CIA ALERT
28. March 2024
August 5, 20192min10230

ઈદ મુબારક કુરબાનીનો તકાજો: સ્વાર્થનો ત્યાગ કરો

Share On :
Print Friendly, PDF & Email

રબતઆલાના ફઝલો કરમથી મુસ્લિમ બંધુઓના આંગણે એક ઈદ પછી બીજી ઈદની ખુશ આમદીદ થઈ રહી છે. આ બંને ઈદમાં અમલ અને અમનનો સંદેશો સમાયેલો છે. 

પહેલી ઈદ આખો મહિનો રોજા રાખી નમાઝ અને કુરાને મજિદની ઈતાઅત કરી ઈલાહી આજ્ઞા ઉપર સાબિત કદમ રહીને તેઓએ ઉજવી અને આ બીજી ઈદ તે 

ઈદુઝ – ઝોહા – જે સબક આપે છે તે એ છે, કે અલ્લાહ પાકને ખુશ કરવા માટે પોતાની પ્રાણપ્યારી વસ્તુને કુરબાન કરો; જેવી રીતે પયગંબર હઝરત ઈબ્રાહિમ અલૈયહિ સલ્લામ પોતાના પ્રાણથી પણ વધારે પ્યારા પુત્ર હઝરત ઈસ્માઈલ અલૈયહિસલ્લામની કુરબાની આપવા કટિબદ્ધ બની ગયા અને એ કસોટીમાંથી પાર ઊતરતા તેમની જગ્યાએ જાનવરની કુરબાની અપાઈ ગઈ અને એ સમસ્ત ઈસ્લામી જગત માટે જાએઝ ગણાઈ ગઈ. 

આ ત્યાગની ભાવનાને સ્પષ્ટ કરતો પ્રસંગ નામે મુસલમાન પૂરી અદબ સાથે ઉજવશે, ઈદ નમાઝ અને ઈદ પૂર્વેના નવ દિવસ રોજા (ઉપવાસ) રાખવાનો અવસર ચૂકશે નહીં. 

બૂરાં આમાલો અને બદ્ફેઈલીઓથી શક્ય દૂર રહેવાનો પ્રયત્ન કરશે તે સાથે કોમ-પરકોમની દુ:ખી બાંધવાનો સુખાકારી માટે પોતાના મોજશોખને કુરબાન કરવા બનતું બધું કરશે પણ આ બધું થોડા દિવસ માટે જ કર્યા પછી ‘જૈસે થે વૈસે’ જેવી સ્થિતિ નિર્માણ થવા પામે નહીં તે માટે સતત જાગૃત રહેવા સજાગ બનવું પડશે. જો એવું બનવા નહીં પામે તો કુરબાનીની અસલ ભાવના, ધગશ, ફરજના રંગની ઝલકમાં જરૂર ઝાંખપ જણાયા વિના નહીં જ રહે. 

દીને ઈસ્લામના છેલ્લા પયગંબર હઝરત મોહંમદ સલ્લાલ્લાહો અલૈયહિ સલ્લામે ‘અલ્લાહતઆલાને જે નાપસંદ હોય તેનો ત્યાગ કરવો’ એને સર્વોત્તમ હિજરત કહી છે. 

રબતઆલાને અસત્ય, બુરાઈ, મતલબપરસ્તી પસંદ નથી, એ તો ધાર્મિક પુસ્તકો દ્વારા સૌ મુસ્લિમો જાણે છે. આલિમ (જ્ઞાની, વિદ્વાનો)ના પ્રવચનો દ્વારા અવારનવાર ઈલ્મ હાંસલ પ્રાપ્ત થાય છે અને તેઓ તેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પણ રહે છે. 

દીને ઈસ્લામ ઉપદેશ – બોધ આપે છે કે, નાનો હોય કે મોટો! સ્વાર્થને ત્યાગો અને આપી દેવાનો ગુણ એટલે જ કુરબાની – ત્યાગવૃત્તિ. 

માલો-દૌલતનો મોહ નહીં રાખનાર એવા એક જ્ઞાની હકીમનો એક ઐતિહાસિક પ્રસંગ બોધ આપનારો બની રહેવા પામશે : આપનું નામ હકીમ અબુઅલી બીન હાશિમ. 

આપના ઈલ્મોજ્ઞાનથી આકર્ષાઈ ઈસ્ફાહાન શહેરના એક શ્રીમંતે એકસો દીનાર (તે સમયના નાણાં)નો મુશારો (મહેનતાણું) આપવાની શરતે શિષ્યપદ સ્વીકાર્યું અને આ અમીરે દર મહિને મોટી રકમ આપતા રહેવાનું જારી રાખ્યું. 

ત્રણ વર્ષ પછી અમીરે સંપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરી લઈ પોતાના વતન જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે હકીમ સાહેબે તેની પાસેથી મુશારા તરીકે મેળવેલી બધી રકમ તેને પરત કરી દેતાં કહ્યું – ‘મને પૈસાનો કોઈ મોહ નથી, હું તો તને અજમાવતો હતો કે તમે માયા પ્રત્યે મોહિની છે કે નહીં? મેં તારામાં જબરી ત્યાગવૃત્તિ જોઈ તને જરૂરી શિક્ષણ આપવા પ્રત્યે સતત કાળજી સેવી અને હવે તું જ્યારે તારે દેશ જાય છે, ત્યારે તને નાણાંની જરૂર પડશે, કે જેની મને જરા પણ દરકાર નથી. વળી, ભલાઈના કામનું મહેનતાણું લેવું એ નેક કાર્યમાં રૂશ્વત ખાવા બરાબર હું ગણું છું.’

ઈસ્લામી શાસન સમયનો આ કિસ્સો આજના આ યુગમાં પણ બંધબેસતો જોવા મળે છે. કોમ-પરકોમના એવા અનેક આલિમો-વિદ્વાનો-શિક્ષકો છે, જેઓ આવાં કાર્યોને પ્રચારની પરવા કર્યા વગર નિભાવતા હોય છે, પરવરદિગારનો રાજીપો હાંસલ કરતા હોય છે. આવા વાટના પથ્થરોને સલામ. 

કુરબાનીની ઈદનો સંદેશ એ પણ મળે છે, કે ઈદના દિવસે મોજ-શોખ જેવી બાબતોનો ત્યાગ કરવામાં આવે, નિરાધારો, ગરીબ ગુરબાંઓને મદદ કરવામાં આવે, પૈસાના અભાવે જેઓ મહેનતની રોટી મેળવી શકતા નથી તેમને નાનો-મોટો ધંધો કરી શકે તે માટે આર્થિક મદદ કરવામાં આવે.

જો એક-બે વ્યક્તિ આ કાર્ય કરવામાં અસમર્થ હોય તો મોહલ્લાના પાંચ-દસ લોકો ટીમ બનાવી તેને રોજીરોટી કમાતો કરી શકે. આવી ટીમ દરેક મોહલ્લામાં બનાવી શકાય. આ માટે તેનું આખું કુટુંબ જે દુઆ દેશે તે બેડો પાર કરી દેશે. 

ટૂંકમાં, કુરબાનીનો તકાજો એટલો જ છે, કે પોતાની મનેચ્છાની કુરબાની કરો અને જેણે નફસને કુરબાન કરી તેમાં ત્યાગવૃત્તિ આપોઆપ પ્રવેશશે, દાખલ થઈ જશે. 

મહાન ગુજરાતી કવિ શ્રી બરકત વિરાણી ‘બેફામ’ની ચાર પંક્તિઓ પ્રેરણા આપનારી બની રહેવા પામશે:

પરસ્પરના હૃદયનો પ્યાર લઈને ઈદ આવી છે, 

મનુષ્યોના જીવનનો સાર લઈને ઈદ આવી છે. 

સબક દે છે બધા ઈન્સાનને એ ભાઈચારાનો, 

બધાનો સંપ ને સહકાર લઈને ઈદ આવી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :