CIA ALERT
19. April 2024
August 26, 20191min1679

You Tube : એક મજાકથી શરૂ થયેલી સફર, દુનિયામાં You Tubeથી વધુ કશું ફેમસ નથી

Share On :
Print Friendly, PDF & Email

યુટ્યુબ શરૂ થયું એના શરૂઆતના મહિનામાં એક લોન્લીગર્લ નામની ચેનલ ઉપર એક છોકરી તેના મા-બાપથી છુપાઈને વિડિયો મૂકતી. તણાવભરી સ્થિતિમાં એ છોકરી સખત સ્ટ્રેસ નીચે પસાર થઇ રહી હોય એવું લાગે. એ છોકરી એવું કહેતી કે એ દુનિયાથી અને જિંદગીથી કંટાળી ગઈ છે. છેલ્લા વિડિયોમાં એણે એવું કહેલું કે એ તેનું ઘર છોડીને દૂર ક્યાંક ચાલી જાય છે. દર અઠવાડિયે તેનો વિડિયો આવતો અને પછી તેનો વિડિયો આવ્યો જ નહિ. એ સમયે યુટ્યુબને ગ્લોબલ ઓળખાણ મળી ન હતી પણ યુટ્યુબ વાપરનારાઓની સંખ્યા અમેરિકામાં લાખોમાં થઇ ગઈ હતી. શું એ છોકરીએ આપઘાત કરી લીધો હતો- એવો સવાલ બધાના મનમાં થયો. એફબીઆઈના એક પોલીસ ઓફિસરને પણ લોન્લીગર્લમાં દિલચસ્પી વધી અને તેણે એ છોકરીની શોધખોળ આદરી. શું એ છોકરી ખરેખર ડિપ્રેશનનો શિકાર હતી અને અવિચારી પગલું ભરી લીધું હતું? 

ઘણી મહેનતના અંતે એ છોકરી મળી તો ખબર પડી કે એ આખો સ્ક્રીપ્ટેડ શો હતો. તે આઈડિયા એક ડિરેક્ટરનો હતો અને તે છોકરી એ મુજબ એક્ટિંગ કરતી હતી. બધાએ તે ઘટનાક્રમ સાચો માની લીધો અને એ છોકરીની ચિંતામાં ગરકાવ થઇ ગયા. હવે પોલીસ મૂંઝવણમાં આવી કારણ કે કાયદાની કોઈ કલમ એ લોકો ઉપર લગાડી શકાય એમ ન હતી. યુટ્યુબના સ્થાપકોને આનંદમિશ્રિત ચિંતા થઇ. આનંદ એ વાતનો કે તે છોકરી અને એના કેસને લીધે યુટ્યુબ ન્યૂઝમીડિયામાં આવવા માંડ્યું હતું. ઇન્ટરનેટના શોખીનો હવે ફક્ત યુટ્યુબના વિડિયો જોવા માટે ઇન્ટરનેટ ચાલુ કરતા હોય એવો સમય શરૂ થઇ ગયો હતો. વધુમાં યુટ્યુબના કોન્ટેન્ટને કોઈ આટલી ગંભીરતાથી લે એ પણ તેના માલિકો માટે સારા સમાચાર હતા. પરંતુ ચિંતા એ વાતની થઇ કે પેલી છોકરીએ તો નાનો કહી શકાય એવો પ્રેન્ક કર્યો. તેના ઉપરથી સમજાઈ જાય કે આ માધ્યમનો ગેરઉપયોગ મોટા પ્રમાણમાં થઇ શકે. એ સમયે યુટ્યુબ ઉપર હજુ સુધી હિંસક વિડિયો આવ્યા ન હતા. આતંકવાદીઓ પણ યુટ્યુબના પ્લેટફોર્મને વાપરી શકે એવો અંદાજ એ સમયે કદાચ યુટ્યુબની મેનેજમેન્ટ ટીમને પણ નહિ હોય. 

યુટ્યુબમાં પછી સ્ટીવન અને ફ્રીત્ઝના કોક-મેન્ટોઝ વિડિયોએ કમાલ કરી. કોકાકોલાની હરોળબંધ બોટલોમાં મેન્ટોઝ નાખીએ એટલે ફુવારો થાય. આવા વિડિયો ખૂબ જોવાયા. તેને કારણે કોકાકોલા સોફ્ટડ્રિંક અને મેન્ટોઝનું વેચાણ વધી ગયું. યુટ્યુબ હવે ધીમે ધીમે બીજા ક્ષેત્રોની માર્કેટને અસર કરવા લાગ્યું હતું. આ તો હજુ શરૂઆત હતી. યુટ્યુબ માર્કેટ જ નહિ જમાનો બદલી કાઢવાનું હતું. મ્યુઝિક વર્લ્ડના સમીકરણો યુટ્યુબને કારણે બદલ્યા. સંગીત કઈ રીતે પીરસવું એ ભૂમિકામાં યુટ્યુબ મેદાનમાં ઊતર્યું. એક નાનકડા છોકરાને ઇન્ટરનેશનલ સ્ટાર બનાવ્યો અને ઈતિહાસ રચાઈ ગયો. કઈ રીતે? 

યુટ્યુબ ઉપર એક તેર વર્ષના કેનેડિયન છોકરાએ તેનો વિડિયો મૂક્યો હતો જેમાં તે ગીત ગાઈ રહ્યો હતો. ટેલેન્ટ મેનેજર સ્કૂટર બ્રાઉને તેનો વિડિયો જોયો અને તેનામાં રહેલી ટેલેન્ટને પારખી. તેનો વિડિયો વધુ ચાહકો સુધી પહોંચી શકે એવી વ્યવસ્થા કરી. જસ્ટીન બીબરનો સંપર્ક કર્યો. તેને અમેરિકા બોલાવ્યો. ૨૦૦૮ માં એક મ્યુઝિક કંપની સાથે જસ્ટીન બીબરની ડીલ ફાઈનલ કરાવી. તેનું પહેલું આલ્બમ બહાર પડ્યું. 

આજ સુધી અમેરિકન મ્યુઝિકના ઈતિહાસમાં એક પણ કલાકારના સાત ગીતો એકસાથે બીલબોર્ડ હોટ હન્ડ્રેડમાં સ્થાન પામ્યા ન હતા. આ ઈતિહાસ જસ્ટીન બીબરે રચીને બતાવ્યો. તેના ગીત ‘બેબી’એ તો ઇન્ટરનેશનલ પ્રસિદ્ધિ હાંસિલ કરી. યુટ્યુબે એક મેગાસ્ટારને જન્મ આપ્યો. જે આજની તારીખે પણ રેકોર્ડ બનાવવાની બાબતમાં અજેય છે. યુટ્યુબમાં હવે ટ્રેન્ડ શરૂ થઇ ગયા હતા. કોકાકોલા અને મેન્ટોઝના કે જસ્ટીન બીબરના ગીતો ગાતા હોય એવા અનેક વિડિયો અપલોડ થવા મંડ્યા હતા. સાથે સાથે પર્સનલ લાઈફના, સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ અપલોડ થતા હતા. જસ્ટીન બીબરને પણ કોમ્પ્લેક્ષ થઇ જાય એવો વિસ્ફોટ બાકી હતો જે ટૂંક સમયમાં યુટ્યુબમાં ફાટવાનો હતો. 

એનું નામ પાર્ક-જે સેંગ. સાઉથ કોરીયાનો લોકલ ગાયક. પ્રોફેશનલી તે ‘પીએસવાય’ના નામે ઓળખાતો હતો. તેના વિડિયો યુટ્યુબની એક વ્યક્તિના ધ્યાનમાં આવ્યા. તેણે પીએસવાયને યુટ્યુબની ઓફિસમાં બોલાવ્યો અને તેના નવા ગીતના વિડિયોને હીટ કરવા માટે ડીલ કરી. પીએસવાયનું ગંગનમ સ્ટાઈલ ગીત બહુ મહેનત પછી બન્યું હતું. તેનું લાક્ષણિક ડાન્સ સ્ટેપ પણ વિચિત્ર અને રમૂજી હતું. યુટ્યુબે કેમે કરીને તે વિડિયોને ઉપર લાવવાની કોશિશ કરી. ૨૦૧૨નો એ સમયગાળો હતો. યુટ્યુબ સેંકડો દેશોમાં વપરાતી સાઈટ હતી. અચાનક પીએસવાયના ગીત ગંગનમ સ્ટાઈલના વિડિયોએ રોકેટ સ્પીડ પકડી. યુટ્યુબે વિડિયોના વ્યુઝ કાઉન્ટ કરવા માટે જે કાઉન્ટર મૂક્યું હોય તે ક્રેશ થઇ ગયું, કારણ કે તેઓએ વિચાર્યું જ ન હતું કે કોઈ એક વિડિયોના વ્યુઝ એક અબજ કરતા પણ વધુ થઇ શકે. તે લોકોએ વ્યુઝ કાઉન્ટર રીસેટ કરવું પડ્યું. પીએસવાયને યુએનના મહામંત્રીથી લઇને બિયોન્સ, જસ્ટીન બીબર, લેડી ગાગા જેવા વર્લ્ડ રીનોન પરફોર્મર સાથે પરફોર્મ કરવાનો મોકો મળ્યો. એક અજાણ્યો સાઉથ કોરિયન કલાકાર ગ્લોબલ સેન્સેશન બની ગયો. એ ખુદ અત્યારે કહે છે કે મારે ગંગનમ સ્ટાઈલવાળો ઈતિહાસ રીપિટ કરવો હોય તો થઇ શકે ખરો? કદાચ પચાસ વર્ષ લાગે. 

યુટ્યુબ ઉપર તો દુનિયા આખીમાંથી આક્રમણ થયું. બધી ટીવી-ચેનલો યુટ્યુબમાં પોતાની ચેનલો ખોલવા લાગી. બધા રાજકારણીઓ યુટ્યુબ ઉપર આવી ગયા. એજ્યુકેશનના અનેક વિડિયો યુટ્યુબ ઉપર અપલોડ થવા લાગ્યા. છતાં પણ આજ સુધી યુટ્યુબમાં સૌથી વધુ સર્ચ થયેલો કોઈ વિષય હોય તો તે છે- હાઉ ટુ કિસ! સેક્સથી લઇને આતંકવાદ સુધીના વિષયોના વિડિયોનો યુટ્યુબ ઉપર રાફડો ફાટ્યો. શોર્ટફિલ્મની દુનિયામાં નવું પ્રાણતત્ત્વ ઉમેરાયું. ફિલ્મ બનાવવા માટેની મોનોપોલી તૂટવા લાગી. જેને પણ ફિલ્મ બનાવવી હોય એ બનાવીને યુટ્યુબ ઉપર મૂકી શકે. લોકોને ગમે તો તે ફિલ્મમેકરનું નામ આપોઆપ પ્રચલિત થાય. કોઈ ફેક્ટરીમાં સ્પેસશટલના સ્પેરપાર્ટ્સનું મેન્યુફેકચરિંગ બતાવતા વિડિયોથી લઈને તરબૂચના વેલામાં નાખવામાં આવતા ખાતર સુધીના વિડિયો યુટ્યુબ ઉપર મળવા લાગ્યા. યુટ્યુબર નામનું એક નવું પ્રોફેશન આવ્યું. અમુક હજાર સબસ્ક્રાઈબર્સથી ચેનલને વધુ ઉપભોક્તાઓ મળે તો યુટ્યુબ પોતાનો સ્ટુડિયો તેને વિનામૂલ્યે ઓફર કરવા લાગ્યું. ખૂબ પોપ્યુલર યુટ્યુબરને મહિને હજારો રૂપિયા મળતા થયા. લોકો યુટ્યુબમાંથી પોતાની કરીઅર બનાવવા લાગ્યા. 

યુટ્યુબ ઉપર બિલાડીના બધા વિડિયોઝના ટોટલ વ્યુઝ અબજોમાં છે. ‘ગ્રમ્પી કેટ’ તો મોટા મોટા સ્ટારને કોમ્પ્લેક્ષ આપે એટલી મોટી સેલિબ્રિટી બની ગઈ. બિલાડીઓના વિડિયો યુટ્યુબ ઉપર ખૂબ પોપ્યુલર છે. પ્રાણીઓથી મ્યુઝિક અને માણસોથી ભૂત સુધીના વિડિયો યુટ્યુબ ઉપર મળે. ફિલ્મો તો ખરી જ. યુટ્યુબના બધા જ વિડિયો જોઈ નાખવા હોય તો હજારો વર્ષ જીવવું પડે. યુટ્યુબ પહેલો એવો આઈડિયા જેણે વિશ્ર્વના દરેક નાગરિકને પોતાને અભિવ્યક્ત થવા માટેનું સમાન પ્લેટફોર્મ આપ્યું. યુટ્યુબે દેશની સરકારો પણ ઉથલાવી છે. યુટ્યુબ ફક્ત ડિજિટલ ક્રાંતિ ન હતું. તેણે એકવીસમી સદીને બદલાવી નાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. યુટ્યુબ વિનાની વર્તમાન દુનિયાની કલ્પના કરવી શક્ય છે?

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :