CIA ALERT
January 24, 20202min410

SGCCI દ્વારા ઉદ્યોગ Expo નું પ્રભાવક આયોજન, સૂરતના ઉદ્યોગો-ધંધાઓને વેગ આપશે

સાંસદ દર્શના જરદોષના હસ્તે ચેમ્બરના ઉદ્યોગ એક્ષ્પો 2020નું ઉદઘાટન

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આંતરરાષ્ટ્રીય ઇન્ડસ્ટ્રીયલ પ્રદર્શનની ૧રમી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– ર૦ર૦’નું તા. ર૪મી જાન્યુઆરીથી ર૭મી જાન્યુઆરી ર૦ર૦ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

આજરોજ શુક્રવારે, તા. ર૪ જાન્યુઆરીના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સાંસદ સભ્ય શ્રીમતી દર્શનાબેન જરદોશના હસ્તે ઉદ્‌ઘાટન બાદ પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. ઉદ્‌ઘાટન સમારોહમાં ગુજરાત સરકારના એમએસએમઇ કમિશનર શ્રી જે. રણજીથ કુમાર (આઇએએસ) અને મુંબઇ યસ બેંકના સિનિયર પ્રેસિડેન્ટ શ્રી અરૂણ ટીકૂ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.

દીપ પ્રાગટયવિધિ સાથે ઉદ્‌ઘાટન સમારોહની શરૂઆત કરવામાં આવી હતી. ઉદ્યોગ પ્રદર્શનથી નવો ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રીને મળી રહેશે.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધનમાં જણાવ્યુ હતુ કે, ઉદ્યોગ પ્રદર્શનને કારણે સુરતની ઇન્ડસ્ટ્રીને ઘણો વેગ મળ્યો છે. ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના અલગ–અલગ સેકટર પણ પ્રમોટ થાય છે. ચેમ્બર દ્વારા નવા નવા પ્રદર્શનો કરવામાં આવી રહયાં છે, જેના પ્રણેતા તરીકે ઉદ્યોગ પ્રદર્શન ઉભરી આવ્યુ છે. છેલ્લા ર૪ વર્ષથી ઉદ્યોગ પ્રદર્શનનું આયોજન થઇ રહયુ છે. આ આયોજનમાં સરકારના જુદા–જુદા વિભાગો અને કોર્પોરેટ સેકટર પણ જોડાયા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને માનનીય કાપડમંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની પણ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે રસ લઇ રહયા છે. ઇન્ડસ્ટ્રીના વિઝનને ધ્યાનમાં રાખીને ચેમ્બર દ્વારા ઉદ્યોગ પ્રદર્શન યોજાય છે. આથી ઉદ્યોગ પ્રદર્શનથી નવો ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રીને મળી રહેશે. સરકાર દ્વારા જરૂરી સુધારા થઇ ગયા છે અને હવે દેશ આગળ વધી રહયો છે.

સાંસદ સભ્ય શ્રીમતી દર્શનાબેન જરદોશે સમારોહને સંબોધતા જણાવ્યુ હતુ કે, સરકારે ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે પોર્ટલો બનાવી છે. જેમાં ટ્રાન્સપરન્સી સાથે કામ થઇ રહયુ છે. ઉદ્યોગકારો કે નવા ઉદ્યોગ સાહસિકો પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરે છે અને તેઓને મંજૂરી મળી જાય છે. રીયલ એસ્ટેટનો દાખલો આપતા તેમણે કહયુ હતુ કે, કોઇપણ ઇન્ડસ્ટ્રીને લગતો ઇશ્યુ સુરતમાં પ્રથમ આવી જાય છે અને સંબંધિત વિભાગો સુધી ઇશ્યુને પહોંચાડવામાં આવે છે. જેથી કરીને સમયસર તેનું નિરાકરણ આવે છે. સરકાર દ્વારા સુધારા માટે સૂચનો પણ ઇન્ડસ્ટ્રી પાસે મંગાવવામાં આવે છે. સરકાર દ્વારા જરૂરી સુધારા થઇ ગયા છે અને હવે દેશ આર્થિક રીતે આગળ વધી રહયો છે. તેમણે ઉદ્યોગ પ્રદર્શનના આયોજન માટે ચેમ્બરને અભિનંદનની સાથે પ્રદર્શનની સફળતા માટે શુભેચ્છા આપી હતી.

એમએસએમઇ યોજનાઓનો લાભ લેવા ઉદ્યોગકારોને અનુરોધ….

ગુજરાત સરકારના એમએસએમઇ કમિશનર શ્રી રણજીથ કુમાર (આઇએએસ)એ જણાવ્યુ હતુ કે, સરકારે રોજગારી પુરી પાડતી એમએસએમઇ એકમને અલગ બનાવી દીધી છે. એના માટે અલગ વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. જે એમએસએમઇના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે પોલિસી બનાવે છે. એમએસએમઇ વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે ઘણી સબસિડી જાહેર કરી છે. એમએસએમઇ ફેસિલિટી કાઉન્સીલ એકટ બનાવ્યો છે. નવા ઉદ્યોગ સાહસિકોને રૂપિયા પ કરોડ કે તેથી વધુની લોન માટે રાજય સરકારે બેંક ઓફ બરોડા સાથે સમજુતિ કરાર કર્યા છે. સુરતમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી વધુ ડેવલપ થઇ છે. આથી ટેક્ષ્ટાઇલ પોલિસી માટે રાજય સરકારે સારા નિર્ણયો કર્યા છે. સાથે જ ઘણી યોજનાઓ પણ બહાર પાડી છે. આ યોજનાઓનો લાભ લેવા માટે તેમણે ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો.

ચેમ્બર દ્વારા પ્રોડકટ સ્પેસિફીક પ્રદર્શનોનું પણ પ્લાનીંગ કરાશે

ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે, ‘ઉદ્યોગ’ ચેમ્બરનું ફલેગશિપ પ્રદર્શન છે. ચેમ્બર દ્વારા હવે પ્રોડકટ સ્પેસિફીક પ્રદર્શનોનું પણ પ્લાનીંગ કરવામાં આવી રહયુ છે. થોડા દિવસો પહેલાં જ એમ્બ્રોઇડરી મશીનરીઓ માટે ‘સીટમે’નું આયોજન કરવામાં આવ્યુ હતુ. એવી જ રીતે ભવિષ્યમાં સુરતના સાત જેટલા એસોસિએશન સાથે મળીને ‘મેગા બીલ્ડ એક્ષ્પો’, ‘ફૂડ એન્ડ એગ્રી એક્ષ્પો’ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ એક્ષ્પો કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રીને સારી ઉંચાઇ મળે એના માટે ચેમ્બર પ્રયાસ કરી રહયુ છે. ૧પ૦૦ લૂમ્સની જેકાર્ડ નવું નજરાણું…. ઉદ્યોગ પ્રદર્શનના ચેરમેન શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યુ હતુ કે, વર્ષ ૧૯૯૮માં ઉદ્યોગ એકઝીબીશનની શરૂઆત કરવામાં આવી હતી. દર બીજા વર્ષે ઉદ્યોગનું આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શનમાં ૧પ૦૦ લૂમ્સની જેકાર્ડ નવું નજરાણું બની રહેશે. આ ઉપરાંત ૯૦૦થી ૧૦૦૦ આરપીએસના વોટરજેટ મશીનો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

ઉદ્યોગ પ્રદર્શનના મુખ્ય આકર્ષણ

શ્રી મેવાવાલાએ વધુમાં જણાવ્યુ હતુ કે ટેક્ષ્ટાઈલ મશીનરી, ટેક્ષ્ટાઈલ એન્સીલરી, એન્જીનિયરીંગ મશીનરી એન્ડ મશીન ટૂલ્સ, ઈલેકટ્રીકલ – ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન, ગવર્નમેન્ટ પીએસયુ અને કોર્પોરેટ પેવેલિયન, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ તથા સર્વિસ પ્રદર્શિત કરવામાં આવશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, વાપી, ઉમરગામ, મુંબઇ, દિલ્હી, ગુરૂગ્રામ, પાણીપત, નોઇડા અને કોઇમ્બતુરના કુલ ર૦૦ જેટલા સાહસિકોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે.

મુંબઇ યસ બેંકના સિનિયર પ્રેસિડેન્ટ શ્રી અરૂણ ટીકૂએ જણાવ્યુ હતુ કે, યસ બેંક દ્વારા ફાયનાન્સની સર્વિસ હેતુ એમએસએમઇ એકમો માટે સ્પેશિયલ પ્રોડકટ ડિઝાઇન કરવામાં આવી છે. જેનો લાભ લેવા તેઓએ ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો. સાથે જ ઉદ્યોગના સારા ભવિષ્ય માટે શુભકામના આપી હતી.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યુ હતુ કે, કોઇપણ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે સ્થાનિક કક્ષાએ ટેકનોલોજી અપગ્રેડેશન કરવાની જરૂર હોય છે. આવા સારા આશયથી ચેમ્બર દ્વારા ઉદ્યોગનું આયોજન કરવામાં આવ્યુ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :