાં જ વીજળીનો થાંપલો હતો, જેમાં વિજ કરંટ લાગતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ લોકોમાં પ્રશાસન અને કર્ણાટક સરકાર પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો જાહેર કરીને મદદ માગી રહ્યા છે પણ કોઇ મદદ માટે આગળ નથી આવી રહ્યું તેવી પણ ફરિયાદો કરી રહ્યા છે.
બીજી તરફ કાવેરી નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. નદીના કાંઠાવાળા વિસ્તારોના ગામડાઓને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. અનેક લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને સાલેમ જિલ્લામાં આવેલા મેટ્ટુર ડેમની સપાટી વધી ગઇ છે અને પાણી છોડાઇ રહ્યું છે. હવામાન વિભાગે આગામી નવમી તારીખ સુધી બેંગાલુરુ સહિતના વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરી છે તેથી પરિસ્થિતિ વધુ કફોડી બનવાની ભીતિ છે.
– પંચમહાલથી અંબાજી ચાલતા જતા પગપાળા સંઘને અરવલ્લીના માલપુરમાં કૃષ્ણાપુર પાસે અકસ્માત નડ્યો હતો
– રાજ્ય સરકારે મૃતકોને રૂ.4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાયની જાહેરાત કરી છે
ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે 2/9/22 અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં અંબાજી જતા પદયાત્રીઓને કાર ચાલકે અડફેટે લેતા 1 સ્થાનિક વ્યક્તિ સહિત કુલ 7 જેટલા લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અકસ્માતમાં કુલ 6 જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને માલપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારે મૃતકોને રૂ.4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાયની જાહેરાત કરી છે.
પંચમહાલથી અંબાજી ચાલતા જતા પગપાળા સંઘને અરવલ્લીના માલપુરમાં કૃષ્ણાપુર પાસે અકસ્માત નડ્યો હતો. એક ઈનોવા કાર ચાલકે 12 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે 7 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
અકસ્માત અંગે મળી રહેલી પ્રાથમિક વિગતો મુજબ, પદયાત્રીઓ રોડ પર ચાલી રહ્યા હતા આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ઈનોવા કારે તેમને ફંગોળ્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના બોનેટનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.