CIA ALERT
20. April 2024
September 9, 20191min6600

0 % વ્યાજનો Trend આવી રહ્યો છે, બૅંકોમાં નાણાં મુકવાના બદલામાં સામો ચાર્જ ચૂકવવો પડશે

Share On :
Print Friendly, PDF & Email

તાજેતરમાં સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયા સહિત કેટલીક બૅંકોએ પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદર ઘટાડ્યા હતા. જેમ જેમ ઇન્ફ્લેશન ઘટતું જશે તેમ તેમ વ્યાજદર ઘટવા તરફી દિશા પકડશે. આમ વિશ્ર્વના મોટાભાગના દેશો નીચા વ્યાજદરના સમયમાં પ્રવેશી રહ્યા હોવાનું ચિત્ર ઊભરી રહ્યું છે. અમુક દેશોમાં તો આ શરૂઆત થઇ ચૂકી છે આનો સીધો અર્થ એ થાય કે લાંબે ગાળે બૅંકોમાં નાણાં મુકવાનો કોઇ લાભ રહેશે નહીં, સેવિંગ એકાઉન્ટ તો ઠીક, બૅંક ફિક્સ્ડ ડિપોઝિટમાં પણ વ્યાજદર નીચા થતા જાય તો નવાઇ નહીં. આખરે જગતના નાના-મોટા ઇન્વેસ્ટરોએ મહદ્અંશે ઇક્વિટી શેર સહિતના અન્ય રોકાણ સાધનો તરફ વળવાની નોબત આવશે.

આ બધું રાતોરાત કે બે-ચાર વરસમાં નહીં થાય, કિંતુ આ દિશામાં અર્થતંત્રની યાત્રા શરૂ થઇ હોવાના સંકેત સતત મળી રહ્યા છે. આપણા દેશમાં તો હજી પણ વિકસિત દેશોની તુલનાએ ઊંચું વ્યાજદર મળે છે. બાકી અમુક દેશોમાં તો નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ અથવા ઝીરો ઇન્ટરેસ્ટ ચાલે છે. વિવિધ દેશોની સેન્ટ્રલ બૅંકો પોતાની બૅંકોને ઝીરો વ્યાજે નાણાં આપતી હોય તો આ બૅંકો શા માટે જાહેર જનતા પાસેથી નાણાં લેવા ઊભી રહે? શા માટે જનતાને તેમના નાણાં પર વ્યાજ આપવાનો ખર્ચ કરે યા બોજ ઉપાડે? જર્મનીમાં વર્તમાન સમયમાં દસ વરસના બોન્ડસ પર માઇનસ ઇન્ટરેસ્ટ છે, જેથી દસ વરસની મુદ્ત પુરી થાય ત્યારે જર્મનીની બૅંક એ બોન્ડના નાણાં પરત કરતી વખતે ૧૦૦ રૂપિયા સામે ૯૪ રૂપિયા આપશે. ફ્રાન્સમાં પણ સ્થિતિ લગભગ એવી જ છે, ત્યાં પણ નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટને લીધે ૧૦૦ સામે ૯૭ મળે છે. જપાનમાં ૧૦૦ સામે ૯૮ મળે છે, જેની જે કરન્સી. ઇન શોર્ટ, બૅંકો તમારા નાણાં સાચવવા માટે પોતે વ્યાજ લશે યા ફી લેશે એવું કહી શકાય.

અલબત્ત, યુએસમાં હજી પોઝિટિવ વ્યાજદર છે. જેમાં હાલમાં જ ઘટાડાનો દોર ચાલુ થયો છે, વધુ ઘટાડો ભવિષ્યમાં આવવાની શક્યતા ઊભી છે. આપણે આપણા દેશની સ્થિતિ પણ જોઇએ તો રિઝર્વ બૅંક તેના પોલસી રેટ ઘટાડી રહી છે. જેને પગલે ભારતીય બૅંકો એફડી પરના વ્યાજદર ઘટાડી રહી છે, જેમ જેમ ફુગાવો ઘટે છે તેમ વ્યાજદર ઘટશે. એ ખરું કે આ સાથે ધિરાણ પરના દર પણ ઘટશે, પરંતુ એકાદ દાયકામાં એક જબરજસ્ત પરિવર્તન બૅંકોમાં જોવા મળશે.

લોકો આવા સમયમાં ઇક્વિટી, ગોલ્ડ, પ્રોપર્ટીઝ કે અન્ય સાધનો રોકાણ માટે પસંદ કરશે, જેમાંથી મહત્તમ પ્રવાહ ઇક્વિટી તરફ જાય એવી સંભાવના વધુ રહેશે. લાંબા ગાળાના રોકાણકારો આ સ્થિતિને સમજશે તો તેમનો ઇક્વિટી પ્રત્યેનો અભિગમ બદલાઇ શકે છે. અલબત્ત, તેમણે ઇક્વિટીની પસંદગી સમજી-વિચારી અને અભ્યાસ કરીને કરવાની રહેશે.

આપણા દેશમાં બૅંકો લાંબા સમયથી એનપીએ (નોન-પર્ફોમિંગ એસેટસ-બેડ લોન્સ)નો સામનો કરી રહી છે, જે પણ હવે કડક નિયમોને લીધે ઘટાડવાની દિશામાં પ્રયાણ કરી રહ્યા છે. ઇન્સોલવન્સી એન્ડ બૅંકરપ્સી કોડ આ દિશામાં અસરકારક ભૂમિકા ભજવી રહ્યો છે. જો કે હજુ તેમાં સુધારા થાય અને આ પ્રક્રિયા વધુ ઝડપી બને તો પરિણામ વધુ સારું મળી શકે. આ સાથે એનબીએફસી(નોન-બેન્કીંગ ફાઇનાન્સીયલ સર્વિસ કંપનીઝ) ની પ્રવાહિતાની સમસ્યા પણ ઘટવાની શરૂ થશે. આ બે પરિબળો માર્કેટ અને ઇકોનોમી માટે વિકાસના મહત્ત્વના વાહક બનશે. હા, હજી યુએસ-ચીનના ટ્રેડ વોર (વેપાર યુદ્ધ)ની બાબત ચિંતાજનક ખરી. આ મામલે અનિશ્ર્ચિતતા ચાલી રહી છે.

ભારત સરકાર બજેટમાં જાહેરાત કરી હતી કે વિકાસ માટે નાણાંની જરૂર જણાઇ તો તે વિદેશોમાં ભારતીય સોવરેન બોન્ડ ઇસ્યૂ કરશે. ભારત સરકાર આ બોન્ડ ઇસ્યૂ રૂપિયા સંદર્ભમાં કે ફોરેન કરન્સીમાં પણ કરી શકે છે. જો કે તેને સારો પ્રતિભાવ મળવાની આશા છે, કારણ કે ભારત હાલ તેના પર જે વ્યાજ ઓફર કરશે તે વિદેશી રોકાણકારો માટે આકર્ષક બનશે એવું જણાય છે, કેમ કે અન્ય દેશો કરતા આ વ્યાજદર વધુ જ હશે.

બીજું ભારતની શાખ પણ સુધરી રહી છે. વિકાસ મોરચે ભારતીય ઇકોનોમી ભલે થોડી ધીમી પડી છે, પરંતુ તેને રિકવર થતા સમય નહીં લાગે એવું માની શકાય. સરકાર આ આર્થિક સુધારામાં ઝડપ લાવશે એવી આશા રાખવી અસ્થાને નથી. નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ આ વિષયમાં ગંભીરપણે કાર્યરત હોવાનું કહેવાય છે. નાણાં પ્રધાન હાલમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠક કરી તેમને સાંભળી રહ્યા છે. તેઓ જે-તે ક્ષેત્રની સમસ્યાના ઉપાય કરશે. ઇન્વેસ્ટરો ભવિષ્યના સંજોગોને ધ્યાનમાં રાખી તેમ જ વ્યાજદરના ભાવિને પણ લક્ષ્યમાં રાખી પોતાનું રોકાણ આયોજન કરે એ સમયની જરૂરિયાત છે તેમ જ તેમાં શાણપણ છે. સટ્ટાથી દૂર રહી સારી ઇક્વિટી પસંદ કરી રોકાણકારો આગળ વધે એમાં તેમનું હિત છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :