CIA ALERT

ગેરશિસ્ત, મર્યાદા ઉલ્લંઘન, સિન્થેટિક હીરા જેવા નેગેટિવ પરિબળો હીરા ઉધોગમાં મંદી લાવ્યા

ચેમ્બર દ્વારા હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિઅંગે વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મૂળમાં શહેરના ઉદ્યોગ-ધંધા-રોજગારના મૂળભૂત હેતુઓનું જતન-સંવર્ધન કરવાનો સમાવેશ કરાયો છે, એને અનુરૂપ એક સમયસરનો આવકારદાયક કાર્યક્રમ તા.12મી જુલાઇ 2019ના રોજ જીવનભારતી ઓડિટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હીરા ઉદ્યોગમાં પ્રવર્તમાન મંદીની સ્થિતિ દરમિયાન કેવી રીતે વર્તવું, કેવી રીતે કામ કરવું એ અંગે શહેરના ટોચના ઉદ્યોગપતિઓ શ્રી સેવંતીભાઇ અને શ્રી ગોવિંદ ધોળકીયાનું માર્ગદર્શન નાના, મધ્યમ હિરા કારખાનેદારોને મળ્યું હતું.

કાર્યક્રમમાં વિનસ જવેલ્સના ફાઉન્ડર અને ચેરમેન શ્રી સેવંતિભાઇ શાહ અને શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સના શ્રી ગોવિંદભાઇ ધોળકીયા દ્વારા હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હીરાના કારખાનેદારોને ધીરજ રાખી અને શિસ્તબદ્ધ રહીને વિકટ સમયમાંથી પસાર થવાની દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યુ હતુ.

આ કાર્યક્રમમાં સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી બાબુભાઇ ગુજરાતી અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને કારખાનેદારો ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધનમાં જણાવ્યુ હતુ કે, દેશના અર્થતંત્રમાં હીરા ઉદ્યોગનો મોટો ફાળો રહયો છે. રોજગાર માટે પણ આ ઈન્ડસ્ટ્રીનું મોટું યોગદાન છે. હાલ આ ઇન્ડસ્ટ્રી કપરા સમયમાંથી પસાર થઇ રહી છે ત્યારે આ સમયે શું કાળજી રાખવી તે વિશે આજના મહાનુભાવો આપણને માર્ગદર્શન આપશે.

માનવસર્જિત મંદી છે હિરા ઉદ્યોગમાં કહે છે સેવંતીભાઇ શાહ

શ્રી સેવંતીભાઇ શાહે હીરાના કારખાનેદારોને સંબોધતા જણાવ્યુ હતુ કે, વર્ષ ર૦૦૮–૦૯ની મંદીમાંથી હીરા ઉદ્યોગ પસાર થઇ ચૂકયો છે. એવો સમય ફરીથી નહીં આવે તે માટે વિચાર વિમર્શ જરૂરી છે. વર્ષ ૧૯૬પમાં હું જયારે આ ધંધામાં આવ્યો ત્યારે ધંધામાં શિસ્ત હતી. બેંકોની ફેસિલિટી મળતી હતી અને ધંધો પણ મર્યાદામાં ચાલતો હતો. હવે કારખાનેદારો ખૂબ જ ઝડપથી પસાર થઇ રહયા છે. પાઇપલાઇનમાં પુષ્કળ સ્ટોક હોય એવું આજે ધંધાનું મોડલ બનાવી દીધું છે. તેમણે જણાવ્યુ હતુ કે કારખાનેદારને માલ બનાવવાનો છે, આપણું કામ ફાયનાન્સનું નથી. ફાયનાન્સનું કામ બેંકોનું છે. ધંધામાં શિસ્તના અભાવને કારણે આ માનવસર્જીત મંદી છે. આપણે શિસ્તમાં આવીશું તો આ વિકટ પરિસ્થિતિમાંથી વહેલામાં વહેલા બહાર આવી શકીશું.

તેમણે કારખાનેદારોને ટકોર કરતા જણાવ્યુ હતુ કે, કારીગરો આપણો પરિવાર જ છે. એટલે તેઓની જવાબદારી પણ આપણી બને છે. બેંકરપ્ટ થયેલા લોકો મુળમાં ખોટા ન હતા પણ જે રીતે ધિરાણ મળ્યુ. એના કારણે ગજા કરતા મોટો ધંધો થયો અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી. બેંકરપ્સી પાછળ તેમણે બેંકોના વ્યાજને પહેલું કારણ ગણાવ્યુ હતુ. તેમણે કહયુ કે હાલની પરિસ્થિતિ પહેલા કરતા જુદી છે. મેન્યુફેકચરીંગ નહીં પણ મુડી ઘટતી જાય છે. એટલે બધાએ પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડશે અને આ સ્થિતિમાંથી પસાર થવુ પડશે.

થોડી કાળજી રાખીશું તો હિરા ઉદ્યોગ ફરી ઝળહળતો થશે

શ્રી સેવંતીભાઇ શાહે કહયુ કે, મંદીના કારણમાં સિન્થેટીક ડાયમંડની અસર ગણાવી શકાય છે. નેચરલ અને સિન્થેટીક ડાયમંડની ભેળસેળને કારણે પણ લોકોએ ડાયમંડ ખરીદવાનું ઓછું કરી દીધું છે. લોકોની હીરા ખરીદવાની ઇચ્છા તુટી ગઇ છે એ પણ વાસ્તવિકતા છે. પણ નિરાશાવાદી થવાનું કામ નથી. અઠવાડીયામાં ચાર – પાંચ દિવસ કારખાનું ચલાવો અને કારીગરોનો પણ વિચાર કરો. ધંધો ફરીથી પહેલાની જેમ ચાલી જશે. થોડી કાળજી રાખીશું તો હીરા ઉદ્યોગને ફરીથી ઝળહળતો કરી દઇશું.

જીવનમાં કોઇ પરિસ્થિતિ કાયમી નથી, મંદી આવી છે ને જવાની છે એ નક્કી છે કહે છે ગોવિંદ ધોળકીયા

શ્રી ગોવિંદભાઇ ધોળકીયાએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે, આપણે સમયની સાથે ચાલવું પડશે. જે સમય આવ્યો છે તે જવાનો છે. મંદી હોય કે તેજી કોઇવાર કાયમી રહેતી નથી. આ ચક્ર ફરતુ રહેવાનું છે. મંદીનું પુર બધાને જ આવ્યુ છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પોતાના પ્રત્યે તેમજ આપણી કંપની કયાં છે તે અંગે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. હીરાનો ધંધો ખૂબ જ સારો છે અને એનો હું પપ વર્ષનો સાક્ષી છું. હીરો એ કલ્પવૃક્ષ અને ચિંતામણી છે. આ વિકટ પરિસ્થિતિ કાયમી રહેવાની નથી. ધીરજ રાખીને આગળ વધવું અને આવેગ કે આવેશમાં આવીને કોઇ નિર્ણય લેવો નહીં.

આ કાર્યક્રમમાં ચેમ્બરના ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના હેડ શ્રી મૃણાલ શુકલ અને ચેમ્બરની ડાયમંડ ઇન્ડસ્ટ્રી કમિટીના ચેરમેન શ્રી કીર્તિકુમાર શાહે પ્રાસંગિક વિધી કરી હતી.

હીરા ઉદ્યોગના બંને અગ્રણીઓએ કારખાનેદારોના સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા.

અંતે ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયુ હતુ.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :