CIA ALERT
16. April 2024
November 13, 20191min4170

Related Articles



મન હૈ તો મુમકિન હૈ : Uma Maheshwari Clears Civil Services Exam

Share On :
Print Friendly, PDF & Email

રાતે સૂતી વખતે ઘડિયાળ સામે નહીં જોવાનું, પણ સવારમાં એ જ ઘડિયાળમાં પાંચ વાગે એટલે જાગી જવાનું. એ સમયે ઘરના અન્ય સભ્યો ગાઢ નીંદરમાં હોય એટલે કોઈને પણ વિક્ષેપ ન પડે એ રીતે અભ્યાસ કરવાનો. પૂરા બે કલાક સુધી. ઘડિયાળમાં સાતના ટકોરા થાય એટલે ઘરકામમાં લાગી જવાનું. સવારના ચા-નાસ્તાથી માંડીને બીજાં દૈનિક કામો પતાવવા ઉપરાંત દીકરીને જગાડી, એને તૈયાર કરીને શાળાએ ભણવા મોકલવાની. આ બધું કામ પતાવતા પતાવતા ઘડિયાળમાં દસ ક્યાં વાગી જાય એની ખબર જ ન પડે. સવારે વહેલાસર જાગ્યા પછી સતત પાંચ કલાક પ્રવૃત્ત રહ્યા પછી કોઈ પણ વ્યક્તિને બે ઘડી લાંબો વાંસો કરવાનું મન થાય એ સ્વાભાવિક ગણાય. પણ ના, એ પોસાય જ નહીં, કારણ કે નક્કી કરેલું લક્ષ્ય પાર પાડવાનું છે. દસ વાગ્યાથી ફરી પુસ્તક હાથમાં અને અધૂરો રાખેલા અભ્યાસ આગળ ચાલુ રાખવાનો. બાર સવાબાર થાય એટલે દીકરીનો સ્કૂલેથી પાછા ફરવાનો સમય થઈ જાય. ફરી પુસ્તકો બંધ અને સમગ્ર ધ્યાન દીકરીમાં પરોવાઈ જાય. દીકરીનું જમવાનું, એના અભ્યાસ પર દેખરેખ રાખવાની અને ઘરના બીજાં નાનામોટા કામ તો રોજેરોજ ઊભા જ હોય. સાંજ પડે ને પતિ ઑફિસેથી પાછા ફરે એટલે દીકરીના રૂટિનની જવાબદારી એમને સોંપી દેવાની અને પછી બપોરે અધૂરો મૂકેલો અભ્યાસ ફરી શરૂ કરવાનો.

૩૩ વર્ષની તામિલનાડુના તિરુનેલવેલી શહેરની રહેવાસી ઉમા મહેશ્ર્વરીની આ દિનચર્યા હતી. સિવિલ સર્વિસ એક્ઝામની કસોટીમાં સાંગોપાંગ પાર ઉતરાય એ માટે ઉમા આ પ્રકારે મહેનત કરી રહી હતી. શરૂઆતમાં તેને નિષ્ફળતા મળી અને એ પણ એક-બે નહીં, પણ પૂરા છ પ્રયાસોમાં એ નિષ્ફળ રહી. જાળું બાંધવાના પ્રયાસમાં વારંવાર નીચે પછડાતો હોવા છતાં હિંમત ન હારનાર અને અંતે સફળતા મેળવનારા કરોળિયાની વાર્તા ઉમા જાણે છે કે નહીં એ આપણે નથી જાણતા, પણ એ ભાવના, એ જોશ, એ સંકલ્પ આ તમિળ યુવતીમાં ભારોભાર છે એમ ચોક્કસ કહી શકાય. પાંચ પાંચ વખત નિષ્ફળતા મળ્યા પછી પણ દૃઢ મનોબળ સાથે વધુ એક પ્રયાસ કરનારી ઉમા મહેશ્ર્વરીએ છઠ્ઠા પ્રયાસમાં સફળતા અંકે કરી જ લીધી. સંઘર્ષના અને પ્રયાસોના દિવસો યાદ કરીને ઉમા જણાવે છે કે ‘હું જ્યારે તિરુનેલવેલીમાં શાળા અને કૉલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે જો ‘નસીબમાં હશે તો મળશ’ે એવું કોઈ કહેતું તો એ વાત હું હસવામાં કાઢી નાખતી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયમાં સંઘર્ષ કરીને હું જે રીતે આગળ આવી છું એ પછી મને પણ નસીબમાં વિશ્ર્વાસ બેસવા લાગ્યો છે. પુરુષાર્થને પ્રારબ્ધનો સાથ મળવો જોઈએ.’

ઉમા બાળપણથી જ ભણવામાં તેજસ્વી હતી. આ છોકરી બહુ આગળ વધશે એવું એની શાળાના પ્રાથમિક કક્ષાના શિક્ષકો કહેતા હતા. સારી વાત એ થઇ કે એના પરિવારે પણ એને ભણવા માટે ઉત્તેજન આપ્યું અને એન્જિનિયરિંગનો અભ્યાસ તેણે પૂરો કર્યો. આટલેથી સંતોષ માની ન લેતા આ યુવતીએ એમબીએનો અભ્યાસ શરૂ કર્યો. જોકે, આ સમયે ઉમાએ સિવિલ સર્વિસ એક્ઝામનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો. એના એક પ્રોફેસરે એને આ પરીક્ષા માટે પ્રોત્સાહિત કરી. કારકિર્દીમાં આવેલા એ વળાંકને યાદ કરીને ઉમા જણાવે છે કે ‘હું કૉલેજમાં ભણતી હતી એ દરમિયાન એક દિવસ હું સિવિલ સર્વિસની પરીક્ષા આપીશ એવો સપનેય ખ્યાલ નહોતો. મારા એક પ્રોફેસરે મને આ પરીક્ષા આપવા સમજાવી અને પ્રોત્સાહન આપ્યું. પહેલી વખત મેં ૨૦૧૧માં આ પરીક્ષા આપી અને એ પણ કોઈ પ્રકારની તૈયારી વિના.’ અલબત્ત એમાં એને નિષ્ફળતા મળી જે સહજ અને સ્વાભાવિક હતું અને એટલે નિરાશ થવાનું કોઈ કારણ પણ નહોતું. બીજી એક વાત પોરસાવનારી એ હતી કે ઉમાએ કૉલેજ શિક્ષણ પૂરું કર્યું ત્યારે એના હાથમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું લેબલ અને ત્રણ અલગ અલગ મોટી કંપનીઓની નોકરીમાં જોડાવાના ઑફર લેટર્સ પણ હતા. જોકે, કુદરત હજી ઉમાની વધુ કસોટી કરવા માગતી હતી. સફળતા મેળવવા માણસે શૈક્ષણિક પરીક્ષાઓ પાસ કરવાની સાથે જીવનની પરીક્ષાઓ પણ પાસ કરવાની હોય છે. એ સમય યાદ કરીને ઉમા મહેશ્ર્વરી જણાવે છે કે ‘કૉર્પોરેટ જૉબ મેં સ્વીકારી ત્યારે જીવનમાં કંઈક મેળવ્યાનો આનંદ હૈયે જરૂર હતો. જાણે હું ગુલાબી સેજ પર ચાલી રહી હોઉં એવી લાગણી થઈ રહી હતી. એવામાં અચાનક મારા પિતાશ્રીનો દેહાંત થઈ ગયો. મારું જીવન મારા માતા-પિતાને કેન્દ્રમાં જ રાખીને આગળ વધી રહ્યું હતું. આ આઘાત હજી હું પચાવું ત્યાં મારાં માતુશ્રી પણ અવસાન પામ્યાં.’ અલબત્ત આ આઘાત પચાવીને ઉમાએ પાંચ વર્ષ સુધી અગ્રણી કંપનીઓમાં નોકરી કરવાનું ચાલુ રાખ્યું. એક સારી વાત એ હતી કે આ નોકરી દરમિયાન પણ ઉમાએ સિવિલ સર્વિસની એક્ઝામ આપવાના પ્રયાસો ચાલુ રાખ્યા. પૂરતા સમયને અભાવે પ્રયત્નો ઓછા પડતા હોવા છતાં નોકરી કરતા કરતા ઉમા મહેશ્ર્વરીએ પાંચ વખત પરીક્ષા આપી, પણ પાંચેય વાર એ નિષ્ફ્ળ રહી હતી. આટલી નિષ્ફળતાઓ મળ્યા પછી કોઈ ભાંગી જાય, કોઈ હારી જાય તો કોઈ કંટાળી જાય. આપણી ઉમા તો વધુ મક્કમ બની ગઇ વધુ એક પ્રયાસ કરવા માટે. કઈ પ્રેરણા કામ કરી ગઈ એવા સવાલના જવાબમાં ઉમા જણાવે છે કે ‘મારી આસપાસની દરેક વ્યક્તિએ મારા માટે આશા છોડી દીધી હતી એ મારા ખ્યાલમાં આવ્યું. હું આ પરીક્ષા પાસ કરી શકું છું એ મારે આસપાસ રહેલી દરેક વ્યક્તિને અને ખાસ કરીને જાતને બતાવી દેવું હતું.’ પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા મક્કમ બનેલી ઉમાએ ૨૦૧૭માં લગડી જેવી કૉર્પોરેટ જૉબ છોડી દીધી. પૂરા પ્રયત્નો પરીક્ષાની તૈયારી માટે લગાડી દીધા. આ નિર્ણય લેવો અઘરો હતો. એ દિવસ યાદ કરતા શ્રીમતી મહેશ્ર્વરી જણાવે છે કે ‘મારે આવી સારી નોકરી છોડીને જેમાં હું વારંવાર નિષ્ફળ જાઉં છું એ પરીક્ષા ફરી આપવા માટે શું કામ પ્રયત્નો કરવા જોઈએ એ વાત કોઈને સમજાતી જ નહોતી. નોકરી કરતા કરતા સાઈડમાં મારે પરીક્ષા આપવાની તૈયારી કરવી જોઈએ એવો અભિપ્રાય બધાનો હતો. જોકે, એ રીતે સરખી રીતે તૈયારી નહીં થઈ શકે એવું મારું માનવું હતું.’

મન હોય તો માળવે જવાય એ ન્યાયે ઘરની સંભાળ અને પરીક્ષાની તૈયારી વચ્ચે ઉમાએ સંતુલન મેળવી લીધું. ‘હું પાંચ વાગે જાગીને અભ્યાસ કરતી અને પછી ઘરના નિત્ય કાર્યક્રમો પતાવીને ફરી અભ્યાસ કરવા બેસી જતી. પ્રીલીમ્સ માટે આ રૂટિન હતું જ્યારે મેઈન એક્ઝામ વખતે ઉમાએ અભ્યાસના કલાકો વધારી દીધા. રાતે ૧૦ વાગે દૈનિક કાર્ય આટોપી લીધા પછી મળસકે ત્રણ વાગ્યા સુધી એ વાંચતી. એના આ પ્રયાસ અંગે પતિ અને સાસરિયાઓનો દૃષ્ટિકોણ કઈ રીતે બદલાયો એ વિષે ઉમા અનુ કુમારીનું ઉદાહરણ આપે છે. આવાં ઉદાહરણો પેરણારૂપ સાબિત થવાની સાથે એક નવી દિશા દેખાડતા હોય છે. એ વિષે બોલતાં ઉમાએ કહ્યું કે ‘૨૦૧૮ની પરીક્ષાના પરિણામ જાહેર થયા ત્યારે હરિયાણાની અનુ કુમારી બીજા ક્રમે આવી હતી.’ પ્રતિકૂળ સંજોગોમાં પણ હરિયાણાીની યુવતીએ મેળવેલી સફળતા ઉત્સાહ વધારનારી હતી. બાળક ઉછેરની અને પરિવારની જવાબદારી પણ શિરે હોવા છતાં તેણે મેળવેલી આ સિદ્ધિ જોઈને ઉમાના પતિ અને પરિવારના સભ્યોને ભરોસો બેઠો કે અનુની જેમ ઉમા પણ આ એક્ઝામ પાસ કરી શકશે. એમનો ભરોસો, એમનો વિશ્ર્વાસ અને ઉમાની મહેનત રંગ લાવી અને ઉમાને સિવિલ સર્વિસ એક્ઝામ પાસ કરવામાં સફળતા મળી. ‘મન મેં હો વિશ્ર્વાસ, પૂરા હો વિશ્ર્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન’ એ ઉક્તિને ઉમા મહેશ્ર્વરીએ વધુ એક વખત સાચી પાડી છે. જેમ અનુનું ઉદાહરણ ઉમા અને એના પરિવાર માટે પ્રેરણાદાયી સાબિત થયું એ જ રીતે આવતી કાવે અન્ય કોઇ યુવતી ઉમાના ઉદાહરણમાંથી પ્રેરણા લઇને આગળ વધશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :