CIA ALERT
25. April 2024
February 27, 20191min1669

Related Articles



છપ્પનની છાતી: આતંકના અંતનો આરંભ

Share On :
Print Friendly, PDF & Email

ભારતે મંગળવારે પરોઢિયા પહેલાં પાકિસ્તાનમાંના ત્રાસવાદી સંગઠન જૈશે મહંમદના સૌથી મોટા કૅમ્પ સહિત અનેક છાવણી પર હુમલા કરીને અંદાજે 350 ત્રાસવાદીને મોતને ઘાટ ઉતાર્યા હતા.ભારતભરમાં આ હુમલા બાદ ખુશાલી અને દેશપ્રેમનું નવું જોશ જોવા મળ્યું હતું, જ્યારે પાકિસ્તાન ડઘાઇ અને હેબતાઇ ગયું હતું.ભારતીય હવાઇ દળે સરહદ પરની અંકુશ હરોળ ઓળંગીને અનેક ઠેકાણે આવેલી ત્રાસવાદીઓની છાવણીઓ પર કરેલા હુમલામાં ‘મિરાજ 2000 કૉમ્બેટ જૅટ્સ’નો ઉપયોગ કર્યો હતો.ભારતીય યુદ્ધવિમાનો બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચાકોટીમાંની ત્રાસવાદીઓની છાવણીઓ પર ત્રાટક્યા હતા.જૈશે મહંમદના વડા મસૂદ અઝહરનો સાળો મૌલાના યુસુફ અઝહર અહીંની ત્રાસવાદી છાવણીઓને સંભાળતો હતો, પરંતુ તે આ હુમલામાં માર્યો ગયો છે કે નહિ તે હજી અસ્પષ્ટ છે.

વિદેશસચિવ વિજય ગોખલેએ પત્રકાર પરિષદમાં આ હુમલાને લગતી માહિતી આપતા જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 12 દિવસ પહેલાં કેન્દ્રીય અનામત પોલીસ દળના 40 જવાનનો જાન લેનારા ત્રાસવાદી હુમલા બાદ જૈશે મહંમદ ભારતમાં વિવિધ સ્થળે વધુ હુમલા કરવાની યોજના ઘડી રહ્યું હોવાની અને તેના માટે આત્મઘાતી જેહાદીઓને તાલીમ અપાતી હોવાની વિશ્ર્વાસપાત્ર માહિતી ગુપ્તચરો પાસેથી મળતા ભારતે પરોઢિયા પહેલાં રાતના બાલાકોટમાંની જૈશે મહંમદની સૌથી મોટી તાલીમ છાવણી અને અન્ય તાલીમ કૅમ્પ પર હુમલા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ હુમલામાં જૈશે મહંમદના અનેક ત્રાસવાદી, તાલીમ આપનારા, વરિષ્ઠ કમાંડર, જેહાદીઓ, આત્મઘાતી હુમલાખોરો વગેરે માર્યા ગયા હતા.

કેન્દ્રના રાજ્ય કક્ષાના કૃષિપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વીટ કર્યું હતું કે ભારતે સીમા પરની અંકુશ હરોળ પાર કરીને ત્રાસવાદીઓની છાવણીઓ પર હુમલો કર્યો હતો. બાલાકોટ પાકિસ્તાનના સામાન્ય નાગરિકોની વસતિથી દૂર પર્વતીય વિસ્તારમાં છે અને અહીંના ગાઢ જંગલમાં ત્રાસવાદીઓની છાવણીઓ હતી.

વિદેશસચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંની ત્રાસવાદીઓની છાવણીઓનો નાશ કરવો ભારત માટે જરૂરી બની ગયો હતો. ભારત ત્રાસવાદ સામેની લડતમાં દરેક પ્રકારના પગલાં ભરશે. તેમણે જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાન પોતાની ભૂમિ પર ચાલતી ત્રાસવાદીઓની બધી છાવણીઓનો નાશ કરશે.

ભારતીય હવાઇ દળ પાકિસ્તાન પર ત્રાટક્યું તેના થોડા કલાક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સલામતીને લગતી પ્રધાનમંડળની સમિતિની બોલાવેલી બેઠકમાં નાણાપ્રધાન અરુણ જેટલી, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, ગૃહપ્રધાન રાજનાથસિંહ અને સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન હાજર રહ્યા હતા.

દેશના બધા રાજકીય પક્ષે ભારતીય હવાઇદળે પાકિસ્તાનમાં કરેલા આ હુમલા બદલ ભારતીય સૈન્યને અભિનંદન આપ્યા હતા.

ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના મહામંત્રી રામમાધવે દાવો કર્યો હતો કે મોદીજી દેશના દુશ્મનોનો નાશ કરવા મક્કમ નિર્ધાર ધરાવે છે. જવાનોની શહાદતથી ગુસ્સે થયેલો દરેક ભારતીય આ હુમલાથી ખુશ થયો છે. આપણું લશ્કર વિશ્ર્વકક્ષાની ક્ષમતા ધરાવે છે.

કૉંગ્રેસના વડા રાહુલ ગાંધીએ પણ ભારતીય હવાઇદળની આ કામગીરી કરનારા પાઇલટોને ‘અભિનંદન’ પાઠવ્યા હતા.

નૅશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લાએ જણાવ્યું હતું કે ભારતે પાડોશી દેશમાંની ત્રાસવાદી છાવણીઓ પર ત્રાટકવા માટે સૌપ્રથમ વખત હવાઇદળનો ઉપયોગ કર્યો હતો.

દરમિયાન, પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે ભારતે સરહદ પરની અંકુશ હરોળ ઓળંગીને ‘હુમલો’ કર્યો હોવાથી ઇસ્લામાબાદને ‘વળતો હુમલો’ કરવાનો અધિકાર છે.

ઇસ્લામાબાદમાં સરકારની ઉચ્ચ સ્તરની તાકીદની બેઠક યોજાઇ હતી અને તે પછી કુરેશીએ વડા પ્રધાન ઇમરાન ખાનને આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ભારતે આજે પાકિસ્તાન પર હુમલો કર્યો છે. ભારતે સરહદ પરની અંકુશ હરોળ પાર કરી છે.

આમ છતાં, પાકિસ્તાન લશ્કરના જનસંપર્ક અધિકારી મેજર જનરલ આસિફ ગફુરે જણાવ્યું હતું કે ભારતીય વિમાન મુઝફરાબાદ ક્ષેત્રમાંથી પ્રવેશ્યું હતું. પાકિસ્તાનના હવાઇદળે તેને યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતીય વિમાનને ઉતાવળે પાછા ફરવાની ફરજ પડાઇ હતી અને તેના હુમલામાં કોઇ જાનહાનિ નથી થઇ.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :