CIA ALERT
19. April 2024
December 26, 20191min4360

Related Articles



UAE : પાણીની સમસ્યા ઉકેલવા એન્ટાર્કટીકાથી આઇસબર્ગ ઢસડી લાવશે

Share On :
Print Friendly, PDF & Email

યુએઇ તરીકે ઓળખ ધરાવતો સંયુક્ત આરબ અમીરાતનો પ્રદેશ આર્થિક સમૃદ્ધિમાં અળોટતા પ્રદેશ તરીકે વિખ્યાત છે. ક્રૂડ ઑઇલને કારણે વીસમી સદીમાં આ પ્રદેશે ઘણાં સારા દિવસો જોયા. વીસમી સદીના ઉત્તરાર્ધમાં અસંખ્ય ભારતીયો મુખ્યત્વે અબુ ધાબી, દુબઇ અને શારજાહ અમિરાતમાં જઇને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવામાં ખાસ્સા સફળ રહ્યા. આ વિસ્તારને કોઇ સમસ્યા નથી એવું નથી, પણ પૈસાનું જોર અને એની સગવડને કારણે ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે.

યુએઇની સાત અમિરાતોને જો કોઇ સૌથી વધુ સમસ્યા સતાવતી હોય તો એ પાણીની છે. સમસ્યા સામે તાકીને બેસી રહેવાને બદલે એને સુલઝાવવાનો પ્રયાસ જ એ તકલીફનું નિરાકારણ લાવી શકે છે. યુએઇના ૪૦ વર્ષના એક ધનાઢ્ય ઉદ્યોગપતિ અબ્દુલ્લા અલ શેહીએ ઍન્ટાર્કટિકામાં રહેલા આઇસબર્ગ-હિમખંડને ખસેડીને ઑસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકા સુધી લાવવાની યોજના તૈયાર કરી છે. ત્યાં પરીક્ષણ થશે અને જો એમાં સફળતા મળશે તો એ આઇસબર્ગને યુએઇના સાત અમિરાતમાંના એક ફ્યુજેરાહ સુધી ખસેડીને લાવવામાં આવશે.

પ્રથમ નજરે આ વિચાર તુઘલખી લાગી શકે છે. ૧૪મી સદીમાં દિલ્હીના શાસક મોહમ્મદ-બિન-તુઘલખે રાજધાની દિલ્હીથી ખસેડીને દૌલતાબાદ લઇ જવાનો કરેલો પ્રયત્ન હાસ્યાસ્પદ અને વિચિત્ર હોવાને કારણે તુઘલખી વિચાર તરીકે જાણીતો થયો હતો. ત્યાર બાદ જો કોઇ આવા વિચિત્ર કે અસંભવ આઇડિયા રજૂ કરે તો એ તુઘલખી વિચાર ગણાતો. અલબત્ત અબ્દુલ્લા અલ શેહીનો આઇડિયા આજે ભલે અસંભવ લાગતો હોય, પણ આ બિઝનેસમૅનને હૈયૈ વિશ્ર્વાસ છે કે એ આઇડિયા સફળ સાબિત થશે.

યુએઇ પાણીની અછતથી પીડાય છે એ વાત તો જગજાહેર છે. આજની તારીખમાં આ વિસ્તારમાં પાણીનો વપરાશ જોતા આગામી ૨૫ વર્ષમાં યુએઇનો સમગ્ર વિસ્તાર તીવ્ર દુકાળમાં સપડાઇ જશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સમસ્યાથી વાકેફ અને એનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ અબ્દુલ્લા અલ શેહીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ‘આખી પ્રક્રિયાનો અમે તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. અમારા સંશોધન અનુસાર પાણીનું ડિસેલિનેશન (ખારા પાણીને ગરમ કરી એની બાષ્પને મીઠા પાણીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા જે ગુજરાતીમાં નિસ્યંદનની પદ્ધતિ તરીકે ઓળખાય છે)ની સરખામણીમાં આઇસબર્ગ ખસેડીને લાવવામાં ઓછો ખર્ચ થશે. ડિસેલિનેશનની પ્રક્રિયા કરવા માટેના ઉદ્યોગમાં જંગી મૂડીરોકાણ કરવું પડે છે.

આ ઉપરાંત મોટા પાયે દરિયાનું પાણી ગલ્ફ દેશોમાં લઇ આવવું પડશે અને એમ કરવાને કારણે માછલીઓ અને અનેક દરિયાઇ જીવો નાશ પામશે. અમારું દૃઢપણે માનવું છે કે આઇસબર્ગ ખસેડવા આર્થિક રીતે પોસાય એવી યોજના તો છે જ, પણ સાથે સાથે પર્યાવરણને અનુકૂળ પણ છે.’ આટલું કહ્યા પછી તેઓ વાતમાં એક ખૂબ મહત્ત્વનો ઉમેરો કરે છે. તેમની દલીલ છે કે ‘પીવાના પાણીનો આ ઉકેલ કેવળ યુનાઇટેડ આરબ અમિરાત માટે જ નહીં બલકે સમગ્ર વિશ્ર્વ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.’ આ વાત અત્યંત મહત્ત્વની છે અને એને ગંભીરતાથી લેવાની જરૂર છે.

બિઝનેસમૅન અબ્દુલ્લા અલ શેહીનો આ રજૂઆતવાળો ઇન્ટરવ્યૂ રજૂ થયા પછી સમગ્ર વિશ્ર્વનું ધ્યાન યુએઇની આ વિશિષ્ટ યોજના તરફ ખેંચાયું છે. તેમણે પ્રોજેક્ટ રજૂ કરીને એના માટે લાખો ડૉલરના રોકાણની જરૂર પડશે એવી માંડણી કરી છે. આ અનોખો આઇડિયા અને એમાં વ્યક્ત કરવામાં આવેલા અંદાજો આશાસ્પદ હોવાની ચણભણ થઇ છે. તેમની યોજના અનુસાર ૨૦૨૧ના પ્રારંભમાં ઑસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકામાં આ પ્રયોગનું પ્રાથમિક સ્તરે પરીક્ષણ કરવામાં આવશે. તેમને વિશ્ર્વાસ છે કે આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે કેટલીક અડચણો આવે એમ હોવા છતો તેમ જ નાણાભીડનો પણ કદાચ સામનો કરવો પડે એમ હોવા છતાં આ અનોખો પાણીદાર વિચાર અમલમાં મુકાઇ જશે. અત્યારે યુએઇ પીવાલાયક પાણી મહદ્અંશે અત્યંત ખર્ચાળ એવી ડિસેલિનેશન પદ્ધતિથી મેળવે છે. જો નવી પદ્ધતિ અમલમાં આવી તો પીવાનું પાણી મેળવવાના ખર્ચમાં ખાસ્સો ઘટાડો થઇ જશે.

લાંબા અંતરે આઇસબર્ગ ખસેડવાનો અને એને પાણીના સ્રોત માટે વાપરવા વિશે ઘણાં દાયકાઓથી વિચાર થઇ રહ્યો છે, પણ એને ક્યારેય સફળતા નથી મળી. અલબત્ત મિસ્ટર અલ શેહીની વિચાર કરવાની પદ્ધતિ જરા જુદી છે. તેઓ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે અને યુએઇની પાણીની સમસ્યાના નિરાકરણ વિશે તેમણે એક પુસ્તક પણ લખ્યું છે. અન્ય લોકો જેમાં નિષ્ફળ ગયા એમાં પોતાને સફળતા મળશે જ એવો વિશ્ર્વાસ એમના હૈયે છે.

આ આઇડિયા તઘલખી છે એવા આક્ષેપનો જવાબ શું આપશો એવા સવાલના જવાબમાં અલશેહી કહે છે કે ‘આકાશમાં ઉડી શકાય એ વિશે અગાઉ લોકોના મનમાં શંકા હતી, પણ આજની તારીખમાં એ વાત વાસ્તવિકતા બની ગઇ છે ને. લોકો વિમાનમાં ઉડતા જોવા મળે છે ને. આ જે વિજ્ઞાને ગજબની હરણફાળ ભરી છે અને સર્વાંગી વિકાસ પણ થયો છે.

આ માત્ર વિજ્ઞાનની કાલ્પનિક વાર્તા નથી, એક દિવસ હકીકત બનીને નજર સામે આવી જશે. તમને કદાચ જાણીને નવાઇ લાગશે કે હવામાં ઉડવા કરતાં આઇસબર્ગ ખસેડવો સરખામણીમાં સહેલો છે. હું જાણું છું કે કોઇ પણ નવતર પ્રોજેક્ટ આવે ત્યારે લોકોના ભવાં ઊંચકાય, એનો વિરોધ થાય અને એની સામે શંકાની નજરે પણ જોવામાં આવે.’ પોતાની યોજના વિશે વિગતવાર માહિતી આપતા અલ શેહી જણાવે છે કે એક ખાસ પ્રકારની નૌકાની અને દરિયાના પાણીના પ્રવાહની મદદથી આઇસબર્ગને ખસેડવામાં આવશે.

આજની તારીખમાં કેટલાક આઇસબર્ગ છૂટા પડીને દરિયાના પ્રવાહને કારણે ઍન્ટાર્કટિકાના ઉત્તરીય વિસ્તાર તરફ ખસવા લાગ્યા છે. પ્રોજેક્ટની દરખાસ્ત પ્રમાણે ઉપગ્રહની મદદથી એક યોગ્ય આઇસબર્ગની પસંદગી કરવામાં આવશે અને એની વિશિષ્ટ પદ્ધતિથી સાચવણી કરવામાં આવશે. આર્કટિક નજીક બરફને ઓગાળીને પાણીને મોકલવાનો વિચાર ટ્રાન્સપોર્ટનો તોતિંગ ખર્ચ જોતા વ્યવહારુ નથી.

પાઇલટ પ્રોજેક્ટ માટે ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરની કે પછી સાઉથ આફ્રિકાના કેપ ટાઉન શહેરની પસંદગી કરવામાં આવશે. આ જગ્યાની પસંદગી વિશે ચોખવટ કરતા અલશેહી સ્પષ્ટતા કરે છે કે ‘આ શહેરો પણ પાણીની તંગી અનુભવી રહ્યા છે અને બીજું યુએઇથી આ શહેરો ત્રણથી ચાર હજાર કિલોમીટરના અંતરે આવેલા છે. સમગ્ર પ્રોજેક્ટ બરાબર કામ કરે છે એની તકેદારી લઇને તેમ જ સલામતીના મુદ્દે ચોકસાઇ રાખીને તેમ જ પર્યાવરણને નુકસાન નથી પહોંચતું એનું ધ્યાન રાખવામાં આવશે. જો બધું અમારી યોજના અનુસાર સાંગોપાંગ પાર ઉતરશે તો ૨૦૨૧ના પ્રારંભમાં આઇસબર્ગ ગલ્ફના કિનારે પહોંચી જશે.

પ્રાથમિક ગણતરી પ્રમાણે આ આઇસબર્ગ બે કિલોમીટર લાંબો, ૫૦૦ મીટર પહોળો ૨૦૦ મીટર ઊંડો હશે. એને લાવવાનો ખર્ચ ૨૦ કરોડ ડૉલરની આસપાસ થશે. યુએઇના ફ્યુજેરાહના કિનારે પહોંચતા આઇસબર્ગને આશરે નવ મહિનાનો સમય લાગશે. સફળ પરીક્ષણના એક વર્ષ પછી આ પ્રોજેક્ટ અમલમાં આવશે. એક અંદાજ પ્રમાણે મુસાફરી દરમિયાન ૩૦ ટકા આઇસબર્ગ પીગળી જશે અને તેમ છતાં ૭૦ ટકા આઇસબર્ગ બહુ મોટો કહેવાય કારણ કે એમાંથી અબજો ગૅલન (એક ગૅલન એટલે પોણા ચાર લિટર) પાણી મળશે. આ એક ફેરાને કારણે એક લાખ લોકોને

પાંચ વર્ષ સુધી પીવાલાયક ફ્રેશ વૉટર મળી રહેશે એવી ગણતરી છે.

સમગ્ર પ્રક્રિયાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આઇસબર્ગ યુએઇના દરિયાકિનારેથી ૧૨ નૉટિકલ માઇલ્સ દૂર હશે ત્યારે બરફને ક્રશ કરી એને કારણે થનારા પાણીને સાચવવાની શરૂઆત થઇ જશે. અલ શેહીના અંદાજ પ્રમાણે ડિસેલિનેશન પ્લાન્ટથી એક વર્ષમાં જેટલું પાણી મળી શકે છે એટલું પાણી એક આઇસબર્ગમાંથી મળી શકશે. આ આઇડિયા સાવ નવો છે એવું નથી. અગાઉ ૧૯૭૫માં સાઉદી અરેબિયાએ આવો પ્રયાસ કરેલો જે સરિયામ નિષ્ફળ રહ્યો હતો. ટેક્નિકલ કારણોસર એ પ્રોજેક્ટ બે વર્ષ પછી પડતો મૂકવો પડ્યો હતો. જોકે, અલ શેહીની દલીલ છે કે એ વાતને ૪૫ વર્ષ વીતી ગયા છે. આજે ટેક્નોલૉજી ઘણી આગળ વધી ગઇ છે અને ૧૯૭૫માં જે સમસ્યાઓ આવી હતી એ આજની તારીખમાં ન આવે એની તકેદારી પણ રાખવામાં આવશે.

આ પ્રોજેક્ટના આડકતરા ફાયદા પણ છે. ડિસેલિનેશનનો પર્યાય ઊભો કરવાને કારણે પર્યાવરણની પણ જાળવણી થઇ શકશે. ડિસેલિનેશન માટે ગલ્ફમાં ખારું પાણી મોટા જથ્થામાં લાવવું પડે છે. એને કારણે દરિયાની ખારાશ ખાસ્સી વધી જાય છે અને માછલીઓ તથા સમુદ્રી જીવો મરણ પામે છે. આઇસબર્ગને કારણે આ બધું અટકી જશે. એક એવી પણ દલીલ કરવામાં આવી છે કે યુએઇના દરિયાકિનારે આઇસબર્ગ ખસેડવાને કારણે આજુબાજુના રણવિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધી જશે. એનો સીધો ફાયદો સ્થાનિક ખેતીને થશે.

વિચાર તો એકદમ ક્રાંતિકારી છે. એને કેવી અને કેટલી સફળતા મળે છે એ તો આવનારો સમય જ કહેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :