CIA ALERT
18. April 2024
March 16, 20191min3188

Related Articles



50 રૂપિયાનો આઇડિયા સુરતી ગર્લ ‘તેજસ્વી’ ને જાપાન સાયન્સ ફેર સુધી લઇ ગયો

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એક આઇડિયા કિસ્મતને બદલી શકવા સમર્થ હોય છે. આ કહેવતના સાક્ષાત્કાર કરાવતી અનેક ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે. સુરતની બચકાણીવાલા સરદાર સ્કુલની હોનહાર સ્કુલ ગર્લ તેજસ્વી દેસાઇને એક આઇડિયા આવ્યો કે જે રીતે વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઇને ઓક્સીજન બહાર ફેંકે છે એ જ તર્જ પર કોઇ મશીન કેમ કામ ન કરે. આ આઇડિયાને સાકાર કરવા માટે ફક્ત રૂ.50 જેટલો ખર્ચ થયો, બચકાણીવાલા સ્કુલના પ્રિન્સીપાલ જ્યોતિબેન પરીખની આજ્ઞાથી અને કો-ઓર્ડિનેટર સુનિલ જાધવનું માર્ગદર્શન લઇને તેજસ્વી એ પ્રોજેક્ટને પહેલા સુરત લેવલે થયેલા સાયન્સ ફેરમાં પછી ગુજરાત સાયન્સ ફેરમાં પછી નેશનલ સાયન્સ ફેરમાં રજૂ કર્યો. પ્રોજેક્ટ બધાને ગમ્યો, બધાએ પ્રોજેક્ટને બિરદાવ્યો અને હવે સુરતી ગર્લ તેજસ્વી દેસાઇ જાપાનના ટોકિયો ખાતે 20થી 26 એપ્રિલ 2018ના રોજ યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જશે. ભારતમાંથી કુલ 850 શાળાઓના પ્રોજેક્ટ રજૂ થયા હતા, ગુજરાતમાંથી સુરતની એચએમ બચકાણીવાળા સરદાર સ્કુલની વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇનો એકમાત્ર પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લેવલે જાપાન શકુરા યુથ એક્સચેન્જ માટે શોર્ટ લિસ્ટ થયો છે. આમ, ફક્ત રૂ.50માં સાકાર થયેલો આઇડિયા વર્કિંગ મોડેલ સાથે હવે જાપાનમાં ભારતનું નામ રોશન કરશે.

વૃક્ષ પરથી પ્રેરણા લઇને સુરતી ગર્લ તેજસ્વી દેસાઇએ પ્રોજેક્ટ બનાવ્યો જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજન બહાર તો ફેંકે છે સાથોસાથ વીજળી પણ ઉત્પાદિત કરે છે, આવો પ્રોજેક્ટ અગાઉ કોઇપણ વખત રજૂ થયો નથી

શાળા કક્ષાએ યોજાતા સાયન્સ ફેર (વિજ્ઞાન મેળા કહો કે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન કહો) કેટલા બધા ઉપયોગી અને ફળદાયી નિવડે છે એ જાણવું હોય તો આ જીવતી વારતાં વાંચવી પડશે. પાલનપુર પાટીયા ખાતે આવેલી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એચ.એમ.બચકાણીવાળા સરદાર ઇંગ્લિશ મિડીયમ સ્કુલમાં હાલ ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તેજસ્વી નિરવ દેસાઇને ગત વર્ષે ધો.10માં હતી ત્યારે સુરત શહેર જિલ્લા કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન મેળામાં શાળા તરફથી એક પ્રોજેક્ટ રજૂ કરવાનો હતો. કોઇ ચોપડીમાં નથી કે ગુગલ પર પણ નહીં મળે તેવો આઇડિયા તેજસ્વી દેસાઇના મનમાં અંકુરીત થયો. આઇડીયા એ હતો કે ઝાડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સીજન બહાર ફેંકે છે તેના જેવું કોઇ યંત્ર, મશીન કેમ ન વિકસાવી શકાય. બસ આ આઇડિયા તેણે આચાર્યા જ્યોતિબન પરીખને કહ્યો. જ્યોતિબેન પરીખે શાળાના કો-્ઓર્ડિનેટર સુનિલ જાધવને તેજસ્વી દેસાઇને માર્ગદર્શિત કરવા જણાવ્યું. શિક્ષક અને વિદ્યાર્થિનીએ પ્રોજેક્ટ પર કામ કરવા માંડ્યું અને શાળાની લેબોરેટરીમાં પ્રોજેક્ટ વિકસાવવા માંડ્યો. કેમકે આ પ્રોજેક્ટ અગાઉ ક્યાંયે કોઇ રીતે રજૂ થયો ન હોઇ, બધું જ કામ જાતે કરવું પડ્યું.

શિક્ષક સુનિલ જાધવ અને વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇએ સાયન્સના પ્રયોગોને આધાર બનાવતા બે બિકર લીધા એક બિકરમાં સાંદ્ર મીઠું અને બીજા બિકરમાં ધોવાનો સોડા પ્રમાણસર રાખ્યો. બન્ને બિકર વચ્ચે ટીશ્યુ પેપર સોલ્ટ બ્રિજ બનાવ્યો, પહેલા બિકરમાં ગ્રેફાઇડ કેથોડે અને બીજા બિકરમાં એનાર્ડેનોની મદદથી બન્ને વચ્ચે વાયર જોડી તેના પર મલ્ટીમીટર ફીટ કર્યું. પ્રોજેક્ટ હતો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજનને હવામાં છોડવો. આ પ્રોજેક્ટ તો સાકાર થયો પણ સાથોસાથ એક નવીન શોધ એ પણ થઇ કે તેમાંથી તેઓ એનર્જી જનરેશનનો બિલકુલ તરોતાજા પાઠ શીખ્યા. બસ પછી પૂછવું જ શું.

તેજસ્વી દેસાઇ તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ જાપાનના ટોકીયો ખાતે શકુરા યુથ એક્સચેન્જ અન્વયે યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેર 2019માં ભારત તરફથી પોતાનો પ્રોજેક્ટ રજૂ કરશે

બિલકુલ ફ્રેશ પ્રોજેક્ટ સુરતમાં રજૂ થયો, સુરતમાં પહેલો નંબર, સ્ટેટ લેવલ પર રજૂ થયો ત્યાં પણ પહેલો નંબર પછી નવી દિલ્હી આઇ.આઇ.ટી. ખાતે યોજાયેલા નેશનલ સાયન્સ ફેર 2019માં રજૂ થયો. ત્યાંનું રિઝલ્ટ આવવાનું બાકી છે પરંતુ, જ્યુરીએ દેશભરમાંથી આવેલા 850 પ્રોજેક્ટમાંથી કુલ 42 પ્રોજેક્ટ પસંદ કર્યા તેમાં સુરતની એચએમબી સરદાર ઇંગ્લિશ હાઇસ્કુલની તેજસ્વી દેસાઇનો પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટને જાપાન ખાતે આગામી તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ યોજાનાર શકુરા યુથ એક્સચેન્જ અન્વયેના ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે પરવાનગી મળી ગઇ. કુલ 41 દેશોના બાળ વિજ્ઞાનીઓ જાપાન ખાતે આયોજિત સાયન્સ ફેરમાં પોતાના પ્રોજેક્ટસ રજૂ કરશે.

જાપાનના ટોકીયો શહેર ખાતે આયોજિત શકુરા યુથ એક્સચેન્જ અન્વયે પસંદગી પામેલા બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટસમાં ગુજરાત તરફથી સુરતની એચએમબી સ્કુલની તેજસ્વી દેસાઇ એકમાત્ર છે.

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન તેજસ્વી દેસાઇએ અને તેના માર્ગદર્શક સુનિલ જાધવે કહ્યું કે આ બિલકુલ ઓરિજિનલી અમારો પ્રોજેક્ટ છે. વિશ્વમાં અગાઉ ક્યારેય આવી શોધ થઇ નથી. આજે વાતાવરણમાં ભારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ભળીને વાતાવરણ પ્રદૂષિત થઇ રહ્યું છે તેવા સંજોગોમાં આ બેટરી ટાઇપ પ્રોજેક્ટ એવો છે કે જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને ઓક્સીજન તો ભેળવે જ છે સાથોસાથ વીજળી પણ પેદા કરી શકે છે. એટલા આ પ્રોજેક્ટને જ્યાં રજૂ કરીએ છીએ ત્યાં સ્વીકૃતિ મળી રહી છે.

તેજસ્વી દેસાઇએ કહ્યું કે લાંબા ગાળે આ પ્રોજેક્ટ વાહનોની બેટરીમાં તેમજ પર્યાવરણના પ્રોજેક્ટમાં સાકાર કરી શકાય તેમ છે. હાલ તો આ પ્રોજેક્ટ માટે તમામ ચીજવસ્તુઓ મળીને ફક્ત રૂ.50નો ખર્ચ થયો છે, આટલા ખર્ચમાં આ પ્રોજેક્ટ છેક ઇન્ટરનેશનલ સાયન્સ ફેર સુધી પહોંચી ગયો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :