CIA ALERT
20. April 2024
August 26, 20193min17940

સિનિયર સિટીઝનને અધિકારપાત્ર કેવી અને કેટલી રાહત-સુવિધા? વાંચો અહીં ઉપયોગી માહિતી

Share On :
Print Friendly, PDF & Email

આપણા દેશમાં સોશ્યલ સિકયુરિટી જેવી સુવિધા નથી, એટલે નિવૃતિ બાદના જીવન માટે ફાઇનૅન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. ખાસ કરીને જેઓ બિન-સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોય. અન્યથા મોટી ઉંમરે પણ માણસે કામ કરતા રહેવું પડે છે. બદલાતા સંજોગોમાં ભારત સરકારે હજી વધુ રાહત માટે વિચારવાની જરૂર જણાય છે. સાઈઠની ઉંમરે ભારતીય નાગરિક વરિષ્ઠ નાગરિક બની જાય છે. અમુક કેસોમાં તો મહિલાઓને ૫૮ની ઉંમરે જ વરિષ્ઠ નાગરિકનો દરજજો અપાયો છે. આ તબક્કે સરકાર તરફથી વિવિધ લાભ અને સુવિધામાં પ્રાધાન્ય મળવાનો આરંભ થાય. 

વરિષ્ઠ નાગરિકોની વસતિ

સેન્સસ ૨૦૧૧ મુજબ ભારતનાં ૬૦ થી વધુ વયના લોકોની સંખ્યા ૧૦ કરોડથી વધુ છે. વરસ ૨૦૨૬ સુધીમાં આ સંખ્યા વધીને ૧૭ કરોડ ઉપર જવાનો અંદાજ મુકાયો છે. ચોકકસ દસ્તાવેજ (જેમાં ઉંમરનું પ્રુફ આવી જાય અને રેસિડન્સનું પ્રુફ પણ આવી જાય) સાથે સરકારી ફૉર્મ ભરીને સિનિયર સિટિઝન કાર્ડ મેળવી શકાય છે, જે તેના લાભ મેળવતી વખતે બતાવવું જરૂરી હોય છે.

પ્રધાનમંત્રી વયવંદના યોજના

બીજી સ્કીમ છે, પ્રધાનમંત્રી વયવંદના યોજના. આ સ્કીમમાં અગાઉ વ્યક્તિદીઠ સાડા સાત લાખના રોકાણની છૂટ હતી, જે હવે પંદર લાખ કરાઈ છે. સ્કીમનો સમયગાળો દસ વરસનો છે. આમાં પણ સરકારની ગેરન્ટી હોવાથી સંપૂર્ણ સલામતી ગણાય. સરકાર તરફથી ૮ ટકાનું વાર્ષિક વ્યાજ પણ નિશ્ર્ચિત. આ વ્યાજ દર મહિને પણ મળી શકે, જો વર્ષેે લેવાનું રાખો તો તે ૮.૩ ટકા મળે. જો કે આ વ્યાજ પર ટૅકસ લાગે છે. આ રોકાણમાં કલમ ૮૦ સીનો લાભ મળતો નથી. આ સ્કીમમાં પણ વચ્ચેથી ચોકકસ શરતો-ધોરણોને આધિન નાણાં ઉપાડવા મળે છે. 

આટલું યાદ રાખો: સિનિયર સિટિઝન સ્કીમ જાહેર ક્ષેત્રની બૅન્કો અને પોસ્ટ ઑફિસોમાં ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રી વયવંદના યોજનાનું માત્ર એલઆઈસી (લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન) માર્કેટિંગ-ડિસ્ટ્રીબ્યુશન કરે છે. 

અડધો ટકો વધુ વ્યાજ

બૅન્ક એફડી-રિકરિંગ ડિપોઝિટ, પોસ્ટ ઑફિસ ડિપોઝિટમાં સિનિયર સિટિઝનને અન્ય કરતાં અડધો ટકા વધુ વ્યાજ મળે છે તેમ જ તેમની ૫૦૦૦૦ રૂપિયા સુધીની વ્યાજની આવક સેકશન ૮૦ટીટીબી હેઠળ ટૅક્સ ફ્રી રહે છે જે અન્ય માટે માત્ર ૧૦૦૦૦ રૂપિયા છે.

આર્થિક સ્વતંત્રતાનું મહત્ત્વ

કમાણી શરૂ થાય ત્યારથી જ બચત પણ શરૂ કરી દેવી જોઈએ. એ પછી પચાસ, પાંચસો કે પાંચ હજાર રૂપિયા હોઇ શકે છે. નિવૃત્તિ પછીની આત્મનિર્ભરતા માટે આ પાયાની જરૂર છે. સંતાનોના કે અન્ય કોઈના પણ ભરોસે રહેવાના દિવસોે ગયા. રિટાયરમેન્ટ પછી મળેલા પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટીના પૈસા બૅન્ક એફડીમાં મુકાતા હોય છે. વ્યાજની રકમ ઘર વપરાશ માટે વાપરી શકાય. રોકાણ આયોજનની સમજ ન હોય તો નિષ્ણાત અને વિશ્ર્વસનિય વ્યક્તિની સલાહ લેવી. સરકારી યોજના-સુવિધા: સરકાર તરફથી વરિષ્ઠ નાગરિકોને જે લાભ મળે છે યા તેમની માટે જે ખાસ યોજના કે સુવિધા છે તેને જાણીએ-સમજીએ.

પ્રધાનમંત્રી શ્રમ માનધન યોજના

આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી શ્રમ માનધન યોજના હેઠળ પેન્શન સ્કીમ લોન્ચ કરી, જેમાં બિન-સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને ૬૦ વરસની ઉંંમર બાદ મહિને ૩૦૦૦ રૂપિયાનું પેન્શન મળે છે. આ પેન્શનનો લાભ મહિલાઓને પણ અપાયો છે. આમાં નોકરીના સમય દરમિયાન કામદારે મહિને ૧૦૦ રૂપિયા જમા કરવાના રહે છે. વધુમાં બૅન્કો તથા પોસ્ટ ઑફિસ ડિપોઝિટ સ્કીમમાં અગાઉ વ્યાજ પર ટીડીએસ માટેની મર્યાદા ૧૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૪૦,૦૦૦ કરાઈ છે. હવે ૪૦ હજાર રૂપિયા સુધી ટીડીએસ લાગુ થતો નથી. ઉપરાંત ટૅકસ સ્લૅબ માટે સુપર સિનિયર સિટિઝન માટેની વયમર્યાદા પણ ઘટાડીને ૭૦-૭૫ કરી છે. 

વરિષ્ઠો માટે સરકારની બે ખાસ રોકાણ યોજના

સિનિયર સિટિઝન બન્યા બાદ નાણાં કયાં રોકવા એ મુંઝવણ હોય અને તેમને નિયમિત આવકની સાથે પૂર્ણ સલામતીની પણ અપેક્ષા હોય તો સૌપ્રથમ તેમણે સરકારની બે યોજના જાણી લેવી જોઈએ. જેમાં એક છે, સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ, જેમાં રોકાણકારને વાર્ષિક ૮.૭ ટકાના દરે (દર ત્રિમાસિક ગાળામાં) વ્યાજ મળી શકે છે. આ વ્યાજ કરપાત્ર હોય છે, આમાં એક વ્યક્તિ મહત્તમ ૧૫ લાખ સુધીનું રોકાણ કરી શકે છે. આ રોકાણ એક સાથે કરવાને બદલે ગમે ત્યારે કરી શકાય છે. આ સ્કીમમાં નાણાં રોકયા બાદ પાંચ વરસ રાખી મુકવા પડે છે. પાંચ વરસ બાદ એ નાણાં પરત મળી જાય તેની ગૅરન્ટી સરકાર આપે છે. આ સ્કીમ સંપૂર્ણ સલામત ગણાય. સ્કીમમાં પાંચ વરસ બાદ વધુ ત્રણ વરસનું એકસટેન્શન થઈ શકે એવી જોગવાઈ પણ છે. આમાં વચ્ચેના સમયમાં નાણાં ઉપાડી લેવા હોય તો સરકારના ચોકકસ નિયમો મુજબ અમુક સમયગાળા બાદ એમ થઈ શકે. સિનિયર સિટિઝન પતિ-પત્ની બંને મળીને આ સ્કીમમાં ૩૦ લાખ સુધીની રકમ રોકી શકે છે જેમાં વાર્ષિક ૮.૭ ટકા ના વ્યાજને ગણતરીમાં લઈએ તો મહિને અંદાજે ૨૦ થી ૨૨ હજાર જેવી રકમ તેમને મળી શકે. વધુમાં આ રોકાણમાં દોઢ લાખ સુધીની રકમને કલમ ૮૦ સી હેઠળ કરરાહત પણ મળે છે. 

એર અને રેલ્વે ટ્રાવેલમાં રાહત

વરિષ્ઠ નાગરિકોને ઍર ઈન્ડિયા તરફથી ઍર ટ્રાવેલમાં ૪૦ ટકા ડિસ્કાઉન્ટ ઑફર થાય છે, જયારે રેલ્વે ભાડાંમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ અપાય છે. આમાં રાજધાની અને શતાબ્દી સહિતની દરેક ટ્રેન સામેલ થાય છે. રેલવેમાં ભાડાની સવલત માટે પુરુષ ૬૦ વર્ષની ઉંમરે જ્યારે મહિલા ૫૮ વર્ષની ઉંમરે સિનિયર સિટિઝન ગણાય છે. મહિલાઓને એર ઈન્ડિયા તરફથી એર ટ્રાવેલમાં પણ ૫૮ની ઉંમરે ડિસ્કાઉન્ટનો લાભ મળે છે. હવે તો ટ્રેન અને બસોની બેઠકમાં પણ સિનિયર સિટિઝન માટે રિઝર્વ બેઠકો રખાય છે. ઘણી જગ્યાએ વરિષ્ઠ નાગરિક માટે અલગ લાઈન રખાય છે. 

આવકવેરાના લાભ

૬૦થી ૮૦ વરસના સિનિયર સિટિઝને ત્રણ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટૅકસ ભરવાનો આવતો નથી, ત્રણથી પાંચ લાખ સુધીની આવક પર પાંચ ટકા, પાંચથી વધુ અને દસ લાખ સુધીની આવક પર ૨૦ ટકા અને દસ લાખથી વધુ આવક પર ૩૦ ટકા ટૅકસ ભરવાનો થાય છે. ૮૦ વરસથી મોટા સિનિયર સિટિઝન માટે પાંચ લાખ સુધીની આવક કરમુકત છે. બાકી ઉપર મુજબ ટૅકસ લાગે છે. સ્ટાન્ડર્ડ ડિડકશન સિંગલ વ્યક્તિ માટે

રૂપિયા ૧૮,૩૫૦ છે, જયારે કપલ સંયુકત રીતે રિટર્ન ફાઈલ કરે તો ૨૪,૪૦૦ છે. 

૮૦ વરસથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટિઝનને પચાસ લાખથી વધુ અને એક કરોડ સુધીની આવક પર ચાર ટકા વધારાનો એજયુકેશન અને હેલ્થ સેસ લાગે છે. દસ ટકા સરચાર્જ લાગે છે. છેલ્લા બજેટમાં સરકારે પાંચ લાખ સુધીની વાર્ષિક આવક કરમુક્ત કરી છે જેમાં વરિષ્ઠ નાગરિક પણ આવી જાય છે. જોકે, પાંચ લાખની ઉપર આવક જાય તો તેને વર્તમાન સ્લૅબ મુજબ ટૅક્સ લાગુ થાય છે.

બચત – રોકાણનાં સલામતી અને જોખમ

રોકાણ અને બચત કઇ રીતે કરવા? આ સવાલ મોંઘવારીના માહોલમાં તેમ જ સંતાનો વિના એકલા રહેતા લગભગ દરેક વરિષ્ઠ નાગરિકને મુંઝવે છે. સરકારી બચતના સાધનોમાં અને બૅન્કોની ફિકસ્ડ ડિપોઝિટના વ્યાજદર ઘટતા રહયા છે. લોકોનું આયુષ્ય વધી રહયું છે એ પરિસ્થિતિમાં મુળભુત જરૂરિયાતો સાથે મેડિકલ ખર્ચ માટેની જોગવાઈ પણ રાખવી પડે છે. મોટાભાગના લોકો તો બચત અને રોકાણ બાબતે સતત મુંઝવણમાં રહે છે. શેરબજાર મોટી ઉંમરે જોખમી લાગે છે. મ્યુચ્યુઅલ ફંડ વિશે ઝાઝું સમજાતું નથી, સરકારી બચત યોજનાઓ કે બૅન્કોની ડિપોઝીટ પૂરતું વળતર નથી આપી શકતા. 

મ્યુચ્યુઅલ ફંડની ડેટ સ્કીમ

જો તમારી પાસે મોટું કોરપસ ફંડ હોય અને તમારે નિવૃત્તિ બાદ નિયમિત આવકની ઈચ્છા હોય તો આ બે સ્કીમ શ્રેષ્ઠ ગણાય. આ પછી તમારું રોકાણ પ્રવાહિતાની સુવિધા ખાતર બૅન્કની એફડીમાં રાખવું જોઈએ. ત્યારબાદ ત્રીજું રોકાણ મ્યુચ્યુઅલ ફંડની ડેટ સ્કીમમાં કરી શકાય. આ સ્કીમમાં પ્રવાહિતા સારી હોવાથી ૨૪ કલાકમાં પણ તમને નાણાં પરત મળી જાય છે. આ સ્કીમમાં રોકાણ કરી ત્રણ વરસ બાદ ઉપાડો તો તેના કેપિટલ ગેઈન પર ઈન્ડેકસેશન સાથે ૨૦ ટકાના દરનો લાભ મળે છે. ડેટ સ્કીમની પસંદગી સમજીને કરવી જોઈએ. 

કૉર્પોરેટ એફડી પણ અજમાવી શકાય

આ ઉપરાંત સારા ટ્રૅક રેકૉર્ડવાળી કંપનીઓની એફડીમાં પણ રોકાણ કરી શકાય, આમાં ૧૦ થી ૧૫ ટકા કરતા વધુ નાણાં રોકવા નહીં અને માત્ર ટ્રિપલ એ રેટિંગવાળી જ એફડી પસંદ કરવી. જોખમ લઈ શકવાની ક્ષમતા હોય તો સારા ફંડામેન્ટલ્સવાળા શેરમાં રોકાણ કરી શકાય અથવા મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમ પસંદ કરી શકાય. અલબત્ત આની પસંદગી સમજી-વિચારીને યા સાચી સલાહ મેળવીને જ કરવી. સિનિયર સિટિઝન બન્યા બાદ કુલ રોકાણપાત્ર ફંડના ૭૫ થી ૮૦ ટકા રોકાણ સિકયોર્ડ સાધનોમાં રાખવું અને બાકીનું ૧૫ થી ૨૦ ટકા ઇક્વિટીમાં કરી શકાય. 

ઈપીએફ મહત્તમ જમા થવા દો

સેલરી કલાસ માટે રિટાયરમેન્ટ પ્લાનિંગને ધ્યાનમા ંરાખતા તેમની નોકરી ચાલુ હોય ત્યારે એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ)માં હિસ્સો કપાવીને મહત્તમ રોકાણનો પ્રયાસ કરવો જોઈએ. આ સાધનમાં ૮.૬૫ ટકા વળતર ટૅક્સ ફ્રી મળે છે. અલબત્ત આમાં સરકાર તરફથી સમયાંતરે ફેરફાર થઈ શકવાની શકયતા હોય છે.

હેલ્થ ઈન્શ્યુરન્સ ખાસ રાખો

જીવન વીમા જેવા સાધનને ઈન્વેસ્ટમેન્ટ ગણવું નહીં. જયારે કે હેલ્થ વીમો પહેલેથી યોગ્ય રકમનો રાખવો અને અમુક ઉમંર બાદ તે ન મળે તો હેલ્થ ખર્ચ માટે અલગથી ફંડ બૅન્ક એફડીમાં જમા કરતા જવામાં શાણપણ ગણાય. સરકારે વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય સંદર્ભે કંઇક અલગ વિચાર કરીને નવી યોજના લાવવી જોઇએ. અત્યારનું માળખું ઘણાં સિનિયર સિટિઝનની પહોંચ બહાર છે.

ટીડીએસના લાભ

હવે પાંચ લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક ધરાવનાર વરિષ્ઠ નાગરિક બૅન્ક અને પોસ્ટ ઑફિસ ડિપોઝિટના વ્યાજ પરના ટીડીએસમાંથી ફોર્મ ૧૫ એચ ભરીને કરમુક્તિ મેળવી શકે છે. અગાઉ આ મર્યાદા અઢી લાખની હતી.

વરિષ્ઠ પેન્શન બીમા યોજના

એલઆઈસી (લાઈફ ઈન્શ્યુરન્સ કૉર્પોરેશન) એક વરિષ્ઠ પેન્શન બીમા યોજના ચલાવે છે. આ યોજનામાં દસ વર્ષ સુધી આઠ ટકા વ્યાજની ખાતરી હોય છે. અગાઉ આમાં સાડા સાત લાખનું જ રોકાણ થઈ શકતું હતું, જે હવે ૧૫ લાખ રૂપિયા સુધી થઈ શકે છે. આ સાથે આ યોજનામાં મહિને દસ હજાર રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. પેન્શનરૂપે મળતું વ્યાજ મહિને, ત્રણ મહિને, છ મહિને કે વરસે મેળવવાનો વિકલ્પ અપાય છે. આ યોજનાની વિશેષતા એ છે કે તેમાં મેડિકલ ચેકઅપની ફરજ પડાતી નથી. પાકતી મુદત પહેલાં ધારક કોઈ ગંભીર બિમારીનો શિકાર બને તો તેને નાણાં ઉપાડવાની સવલત અપાય છે. આમાં ચોકકસ શરતોને આધિન લોન પણ મળે છે.

વરિષ્ઠ મેડિક્લેઈમ પૉલિસી

નૅશનલ ઈન્શ્યુરન્સ કંપની ૬૦થી ૮૦ની ઉંમરના વરિષ્ઠો માટે વરિષ્ઠ મેડિકલેઈમ પૉલિસી સાથે હેલ્થ ઈન્શ્યુરન્સ પણ ઑફર કરે છે. એમાં એક લાખ રૂપિયા સુધીનું હૉસ્પિટલ કવરેજ મળે છે અને ગંભીર બિમારીમાં બે લાખ સુધીનું કવરેજ મળે છે. આ પૉલિસીને ૯૦ વરસની ઉંમર સુધી પણ લંબાવી શકાય છે. આમાં દવા, બ્લડ, ઑક્સિજન વગેરે ચાર્જ કવર થાય છે. રૂપિયા ૧૦૦૦ સુધીનો સ્પેશ્યલ એમ્બ્યુલન્સ ચાર્જ પણ અપાય છે. બે લાખ સુધીના કવર સામે કૅન્સર, બ્રેઈન સ્ટ્રોક જેવી ગંભીર બિમારીમાં હૉસ્પિટલાઈઝેશન વિના પણ કલેમ પાસ કરાય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :